ડ્રીમ ગર્લ 12
રાતના બે વાગ્યા હતા. અમીની આંખમાં ઉંઘ ન જતી. કેટલી ઘટનાઓ જીવનમાં બની ગઈ. અમી વિચારતી હતી, ઈશ્વર આ હદય શા માટે આપતા હશે ? અને શા માટે એ હદય દુશ્મન થઈ કોઈના માટે ધડકતું હશે. એ પલંગ પર આડી પડી. સુવાના પ્રયત્નોની સાથે એ ઘટનાઓ પાછી યાદ આવી જતી હતી.
પ્રેમના સમીકરણો શું હોય છે ? અમી વિચારી રહી હતી, શું જિગર સાચે જ નિલાને પ્રેમ કરતો હતો કે પોતાના તરફ આવવા, સીધી વાત કરતા અચકાતો હોય એટલે નિલાની વાત કરતો હોય. અને કદાચ જિગર નિલા ને પ્રેમ કરતો હોય, પણ નિલા જિગરને પ્રેમ ના કરતી હોય તો ? તો....
પહેલી મુલાકાત પછી અમીને ક્યારેય એવું નહતું લાગ્યું કે જીગર અને નિલા વચ્ચે કંઈ હોય.
પ્રેમના તબક્કામાં આવા સમીકરણોમાં પ્રેમીઓ અટવાતા હશે. એક પળ અમીને રાહત થઈ. એક આશા બંધાઈ. અમીને નિલાના ઘરે જવાની તીવ્ર ઇચ્છા થઈ. એ બે વખત નિલાના ઘરે જઈ આવી. પણ ક્યાંય જિગરના દેખાયો કે ના ક્યાંય નિલાના વર્તનમાં જિગર માટે કોઈ ઉત્સુકતા દેખાઈ. અમીને નિલાથી કોઈ દુશ્મની ન હતી. પણ નિલા અને જિગર એક થવા તૈયાર ના હોય તો પોતે જિગરમય બની જવા માંગતી હતી. અને એમ વિચારતી હતી કે સ્વપ્ન મનમાં રાખી દુઃખી થવા કરતાં એક વાર પ્રયત્ન કરવો સારો...
અમી એક સ્વપ્નમાં રાચતી હતી. પ્રેમ સુંદર છે અને પ્રેમ વ્યક્તિ ને સુંદર બનવા પ્રેરે છે. પ્રેમના કારણે ચહેરા પર આવેલી લાલી એને વધારે સુંદર બનાવે છે. અમી સુંદર રીતે તૈયાર થતી અને અરીસા સામે બેસી રહેતી. પોતાની જ આંખો ને એ તાકી રહેતી અને પૂછતી : " એ ય અમી, બતાવ તો મારામાં શું કમી છે કે જિગર મને પસંદ ના કરે ? નિલા કરતાં તો હું વધુ સુંદર છું." એનું મન એને આશ્વસ્ત કરતું... હા , તું સુંદર જ છે.. ખૂબ સુંદર અને જિગર પાસે તને રિજેક્ટ કરવા કોઈ કારણ નથી.
અમીના કાકાનો દીકરો નિશિધ એક દિવસ એક ફંક્શનમાં નિલાને જોઈ ગયો હતો. અમીને એવું લાગ્યું કે નિશિધને નિલા ખૂબ ગમે છે.
દિવસો વિતતા ગયા.... કેટલું મુશ્કેલ હોય છે પ્રેમ માં દિવસો વિતાવવાનું. નવરાત્રિ આવી. એક ઉમંગ લઈને આવી. સંગીતના તાલે , ઢોલ પર પિટાતી દાંડિયોથી પગ ના થરકે એવું તો બને જ નહિ. અમી એ નક્કી કર્યું હતું કે એ આ વખતે આખી નવરાત્રિ નિલાના ઘરે જ કરશે. એ દિવસે નિલા એના ઘરે આવી હતી. અકસ્માતે નિશિધ પણ એ દિવસે આવ્યો હતો. નિલાને જોઈને નિશિધની આંખોમાં એક ચમક આવી ગઈ હતી.
નિશિધ , પાંચ ફૂટ નવ ઈંચ ઉંચો , ગોરો , વાંકડિયા વિખરાયેલા વાળ સાથેની બેફિકરાઈ , અને હસતો ત્યારે ગાલમાં પડતા ખંજન એને ખૂબસુરત બનાવતા હતા. અમી થી એકપળ જિગર અને નિશિધની તુલના થઈ ગઈ. મન આશ્વસ્ત થયું કે નિલા પસંદ કરશે તો નિશિધ ને જ. ત્યાં જ અંતરાત્મા એ એક સવાલ પૂછ્યો , જો નિશિધ જ એટલો સુંદર છે કે જેને નિલા પસંદ કરે એમ હોય તો તું કેમ જિગર ને ચાહે છે ? અમીના મને જવાબ આપ્યો , નિશિધ તો મારો ભાઈ છે. અંતરાત્માએ દલીલ કરી, હું એ જ કહું છું કે જિગર કરતાં નિશિધ વધુ રૂપાળો છે તો થોડી રાહ જો, તને નિશિધ જેવો રૂપાળો છોકરો જરૂર મળશે. અમીના મને ઠપકો આપ્યો, તું શું જાણે પ્રેમ શું છે ? હું જિગરને ચાહું છું... બસ ત્યાં બીજા બધા પેરામીટર્સ ફેઈલ થઈ જાય છે.
અમી બોલી...
" નિલા, આ વખતે હું નવરાત્રિ કરવા તારા ઘરે આવીશ. તને વાંધો નથી ને ? "
" અરે ગાંડી એ પણ કોઈ પૂછવાની વાત છે. "
નિશિધ આ પળની રાહ જોઈને બેઠો હતો. મનમાં ઘણો ડર હતો. પણ હિંમત કરી એણે કહી જ દીધું.
" અમી, જો મને પરમિશન આપો તો હું પણ તારી સાથે ત્યાં ગરબા રમવા આવું. ત્યાં રોકાઈશ નહિ. ગરબા રમીને નીકળી જઈશ. "
અમી નિલાની સામે જોઈ રહી. નિશિધ અમીનો કઝિન ભાઈ હતો કોઈ પરાયો ન હતો એટલે શું જવાબ આપવો એ નિલાને મન સમસ્યા થઈ. એણે વાત ગોળ કરતાં કહ્યું.
" મને તો કોઈ વાંધો નથી. પણ તું મમ્મીને એકવાર પૂછી લે જે. "
અમી માટે નિલાની મમ્મી ને પટાવવી એ રમત વાત હતી. નિશિધ નું હૈયું ડોલી ઉઠ્યું. એ નવરાત્રિની તૈયારીમાં લાગી ગયો.
** ** ** ** ** ** ** ** ** **
જિગરના મમ્મી સમય પસાર કરવા કેટલાક સીઝનલ ધંધા કરતા હતા. ઉનાળામાં કેરીના અથાણા , ઉત્તરાયણમાં ઊંધિયું , દશેરામાં ફાફડા જલેબી , મસાલા ની સિઝનમાં મસાલા. અને નવરાત્રિમાં ભાડે ચણીયા ચોળી. અને આજે નિલુ જિગરના ઘરે ચણિયાચોળી લેવા ગઈ હતી. નિલા ઘરમાં ગઈ ત્યારે સાંજના સાડા ચાર થયા હતા. જિગર સોફા પર બેસી ચ્હા પી રહ્યો હતો. નિલા અને જિગરની નજર એક પળ ટકરાઈ. અને બન્ને એ નજર ફેરવી લીધી.
નિલાએ જિગરની મમ્મી જોડે બે ચણીયાચોળી માંગી. જિગરની મમ્મીએ ચણિયાચોળીનો ઢગલો કરી નાંખ્યો. નિલાને એમાંથી ચોલી પસંદ કરવામાં તકલીફ પડતી હતી. જિગરની ચ્હા પૂરી થઈ ગઈ હતી. એ ઉપર પોતાના રૂમ તરફ જવા રવાના થયો. એની મમ્મી બોલ્યા...
" જતાં પહેલાં જરા સિલેક્શન કરાવતો જા. બે સરસ ચણીયાચોલી કઈ છે ? "
જિગર અટકી ગયો. ચણીયાચોલીની પાસે આવ્યો. નિલા પાસે જ ઉભી હતી. એક સુગંધ જિગરને મદહોશ કરતી હતી. જિગરે એક નજરમાં બે ચણીયાચોલી હાથ માં લીધી.
" એક આ આસમાની સારી છે અને બીજી આ રેડ ફર્સ્ટ નમ્બર છે. "
એટલું કહી એ પોતાની રૂમમાં જતો રહ્યો.
** ** ** ** ** ** ** ** ** ** **
પ્રેમી પાત્ર સાથે થયેલી આછી વાત કેટલી આનન્દદાયક હોય છે એ જાણવા પ્રેમમાં પડવું પડે. અને જિગર એમાં પડ્યો હતો. જિગરના રૂમની ગેલેરી સોસાયટીના કોમન પ્લોટ તરફ પડતી હતી. આજે એની સ્વપ્ન સુંદરી આવશે. સજીધજીને આવશે. ગરબાના સ્ટેપ સાથે શરીરના કમનીય વળાંકો એને લોભાવશે.
રાતના સાડા નવ વાગ્યા હતા. કોમન પ્લોટમાં મુકેલા સ્પીકરોમાં લ્હેકાબંધ ગીતો વાગવાના શરૂ થયા હતા....
હું તો ગઈ તી... મેં....ળે...
મન... મળી ગયું એની મેળે મેળામાં...
મેળામાં આંખના ઉલાળા....
જિગરે આંખો બંધ કરી. એ આવીને ઉભી થઇ ગઇ. " હું કેવી લાગું છું... "
" એવી જ... જેવી મારી સ્વપ્નસુંદરી... માય ડ્રીમ ગર્લ.... "
( ક્રમશ : )
18 જાન્યુઆરી 2021