દહેશત - 20 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

શ્રેણી
શેયર કરો

દહેશત - 20

20

‘બરાબર બત્રીસ મિનિટ પછી, બરાબર બે વાગ્યે સોફિયાનું મારા હાથે મોત થવાનું છે. અને એની બે મિનિટ પહેલાં, એટલે કે બરાબર એક વાગ્યા ને અઠ્ઠાવન મિનિટે હું તને મારી નાંખીશ. સોફિયા તને મરતાં જોશે અને પછી બે મિનિટ પછી એ પણ મરી જશે !’ એવું મોબાઈલ ફોનમાં મેલિસાના પ્રેતે સબ ઈન્સ્પેકટર જિમીને કહીને સામેથી કૉલ કટ્‌ કરી દીધો, એટલે જિમીનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. તે મોબાઈલ ફોન સામે જોઈ રહ્યો હતો, ત્યાં જ અત્યારે તેના કાને નેન્સીનો અવાજ પડયો : ‘શું થયું, બેટા !’

અને જાણે જિમી હોશમાં આવ્યો. તેનું મગજ કામ કરતું થયું. તેણે તેની સામે સવાલ અને ચિંતાભરી નજરે જોઈ રહેલી નેન્સી સામે જોઈ લઈને કાંડા ઘડિયાળમાં જોયું, તો એક વાગ્યો ને ઉપર ઓગણત્રીસ મિનિટ થઈ હતી. મેલિસાના પ્રેતે તેના મોતના જે સમય આપ્યો હતો એમાં ઓગણત્રીસ મિનિટની વાર હતી અને સોફિયાના મોતનો જે સમય આપ્યો હતો, એમાં એકત્રીસ મિનિટની વાર હતી.

‘આ આખો ખૂની ખેલ મેલિસાનું પ્રેત ખેલી રહ્યું છે. મારે એને રોકવા માટે કંઈક કરવું પડશે !’ એવું નેન્સીને કહેતાં, અને એનો વળતો જવાબ સાંભળવા રોકાયા વિના જ જિમી ઘરની બહારની તરફ સરકયો ! સોફિયા પાસે મોબાઈલ ફોન તો હતો નહિ, એટલે જિમીએ સોફિયાના ઘરના લૅન્ડલાઈન ફોન પર કૉલ લગાવ્યો.

સામેથી રિંગ સંભળાવા માંડી.

જિમી મોટરસાઈકલ પર સવાર થયો. તેણે મોટરસાઈકલને કીક લગાવી, મોટરસાઈકલ ચાલુ થઈ.

હજુ પણ સામેથી સોફિયાએ ફોન ઊઠાવ્યો નહિ. ‘શું સોફિયા સૂઈ ગઈ હશે ? !’ જિમીના મગજમાં આ સવાલ જાગવાની સાથે જ તેનાથી બબડી જવાયું, ‘સોફિયા ! જલદી ફોન ઉઠાવ, મારી સાથે વાત કર !’ અને આટલી વાર વીતી છતાં હજુય સોફિયાએ સામેથી ફોન ઉઠાવ્યો નહિ, એટલે જિમીએ કૉલ કટ્‌ કર્યો અને મોટરસાઈકલને સોફિયાના ઘર તરફ દોડાવી મૂકી.

તો સોફિયાના ઘરે, સોફિયા અત્યારે પલંગ પર જાગતી પડી હતી.

સોફિયાના કાનમાં હેડફોન ભેરવાયેલું હતું અને તે ફિલ્મી ગીત સાંભળી રહી હતી, એટલે તેને જિમીએ જે કૉલ લગાવ્યો હતો, એની રિંગનો અવાજ સંભળાયો નહોતો.

જિમી તેને અહીં મૂકીને ગયો એ પછી તે નાહીને ફ્રેશ થઈ હતી અને પલંગ પર લેટી હતી, પણ તેને ઊંઘ આવતી નહોતી. તે મોબાઈલ ફોનવાળા પ્રેતના હાથે મરતાં બચી ગઈ હતી, એની તેને જેટલી ખુશી નહોતી થતી, એટલો અફસોસ તેને એ વાતનો હતો કે, તેના કૉલેજ ફ્રેન્ડ્‌સ કાજલ, આનંદ, તેજલ, માનવ અને રીચાને મોબાઈલ ફોનવાળા પ્રેતના હાથે મરતાં બચાવવા માટે તે કંઈ કરી શકી નહોતી. તેની નજર સામે વારે ઘડીએ કાજલ, આનંદ, તેજલ, માનવ અને રીચાની લાશો તરવરી ઊઠતી હતી, અને એટલે તે પોતાનું ધ્યાન બીજે વાળવા માટે કાનમાં હેડફોન લગાવીને ફિલ્મી ગીત સાંભળી રહી હતી.

અત્યારે તેણે કાનમાંથી હેડફોન કાઢયું, ત્યાં જ તેના કાને બેડરૂમના દરવાજા તરફથી અવાજ સંભળાયો. તેણે દરવાજા તરફ જોયું.

દરવાજો સહેજ ખુલ્લો હતો.

તેને યાદ હતું ત્યાં સુધી તે પથારીમાં પડી એ પહેલાં તેણે બેડરૂમનો દરવાજો બંધ કર્યો હતો.

તે પથારીમાં બેઠી થઈ ગઈ.

-ખટ્‌ !

રૂમની બહારથી સહેજ અવાજ સંભળાયો, એ સાથે જ તે પલંગ પરથી ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર ગભરાટ આવી જવાની સાથે જ તેની જીભેથી સવાલ સરી પડયો : ‘કોણ ? !’

પણ બહારથી કોઈ જવાબ સંભળાયો નહિ.

તે એક ઊંડો શ્વાસ લેતાં બેડરૂમના દરવાજા તરફ આગળ વધી. તે બેડરૂમના દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજાને ધકેલીને આખો ખોલી નાંખ્યો અને ડ્રોઈંગરૂમમાં નજર નાંખી.

તેણે ડ્રોઈંગરૂમની ડીમલાઈટના અજવાળામાં આખાય ડ્રોઈંગરૂમમાં નજર દોડાવી.

-કોઈ નહોતું.

-ખટ્‌ !

તેના કાને ફરી અવાજ પડયો.

અત્યારે આ અવાજ કીચન તરફથી આવ્યો હતો, એવો તેને ખ્યાલ આવ્યો અને તેણે કીચન તરફ જોયું.

ત્યાં કીચનની અંદરના અંધારામાં તેને જાણે દસેક વરસની છોકરી ઊભેલી હોય એવું લાગ્યું અને તે એ છોકરીને બરાબર જુએ એ પહેલાં તો એ છોકરી કીચનની અંદરની તરફ સરકી ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ.

સોફિયા મૂંઝવણમાં પડી. ‘શું તેને ખરેખર જ એ છોકરી દેખાઈ હતી કે, પછી તેને એવો ભ્રમ થયો હતો ?

‘ના ! તેને ભ્રમ થયો નહોતો. તેને ‘ખટ્‌’ એવો અવાજ સંભળાયો હતો, એટલે જ તો તેણે કીચન તરફ જોયું હતું ને તેને એ છોકરી દેખાઈ હતી ને !

‘અને...

‘...અને એ છોકરીને અગાઉ તેણે કયાંક જોઈ હોય એવું પણ તો તેને લાગતું હતું !’ તે મગજના વિચારોને રોકીને, મનમાં હિંમત ભરીને કીચન તરફ આગળ વધી.

એક..., બે.., ત્રણ અને દસમા પગલે તે રસોડાના દરવાજા પાસે પહોંચી. તે રસોડાની અંદર નજર નાંખવા ગઈ, એ જ પળે તેના કાનના પડદા સાથે ડૉરબેલનો અવાજ અફળાયો,

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ !

એકદમ શાંતિમાં અચાનક જ કાને પડેલા ડૉરબેલના અવાજથી તે છળી ઊઠી-ભયથી ખળભળી ઊઠી.

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ !

બહારથી કોઈ અધીરાઈભેર ઉપરા-છાપરી ડૉરબેલ વગાડી રહ્યું છે.

સોફિયાએ મેઈન દરવાજા તરફ જોયું, એ જ પળે બહારથી ડૉરબેલ વગાડનારે દરવાજા પર જોરથી ધબ્બા મારવા માંડયા.

ધબ્‌ ! ધબ્‌ ! ધબ્‌ !

સોફિયા મેઈન દરવાજા તરફ સરકી.

તે દરવાજા પાસે પહોંચી.

તેણે દરવાજાના કી-હોલમાંથી બહાર જોયું.

બહાર સબ ઈન્સ્પેકટર જિમી ઊભો હતો.

સોફિયાએ દરવાજાની સ્ટોપર ખોલી એ સાથે જ બહારથી જિમી દરવાજો ધકેલીને અંદર આવી ગયો : ‘તું ઠીક તો છે ને, સોફિયા ? !’ જિમીએ સોફિયાને પગથી માથા સુધી જોતાં પૂછયું.

‘હા, કેમ ? !’

‘સોફિયા !’ જિમીએ દરવાજો બંધ કરીને સ્ટોપર વાસતાં કહ્યું : ‘તારો અંદાજો સાચો સાબિત થયો. અસલમાં એનાબેલનું પ્રેત તને મારી નાંખવા માટે નહિ, પણ એની સાવકી દીકરી મેલિસાના પ્રેતથી તને બચાવવા માટે તારી આસપાસ ફરી રહ્યું હતું. હકીકતમાં એનાબેલે રેબેકાને ચપ્પુ માર્યું નહોતું, પણ એની નાની બહેન મેલિસાએ રેબેકાને ચપ્પુ માર્યું હતું. એનાબેલ રેબેકાની સારવાર માટે હૉસ્પિટલમાં લઈને ગઈ અને ત્યાં આગ લાગી અને એ આગમાં એનાબેલ સળગી મરી. એનાબેલ પ્રેત બની તો આ તરફ ઘરે અસ્થમાના હુમલામાં મેલિસા મરી પરવારી અને પ્રેત બની. એ પછી મેલિસાનું પ્રેત જ આ મિસ્ડ્‌ કૉલવાળો ખૂની ખેલ ખેલી રહ્યું છે !’

અને જિમીની આ વાત સાંભળતાં જ સોફિયાએ એના-બેલના ઘરમાં તેણે એનાબેલ અને એની બન્ને સાવકી દીકરીઓ રેબેકા અને મેલિસાનો જે ફોટો જોયો હતો એ યાદ આવી ગયું. તેને હમણાં જિમી આવી પહોંચ્યો એની થોડીક પળો પહેલાં કીચનમાં જે છોકરી દેખાઈ હતી, એ બીજું કોઈ નહિ પણ મેલિસા, મેલિસાનું પ્રેત હતું ! ! !

અત્યારે આ ખ્યાલ આવતાં જ સોફિયાના શરીરમાંથી ભયની કંપારી પસાર થઈ ગઈ. તેણે આ વિશે જિમીને કહેવા માટે હજુ તો મોઢું ખોલ્યું, ત્યાં જ કોઈક ખૂબ જ જોશભેર બહારથી મેઈન દરવાજો ઠોકવા માંડયું.

ધમ્‌..! ધમ્‌..! ધમ્‌...!

‘આ કોણ આવ્યું ? !’ સોફિયાના મોઢેથી સવાલ સરી પડયો.

જિમી સોફિયાને કોઈ જવાબ આપ્યા વિના દરવાજા તરફ ફર્યો.

સોફિયા ફફડતી જિમી તરફ જોઈ રહી.

જિમીએ દરવાજાના કી-હોલમાંથી દરવાજા બહાર નજર નાંખી.

-બહાર કોઈ દેખાયું નહિ.

‘બહાર કોઈ દેખાતું નથી.’ બોલતાં જિમી દરવાજો ખોલવા ગયો, ત્યાં જ સોફિયા બોલી ઊઠી : ‘ના જિમી ! રહેવા દે. દરવાજો ન ખોલ !’

જિમી રોકાઈ ગયો.

ધમ્‌..! ધમ્‌..! ધમ્‌..! ધમ્‌..!

ફરીવાર બહારથી કોઈ દરવાજા પર જાણે મજબૂત વસ્તુ ઠપકારતું હોય એવો અવાજ સંભળાવા માંડ્યો.

જિમીએ ફરી કી-હોલમાંથી બહાર જોયું.

બહાર કોઈ દેખાયું નહિ.

‘મને દરવાજો ખોલીને જોવા દે !’ કહેતાં જિમી દરવાજાની સ્ટોપર ખોલવા ગયો, ત્યાં જ તેના મોબાઈલ ફોનમાંથી પેલી જ ફિલ્મી ગીતવાળી રિંગ ગૂંજી ઊઠી :

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?

અને આ સાંભળતાં જ સોફિયા ચોંકી ઊઠી. ‘જિમી ! તારા મોબાઈલ ફોન પર મેલિસાના પ્રેતનો મિસ્ડ્‌ કૉલ...’

‘...અગાઉ એણે મારા મોબાઈલ પર કૉલ કર્યો હતો !’ જિમીએ ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢતાં કહ્યું : ‘એણે મારા મોતનો સમય એક વાગ્યા ને અઠ્ઠાવન મિનિટનો આપ્યો છે !’

‘એટલે કે, મારા બે વાગ્યાના મોતના સમયથી બે મિનિટ પહેલાંનો સમય !’ બોલવાની સાથે જ સોફિયાની નજર દીવાલ ઘડિયાળ તરફ દોડી ગઈ. એમાંનો સમય જોતાં જ તે બોલી ગઈ : ‘...એમાં તો હવે ફકત ત્રણ મિનિટની જ વાર છે !’

જિમીએ સોફિયાને કોઈ જવાબ આપ્યો નહિ. તેણે એક વાગ્યા ને પંચાવન મિનિટનો સમય બતાવી રહેલી દીવાલ ઘડિયાળ પર નજર નાંખીને મોબાઈલ ફોનના સ્ક્રીન પર જોયું. સામેથી કૉલ કરનારાના મોબાઈલ ફોનના નંબરની જગ્યાએ માનવીની ખોપરીઓ દેખાઈ રહી હતી.

જિમીએ મોબાઈલ ફોનનું બટન દબાવ્યું. એ ફિલ્મી ગીતવાળી રિંગ વાગવાની બંધ થઈ.

જિમીએ મોબાઈલ ફોન કાન પર મૂક્યો, ત્યાં જ સામેથી સહેજ ઘરઘરાટી સંભળાઈ અને પછી મેલિસાના પ્રેતનો અવાજ સંભળાયો : ‘જિમી ! તારું મોત થવાને હવે ત્રણ મિનિટનીય વાર રહી નથી. હું તને ખતમ કરવા આવી ગઈ છું, પણ તું દરવાજો ખોલતો નથી ?’ અને મોબાઈલ ફોનમાં સામેથી મેલિસાનો હસવાનો અવાજ સંભળાયો : ‘પણ કંઈ વાંધો નહિ. આમ કરીને તો હું થોડીક મજા લેતી હતી, બાકી મને દરવાજો ખોલતાં કયાં નથી આવડતું ? !’ અને મોબાઈલ ફોનમાં મેલિસાની વાત પૂરી થઈ, ત્યાં જ એક જોરદાર ધક્કા સાથે, દરવાજાની સ્ટોપરને તોડી નાંખતાં મેઈન દરવાજો ખૂલી ગયો.

જિમીએ અને સોફિયાએ બન્નેએ જોયું તો દરવાજાની બહાર, તેમનાથી થોડાંક પગલાં દૂર મેલિસા.., મેલિસાનું પ્રેત ઊભું હતું ! ! !

દસ વરસની મેલિસાના પ્રેતનો ચહેરો કોઈ બહાદુર માણસને પણ ભયથી કંપાવી દે એવો ભયાનક લાગતો હતો ! એની આંખોમાં જાણે લીલા રંગના બલ્બ સળગતા હોય એમ એની આંખો ચમકી રહી હતી ! એના દાંત અણીદાર અને લાંબા થઈને મોઢાની બહાર નીકળી આવ્યાં હતાં ! એના બન્ને હાથના નખ પણ લાંબા અને અણીદાર હતાં ! એના જમણા હાથમાં ચપ્પુ પકડાયેલું હતું.

સોફિયા મેલિસાના પ્રેતને આમ સામોસામ જોઈને થીજી ગઈ હતી.

જિમી મૂંઝવણમાં હતો.

મેલીસા પ્રેત હતી અને તે એક માનવી ! મેલિસાના પ્રેતનો સામનો કેવી રીતના કરવો એનો તેને કોઈ ખ્યાલ નહોતો. પણ મેલિસાના હાથમાંથી બચવાનો પ્રયત્ન કર્યા વિના તે મરવા માંગતો નહોતો.

‘મેલિસા ! શા માટે તું આમ એક પછી એક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઊતારી રહી છે ?’ જિમીએ મેલિસાના પ્રેત સામે જોઈ રહેતાં, એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો : ‘આ સોફિયાએ કે, મેં તારું શું બગાડ્યું છે ? !’

‘મને મજા આવે છે બીજાને પીડા આપવામાં, એને મારવામાં !’ મેલિસાનું પ્રેત ખૂની હસીને બોલ્યું : ‘પહેલાં હું મારી મોટી બહેન રેબેકાને મારીને મજા લેતી હતી, પણ હવે હું વધુ શક્તિશાળી થઈ ગઈ છું. હું મોટા-મોટા માણસોને મારી શકું છું. હું એમના મોબાઈલ ફોન પર કૉલ કરીને એમના મોતનો સમય આપું છું અને એ લોકો જે રીતના ડરે છે, ગભરાય છે, એ જોઈને મને ખૂબ જ મજા પડે છે ! અને પછી એમને જ્યારે હું મારું છું અને એ લોકો તરફડે છે, ત્યારે હું એટલી બધી ખુશ થઈ જાઉં છું કે, ના પૂછો વાત ! અને હા...,’ મેલિસાનું પ્રેત વળી હસ્યું : ‘હું એમને મારું છું અને પછી ખુશ થઈને એમને ચગળવા માટે ચ્યુઈંગગમ પણ આપું છું ! તમને ખબર જ છે ને કે, સુઝેન, કાજલ, આનંદ, તેજલ, માનવ અને રીચા મારા હાથે મર્યાં એ પછી એ બધાંના મોઢામાંથી ચ્યુઈંગગમ નીકળી હતી. એ ચ્યુઈંગગમ મેં જ એમને ચગળવા આપી હતી !’ અને મેલિસાનું પ્રેત હસ્યું.

જિમી મેલિસાના પ્રેત સામે જોઈ રહ્યો.

મેલિસાનું પ્રેત તેની સામે ઊભું હતું અને તેની સાથે આ રીતની વાત કરી રહ્યું હતું, છતાં પણ હજુ જિમીને થઈ રહ્યું હતું કે, ‘શું ખરેખર આવું પ્રેત હોઈ શકે ? ! તે આવી રીતના લોકોને મોતને ઘાટ ઊતારી શકે અને આ રીતે કોઈનાય માનવામાં ન આવે એવી વાતચીત કરી શકે ? ! ?’

‘સારું થયું, તેં મને વાતોએ વળગાડી એમાં તારા મોતનો સમય થઈ ગયો !’ મેલિસાનું પ્રેત બોલ્યું, એ સાથે જ જિમીએ ઘડિયાળમાં જોયું તો એક વાગ્યો ને ઉપર અઠ્ઠાવન મિનિટ થવાને ફકત પચીસ સેકન્ડની વાર હતી !

મેલિસાનું પ્રેત હસ્યું અને જિમી તરફ આગળ વધ્યું.

જિમી મેલિસાથી દૂર થવા માટે પાછળ હટવા ગયો, પણ આ શું ? ! તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા.

સોફિયા અહીંથી ભાગી છુટવા માટે જિમીને કહેવા ગઈ, પણ તેની જીભ જાણે તાળવા સાથે ચોંટી ગઈ હતી. તે જિમીનો હાથ પકડીને મેલિસાના પ્રેતથી દૂર ભાગી જવા માંગતી હતી, પણ જાણે તે પથ્થરની પૂતળી બની ગઈ હતી. તે પોતાની જગ્યા પરથી જરાય હલી શકતી નહોતી, અને તેનો હાથ પણ હલાવી શકતી નહોતી. તે ફકત તેની સામે જે કંઈ બની રહ્યું હતું એ જોઈ શકતી હતી !

મેલિસાનું પ્રેત જિમીની બિલકુલ નજીક આવીને ઊભું રહ્યું, એ જ પળે અચાનક જ જાણે વાવાઝોડું આવ્યું હોય એમ પવન ફૂંકાવા માંડયો.

મેલિસાના પ્રેતના ચહેરા પર રોષ અને ગુસ્સો આવ્યો. એણે હાથમાંનું ચપ્પુ જિમીના પેટમાં ખોંપવા માટે હાથ પાછળ લીધો, પણ પાછળથી જાણે કોઈ અદૃશ્ય શક્તિએ એનો હાથ પકડી લીધો હોય એમ એનો હાથ રોકાયો, પણ બીજી જ પળે જાણે મેલિસાના પ્રેતે એ અદૃશ્ય શક્તિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને જોશભેર જિમીના પેટમાં ચપ્પુ ખોંપી દીધું.

ખચ્‌...!

( વધુ આવતા અંકે )