ડ્રીમ ગર્લ - 22 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 22

ડ્રીમ ગર્લ 22

પ્રિયાની આંખોમાં રોષ હતો. જિગરે એના પિતાને બચાવવાની કોશિશ કરી હતી. એક આખી રાત એ એના પિતા માટે હેરાન થતો રહ્યો. એણે પોતાને ઇન્ફોર્મેશન આપી, નહિ તો કદાચ પોતાના પિતા બિનવારસી.... ના... ના.... પોતાના પિતા બિનવારસી કે લાવરિસ ના થઇ શકે. અને જિગરને એનો બદલો આ મળશે? આ સમાજ, આ સોસાયટી. છી.. નફરત છે આવી સોસાયટી ને.
ગુસ્સાથી એના લમણાં ફાટ ફાટ થતા હતા. એ આવી પરિસ્થિતિથી ડરતી ન હતી.
" મી. ઇન્સપેક્ટર, આ ઘટના થયે 36 કલાક થવા આવ્યા. હજુ બચાવનારનું સ્ટેટમેન્ટ બાકી છે ? વાહ, શાબાશ. તો ગુન્હેગારનો નમ્બર આવતા તો વર્ષો વીતી જશે. "
હેમંત અને રોહનને પ્રિયાના શબ્દોમાં રહેલો વ્યન્ગ સમજાતો હતો. હેમંતને રોહનની શરમ નડતી હતી. હેમંતે રોહન સામે જોયું. રોહને પ્રિયાને સમજાવવાની કોશિશ કરી.
" રિલેક્સ... પ્રિયા, ઇટ્સ જસ્ટ રૂટિન પોલીસ ઇન્કવાયરી. "
" જસ્ટ, વોટ ડુ યુ મીન જસ્ટ. એણે મારા પિતાને બચાવ્યા છે. એને બિરદાવવાની જગ્યાએ એને ટોર્ચર કરશો ? માટે જ આ દેશનો સભ્ય સમાજ આવી ઘટનાઓથી પોતાની જાતને દૂર રાખે છે. "
" ઓ.કે... મિસ પ્રિયા. આપ જ્યારે કહેશો ત્યારે હું જિગરને તમારી હાજરીમાં કેટલાક પ્રશ્નો પૂછીશ. હજુ આજે સવારે જ આ કેસ મને સોંપવામાં આવ્યો છે. આખા કેસના કાગળો મેં જોયા અને જિગર નું સ્ટેટમેન્ટ પણ મેં જોયું. પણ હું ફક્ત કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું જેથી કોઈ કડી ધ્યાન બહાર રહી ગઈ હોય તો મારા ધ્યાનમાં આવે. "
" આવા કેસમાં પોલીસે મદદ કરનારની અનુકૂળતાએ એને ફ્રેન્ડલી એટમોસપીયરમાં પ્રશ્નો પૂછવા જોઈએ. એ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવવાનો આદેશ કેટલો યોગ્ય છે ? "
" પ્રિયા, માય ડોટર. રિલેક્સ... તને એવું લાગે એ સાચું છે. પણ પોલીસ પાસે કામનું ખૂબ જ ભારણ હોય છે. જસ્ટ રિલેક્સ. "
જિગર, પ્રિયાનું આ રૌદ્ર રૂપ જોઈ રહ્યો.
અભિજિતને સ્ટ્રેચર પર સુવાડવામાં આવ્યો. સાથે તમામ ઈકવિપમેન્ટ પણ લાગેલા હતા. એમ્બ્યુલન્સમાં અભિજિતને સુવાડવામાં આવ્યો. પ્રિયાએ જિગરની સામે જોયું.
" મારી જીપ પાર્કિંગમાં છે. તમે કહો તો તમારી સાથે આવું, નહિ તો જીપ લઈને તમારી પાછળ જ આવું છું. "
" ઓ.કે. બટ. જલ્દી કરજે. મારે તારી જરૂર છે. "
" યસ. ડોન્ટ વરી. "
રોહન રહાણે એમ્બ્યુલન્સમાં બેસવા ગયો, પણ પ્રિયાએ એમ્બ્યુલન્સનો દરવાજો બંધ કરી દીધો. પ્રિયા હજુ ગુસ્સામાં હતી. એમ્બ્યુલન્સ રવાના થઈ. જિગરે રોહન સામે જોયું.
" સર, આપ મારી સાથે આવો. જીપ લઈને હું ત્યાં જ જાઉં છું. "
" યસ. "
** ** ** ** ** ** ** ** ** ** **

જિગરે જીપ પાર્કિંગમાંથી બહાર કાઢી અને રોહન જીપમાં બેઠો. જીપ મારુતિ હોસ્પિટલ તરફ આગળ વધી.
" જિગર , આખી ઘટનાનું સ્ટેટમેન્ટ મેં વાંચ્યું છે. તું કોઈને ઓળખી શકે એમ છે ? "
" નો સર. "
" એન્ડ ડોન્ટ સે મી અ સર. જિગર, આજ પહેલા મેં ક્યારેય પ્રિયાને બીજા કોઈ માટે આટલી ગુસ્સે થતી નથી જોઈ. અભિજીતે તને કંઈ કહ્યું હોય કે આપ્યું હોય. જે પોલીસ સ્ટેટમેન્ટમાં ના હોય ? "
જિગરને કવર વાળી આખી ઘટના યાદ આવી. પણ હજુ એ નક્કી નહોતો કરી શક્યો કે એ ઘટના કોને કહેવી ? જિગરે નક્કી કર્યું હતું કે પોતે એ કવરમાં શું છે એ જોશે. પછી જ કોઈને વાત કરશે.
" નો અંકલ. મને એમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે માય સન... હેલ્પ મી.... "
" જિગર, કદાચ એટલે જ પ્રિયા મારા ઉપર આટલી નારાજ છે. "
જિગરને રોહનની વાતમાં કાંઈ સમજાયું નહીં. પણ ત્યાં સુધીમાં જીપ મારુતિ હોસ્પિટલમાં પહોંચી ચુકી હતી. અભિજિતને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરી દીધો હતો. જિગર અને રોહન ત્યાં પહોંચ્યા ત્યારે પ્રિયા જિગરની રાહ જોતી અભિજિત પાસે બેઠી હતી.

** ** ** ** ** ** ** ** **
એમ.આર.આઈ... તમામ બ્લડ રિપોર્ટ... અસંખ્ય રિપોર્ટનો ઢગલો થઈ ગયો હતો. શહેરના સારામાં સારા ડોક્ટરની ટીમ હાજર હતી. ડોકટર આયંગર એમને લીડ કરી રહ્યા હતા. પણ અભિજિતની પલ્સ ધીમી પડતી જતી હતી. લોહી ખૂબ વહી ગયું હતું. જિગરે એક બોટલ લોહી આપ્યું. પહેલી બોટલ જિગરની પોતાના પિતાને ચઢતી પ્રિયા જોઈ રહી. ડો. આયંગરે બીજી બોટલોની પણ વ્યવસ્થા કરી હતી. આખા દિવસની દોડધામ, આગલા દિવસનો ઉજાગરો અને બ્લડ ડોનેટનો થાક જિગરના ચહેરા પર દેખાતો હતો.પ્રિયાએ આગ્રહ કરી જિગરને ઘરે જવા સમજાવ્યો. ડો.આયંગરનું કહેવું હતું કે પ્રિયા પણ આરામ કરી લે. પ્રિયાએ કહ્યું કે એ હોસ્પિટલમાં જ આરામ કરશે. પ્રિયાના અતિ આગ્રહ પછી જિગર સાંજે સાત વાગે ઘરે જવા નીકળ્યો.

** ** ** ** ** ** ** ** ** ** **

સોસાયટીની સામે ચંપલ રિપેર કરનાર મોચી એનો સામાન લાકડાની પેટીમાં મુકતો હતો. બીજો એક લારી વાળો લારીમાં પ્લાસ્ટીકનો ઘરવપરાશનો સામાન લઈને ઉભો હતો. સોસાયટી વાળા માટે કોઈક સગવડ વધી હતી. પણ જિગર માટે આ એક ચિંતાનું કારણ હતું. જિગરના મગજમાં હજ્જારો વિચારો એકબીજા સાથે અથડાતા હતા. એક વ્યક્તિ પર થતું ફાયરિંગ, હેલ્પ માય સન, પ્રિયાનો ગુસ્સાથી લાલ થયેલો ચહેરો. અને અંધારામાં થયેલા હુમલા પછી બીજા હુમલાની આશંકા. જિગર વિચારોમાં જ જીપ ગેરેજમાં પાર્ક કરી એના રૂમમાં ચાલ્યો ગયો. નિલા એની ગેલેરીના એક ખૂણે ઉભેલી જિગરને જોઈ રહી હતી. જે જિગર પોતાને સ્વપ્નસુંદરી કહેતો હતો એ આ તરફ જોયા વગર ચાલ્યો ગયો હતો. હા, સ્વપ્નસુંદરી તો સ્વપ્નમાં જ હોય ને.....?

( ક્રમશ : )

09 ફેબ્રુઆરી 2021