ડભોડા નામના નાનકડા ગામની આ વાત છે. સમીર પોતાની પત્ની અને મમ્મી સાથે ખૂબજ પ્રેમ અને શાંતિથી રહેતો હતો.
સમીરને જન્મથી જ એક ખોડ હતી. તેને ડાબા હાથમાં ખાલી અંગૂઠો અને છેલ્લી આંગળી બે જ હતાં વચ્ચેની ત્રણ આંગળીઓ હતી જ નહીં. ડૉક્ટર સાહેબને બતાવવામાં આવ્યું પણ આ કુદરતી ખોડ હતી તેથી તેનો કોઈ ઈલાજ થઈ શકે તેમ ન હતું. સમીર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેણે પોતાની આ તકલીફ સાથે જીવવાનું શીખી લીધું હતું.
સમીર સ્વભાવે ખૂબજ શાંત,ધીર ગંભીર અને બુદ્ધિશાળી છોકરો હતો. તેને તેનાથી મોટા બે ભાઈ હતાં, બંનેના લગ્ન થઈ ગયા હતા.હવે સમીરનો વારો હતો પરંતુ તેની આ તકલીફને કારણે તેની સાથે કોઈપણ છોકરી લગ્ન કરવા માટે તૈયાર ન હતી.
સમીરે પોતાની આવડત અને મહેનતથી પોતાના ધંધાનો ખૂબજ વિકાસ કર્યો હતો અને તે સારા એવા પૈસા પણ કમાઈ લેતો હતો. પોતાને એક હાથની તકલીફ હોવા છતાં પણ તે સ્કૂટર સારી રીતે ચલાવી શક્તો હતો.
ઘણાં બધાં પ્રયત્નો કરવા છતાં સમીર માટે તેને અને તેના ઘરને લાયક છોકરી ન મળી તો ન જ મળી. છેવટે આશ્રમમાં તપાસ કરવામાં આવી અને આશ્રમમાંથી તેને માટે છોકરી શોધી તેની સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા.
પરંતુ કહેવાય છે ને કે, જેના નસીબમાં તકલીફો જ ભરેલી હોય તે ઓછી થતી નથી.
તેમ સમીરના લગ્નને એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ એમ કરતાં કરતાં દશ વર્ષ થયાં પરંતુ સમીરના ઘરે પારણું ન બંધાયું ખૂબ દવાઓ, દોરા-ધાગા, મંદિર-મહાદેવ ઘણુંબધું કર્યું પણ સમીરના ઘરે પારણું ન જ બંધાયું.
પછી એક દિવસ સમીર પોતાની દુકાન ઉપર બેઠો હતો અને એટલામાં તેનો મિત્ર કમલ એક સમાચાર લઈને આવ્યો કે, ડભોડા રેલ્વે સ્ટેશનેથી એક જન્મેલું બાળક મળ્યું છે અને તે અત્યારે ડભોડા પોલીસ સ્ટેશનની અંડરમાં છે.
આ સમાચાર મળતાં જ તેણે ઘરે જઈને પોતાની પત્નીને આ સમાચાર આપ્યા અને પૂછ્યું કે આપણે આ બાળકને દત્તક લઈ લેવું છે.
માતૃત્વની પ્યાસી તેની પત્નીએ તરત જ "હા" પાડી અને સમીર તેનાં બે મિત્રોને લઈને ડભોડા પોલીસ સ્ટેશને તપાસ કરવા માટે ગયો.
પહેલા તો પોલીસ સ્ટેશનેથી તેને "ના" નો જ જવાબ મળ્યો પરંતુ તે એમ એકવારના જવાબથી થાકી કે હારી જાય તેમ ન હતો. તેણે પોલીસ સ્ટેશનના ખૂબ ધક્કા ખાધા અને પોલીસ સ્ટેશનથી આ બાબત કોર્ટમાં પહોંચી, તેણે કોર્ટમાં આ માસુમ બાળકને પોતાનું નામ આપવાની, જિંદગીભર સાચવવાની અને પોતાના દિકરા તરીકે તેનો સ્વીકાર કરવાની પૂરેપૂરી બાંહેધરી આપી અને આખાય પોલીસ સ્ટેશનમાં તેમજ પોતાના ઘરે બાળક આવ્યાની ખુશીમાં પોતાના આખા ગામમાં તેણે પેંડા વહેંચ્યા.
પરંતુ આ બાળક એટલું બધું નબળું હતું કે સૌ પ્રથમ તો તેને હૉસ્પિટલાઈઝ્ડ કરવો પડે તેમ હતો. તેનું વજન પણ ખૂબ ઓછું હતું.
બાળકને હોસ્પિટલમાં લઈ ગયા પછી સમીરે અને તે
ની પત્ની સીમાએ ડૉક્ટર સાહેબને તેની તબિયત બાબતે પૂછતાં જણાવ્યું કે, આ બાળકને બરાબર સાજા થવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગી શકે તેમ છે તેમજ પૈસા પણ ઘણાં બધાં ખર્ચ થશે માટે તમારે ધીરજ રાખવી પડશે તેમજ પૈસા ખર્ચ કરવાની તૈયારી પણ રાખવી જ પડશે.
ભગવાન ઉપર વિશ્વાસ રાખીને સમીરે અને તેની પત્ની સીમાએ બાળકની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી.
બાળકને બરાબર થતાં થતાં આઠ મહિના જેવો સમય પસાર થઈ ગયો.
અને આમ એક રસ્તા ઉપર પડેલા અનાથ બાળકને માતા-પિતા મળી ગયા અને માતા-પિતાને એક સુંદર બાળક મળી ગયું જેથી એક પરિવાર હર્યુંભર્યું બન્યું અને સમીર અને સીમાના ઘરમાં ખુશી છવાઈ ગઈ.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ