સજન સે જૂઠ મત બોલો - 6 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 6

પ્રકરણ- છઠું/૬

નિષ્ઠુર, નિર્દય અને લાગણીહીન વ્યક્તિને પણ અરેરાટી ઉપજાવી દે તેવા, ચરિત્રહીન ગજેન્દ્ર દ્વારા આચરવામાં આવેલાં અમાનુષી અત્યાચારનું, ચીરહરણથી પણ બદ્દતર નગ્ન સત્યની સાબિતી આપતું ચિત્ર નજર સમક્ષ આવતાં સપનાના રૂંવાડા ઊંભા થઇ ગયાં, હ્રદય દ્રવી ઉઠ્યું અને કાળજું ચિરાઈ જેવી તેવી ઇન્દુની મૂંગી પીડાનો અંદાજ આવતાં સપના તેનું રુદન ન રોકી શકી.

‘આઆ..આ બધું ક્યારથી ચાલ્યું આવે છે, ઇન્દુ ? સ્વસ્થ થઈ સપનાએ પૂછ્યું.

‘લગ્નના સાતમાં દીવસથી જ. એક રાત્રે ગજેન્દ્ર દારૂના નશામાં એક અર્ધ-નગ્ન જેવા કપડાં પહેરેલી યુવતીને ઘરે લઈને આવ્યો. બિન્દાસ અને બેખોફ બની તેણે મારી ઓળખાળ તે યુવતી સાથે કરાવતાં કહ્યું,..

‘આઆ..આ છે મારી જાન, રેશમા, મારી અનઓફિશીયલ વાઈફ. માય મોસ્ટ ડીયરેસ્ટ ડાર્લિંગ.’
‘પહેલાં તો મને થયું કે ગજેન્દ્ર દારૂના નશામાં મારી મજાક કરી રહ્યો છે. પછી તે યુવતીને અમારા બેડરૂમમાં લઈને બારણું બંધ કરવાં જતાં હું ધ્રૂજી ગઈ..
એટલે મેં ધક્કો મારીને બારણું ઉઘાડીને પૂછ્યું ..

‘ગજેન્દ્ર આ શું નાટક માંડ્યું છે તે મારા ઘરમાં ? ચલ ઝટ બહાર કાઢ આ બેશરમને મારા બેડરૂમમાંથી. આ ગટરની ગંદકી મારા ઘરમાં ન જોઈએ.. નહીં તો હું..’

‘હજુ તો હું કંઈ સમજુ કે બોલું એ પહેલાં તો..ખૂણામાં પડેલી લાકડી લઈને રીતસર તે મારી પર એ રીતે તૂટી પડ્યો..જાણે કોઈ રીઢા ગુન્હેગાર પર થર્ડ ડીગ્રી અજમાવતા ઢોર મારે તેમ સટાસટ આડેધડ લાકડીના ઘા વીંઝવા લાગ્યો... અને માર સહન થતાં હું બાજુના રૂમમાં જઇને ભરાઈ પડી. એટલી બેરહેમીથી મને ફટકારી હતી કે, એ મર્યાદા બહારની પારાવાર પીડાથી હું કયાંય સુધી કણસતી રહ્યાં પછી બેભાન થઇ ગઈ, મારા ડાબા હાથમાં ત્રણ ફ્રેસ્ક્ચર્સ આવ્યાં હતાં. જેને બાપના ઘરે ક્યારેય આવડી ઉંમરમાં કોઈએ એક હળવી ટપલી પણ મારી હોય તો તું સમજી લે કે..’

આટલું બોલી ઇન્દુ ચોધાર આંસુએ રડવાં લાગી.
સપના થીજી ગઈ. સપનાનું શરીર કંપારીથી ધ્રૂજવા લાગ્યું. થોડીવાર માટે તો સપનાને એમ થયું કે, સામે આવે તો ગજેન્દ્રનો ટોટો પીસી નાખું.

‘બસ, તે દિવસની ઘડી અને આજનો દિવસ, મારે આ ચાર દીવાલની વચ્ચે ગજેન્દ્રની દાસી બનીને રહેવાનું છે. એ વાત મેં મારા દિમાગમાં ઠસાવી દીધી.’ હીબકાં ભરતાં ઇન્દુ બોલી

થોડીવાર માટે બન્ને આંસુ સારતાં ચુપ રહ્યાં.

હંમેશ માટે ગામ છોડવાનું પગલું એમ વિચારીને ભર્યું હતું કે, મહાસાગર જેવડાં મહાનગરમાં તારો હાથ ઝાલીને હું ભવસાગર તરી જઈશ પણ, અહીં તો તારણહારનું ટાઈટેનીક જ તળિયા વગરનું નીકળ્યું. એવું મનોમન બોલ્યાં પછી ચહેરો લૂંછતાં સપના બોલી..

‘હવે...હવે, તું શું કરીશ ? કઈ રીતે વિતાવીશ પહાડ જેવી જિંદગી આ દાનવ સાથે ? કંઈ વિચાર્યું છે ?’

‘આ વન વે જેવા લગ્નજીવનના પથ પર હું એટલી આગળ નીકળી ગઈ છું સપના કે, હવે પાછુ વળવું તો દૂરની વાત જોવું કે વિચારવું પણ શક્ય નથી. મોત સિવાય આ પીડાનું પૂર્ણવિરામ નહીં આવે. મારું એક ઉતાવળિયું પગલું મારા મા-બાપનો જીવ લઇ લેશે. મને ગજેન્દ્રના પાશવી જુલમ કરતાં માવતરની ઈજ્જ વધુ વ્હાલી છે. અને એ વાતનો જ ગજેન્દ્ર ફાયદો ઉઠાવી રહ્યો છે.’

ઇન્દુનું વાક્ય પૂરું થયું અને સપનાનો કોલ રણક્યો..
‘હા, સમીરભાઈ બોલો.’
‘હું અડધો કલાક પછી લોકેશન પર પહોંચી જઈશ.. તમે આવી જાઓ.’
‘જી. સમીરભાઈ.’ એમ કહેતા વાત પૂરી થઇ.

ઇન્દુને ગળે વળગાળતા સપના બોલી..
‘અચ્છા દોસ્ત.. આજ્ઞા લઉં.’
ભીનાં ગાલ લૂંછતાં ઇન્દુ બોલી..
‘પણ, તું ક્યાં જઈશ, શું કરીશ ? એના કરતાં તો બહેતર છે કે તું ફરી રતનપુર જતી રહે, આવડાં મોટા શહેરમાં તું એકલી તારી જાતને કેમ કેમ સાંચવીશ ?
એટલે માર્મિક સ્મિત સાથે સપના બોલી,

‘તને શું લાગે છે, ગજેન્દ્ર જેવા દેહ ભૂખ્યાં દાનવ અવતારોનો આતંક કફત આ શહેર પુરતો જ સીમિત છે ? કોઈપણ એકલવાયી સ્ત્રીની ગંધ માત્ર આવવાથી તેને રસ્તે રઝળતા ન ધણીયાતા રેઢા ઢોર માની, બાપનો માલ સમજી, તેને મનમરજી મુજબ માણવાના મનસ્વી મનસૂબાનો માલિકીભાવ તો મહ્દઅંશે મર્દજાત તેના લોહીના ઘટકમાં લઈને જ જન્મે છે.’
‘ઇન્દુ, આજે તારા જેવી નખશીખ તન અને મનથી પવિત્ર સ્ત્રીની આ દશા જોઈને મને પુરુષ જાતિ પર રહ્યું સહ્યું માન પણ ઉતરી ગયું. હશે લાખો કરોડોમાં કોઈ એક પુરુષ જે સ્ત્રીને માત્ર સ્નેહ નહી પણ સજદાનો સાજીદાર સમજતો હશે. પણ એ તો છીપના મોતી માટે મરજીવા બનવા જેવી વાત છે.’
‘અત્યારે તો આપણા બન્ને એકસમાન નિરાધાર છીએ. કોણ કોને સહારો આપે ? હું મારા જીવનની નવેસરથી સંઘર્ષયાત્રા શરુ કરવાં જઈ રહી છું. અને હવે આ ઘટનાને દુ:ખદ સ્વપ્ન સમજીને અહીં જ દાટી દઈએ એટલે કિસ્સો ખત્મ થાય. ભાગ્યચક્ર મોકો આપશે તો ફરી મળીશું. મારી ચિંતા ન કરીશ. ચલ જાઉં છું.’
એટલું બોલતાં બન્ને ભેટીને ખુબ રડ્યાં.

સમીરે આપેલાં એડ્રેસ મુજબ વીસ મિનીટ બાદ સપના આવી પહોંચી ‘મહાવીર નગર’માં આવેલાં હાઈ રાઈઝ ‘ગેલેક્સી રેસીડેન્સી’ના ગેઇટ પર. પોશ વિસ્તાર અને ચારે તરફ આલીશાન બહુમાળી ઈમારતની શ્રુંખલા જોતા થોડીવાર તો સપનાને એમ થયું કે, કોઈ ભળતાં સરનામા પર તો નથી આવી ગઈને ? એટલે ગેઇટ પરના સુરક્ષાકર્મીને પૂછતાં ખાતરી થઈ કે, પરફેક્ટ સ્થળ પર જ આવી છે.


ત્યાં...બે જ મીનીટમાં સમીર તેની કાર લઈને ગેઇટ પર આવતાં બોલ્યો..
‘ચલો, બેસી જાઓ. ’
એટલે કારની પાછળની સીટ પર તેનો લગેજ મૂકી સમીર પાસેની ફ્રન્ટ સીટ પર બેસી અને સમીરે કાર હંકારી સોસાયટીના કમ્પાઉન્ડમાં.

વિશાળ સોસાયટી આસપાસની હરિયાળી અને ઉડીને આંખે વળગે એવી ચોખ્ખાઈ સાથે કતાર બંધ પડેલી મોંઘીદાટ કાર્સની લાઈન જોતાં સપનાને થયું કે, સમીર ક્યાં લઇ જઈ રહ્યો હશે ? દસ દસ માળની ચોતરફ ‘એ’ થી લઈને ‘ઝેડ’ સુધી આવેલી વિંગ્સની સીરીઝમાં ‘એમ’ વીંગના પાર્કિંગમાં સમીર કાર સ્ટોપ કરતાં બોલ્યો.

‘પહેલાં તમે ફ્લેટ જોઇલો, ફ્લેટની હિસ્ટ્રી જાણીલો પછી આપણે ફાઈનલ કરીએ.’
‘પણ, સમીર ભાઈ મારે ફક્ત માથે ફક્ત છતની અછત છે. છત છે, એટલું મારે માટે કાફી છે, અને પેલી કહેવત છે ને કે, ધરમની ગાયના દાંત ન ગણાય.’

‘તેમ છતાં જાણી લો..તમારી પ્રકૃતિ અને મરજી વિરુદ્ધનું તો નથીને ?
બન્ને કારમાંથી ઉતારતાં સમીર બોલ્યો..


‘તેનો ઉત્તર હું તમારી ફિલોસોફીમાં જ આપતાં કહું કે, કોઇપણ કામ દિલ માને તો કરવાનું નહી તો નહીં કરવાનું બસ.’ હસતાં હસતાં સપના બોલી.

‘ઓહ.. મતલબ તમારી ફિતરતમાં પણ મારો ફંડા ફીટ થઇ ગયો એમ..?’
હસતાં હસતાં બન્ને લીફ્ટમાં દાખલ થતાં સમીર બોલ્યો..

‘હાસ્તો, મરતા ક્યા ન કરતા ? અત્યારે તો વ્યથાની કથા જોતા મન મારી મુસલમાન બનીને કલમા પઢવા પડે એમ છે સમીરભાઈ.’

દસમાં માળે ટોપ ફ્લોર પર લીફ્ટમાંથી બહાર આવતાં ફ્લોર પરના ચાર ફલેટમાંથી ‘એમ ૩૯’ ફ્લેટનું ડોર અનલોક કરીને બન્ને અંદર પ્રવેશ્યાં.

એન્ટર થતાં જ ડોર પાસે પડેલી બિયરની ખાલી કાચની બોટલ સપનાના પગે અથડાતાં સપનાને નવાઈ લાગી. મોંઘાદાટ ફર્નીચરથી સજ્જ, બાલ્કની વ્યુ સાથેના વીસ બાય ત્રીસ ફૂટનો વિશાળ બેઠકરૂમની અતિ અવ્ય્સ્થિત દશા જોતાં સપનાને થયું કે, કોઈ કબાડીવાળાનો ફ્લેટ છે કે શું ? વોશરૂમ એટેચ્ડ ચાર બેડરૂમનો ફ્લેટ હતો. બેડરૂમની હાલત તો બેઠકરૂમથી પણ વધુ બેહાલ હતી. અન્ડર ગારમેન્ટ સહિતના કપડાંની સાથે સાથે બિયરની બોટલ્સ અને સિગારેટના ઠુંઠા જ્યાં ત્યાં વેરવિખેર પડ્યાં હતાં
ટીપોઈ અને ટેબલ પર અશ્લીલ અંગ્રેજી મેગેજીન્સ નજરે પડતાં હતાં. અચરજની અધીરાઈ વધતાં સપનાએ પૂછ્યું.


‘આઆ..આ કોનો ફ્લેટ છે સમીરભાઈ ? અને કોણ રહે છે અહીં ? કોની જોડે મારે ફ્લેટ શેર કરવાનો છે ? શંશય સાથે સવાલ પૂછતાં સપના બોલી..

બેઠકરૂમમાં આવેલી વિશાળ બાલ્કનીના કાચનો ડોર ઓપન કરી, એ.સી. ઓન કર્યા પછી સોફા પર બેસતાં સમીર બોલ્યો...

‘આવો પહેલાં બેસો.. પછી કહું’
આશ્ચર્ય સાથે સમીર સાથે સોફા પર બેસતાં સમીર બોલ્યો..
‘બિલ્લુ બનારસી આ ફલેટનો માલિક છે.’
‘કોણ છે, બિલ્લુ બનારસી ? સપનાએ પૂછ્યું..

‘મજબુરનો મસીહા, ગુનાહિત સમાજનું એક અગ્રણી નામ. ટૂંકમાં કહું તો આધુનિક રોબીનહૂડ છે. કારણ વગર કોઈની પણ કનડગત કરે નહીં અને તેને કોઈ કારણ વગર છંછેડે તો પછી સામેવાળાને દુનિયા છોડવા મજબુર કરી દે.’

‘તો શું મારે તેમની સાથે આ ફ્લેટ શેર કરવાનો છે, સમીરભાઈ ?
સ્હેજ અકળાઈને સપનાએ પૂછ્યું..

‘અરે.. ના ના.. એવું હોય તો હું તમને અહીં લાવું ખરો ? આ ફ્લેટમાં તો તેમની જે ચાર ફ્રેન્ડસ રહે છે, જ્યોતિ, શબનમ, ડોલી અને રૂબીના તેમની જોડે રૂમ શેર કરવાનો છે. બિલ્લુ તો અહીં મહીને બે મહીને માંડ એકાદ બે વાર આવતો હશે.’

‘પણ, આ લોકાલીટી અને સોસાયટીની ભવ્યતા જોતાં તો લાગે છે, અહીનું રેન્ટ મને નહીં પોસાય. શું ભાડું આપવાનું રહેશે મારે ?

‘ઝીરો’ પેન્ટના બેક પોકેટમાંથી તેનો મોબાઈલ કાઢતાં સમીર બોલ્યો..
સ્હેજ આંખો પહોળી કરતાં સપના બોલી..

‘ઝીરો... એટલે ? તમારા કહેવાનો મતલબ છે મફત ? પૂછી શકું કે, હજુ આપણે મળ્યાંને ચોવીસ કલાક નથી થયા ત્યાં ઓળઘોળ થઈને આટલા મહેરબાન થવાં પાછળનું જોઈ ઠોસ કારણ આપશો સમીરભાઈ ? અને આ બિલ્લુ બનારસીનો પરિચય, તેમની ફ્રેન્ડના નામ સાથે આ ફ્લેટની દશા જોતા તમે મારા વિષે કોઈ ભળતી ધારણા તો નથી બાંધી બેઠાને સમીરભાઈ ?
નારાજગી સાથે સોફા પરથી ઊભા થતાં સપના બોલી..

માર્મિક હાસ્ય સાથે સમીર બોલ્યો..
‘મને અંદાજ હતો જ કે, આ સવાલ ઉપસ્થિત થશે જ. તમારી લલચામણી લાચારી અને મદમસ્ત મજબુરી જોતાં મને ખ્યાલ આવી ગયો કે, તમે દૂધના દાઝેલા હશો. એટલે..’

હજુ સમીર તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં.. સ્હેજ ગુસ્સા સાથે સપના બોલી
‘મજબુર સાથે મજબુત પણ છું, અને લાચાર છું, પણ લાજ નહીં વેંચું સમીરભાઈ એટલું યાદ રાખજો’

‘મેડમ, જો તમારે વહેંચાવું જ હોત તો મારા જેવા નાના માણસનો તમને ભેટો ન થાય. તમારી ખૂબસૂરતીને ખરીદવા વાળાઓની આ શહેરમાં કોઈ કમી નથી. તમારે વહેંચાવું નથી એટલે જ તમે મન મારીને સાત હજારની નોકરડી માટે આજીજી કરતાં હતાં. તમારી આંખોમાં મરતી ખુદ્દારી અને ખાનદાની જોઇ મને મદદ કરવાનું મન થયું બાકી, મને મહેરબાન થવાના કોઈ અભરખા નથી અને સમય પણ નથી. અભિમાન નથી કરતો પણ, આ શહેરમાં પારકા કે પોતીકા કોઈપણ પુરુષમાં સમીરની સારપનો અંશ જોવા મળે તો મને યાદ કરજો. બાકી ફ્લેટનું બારણું ઉઘાડું છે,તમે જઈ શકો છો, મારે કોઈ મહેરબાનના મેડલ નથી જોઈતાં.’

ઉતાવળમાં સૂકાં સાથે લીલું બળ્યાંનો સપનાને અંદાજ આવ્યો. ચીમનલાલ અને ગજેન્દ્રના દાઝની ગાજ સમીર પર કારણ વગર વરસી પડી એવો ખ્યાલ આવતાં વાતને વાળી લેતાં સપનાએ પૂછ્યું,
‘પણ, આ બિલ્લુ બનારસી મને મફતમાં શા માટે રહેવા દે એ કહેશો ?’

‘મારા કહેવાથી. હું ધારું છું ત્યાં સુધી, હાલમાં તમને રહેવાની સુવિધા સાથે સુરક્ષાની પણ જરૂર છે. આ ચાર છોકરીઓ જે અહીં રહે છે તેમને પૂછજો, જેમને પણ ખબર છે કે, આ છોકરીઓ પર બિલ્લુ બનારસીનો હાથ છે, તેમની સામે કોઈ આંખ ઊંચી કરવાની હિંમત નહીં કરે. બાકી આ શહેરમાં તમે તો શું પોલીસ કે પોલીટીશીયન પણ તેની મા-બહેનની સલામતી માટે બિલ્લુ બનારસીને સલામ ભરે છે. તમે કોઈ સારા સંસ્કારી ખાનદાનમાંથી આવો છો, એટલે તમારી માટે હું આટલું વિચારું છું. ભવિષ્યમાં તમે આર્થિક સદ્ધર થઇ જાઓ તો બિલ્લુને રેન્ટ આપી દેજો. આઠ કરોડના ફ્લેટનું ફક્ત એક લાખ ભાડું છે, મેડમ. એક વાત યાદ રાખજો, દુનિયામાં દરેક વસ્તુની કિંમત માત્ર પૈસાથી નથી અંકાતી કે ચુકવાતી સમજ્યા. અને મેં તમને પહેલાં જ કહ્યું કે, તમે હજુ આ શહેરની તાસીરથી અજાણ છો.’
આટલી ગંભીર અને ગહન ચર્ચા પછી સમીરના શબ્દો કરતાં તેની આંખોમાં સત્યનું પારદર્શક પ્રતિબિંબ સપનાને સાફ સાફ દેખાઈ આવતું હતું. મહત્વના મુદ્દાનું મનોમંથન કરતાં સપનાએ શાંત ચિત્તે વિચાર્યું કે....

જે રીતે સમીરે બિલ્લુનો એકતરફી પરિચય આપ્યો તે ધ્યાનમાં લેતાં રણભૂમિ જેવી જીવનસંઘર્ષ યાત્રામાં સમયાનુસાર બિલ્લુ હથિયાર અને ઢાલ બન્ને બની શકે તેમ છે. હજુ ‘અકેલી જવાન લડકી’ નું માથે લેબલ લાગતાં માંડ પંદર થી વીસ દહાડા થયાં ત્યાં ચીમનલાલ અને ગજેન્દ્ર જેવા બે ગિદ્ધ ચામડા ચૂંથવા તૂટી પડ્યાં. છતાં આજે ‘મફત’ના નામે મળતી સુવિધા સાથેની સલામતીની ભવિષ્યમાં કેટલી કિંમત ચૂકવવી પડશે એ તો આવનારો સમય જ કહેશે.

‘હજુ પણ કહું છું, કોઇપણ કામ દિલ માને તો કરવાનું નહી તો નહીં કરવાનું બસ.’ વિચારમગ્ન સપના તરફ જોઇને સમીર બોલ્યો

સમીર નજીક આવી હાથ મીલાવતાં સપના બોલી.
‘ડન’
સપનાની આંખમાં જોઇને સમીર બોલ્યો..
‘મારી એક વાત કાયમ માટે દિમાગમાં ઠસાડી દેજો. પુરષજાત નહીં આખી દુનિયા એવી સ્ત્રીઓથી ડરે છે, જે સ્ત્રી દુનિયાથી ડરતી નથી, સમજયા ? ભય બીન પ્રીત નહીં. તમારા ભયનું સામ્રાજ્ય જ તમને જીવાડે. બિલ્લુ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.’

સોફા પર બેસતાં સપના બોલી..

‘બિલ્લુ બનારસી જેવા ધુરંધર વ્યક્તિનો તમારા પર હાથ છે, તમારી ઉંમર કરતાં તમને અધિક જ્ઞાન છે, તો પછી તમે ત્યાં એ ક્લાસીસ પર કેમ જોબ કરો છો ? એ ન સમજાયું.’

‘કોચ કે રેફરી રમતની વ્યૂહરચના ખુબ સારી રીતે સમજાવી શકે પણ ગ્રાઉન્ડ પર ઉતરી રમત ન રમી શકે, સમજ્યા ? આમ પણ મારી લાઈફનો ગોલ અલગ છે. મને કિંગ નથી બનવું. કિંગમેકર બનવું છે. અને હવે તમને સાચું કહું, હું આ બધું તમારા માટે શું કામ કરી રહ્યો છું. ?

‘શા માટે ? અધીરાઈથી સમીર બોલ્યો..
‘હું તમારાં આત્મવિશ્વાસમાં કિંગમેકર બનવાના ગુણ જોઈ રહ્યો છું એટલે. અને એક દિવસ બિલ્લુ તમને સલામ ન ભરે તો મને કહેજો.’

ત્યાં જ સમીરના મોબાઈલમાં બિલ્લુ બનારસીનો કોલ આવ્યો...

દમદાર અને પહાડી અવાજમાં બિલ્લુ બોલ્યો..
‘જય હો ગંગામૈયા કી’

-વધુ આવતાં અંકે