શ્રદ્ધયા યત ક્રિયેત તત - શ્રાધ્ધ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રદ્ધયા યત ક્રિયેત તત - શ્રાધ્ધ

શ્રાધ્ધ

શ્રદ્ધયા યત ક્રિયતે તત અર્થાત શ્રધ્ધાથી જે અંજલિ આપવામાં આવે તે શ્રાધ્ધ. ભાદ્રપદ માસનો ક્રુષ્ણ પક્ષ શ્રાધ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ કહેવાય છે.

આજે માનવી આકાશમાં અને સમુદ્રના તળિયે મુક્ત સંચાર કરી શકે છે. પણ ભૂમિ પર શાંતિથી કેમ રહેવું તે જાણતો નથી.ત્યારે માનવીની સામાજિક અને વૈયક્તિક ઉન્નતિ થાય તે માટે આપણા વડીલોએ અથાક મહેનત કરી એક આગવી સંસ્કૃતિ ઉભી કરી છે. પણ તેમાં શ્રદ્ધા ન હોવાને લીધે આપણે શાંતિ,સમાધાન અને સ્વાસ્થ્ય ગુમાવ્યું છે.શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું સ્મરણ,તર્પણ.શ્રાદ્ધ એટલે વડીલો પ્રત્યે આદર,કૃતજ્ઞતા દ્વારા તેમનું સ્મરણ કરવાનો સમય.તર્પણ એટલે તૃપ્ત કરવું, સંતુષ્ટ કરવું.પૂર્વજોની આબરૂ વધે, તેવું વર્તન અને જીવન રાખીએ તો તે જરૂર તૃપ્ત થાય.રોજ દેવ,પિતૃ,ઋષિ તૃપ્ત રહે તેવું જીવન જીવવું અને વર્ષના એક દિવસે તેમના શ્રાધ્ધ નિમિતે આપણા જીવનનું આત્મ નિરીક્ષ્ણ કરવું જોઈએ કે કેટલા આગળ વધ્યા કે ક્યાં ભૂલ્યા તેનું તટસ્થ વિચાર કરવો જોઈએ.

ભારતીય સંસ્કૃતિના અનેક પાસાઓમાંથી સૌથી વધુ જાણીતું સબળ પાસું ધર્મભાવના અને બીજું પરિવાર ભાવના કહી શકાય. સમ્યક તનોતિ – તનુ વિસ્તારે અર્થાત પિતા એ આપેલ ધ્યેય ને આગળ વધારે તે સંતાન. ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના દિવસો એટલે શ્રાદ્ધના દિવસોમાં જીવનપથ પર આપણને ચાલતા શીખવનાર અને જેમના ત્યાગ, સ્નેહ અને આશીર્વાદથી આપણે આગળ વધીએ છીએ એવા પૂર્વજો અને વડીલોનું ઋણ અદા કરવાનો સમય.આપણા પૂર્વજો ઋષિ-મુનિઓ તથા મૃત્યુ પામેલા વડીલોનું આપના પર બહુ મોટું ઋણ છે.તેમને તૃપ્તિ મળે,તેમણે આપેલ સંસ્કૃતિક વારસાને જાળવી,તેમની યાદો અમર બને તે હેતુ માટે શ્રાદ્ધ પર્વ છે.તે ઉપરાંત આ પર્વ જિંદગીની એક કડવી વાસ્તવિકતા પણ બતાવે છે કે આપણે પણ આ જ રસ્તે જવાનું છે. તો જીવતા જીવ પણ વડીલોનું ધ્યાન રાખીએ, તેમની પ્રત્યેની ફરજો અદા કરીએ,તેમની સેવા કરીએ તથા તેમના મૃત્યુ બાદ તેમને ગમતા રસ્તા પર ચાલી તેમના આત્માને શાંતિ આપીએ એ જ શ્રાદ્ધનું સાચું સામર્થ્ય..

આજનાઝડપી યુગમાં જતું કરવાની ભાવના બહુ ઓછી થતી જાય છે,કોઈને કોઈ કારણસર જનરેશન ગેપ વધતું જાય છે ત્યારે યુવાવર્ગ ચડતા લોહીના જુસ્સા અને ગુસ્સામાં વડીલોને અન્યાય કરી બેસે છે,વૃદ્ધાશ્રમોની જરૂરિયાત અને સંખ્યા વધતી જાય છે.તે આપણી સંસ્કૃતિ માટે બહુ મોટી શરમજનક બાબત છે.અને એ જ યુવાન પોતે વૃદ્ધ થાય ત્યારે પાકટ બનતા પોતે વડીલો પ્રત્યે કરેલી ભૂલોનું જ્ઞાન થતા પશ્ચાતાપ થાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.કેમકે એ વખતે માફી માગવા કે આપવા વડીલો હાજર નથી હોતા..ત્યારે પછી જેમના જીવતા શાંતિ ન આપી શક્યાં એમના મૃત્યુ પછી ગમે તે ધાર્મિક ક્રિયાકર્મો કરાવે એનો કઈ જ અર્થ નથી રહેતો.એ વાત આજની પેઢીએ ખાસ સમજવી જરૂરી છે.અને વડીલોને માટે સમય ફાળવી તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર દ્વારા તેમને સાચવે તે ખુબ જરૂરી છે.

બીજી રીતે જોઈએ તો, શ્રાધ્ધના દિવસો એટલે અટલ મૃત્યુને વિચાર કરવાના દિવસો.મોટા ભાગે મૃત્યુને અમાંગલિક ગણીને આપણે આ દિવસોને પીએન અમાંગલિક માની બેઠા છીએ, પણ આપણી આ સમજ ભ્રામક છે. જીવન સાથે મૃત્યુ જોડાયેલ છે જ એ યાદ રાખી મારે પણ મારા પિતૃ માફક એક દિવસ જવાનુ જ છે એમ સ્વીકારી, વડીલો પ્રત્યે કૃત્જ્ઞ ભાવ કેળવી,,તેમના સ્વપ્નોને પૂરા કરી,વિસ્તારીએ અને સત્કર્મોનું ભાથું બાંધવા તત્પર રહીએ. ઉપરાંત આ દિવસોમાં દેવનું સતત ધ્યાન, પૂજન, સ્મરણ કરતાં જીવન વિકાસ કરતાં, દેવ સમીપે જઈ,દેવ ઋણમાથી મુક્ત થઈએ એવ પ્રયત્નો કરવા જોઈએ.

શ્રાદ્ધ પર્વનું ધાર્મિક મહત્વ તો જાણીએ જ છીએ તે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ સમજવા જેવું છે. આ દિવસોમાં કાગડાને ખીર અને પીપળાને પાણી આપવામાં આવે છે. ભાદરવા માસમાં સૂર્યદેવતાના પ્રકોપથી શરીરમાં પિત્તપ્રકોપ વધે છે.જેનું ખીર ખાવાથી શમન થાય છે.તો વ્રુક્ષોમાં પીપળો ખુબ ઉપયોગી અને પવિત્ર ઝાડ છે અને જીવન રક્ષક ઑક્સીજન પૂરો પાડનાર છે. વૃક્ષોનુ જીવનમાં મહત્વ અને તેના ગુણોનું મહત્વ સમજી, વૃક્ષ ઉછેર દ્વારા પર્યાવરણ બચાવોની ભાવના સમજાવવામાં આવે છે.

વિવિધ ઋણમાથી મુક્ત થવાના આ દિવસોમાં ભ્રાંતિ અને ભૂલ ભરેલી માન્યતાઑથી દૂર રહી, યોગ્ય સમજણ કેળવી,બીજાને પણ સમજણ આપીએ. કૃત્ઘ્ન બનતા જતાં લોકોને કૃતજ્ઞ બનાવવા પ્રયત્ન કરીએ. ભાવશૂન્ય, મમત્વ રહિત,યંત્રવત બનતા જતાં સંબંધો પ્રત્યે યોગ્ય વિચાર કરી, જીવનનો સાચો અર્થ સમજવા પુનર્ગઠ્ન કરીએ.

આમ શ્રાદ્ધના દિવસોનું આધ્યાત્મિક સાથે સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજી શ્રાદ્ધ કરીએ તો જરૂર માનવજીવન સાર્થક થયુ ગણાય...