Tolu... books and stories free download online pdf in Gujarati

ટોળું....

ટોળું.... વાર્તા... દિનેશ પરમાર 'નજર '

*****************************************
ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

- જવાહર બક્ષી
*****************************************
ઉત્તરપ્રદેશના કન્નોજ જિલ્લાના ગુરુસહાય ગંજનગરમાં જ્યાં નગર પરિષદ વિસ્તાર છે તેની પાસે રામગંજ રામલીલા મેદાન આવેલું છે. તેની ઉત્તરમાં આવેલા' ગરીબ નગર ' વસાહતમાં રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આશરે પંદરેક માણસોનું ટોળું દાખલ થયું.
એક ઘરની લાઈટ ચાલુ હતી, ત્યાં બારણું ખખડાવી આગેવાન જેવો સશક્ત પુરુષ બોલ્યો, " યે લચ્છુરામ કા ઘર કોન સા હૈ?"
ઘરના દરવાજામાં ઉભેલો પુરુષ બોલ્યો, " સામને વાલી લાઇન મેં આખરી મકાન હૈ."
અને ટોળું જોઈ તરત જ બારણું બંધ કરી દીધું.
છેલ્લા મકાન પાસે જઈ લચ્છુરામના નામની બુમ પાડી. અંદરથી એક અંદાજે પાંત્રીસ વર્ષની આસપાસનો પુરુષ એક હાથે શર્ટના બટન વાખતો અને બીજા હાથે આંખો ચોળતો બહાર આવી ટોળાને જોઇ ગભરાઇ ગયો.
ટોળાનો નાયક અનિરુદ્ધ પ્રતાપસિંહ સહેજ આગળ આવ્યો. "તૂ લચ્છુ રામ હૈ...?"
ધડકતા હ્દયે, ધ્રુજતા ગરીબ લચ્છુરામના ગળામાંથી " જી... મેં હી.. હૂં.." એટલો અવાજ માંડ નીકળ્યો.
ત્યાં તો ઉપરા ઉપરી બેચાર લાફા, પ્રતાપસિંહે ઠોકી દીધા.
"ઓહ...રામ...મેને ક્યા બીગાડા હૈ આપકા?" કહેતા જ મોઢુ પકડી ત્યાંજ બેસી ગયો.
"અબે તુને નહીં, તેરી ઇકલોતી બેટીને બીગાડા હૈ." ગુસ્સામાં ધ્રુજતા પ્રતાપસિંહ બોલ્યો.
ગાલ પંપાળતા પ્રશ્નાર્થ ચહેરે લચ્છુ રામ બોલ્યો, "મેરી બેટી ને..???"
"હાં.. તેરી બેટી જો અભી દશવી કક્ષામેં રામઅવધ રામદયાલ શાલા મેં મેરે બેટે કે ક્લાસ મેં પઢતી હૈ. ઓર મેરા બેટા તેરી બેટી ચંદા કે પીછે પાગલ હૈ. મેરે લાખ સમજાને પર ભી વો માન નહી રહા." પ્રતાપસિંહ હજુ ગુસ્સામાં હતો.
" ક્યા મેરી બચ્ચી ભી આપકે લડકે કે પ્યાર મેં હૈ? " લચ્છુરામ માંડ આટલુ બોલ્યો.
" વો તો આપકી લડકી જાને, મેરે લડકે કી શાદી મેંને બચપન મેં હી હમારી બિરાદરી કા રઈશ આગેવાન કે લડકે સે તય કરકે રખ્ખી હૈ. અગર ઉસમેં કુછ ગરબડ હોતી હે તો મેરી નાક કટ જાયેગી ઓર વો મુઝે બરબાદ કરકે છોડેગા, ઓર એસા મેં હરગીજ નહીં હોને દુંગા ઈસ લીયે મેં તુઝ કો આજ વોર્નિંગ દે કે જા રહા હૂં, કલ સામ તક તુ યે શહર છોડ કર ચલે જાના વરના કલ રાત મેં ફીર આઉંગા ઓર તેરી લડકી કો ઉઠાકે લે જાયેંગે ઓર ઉનકે ટૂકડે ટૂકડે કરકે એસી જગહ દફન કર દેંગે કુછ હાથ નહીં લગેગા. " આટલુ બોલી, ટોળા તરફ ફરી ઈશારો કર્યો, થોડી વાર પછી ટોળું ચાલ્યુ ગયુ હતું.
પરંતુ... ભય નો ઓથાર હજુ લચ્છુરામ પરથી ઉતર્યો નહતો.
તે ઘરમાં ગયો ત્યારે જોયું તો તેની દીકરી ચંદા અને તેની પત્ની જાનકી બારીની આડસમાંથી આ સઘળી ઘટના જોઈ રહ્યા હતા....
ઘરમાં જઈ ચર્ચા કરતા ખબર પડી કે ચંદા તો તેની સામે પણ જોતી નથી. પરંતુ પ્રતાપસિંહનો બગડેલો છોકરો તેની મશ્કરી કરે છે. એક બે વાર ચંદાએ સાહેબને અને આચાર્યને ફરિયાદ કરી હતી પરંતુ તે લોકો પણ પ્રતાપસિંહની દાદાગીરીને કારણે કશું કહી શકતા નથી.
છેવટે આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે લાચાર લચ્છુ , બીજે જ દિવસે ફક્ત આ શહેર જ નહીં પરંતુ રાજ્યને પણ અલવિદા કહી બીજા રાજ્યમાં કાયમને માટે હિજરત કરી ચાલ્યો ગયો......

***********

વાળીચોળીને સઘળું લઈ બીજા રાજ્યના વિકસિત શહેરમાં આવી લચ્છુરામ શરૂઆતમાં સ્લમ વિસ્તારમાં ભાડે રહેવા ગયો.
તેને અગાઉ જે ખરાબ અનુભવ થયો હતો એટલે નક્કી કર્યું હતું કે હવે કોઈની શેહ શરમ કે દાદાગીરી સહન નથી કરવી એટલે કે છાતી કાઢીને જીવવું પડશે. તેણે મુછો વધારી, કસરત કરી થોડી બોડી બનાવી.
શરૂઆતમાં શહેરનું મુખ્ય બજાર જ્યાંથી શરૂ થતું હતું ત્યાં, મુખ્ય ચાર રસ્તાના ખૂણા પર ફૂટપાથની ઉપર બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં ચાની કીટલી કરી.
એક તો રગડા જેવી, ફૂદીનો-આદુ નાખીને તે ચા બનાવતો. આજુબાજુના લોકોની કીટલીઓ ઝાંખી પડી ગઈ. તે લોકો દાદાગીરી કરવા આવ્યા પણ..
પોલીસને તે રોજ ચા મોકલી અને બીજી રીતે પણ સાચવતો હતો. એટલે તેઓની સારી પેટે ધોલાઈ કરી, તેનાથી આજુબાજુના રેંકડી વાળા અને ચા બનાવવા વાળા ડરી ગયા અને લચ્છુરામને સલામ મારવા લાગ્યા. તે લોકોની આગળ ગપ્પુ મારી કહેતો" મૂળ અમારા બાપદાદા ઉત્તર પ્રદેશના કન્નોજ સ્ટેટમાં રાજાના ત્યાં લશ્કરમાં સેવા આપતા હતા. એટલે લોકો પણ લછમનસિંહ ઉર્ફે 'લચ્છુ દાદા ' કહેતા.
ધીરેધીરે તેની કીટલી જામી ગઈ એટલે બે છોકરા રાખી કીટલીની બાજુની જગ્યામાં પૌઆં અને દાબેલી-વડાપાંઉનુ કાઉન્ટર પણ શરુ કર્યું.
ધંધો જામતા પૈસે ટકે સક્ષમ થતા, શહેરના વિકસીત વિસ્તારમાં પાકુ મકાન લઈ લીધુ.
હવે તેની કીટલીની આજુબાજુના જુના સમયના જર્જરીત બિલ્ડીંગ ટૂટીને ત્યાં મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનવાના શરુ થયા હતા. તેનાં કારણે ધંધો ખુબ વધી ગયો.
તેણે સામેના ભાગે બનતા કોમ્પ્લેક્ષમાં ખૂણાની દુકાન વેચાણ રાખી લીધી . થોડા સમય પછી ત્યાં ધંધો શિફ્ટ કરી નાખ્યો.
હવે તે લચ્છુદાદા માંથી શેઠ લચ્છુદાદા તરીકે જાણીતો ચહેરો હતો. હવે ઘરેથી તે મોંઘુ એનફિલ્ડ બુલેટ કે ફોર વ્હીલ લઈ ધંધા પર આવતો.
આ શહેરમાં તેને પાંચ વર્ષ થઈ ગયા હતા. આટલા ઓછા વર્ષમાં તો ખુબ પ્રગતિ કરી હતી.

********

ચંદા હવે કોલેજમાં આવી હતી. તે શહેરની પ્રખ્યાત કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
એક દિવસ લચ્છુદાદાને તેમના ફોલ્ડરે દુકાન પર આવી કાનમાં કંઈક કહ્યું.
સાંભળતાની સાથે જ લચ્છુદાદાના ચહેરા પર ગુસ્સો આવી ગયો.
રાત્રે ઘરે આવી ડાઈનિંગ પર જમવા બેસતાં જ બેડરૂમમાં આરામ કરતી ચંદાને બૂમ પાડી. રુમમાં દાખલ થતા ચંદા બોલી, "બોલો....ડેડી..?"
કોળિયો ભરતા બોલ્યા, " બેસ.. બેટા.."
સામેના સોફાપર તેની મમ્મીની બાજુમાં ચંદા બેસી.
કોળિયો પત્યા પછી લચ્છુ બોલ્યો, " બેટા તને કોલેજમાં કોઈ છોકરો હેરાન તો નથી કરતો ને....?"
"ના.... કેમ... પપ્પા?" ચંદા પપ્પાની સામે જોઈ રહી.
"ના.. આ તો.. એમજ...પણ.. આ.. હરિનારાયણ કોણ છે..?"
ચંદા આ સાંભળી થોડી ધ્રુજી ગઈ, પછી સ્વસ્થતા મેળવી, મમ્મી સામે જોઈ બોલી, "એ મારી સાથે ભણે છે. હોશિયાર છે અને ખુબ સારો છે. "
ઉઠાવેલ કોળિયો મોંમાં મૂકતા પહેલા લચ્છુએ પૂછ્યું," તેની સાથે કોઈ ખાસ મિત્રતા તો નથી ને..? "
" હા... આખી કોલેજમાં તે જ સારો ઈમાનદાર છે, મને ગમે છે... કોલેજનુ આ છેલ્લુ વર્ષ છે, પરિક્ષા પછી તેના મમ્મી - પપ્પા આપણાં ઘરે આવે તે માટે મેં હરીને સહમત કર્યો છે. "
કોળિયો ખાતા પળવાર અટકી ચહેરાના હાવભાવ બદલ્યા વગર લચ્છુ" સારુ... " બોલી જમવા લાગ્યા.
રાત્રિના મોડેથી પોતાની પત્નીને" હું... જરા કામથી જઉ છું... તુ સુઈ જજે..."કહી લચ્છુ ઘરની બહાર નીકળી ગયો..

********

બીજે દિવસે ચંદા કોલેજ ગઈ ત્યારે હરી આવ્યો નહતો. તેને નવાઈ લાગી. એક પણ પિરિયડ મીસ ન કરનાર હરી કેમ નથી આવ્યો??? "એ પ્રશ્ન ચંદાને મુંઝવતો રહ્યો.
એ પછીના દિવસે પણ હરી ગેરહાજર રહેતા ચંદા ચિંતામાં પડી ગઈ. તેણે કોલેજ છુટયા બાદ હરીના ઘરે તપાસ કરવા જવાનો નિર્ણય કર્યો.
હરી શહેરના ઓછા વિકસિત વિસ્તારમાં રહેતો હતો. તેના પપ્પા રામનારાયણ રિક્ષા ચાલક હતા અને મમ્મી બંગલામાં ઘરકામ કરતા હતા.
ચંદા જ્યારે હરીના ઘરે પહોંચી તો ઘરે તાળું લટકતું જોઈ વિચારમાં પડી ગઈ, "આ લોકો ક્યાં ગયા હશે..? "
તેને બાજુમાં રહેતા પાડોશીને પુછપરછ કરવાની ઈચ્છા થઈ. તેણીએ બારણું ખખડાવ્યુ.
એક બહેને બારણું ખોલતા જ ચંદા બોલી, "આ બાજુ વાળા ક્યાં ગયા છે?"
" તમે કોણ છો?" બહેને પ્રશ્ર્ન કર્યો.
"હરી સાથે કોલેજમાં ભણુ છું."
બહેને આજુબાજુ જોયું પછી ઈશારો કરી અંદર બોલાવી. ચંદાને નવાઈ લાગી.
" જો.. બહેન કોઈને કહેતી ના... પરમ દિવસે રાત્રે મોડેથી એક મોટી મોટી મુછોવાળા તારા બાપાની ઉંમરના માણસ હથિયારો સાથે એક ટોળું લઈ આવેલા અને રામનારાયણને ધોલ ધપાટ કરી ખખડાવેલા, " સાલા તારી હેસિયત શું છે? તારા છોકરાની, મારી એકની એક દીકરીને ફસાવવાની હિંમત કઈ રીતે થઈ? તુ મને ઓળખાતો નથી. કાલ સુધીમાં આ શહેર છોડીને જતા રહેજો નહિતર આખા ખાનદાનને ખતમ કરી નાખતા વાર નહીં લાગે."
એ બહેન આગળ બોલ્યા, "બિચારા સીધા ગભરું અને પૈસે ટકે ગરીબ એટલે બીજું તો શું કરી શકે..?
ચાલ્યા ગયા... "
આ સાંભળી ચંદા માનવીમાં છૂપાયેલા જંગલી જાનવરોના લાગણીહીન ટોળાં વચ્ચે ઘેરાયેલી હરણી જેવી લાગણી અનુભવતી ત્યાંજ ફસડાઈ પડી.......

*****************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED