બદલો - (ભાગ 16) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - (ભાગ 16)

સ્નેહા મુંબઈ ના પોલીસ સ્ટેશન પાસે આવેલ હોટેલ માં રહેતી હતી...જો આજે જ એના મમ્મી ને મળવાનો મોકો મળી જાય તો સ્નેહા આજે જ મળીને રવાના થઈ જવા માંગતી હતી ...

પોલીસ સ્ટેશન આવીને સ્નેહા એ એના મમ્મી નું નામ અને નંબર ના આંકડા કહ્યા એટલે એને થોડો સમય રાહ જોવાનું કહ્યું...
ખૂણે ખૂણે કરોળિયાના જાળા જોઇને એ ખૂબ જ જુનું પોલીસ સ્ટેશન હતું એવું સ્નેહા ને લાગ્યું...

કેટલા વર્ષો પછી એ એના મમ્મી ને મળવા ની હતી જેના કારણે સ્નેહા ના હૃદયના ધબકારા ખૂબ બમણી ઝડપ થી ચાલી રહ્યા હતા...
એક એક સેકંડ સ્નેહા ને ભારે પડતી હતી.....

સ્નેહા ને અંદર લઇ જવામાં આવી ...અંદર ઘણા બધા કેદીઓ હતા...જેમાંથી પોલીસ ના કેદીઓ માટે બનાવેલ સફેદ રંગની સાડી અને એની ફરતે બ્લૂ જાડો પટ્ટો , વાળનો ઢીલો લીધેલો અંબોડો પીઠ ઉપર જુલી રહ્યો હતો , એકદમ સ્વસ્થ દેખાતા એના મમ્મી ને સ્નેહા થોડી વાર ઓળખી ના શકી...

પોતાના જેવો જ સુંદર ચહેરો જોઈને સંગીતા એની દીકરી ને તરત ઓળખી ગઈ હતી...એ દોડીને સ્નેહા પાસે આવી ...સ્નેહા એના મમ્મીને ઓળખવા માટે થોડી ક્ષણ સુધી એને જોતી રહી...સંગીતા ના ચહેરા ઉપર કોઈ ભાવ દેખાતા ન હોતા પૂતળાની જેમ કામ કરતી સંગીતા દોડીને સ્નેહા પાસે આવી અને એની આંખોમાંથી અશ્રુધારા વહી રહ્યા હતા....સંગીતા ને જોઇને સ્નેહા ને પણ ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું મન થઈ ગયું....સ્નેહા એ એક આંગળીથી પોતાની આંખ માં આવેલ આંસુ ને ખેરી નાખ્યું....

લેડીસ કોન્સ્ટેબલ બંનેને ત્રીસ મિનિટ માટે એકલા મૂકીને ત્યાંથી નીકળી ગઈ...
મા - દીકરી મૌન રહીને એકબીજાને જોઈ રહ્યા હતા...

કાર પાર્ક કરીને અંદર બેઠેલો અભી નીયા ની રાહ જોઈ રહ્યો હતો...વારંવાર કારના અરીસા માં પોતાનો ચહેરો જોઈ રહ્યો હતો...
મોડું ન થાય એટલે અભી સાડા પાંચ નો આવી ગયો હતો...
છ વાગવા માં હવે દસ મિનિટ ની વાર હતી ...

અભી એ કારની બહાર એક નજર ફેરવી નીયા ક્યાંય દેખાઈ નહીં ....કારમાંથી ઉતરીને ચારેબાજુ જોતો અભી પાછળ ફર્યો ત્યારે એની નજર શોર્ટ વ્હાઇટ સ્લિવલેસ ફ્રોક , ખુલ્લા વાળ ની લટો થોડીક આગળ રાખી હતી બાકીના વાળ પીઠ ઉપર લહેરાતા હતા...આછા મેકઅપ ના કારણે એનો ચહેરો ખૂબ ચમકીલો અને સુંદર દેખાઈ રહ્યો હતો....લાંબી વ્હાઇટ હિલ્સ ના કારણે એ ખૂબ ઊંચી દેખાઈ રહી હતી...એક ફોન રહે એટલું નાનુ વ્હાઇટ પર્સ ખભે થી કમર સુધી લટકી રહ્યું હતું...
અભી ની નજર નીયા સામે અટકી ગઈ હતી ...

નીયા અભી પાસે પહોંચી ત્યાં સુધીમાં એણે અભી ને ઉપરથી નીચે સુધી નિહાળી લીધો હતો...
બ્લેક પેન્ટ ની ઉપર વ્હાઇટ શર્ટ , હમણાં જ શેવિંગ કરેલો ચહેરો , સિલ્કી વાળ થી બનાવેલી સાદી હૈરસ્ટાઇલ , વ્હાઇટ શર્ટ સ્લિવ ફોલ્ડ કરીને ચડાવેલી હતી જેથી એના હાથની બ્રાન્ડેડ ઘડિયાળ દેખાઈ રહી હતી , પગમાં પહેરેલા થોડા અણીવાળા કાળા બૂટ, વી શેપ ધરાવતી એની બોડી , પૂરેપૂરો છ ફૂટનો અભી ખૂબ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો...
નીયા અભી ને જોઇને અંદર થી ગદગદ થઇ રહી હતી...

અભી એ પણ નીયા ને જોવામાં કંઈ બાકી રાખ્યું ન હતું એના હાથ ના નખમાં રંગેલી આછી સ્કિન નેલપોલિશ પણ ધ્યાનથી જોઈ લીધી હતી ....
નીયા અભી ની સામે આવીને ઊભી રહી ગઈ... બંને એકબીજાને પૂરેપૂરા નિહાળીને એકબીજાનો ચહેરા જોઈ રહ્યા હતા ...
અભી એ નીયા ને સ્માઇલ આપી..અભી ના ચહેરા ઉપર સ્માઇલ ના કારણે એક ગાલ ઉપર પડેલો ખાડો જોઇને નીયા મંત્રમુગ્ધ બની ગઈ....

બ્લેક કાર પાસે ઉભેલા અભી અને નીયા ને આસપાસ ના લોકો જોઈ રહ્યા હતા...
એ બંનેની જોડી ખૂબ સારી લાગી રહી હતી...અમુક છોકરીઓ અભી ને જોઇને ત્યાં જ ઉભી રહી ગઈ હતી...આંટીની ઉંમરની સ્ત્રીઓ નીયા ની પરફેક્ટ ગોરી સુવાળી વળાંક વાળી બોડી જોઇને પોતાની બોડી એકવાર નિહાળી લેતી હતી....
બંને કોઈ ડિઝનીલેન્ડ ના ચાર્લ્સ - સિન્ડ્રેલા લાગી રહ્યા હતા...

એક કેદિસ્ત્રી દ્વારા પાણી ભરેલું માટલું નીચે પડી ગયું...એના અવાજના કારણે સ્નેહા અને સંગીતા બંનેની તંદ્રા તૂટી અને માટલા તરફ નજર કરી...
સંગીતા દોડીને તૂટેલા માટલા ના ટુકડા એકઠા કરવામાં મદદ કરવા લાગી...
પોતાના મમ્મી ને જોઇને ઉભરેલો પ્રેમ થોડીવારમાં જ એક સવાલ બની ને ઊભો રહી ગયો...
સ્નેહા ના મનમાં ઘણા બધા સવાલો આવીને ગોઠવાઈ ગયા...
સાફ સફાઇ માં મદદ કરીને સંગીતા સ્નેહા પાસે આવી અને એને કહ્યું...
"ચાલ , પેલી બાજુ જઈને વાત કરીએ...."
બોલીને સંગીતા બધા કેદી થી થોડે દૂર આવેલા તૂટેલા બાંકડા તરફ ચાલવા લાગી...સ્નેહા એની પાછળ પાછળ આવી...
થોડીક ક્ષણ બંને વચ્ચે એક વજનદાર મૌન પ્રસરી ગયું...
જે સવાલ સ્નેહા ના મનમાં હતા એ જ સવાલ ના જવાબ આપવા માટે સંગીતા પણ તરફડી રહી હતી...પરંતુ વાતની રજૂઆત ની પહેલ કોણ કરે એની રાહ જોવાઈ રહી હતી...

"તે દિવસે જ્યારે હું તમને છોડીને જઈ રહી હતી ત્યારે જ મને ખ્યાલ હતો કે મારું આગળનું જીવન જેલમાં ગુજરવાનું છે...."
આખરે સંગીતા એ જ વાતની શરૂઆત કરી...
સંગીતના શબ્દો સાંભળી સ્નેહા ને થોડી નવાઈ લાગી...એ સંગીતા તરફ આંખ ફરકાવ્યા વગર જોઈ રહી ...
સંગીતા એના પગમાં પહેરેલા તૂટેલા ચંપલ થી નીચે ધૂળમાં ડિઝાઇન બનાવી રહી હતી.... જાણે પોતાની આંખોમાં આવેલા આંસુ ની છલક સ્નેહા ને બતાવા ન માંગતી હોય...

અભી એ નીયા માટે કારનો દરવાજો ખોલ્યો એટલે નીયા અંદર બેસી ગઈ...
અભી ફરીને ડ્રાઇવિંગ સીટ તરફ આવીને બેઠો...પોતાનો સીટ બેલ્ટ બાંધતી વખતે નીયા એ સીટ બેલ્ટ પહેર્યો છે કે નહિ એની ખાતરી કરી લીધી...
કારની અંદર એક સન્નાટો છવાયેલો હતો ... બંને એકબીજાથી થોડા શરમાઈ રહ્યા હતા...
કોઈ ઝબકારો થયો હોય એ રીતે બંને એ એકબીજા તરફ જોઇને કંઇક બોલવાનો પ્રયત્ન કર્યો...પરંતુ બંનેનો બોલવાનો સમય એક જ થયો એટલે એકબીજા સામે સ્માઇલ કરીને બોલવાનું ટાળ્યું...

' નીયા ...પહેલા અભી ને બોલવા દે ....લઈને તું કંઇક આમતેમ બોલીશ તો પછી જવાબ આપતા પણ નહિ આવડે...અભી મને શું કહેવાનો હતો ...હે ભગવાન એવું કંઇક ન પૂછી લે જેનો જવાબ હું ન આપી શકું...આજે અભી મને પ્રપોઝ પણ કરી દે તો પોતાની ખુશી ને સંભાળવાની હિંમત આપજો....' નીયા પોતાની સાથે જ મનમાં બડબડ કરી રહી હતી...
બીજી બાજુ અભી પણ એ જ પ્રક્રિયા કરી રહ્યો હતો...
' ના અભી...તને ખબર જ છે લેડિસ ફર્સ્ટ આવે એટલે પહેલા એને જ બોલવા દે...જો એ વાતની શરૂઆત કરશે તો કદાચ હું મેઈન વાત ઉપર જલ્દી આવી જઈશ અને એને થોડું કોમ્ફર્ટેબલ ફીલ થશે....'

એકબીજાની બોલવાની રાહ જોઈ રહ્યા અભી અને નીયા વચ્ચે ભારે મૌન પસાર થઈ રહ્યું હતું...વચ્ચે વચ્ચે બંને એકબીજા તરફ જોઇને સ્માઈલ કરી લેતા અને ફરી રાહ જોવા લાગતા....

(ક્રમશઃ)