ડ્રીમ ગર્લ - 13 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 13

ડ્રીમ ગર્લ 13

રેડ કલરની ચણીયાચોલી નિલાએ અમીને આપી. અમી અદભુત લાગતી હતી. ગોરી, માંસલ શરીરવાળી, વાંકડિયા કથ્થઈ કુદરતી વાળ. નિલાને ખાતરી હતી કે અમીને જોયા પછી જિગર જરૂર અમીને જ પસંદ કરશે. હાથમાં જાડી બંગડીઓની લાઈન, ગળામાં મોટા મોટા સેટ, કમરમાં કંદોરો. અમી ખરેખર સુંદર લાગતી હતી...
નિલા પણ આસમાની ચણીયાચોલી પહેરી તૈયાર થઈ. પાતળી, સ્હેજ ઉંચી અને માંસલ. એની ચાલમાં એક છટા. લાંબા કાળા વાળ એની સુંદરતામાં વધારો કરતા હતા. સુંદર સ્હેજ લાંબો પણ ભરાવદાર ચહેરો. પહોળા ખભા અને નીચે જરા વધારે માંસલ શરીર એને વધુ મોહક બનાવતું હતું.
બન્ને બહેનો ગરબા રમવા નીચે ઉતરી. સોસાયટીના યુવકો બન્નેને જોઈ રહ્યા. જિગરને એ યુવકો સાથે બનતું હતું પણ તોય ક્યારેય ગ્રૂપ પાડવા અને એમાં કોઈની બુરાઈ કરવી એ બધી બાબતો જિગરને ગમતી નહિ. વળી ખાસ તો જિગરને ગરબા રમતા આવડતું ન હતું અને નીચે જાય તો દોસ્તો પરાણે ગરબા રમવા લઈ જાય. એટલે નીચે જવા કરતાં અગાશીમાં બેસી ગરબા જોવા સારા...
લગભગ દસ વાગે જિગર ઉભો થયો. ટીશર્ટ ચેન્જ કરી, માથું ઓળ્યું અને ગેલેરીમાં ગયો. નીચે ગરબાની રમઝટ ચાલતી હતી. જિગરના મમ્મી એક ઓટલા પર ખાટલો નાંખી બેઠા હતા. એમનું સોસાયટીમાં ખૂબ માન હતું.

જિગર જોઈ રહ્યો. એની સ્વપ્નસુંદરી ને. કેટલી મોહક.... કેટલી સુંદર..... કેટલી કમનીય... કેટલા લચકદાર એના સ્ટેપ..... અવર્ણનીય.... જિગર ને લાગ્યું, સ્વર્ગની કોઈ અપ્સરા સમી હતી એ. એનાથી સુંદર આખા કમ્પાઉન્ડમાં કોઈ ન હતું. ગરબા ચાલતા રહ્યા, સમય વીતતો ગયો. જિગર અભિભૂત થઈ એને જોતો રહ્યો. કેટલી વખત એ લોકોએ એકબીજાને જોયા.
આખરે નાસ્તાનો બ્રેક પડ્યો. ગરબા જોવા કે રમવા નહિ આવેલા લોકો નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા. લોકો નાસ્તાની પ્લેટો લઈ પોતપોતાના ગ્રુપમાં બેસી વાતો કરતા હતા.

નિલા અને અમી નાસ્તો કરતા હતા. સાથે એક યુવક પણ હતો. તદ્દન હિરો જેવો. જિગર ઘરમાં ગયો અને બેડ પર આડો પડ્યો.
ફરી ગરબા ચાલુ થયા. પણ જિગરને બહાર જવાનું મન ના થયું. એ યુવક કોણ હશે. નિલુનો કોઈ મિત્ર ? ના... ના.. ઈશ્વર એવું ના કરતો.... ગરબા પત્યા ત્યારે એક વાગ્યો હતો.

** ** ** ** ** ** ** ** ** ** **

બીજા દિવસે સાંજે નિલા ફરી ચણીયાચોલી ચેન્જ કરાવવા આવી. જિગર છાપું વાંચતો સોફા પર બેઠો હતો. એની મમ્મી ક્યાંક બહાર ગયા હતા. એ જિગરને જોઈને સ્હેજ અચકાઈ.
" માસી નથી ? "
" મમ્મી બહાર ગઈ છે. "
" ક્યારે આવશે ? "
" એ તો ખબર નથી, પણ બોલો ને શું કામ હતું ? "
" મારે કાલ વાળી ચણીયાચોલી ચેન્જ કરાવવી હતી. "
" તો એમાં શું. હું તમને બતાવું છું. તમને ગમે એ લઈ જાવ. "
જિગર ઉભો થયો અને ચણીયાચોલીનો ઢગલો લઈ આવ્યો. જિગરને નિલા સાથે વાત કરવી હતી. આજે એ મોકો હતો, પણ મન ગભરાતું હતું. છતાં એણે હિંમત કરી .
" કાલે તમે રેડ ચણીયાચોલી કેમ ના પહેરી? મારી પસંદ તમને ના ગમી ? "
" ના એવું નથી, પણ અમીને એ બહુ ગમી એટલે એણે પહેરી. "
" ઓહ.. "
" એને રેડ ચણીયાચોલી કેવી લાગતી હતી ? "
" સરસ. "
" અને અમી ? "
જિગર નિલાની સામે જોઈ રહ્યો. નિલા ચણીયાચોલી પસંદ કરવાનો ઢોંગ કરતી હતી.
" કાલે તો મેં ફક્ત ચણીયાચોલી જ પસંદ કરી હતી. એને પહેરનારી તો બહુ પહેલાં પસંદ કરી લીધી છે. "
" અમી બધાથી વધુ ખૂબસુરત અને મોહક છે. "
" ઈશ્વર એને દુનિયાભરના સુખ આપે. પણ હદય કોઈ રમકડું નથી કે કોઈને પણ આપી શકાય. એ તો એકવાર કોઈને અપાઈ ગયું. બસ અપાઈ ગયું. એમાં ફેરફાર ના થાય. "
" અને સામેવાળી વ્યક્તિ ના પાડશે તો ? "
" એવો તો વિચાર પણ મને નથી આવતો. હું એની રાહ જોઇશ. પછી આગળ ઇશ્વરઇચ્છા. "
" પણ અમી તમને કેમ પસંદ નથી ? મને આશ્ચર્ય થાય છે. એ કેટલી ખુબસુરત છે. "
" તમારાથી ખોટું નહિ બોલું. પહેલાં કદાચ એ મળી હોત તો હદય કદાચ અલગ ભાવ પ્રગટ કરત. પણ હવે મારું હદય કોઈનું થઈ ગયું છે. હવે એમાં બીજા કોઈને સ્થાન નથી. "
એટલામાં જિગરના મમ્મી આવ્યા અને બન્ને વચ્ચેની વાત અટકી. જિગર પોતાના મન પર એક ભાર લઈ ઉભો થયો અને પોતાની ઉપરની રૂમમાં ચાલ્યો ગયો....

** ** ** ** ** ** ** ** ** **
નિલાને આજે અમીની હાજરી ખટકતી હતી. એવું ન હતું કે એ અમીને પ્રેમ નહતી કરતી. પણ આજે નિલા ને એકાંત જોઈતું હતું. એનું મન કંઈક સ્વપ્નોમાં સરકવા માંગતું હતું. જિગરની વાતોનો મર્મ એ સમજી ગઈ હતી. કોઈક સ્વપ્નોની સાથે ઉડવા માંગતું હતું.
સાડા નવ વાગ્યા. નીચે આરતીની તૈયારી થઈ. નિલા એ માથું દુઃખવાનું બહાનું કાઢ્યું અને એક કલાક આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. અમી અને ઘરના બધા નીચે ગયા. નિલા પલંગમાં આડી પડી. જિગરના શબ્દો એ એક વાવાઝોડું ઉભું કર્યું હતું.
" યુ આર માય ડ્રીમ ગર્લ.... હું એની રાહ જોઇશ.... અમી ભલે ગમે તેટલી સુંદર હોય પણ મેં દિલ કોઈને આપી દીધું છે... હવે એમાં બીજા કોઈને સ્થાન નથી... "
એને જિગર યાદ આવ્યો. સદેહે..... નિલાનું મન પૂછતું હતું. " શું કમી છે જિગર માં ? કે પછી એનાથી પણ સુંદર યુવકની તું રાહ જુએ છે ? જેમકે નિશિધ ? "
નિલા ઉભી થઇ. રેડ કલરની ચણીયાચોલી હાથમાં લઈ બારણું બંધ કરી, કપડાં ચેન્જ કર્યા. અરીસા સામે ઊભા રહી એ સજતી ગઈ. આજે એ ફાઇનલી કોઈની થઈને જ રહેશે.
બારણું નોક થયું. નિલા એ બારણું ખોલ્યું. અમી હતી. અમી નિલાને જોઈને સ્તબ્ધ થઈ ગઈ..
" બાપ રે નિલુડી, વોટ અ સરપ્રાઈઝ... આજે તું કેટલી સુંદર લાગે છે. શું વિચાર છે આજે ? "
" કેમ કોઈ વિચાર હોય તો જ તૈયાર થવાય, એવું ? "
" ના. ના.... આ તો જસ્ટ પૂછ્યું. ચલ જલ્દી કર. ગરબા ચાલુ થવાની તૈયારી છે. "
" બસ પાંચ જ મિનિટ. "
** ** ** ** ** ** ** ** ** ** ** **
ગરબા ચાલુ થઈ ગયા હતા. નિલા અને અમી નીચે ઉતર્યા. નિલા એ સામે નજર કરી. જિગર અગાસી માં ઉભો હતો અને એને જોઈ રહ્યો હતો. નિલાનું મન ચગડોળે ચડ્યું હતું. દુનિયાના નિયમોની એક રેખાને લાંઘવા એ જઈ રહી હતી. એનું પારેવડા જેવું હદય ફફડતું હતું. સમય સ્થળનું ભાન એનાથી ભુલાઈ રહ્યું હતું. એ નીચું જોઈને ગરબા રમવા અમીની સાથે રાઉન્ડમાં ઘુસી. પાછળ ઉભેલો નિશિધ નિલાની સાથે ગરબા રમવા રાઉન્ડમાં ઘૂસ્યો. આગળ અમી, એની પાછળ નિલા અને નિલાની પાસે નિશિધ....
પોતાના પ્રિયતમ માટે નિલા મન મૂકીને ગાતી હતી. મીરાં કૃષ્ણમય બની ગઈ પછી એને દુનિયાનું ભાન થોડું રહે છે. ચહેરા પર આનન્દની ચમક લઈને એ ગાતી હતી. નિલાનો આછેરો સ્પર્શ નિશિધને આલ્હાદ્ક લાગતો હતો.
જિગર ભારે મને, મન પર પથ્થર મૂકી યુગલ નૃત્ય જોઈ રહ્યો.....

( ક્રમશ : )


20 જાન્યુઆરી 2021