ધબકાર Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

ધબકાર

ધૈર્ય અને કરીના બંને એક મોબાઈલની કંપનીમાં સાથે જ જોબ કરતાં હતાં.

અવાર-નવાર સાથે જ આવવા જવાનું પણ રહેતું બંને વચ્ચેની ઓળખાણ મિત્રતામાં પરિણમી અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તેની બંનેમાંથી કોઈને પણ ખબર ન પડી.

બંનેએ પોત પોતાના ઘરે આ વાત જણાવી પરંતુ જ્ઞાતિ બાદને કારણે બંનેના ઘરેથી આ લગ્ન માટે ચોખ્ખો વિરોધ થયો.

ધૈર્ય અને કરીના બંને એકબીજાને ખૂબજ ચાહતાં હતાં બંને એકબીજાને છોડવા માટે તૈયાર ન હતાં.

છેવટે બંનેએ પોતાની જાતે જ કોર્ટ મેરેજ કરી લીધા અને માતા-પિતાના આશીર્વાદ લેવા માટે ગયા તો બંને બાજુથી તેમને માટે દરવાજા બંધ થઈ ગયા. બંને ખૂબજ નિરાશ થયા પણ પછી હિંમતપૂર્વક પોતાના ઘર-સંસારની શરૂઆત કરી.

લગ્નના એક વર્ષ બાદ કરીનાએ એક સુંદર નાની બાળકીને જન્મ આપ્યો જેનું નામ બંનેએ મળીને પરી રાખ્યું, આ ત્રણેયનું નાનું પણ ખૂબજ સુખી કુટુંબ હતું. પણ આ નાનકડા સુંદર પરિવારને કોઈની નજર લાગી હોય તેમ...

કરીનાને સખત શરદી, ખાંસી અને તાવ આવતાં તેણે કોરોનાનો ટેસ્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવ્યો.

ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને તેને અલગ એક રૂમમાં રહેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા માટે જણાવ્યું.

ડૉક્ટર સાહેબની દવા ચાલુ હોવા છતાં ચાર-પાંચ દિવસ પછી કરીનાની તબિયત વધારે બગડી, ધૈર્ય તેને ફરીથી ડૉક્ટર પાસે લઈ ગયો તો સીટી સ્કેન કરાવતાં ખબર પડી કે તેને ફેફસામાં ઇન્ફેક્શન ઘટવાને બદલે વધી રહ્યું છે અને હવે તેને હૉસ્પિટલાઈઝ્ડ કરવી પડશે.

કરીનાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી, બે દિવસ પછી તેને એક ચાળીસ હજારનું ઇન્જેક્શન આપવાની જરૂરિયાત ઉભી થઈ.

કરીનાનો રોજનો હોસ્પિટલનો એક લાખ રૂપિયા ખર્ચ હતો અને તેમાં વળી આ પાછો ઇન્જેક્શનનો નવો ખર્ચ ઉમેરાયો હતો.

ધૈર્ય માંડ માંડ પૈસા ભેગા કરીને હૉસ્પિટલમાં પૈસા આપતો હતો. તે ડૉક્ટર સાહેબે લખી આપેલ ઇન્જેક્શન લેવા માટે ગયો તો દુકાનદારે તેની પાસે ઇન્જેક્શનના પચાસ હજાર રૂપિયા માંગ્યા.

તેણે મરી મથીને ચાળીસ હજાર રૂપિયા પરાણે ભેગા કર્યા હતા. તેણે દુકાનદારને ચાળીસ હજારમાં ઇન્જેક્શન આપવા ખૂબ વિનંતી કરી પરંતુ દુકાનદાર એકનો બે ન થયો તે ન જ થયો.

ધૈર્યની આજીજી પૂર્વકની વિનંતીથી એકવાર તો દુકાનદારના અંતરાત્માએ અવાજ આપ્યો કે, "ચાળીસ હજારનું જ ઇન્જેક્શન છે, એ ચાળીસ હજાર લઈને આવ્યો છે. તો આપી દે તેને ઇન્જેક્શન " પરંતુ વધુ પૈસા કમાવાની લાલચમાં તેણે ચાળીસ હજારમાં ઇન્જેક્શન આપવાની ધરાર "ના" પાડી દીધી. અને ધૈર્ય નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયો.
લાખો રૂપિયા ખર્ચવા છતાં ઇન્જેક્શનને અભાવે તે પોતાની પત્નીને ન બચાવી શક્યો અને તે અને તેની નાની બાળકી બંને રખડી પડયા.

બરાબર એક વર્ષ પછી દુકાનદારના દિકરાને બ્રેઈનટ્યુમર થયું. ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે બરાબર દવા ચાલુ કરવામાં આવી.

પરંતુ તેની પણ પરિસ્થિતિ બગડતાં તેને શહેરની સારામાં સારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

દિવસ અને રાત હૉસ્પિટલનું અને ડૉક્ટરોનું બિલ ખૂબજ આવતું હતું.
દુકાનદાર પાસે પણ હવે પૈસા ખૂટી પડ્યા હતાં. એક દિવસ ડૉક્ટરે તેને જે દવા લાવવાનું કહ્યું તે દવા તેની પાસે ન હતી તેથી બીજેથી મંગાવવી પડે તેમ હતી. દવાની મૂળ કિંમત તેને ખબર હતી કારણ કે તેને ‌દવાની દુકાન હતી પરંતુ બજારમાં તે દવા બમણાં પૈસે મળતી હતી. જે તે ખર્ચી શક્યો નહીં અને ત્યારે તેને પેલો ધૈર્ય યાદ આવી ગયો તે એક ધબકાર ચૂકી ગયો અને તેના અંદરનો અવાજ તેને આક્રંદ કરાવી ગયો.

થોડા દિવસ બાદ તેનો દિકરો મૃત્યુ પામ્યો.

જીવનમાં ક્યારેક પૈસાની સામે ન જોતાં પોતાના અંતર આત્માનો અવાજ પણ સાંભળતાં રહેવું જોઈએ. તેમાં જ ઈશ્વર પણ રાજી રહે છે.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ