ડ્રીમ ગર્લ - 21 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 21

ડ્રીમ ગર્લ 21

જિગર હોસ્પિટલમાં પ્રવેશ્યો. હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. વોર્ડના દરવાજે જ જિગરને રોકવામાં આવ્યો. જિગરે ધડકતા હદયે નમ્બર ડાયલ કર્યો. શું ખબર એ પોતાને ઓળખશે કે કેમ? તરત જ એનો કોલ રિસીવ થયો.
" હેલો, આઈ એમ જિગર. "
" ક્યાં છે તું ? "
" વોર્ડના દરવાજે. મને અંદર આવવા નથી દેતા. "
" વોટ ? વન મિનિટ હું ત્યાં આવું છું. "
પ્રિયાને ગુસ્સો આવતો હતો. બચાવનાર વ્યક્તિને જ રોકવાનો? પણ પ્રસાસન એની જગ્યાએ બરાબર હતું. બધા જિગરને ઓળખે એ જરૂરી ન હતું ? બે મિનિટમાં પ્રિયા વોર્ડના દરવાજે પહોંચી અને જિગરને કોલ કર્યો. સામે ઉભેલા યુવકના મોબાઈલમાં રીંગ વાગી. પ્રિયા એ યુવક સામે જઇને ઉભી રહી.
" મી. જિગર ? "
" યસ. "
" આઈ એમ પ્રિયા રહાણે. "
પ્રિયાએ જિગર સામે હાથ લાંબો કર્યો. જિગરે પ્રિયાના હાથમાં પોતાનો હાથ આપ્યો અને પ્રિયાને એ જોઈ રહ્યો. કોઈ ફિલ્મની હિરોઇન જેટલી સુંદર હતી એ. કોઈ શિલ્પીએ કંડારેલ કોઈ પ્રતિમામાં જાણે જીવ આવ્યો હોય. કોઈ અપ્સરા ઇન્દ્રથી નારાજ થઈ સ્વર્ગ છોડી પૃથ્વી પર આવી હોય.
" હાય, કમ વિથ મી. "
પ્રિયા જિગરને હાથ પકડી અંદર લઈ ગઈ. એ સ્પેશ્યલ વોર્ડમાં પ્રિયાના પિતા અભિજિત રહાણે એકલા જ હતા. વેન્ટીલેટરના તમામ સાધનો અવેલેબલ હતા.
" જિગર, વહેલી સવારથી ડેડને થોડું થોડું ભાન આવે છે. ડોકટર કદાચ હોસ્પિટલ બદલવાનું કહેતા હતા. "
" ઓહ. "
" તું કોઈ હોસ્પિટલ સૂચવી શકે છે ? "
" સવાલ હોસ્પિટલનો નહિ ટ્રિટમેન્ટનો હોવો જોઈએ. જ્યાં સારામાં સારી ટ્રિટમેન્ટ મળે એ જરૂરી છે. "
" એક મારુતિ મલ્ટીસ્પેશ્યાલિટી મારા ધ્યાનમાં છે.
તારું શું કહેવું છે ? "
" ચોક્કસ સારી હોસ્પિટલ છે. અને જો ત્યાં શિફ્ટ કરો તો મારું ઘર ત્યાં બિલકુલ બાજુમાં જ છે. પણ કોઈએ એ હોસ્પિટલ સૂચવી છે ? કેમકે મેં એના વિશે સાંભળ્યું છે. પણ અનુભવ નથી."
" વેલ, ડો. આયંગર ઘરના માણસ છે, એમણે તમામ જવાબદારી લીધી છે. "
" એ તો ખૂબ જ સારી વાત છે. "
" જિગર તારા ઘરનું એડ્રેસ સેન્ડ કરજે. "
અભિજિતના શરીરે હલચલ કરી. પ્રિયાની આંખોમાં પિતા પ્રત્યેનો પ્રેમ અને ચિંતા દેખાતા હતા. એ આગળ વધી. ડેડ નો હાથ, હાથમાં લઇ ડેડના માથે હાથ ફેરવ્યો. અભિજિતને આંખો આગળ વાદળાં આવીને જતા રહેતા હોય એમ ક્યારેક સ્પષ્ટ ક્યારેક ધૂંધળી છબીઓ દેખાતી હતી. છતાં પોતાની લાડકીને એ ઓળખી ગયા. એમના ચહેરા પર આછું હાસ્ય આવ્યું. એમની નજર પાછળ ઉભેલા જિગર પર પડી.
" ડેડ, આ એ યુવક છે જે તમને હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. "
અભિજિતની આંખો સમક્ષ એ રાતની ઘટનાની આછી ધૂંધળી યાદો આવી. એમણે જિગરને ઈશારો કર્યો. જિગર એમની નજીક આવ્યો. પ્રિયાની સામેની સાઈડ, પલંગની પેલી બીજી બાજુ જિગર આવીને ઉભો રહ્યો. અભિજિતની જીભ લડખડાતી હતી. છતાં એ બોલ્યો.
" માય સન... "
જિગરે એમના માથે હાથ ફેરવ્યો. એક સંતોષનો અહેસાસ અભિજિતના ચહેરા ઉપર હતો. અને એ સંતોષ આંખો માંથી દૂર ના થાય માટે એની આંખો બંધ થવા લાગી. પુષ્કળ લોહી વહી ગયા પછી, બુલેટના ઘાની પીડાથી પીડિત શરીર હોશમાં રહેવા તૈયાર ન હતું.
પ્રિયાના કાનમાં પિતાના શબ્દો ગુંજતા હતા. માય સન... માય સન... પ્રિયાને એનો ભાઈ દિપેશ રહાણે યાદ આવ્યો. એક પુત્ર જ પિતાની જાન બચાવવા આમ લડે ને ? હા, એટલે જ કદાચ પિતાને જિગરમાં દિપેશના દર્શન થયા હશે.
એટલામાં રોહન અને ડૉ.આયંગર આવ્યા. એક અજાણ્યા યુવકને ત્યાં જોઈ રોહનની આંખોમાં એક પ્રશ્નસુચક ભાવ હતા.
" આ જિગર, ડેડને હોસ્પિટલમાં લાવનાર અને જિગર, આ મારા અંકલ રોહન રહાણે. "
જિગરે બે હાથ જોડી નમસ્તે કર્યું. રોહને થેન્ક્સ કહ્યું.
" પ્રિયા, થોડી વાર ડોકટરની ચેમ્બરમાં આવીશ? "
" ચોક્કસ. "
ડો.આયંગર, રોહન અને પ્રિયા ડોકટરની ચેમ્બરમાં ગયા. જિગર સ્ટુલ લઈ અભિજિતની બાજુમાં બેઠો. પરભવના ઋણાનુંબંધનો ક્યા સ્વરૂપે સામે આવે એ ખબર નથી હોતી. નહિતર બે દિવસ પહેલાં જે વ્યક્તિને જિગર ઓળખતો ન હતો એના માટે જિગરને આમ લાગણી શા માટે થતી હતી. જિગર અભિજિતનો હાથ, હાથમાં લઇને બેઠો હતો.

** ** ** ** ** ** ** ** ** ** **
" પ્રિયા, પગમાં વાગેલી બુલેટ એટલી ખતરનાક નથી, પણ ડાબા ખભામાં વાગેલી બુલેટ ખતરનાક છે. હાલ તો બુલેટ કાઢી લીધી છે. પણ.... પણ એ કેટલી ખતરનાક નિવડશે એ ખબર નથી. "
" ડોકટર, કંઈ પણ કરો. પણ ડેડને બચાવી લો. "
" હું મારા બેસ્ટ પ્રયત્નો કરીશ. પણ હોસ્પિટલ ચેન્જ કરવી છે કે અહીં જ ટ્રિટમેન્ટ કરવી છે. "
" મારુતિ હોસ્પિટલમાં એમને લઈ જઈએ. "
" ઓ.કે.. "
** ** ** ** ** ** ** ** ** ** **

રોહન અને પ્રિયા રૂમમાં આવ્યા ત્યારે જિગર અભિજિતનો હાથ હાથમાં લઇને બેઠો હતો. ડો.આયંગરે અભિજિતને મારુતિ હોસ્પિટલમાં લઈ જવાની બધી તૈયારી કરી લીધી હતી. બહાર એમ્બ્યુલન્સ તૈયાર હતી. સ્ટ્રેચર લઈને માણસ રૂમની બહાર તૈયાર હતો અને રૂમમાં હેમંત આવ્યો. હેમંત ચેટરજી. આઈ.પી.એસ... એ.સી.પી... ક્રાઇમ બ્રાન્ચ.
" ગુડ મોર્નિંગ એવરીબડી. "
" ગુડ મોર્નિંગ ચેટરજી. મીટ મી.જિગર. "
" ઓહ. જિગર.. તમને મળવાની ખૂબ ઇચ્છા હતી. રહાણે સર, ફાઇલ તૈયાર છે. આપ જોઈ લો. એન્ડ જિગર. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. મારે કેટલીક ઇન્ફોર્મેશન જોઈશે. "
પ્રિયાને ડેડના શબ્દો યાદ આવતા હતા. માય સન... માય સન. અને એક પિતાની બીમારી સમયે એક પુત્રએ ક્યાં હોવું જોઈએ ? શું એક પિતાને પુત્રએ બચાવી ગુન્હો કર્યો હતો ? પ્રિયા ઉભી થઇ. એની આંખોમાં ભયંકર ગુસ્સો હતો. ગુસ્સાથી એની આંખો લાલ લાલ થઈ રહી હતી...
( ક્રમશ : )

07 ફેબ્રુઆરી 2021