દહેશત - 9 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

દહેશત - 9

09

માનવ સોફિયા પાસેથી પોતાનો મોબાઈલ ફોન લેવા માટે સામેની ફૂટપાથ પરથી પાછો ફરી રહ્યો હતો, એ જ પળે, સામેની ફૂટપાથ અને આ બાજુની ફૂટપાથ પર ખોડાયેલા ઈલેકટ્રીકના બે થાંભલા પરના ઈલેકટ્રીકના જાડા વાયરમાં સ્પાર્ક થયો હતો-તણખાં ઊડયાં હતાં. એ વાયર તૂટી ગયો હતો અને તૂટેલા વાયરનો એક છેડો હવામાં લહેરાતો, સડક ક્રોસ કરી રહેલા માનવના શરીરને અડકયો હતો ! અને એ સાથે જ માનવને જોરદાર કરંટ લાગ્યો હતો ! માનવના શરીરે બે પળ આંચકા ખાધા હતા અને ત્રીજી જ પળે માનવ જમીન પરથી ઊંચકાઈને, સોફિયાના પગ નજીક આવીને પટકાયો હતો ! એ તરફડવા માંડયો હતો. એને જાણે ઊબકો આવ્યો હતો અને એ સાથે જ એના મોઢામાંથી એક સફેદ વસ્તુ બહાર નીકળી આવીને સોફિયાના પગ પાસે પડી હતી ! ! !

-એ સફેદ વસ્તુ ચ્યુઈંગગમ હતી !

-આવી જ ચ્યુઈંગગમ આનંદ અને તેજલના મોત પછી એમના મોઢામાંથી પણ નીકળી હતી ! !

સોફિયાએ પોતાની ફાટેલી આંખો ચ્યુઈંગગમ પરથી હટાવીને પાછું માનવ તરફ જોયું. માનવ શાંત થઈ ચૂકયો હતો. ‘માનવ !’ બોલતાં સોફિયાએ માનવને હલબલાવી નાંખ્યો, પણ માનવ એમ જ પડયો રહ્યો. સોફિયાએે માનવને ચેક કર્યો. માનવના શરીરમાંથી જીવ નીકળી ચૂકયો હતો. સોફિયા આંસુ સારતી આંખે માનવની સ્થિર-નિર્જીવ કીકીઓમાં જોઈ રહી. તે જાણે માનવની લાશને દુઃખી હૃદયે કહી રહી, ‘જોયું ને, માનવ ! મારો ભય સાચો જ પડયો ને ! કાજલ, આનંદ અને તેજલની જેમ જ, એ મિસ્ડ્‌ કૉલ કરનારી અજાણી વ્યકિતએ તને તારા મોતનો જે સમય આપ્યો હતો, બરાબર એ જ સમયે તને મોતને ઘાટ ઊતારી દીધો ને ! ! !’

૦ ૦ ૦

શુક્રવારની સાંજના છ વાગ્યા હતા. સોફિયા પોલીસ ચોકીમાં લૅડી સબ ઈન્સ્પેકટર અરોહી સામે બેઠી હતી અને માનવના મોત અંગે વાતચીત કરી રહી હતી.

જમણી બાજુ, ખૂણામાં પડેલી ખુરશી પર સબ ઈન્સ્પેકટર જિમી બેઠો હતો અને એ બન્નેની વાતચીત સાંભળી રહ્યો હતો.

અસલમાં સોફિયાની નજર સામે ગઈકાલે સવારના પોણા અગિયાર વાગ્યે માનવને ઈલેકટ્રીકનો કરંટ લાગ્યો, એ પછી તેજલના ફલેટના ચોકીદારે મોબાઈલ ફોન કરીને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી. તો સોફિયાએ મોબાઈલ કરીને, તેજલના ફલેટમાં, તેજલના બેસણામાં હાજર રહેલી રીચા તેમજ તેના બીજા ફ્રેન્ડ્‌સને બોલાવી લીધાં હતાં.

માનવને હૉસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો. ડૉકટરોએ એને તપાસીને એ મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું.

આજે બપોર પછી માનવનો અંતિમ સંસ્કાર થયો હતો.

માનવના મોતથી સોફિયાની હાલત ખૂબ જ ખરાબ હતી. કાજલ, આનંદ, તેજલ અને હવે માનવ ! સોફિયાના આ ચાર-ચાર ફ્રેન્ડ્‌સ પાછલા છ-સાત દિવસમાં મોતના મોઢામાં ધકેલાઈ ગયાં એ પહેલાં એ ચારેય ફ્રેન્ડ્‌સની સોફિયા સાથે વાતચીત થઈ હતી ! તેના એ ચારેય ફ્રેન્ડ્‌સના મોબાઈલ ફોન પર કોઈ અજાણી વ્યક્તિના મોતના મેસેજવાળો મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને એ વ્યક્તિએ આપેલા સમયે જ એણે તેના એ ચારેય ફ્રેન્ડ્‌સને મારી નાંખ્યા હતા. અને તે એમની લાશને લાચાર નજરે જોઈ રહેવા સિવાય બીજું કંઈ કરી શકી નહોતી.

જોકે, હવે તેણે નકકી કર્યું હતું કે, તે તેના ચારેય ફ્રેન્ડ્‌સના ખૂનીને સામે લાવશે અને એને સજા અપાવશે. અને એટલે જ તે પોલીસ ચોકીમાં આવી હતી.

તેણે કાજલ, આનંદ, તેજલ અને માનવ સાથે જે કંઈ બન્યું હતું, એ લૅડી સબ ઇન્સ્પેકટર આરોહીને કહી સંભળાવ્યું, એટલે અત્યારે હવે આરોહી સોફિયાને પૂછયું : ‘તો તારું કહેવું છે કે, માનવે તેના મોબાઈલ ફોન પર તેને મિસ્ડ્‌ કૉલ કરીને ‘એનું કરંટ લાગવાથી મોત થશે,’ એવું કહેનારી એ અજાણી વ્યકિતની વાતચીત એના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી હતી.’

‘હા !’ સોફિયાએ કહ્યું.

‘તો માનવનો એ મોબાઈલ..’

‘...આ રહ્યો.’ કહેતાં સોફિયાએ પર્સમાંથી માનવનો મોબાઈલ ફોન કાઢયો અને એના બટન દબાવ્યા ને પછી મોબાઈલ ફોન આરોહી સામે ધરતાં કહ્યું : ‘લો, સાંભળો !’

અરોહીએ સોફિયાના હાથ-માંથી મોબાઈલ ફોન લઈને કાને ધર્યો.

સોફિયા જોઈ રહી તો ખૂણામાં ખુરશી પર બેઠેલો સબ ઈન્સ્પેકટર જિમી પણ અરોહીને તાકી રહ્યો.

‘સોફિયા !’ આરોહીએ કાન પરથી મોબાઈલ ફોન હટાવીને કહ્યું : ‘આમાં તો ઘરઘરાટી સિવાય બીજું કંઈ સંભળાતું નથી.’

‘ના, હોય !’ કહેતાં સોફિયાએ અરોહીના હાથમાંથી મોબાઈલ લીધો અને ચેક કર્યું કે, તેણે અરોહીને જે રેકોર્ડિંગ સાંભળવા આપ્યું હતું, એ બરાબર હતું ને !

-એ બરાબર જ હતું.

-સોફિયાએ ફરી મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાન પર ધર્યો અને મોબાઈલમાંનો અવાજ સાંભળી રહી.

ગઈકાલે માનવે તેને આ રેકોર્ડિંગ સંભળાવ્યું, ત્યારે તો એમાં પેલી વ્યકિત અને માનવ વચ્ચેની વાતચીત સંભળાઈ હતી, પણ અત્યારે એમાંથી ફકત ઘરઘરાટી સંભળાઈ રહી હતી !

‘મેડમ !’ સોફિયા મૂંઝવણ-ભર્યા અવાજે બોલી : ‘મેં ગઈકાલે એ રેકોર્ડિંગ સાંભળ્યું હતું, પણ અત્યારે એ કેમ સંભળાતું નથી, એ મને કંઈ સમજાતું નથી.’

આરોહીએ સોફિયા સામે જોતાં કહ્યું : ‘માનવ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ઈલેકટ્રીકના વાયરમાં સ્પાર્ક થયો અને વાયરનો છેડો માનવના શરીરને અડકયો ને એને કરંટ લાગ્યો. આ માનવનું કમનસીબ હતું કે, એનું આ રીતના અકસ્માતે મોત...’

‘..ના, એ અકસ્માત નહોતો.’ સોફિયા બોલી ઊઠી : ‘માનવના મોબાઈલ ફોન પર એના મોતના મેસેજવાળો મિસ્ડ્‌ કૉલ આવ્યો જ હતો અને એની પહેલાં પણ મારા ત્રણ ફ્રેન્ડ કાજલ, આનંદ અને તેજલના મોબાઈલ ફોન પર પણ એવા જ મિસ્ડ્‌ કૉલ આવ્યા હતા. અને મિસ્ડ્‌ કૉલમાંની વ્યક્તિએ એેમને કહેલા સમયે જ એમના મોત થયાં હતાં. આ બધી ઘટના-ઓ અકસ્માત નથી, પણ હત્યાઓ છે. અને આ બધી હત્યાઓ કરનારી વ્યકિત કોઈ એક જ છે. અને...અને મારા આ ફ્રેન્ડ્‌સની મોતની આ ઘટનાઓમાં એક સરખી વાત એ પણ છે કે, એમના મોત પછી, એમના મોઢામાંથી ચ્યુંઈગગમ નીકળી હતી. ગઈકાલે તમે તેજલની લાશના મોઢામાંથી ચ્યુઈંગગમ કાઢી હતી, તો માનવ મર્યો ત્યારે પણ એના મોઢામાંથી ચ્યુઈંગગમ નીકળી હતી.’

આરોહી પળવાર સોફિયા સામે જોઈ રહી, પછી બોલી : ‘તું ચિંતા ન કર. હું તારી આ બધી વાતો ધ્યાનમાં રાખીને જ તપાસ કરીશ. બસ ! હવે તું જઈ શકે છે.’

સોફિયાએ નિસાસો નાંખ્યો. તે ઊભી થઈ અને પોલીસ ચોકીની બહાર નીકળી ગઈ.

‘આરોહી !’ સબ ઈન્સ્પેકટર જિમી આરોહી સામે આવીને ઊભો રહ્યો : ‘મોતના મેસેજવાળા મિસ્ડ્‌ કૉલની વાત ન માનીએ તો પણ ચ્યુઈંગગમનું શું ? ! તેજલ અને માનવ મર્યાં ત્યારે એમના મોઢામાંથી ચ્યુઈંગગમ નીકળી હતી, તો કાજલનું જે સાંજના મોત થયું એ દિવસે બપોરના મારી બહેન સુઝેનનું પણ મોત થયું હતું, ને ત્યારે સુઝેનની લાશના મોઢામાંથી પણ ચ્યુ-ઈંગગમ નીકળી હતી.’

‘જિમી ! ઘણાં યુવાનો ચ્યુઈંગગમ ચગળતાં જોવા મળે છે !’ આરોહીએ કહ્યું : ‘મારા માનવા પ્રમાણે એમના મોતને ચ્યુઈંગગમ સાથે કંઈ લેવા-દેવા નથી.’

‘લેવા-દેવા છે.’ જિમી ઉતાવળા અવાજે બોલ્યો : ‘અને હમણાં આ છોકરી સોફિયા અહીંથી ગઈ એના ફ્રેન્ડ્‌સના મોત અને મારી બહેનના મોત વચ્ચે પણ ચોકકસ કંઈક કનેકશન છે જ.’ આટલું કહેતાં જ જિમી ઉતાવળે પગલે પોલીસ ચોકીની બહારની તરફ આગળ વધી ગયો.

તેણે ચોકીની બહાર નીકળીને આસપાસમાં નજર દોડાવી. ડાબી બાજુ, ફૂટપાથ પર થોડાંક પગલાં દૂર સોફિયા ચાલી જતી દેખાઈ.

જિમી ઝડપી પગલે સોફિયાની નજીક પહોંચ્યો અને તેને રોકી : ‘સોફિયા ! અંદર ચોકીમાં મેં તારી અને આરોહી વચ્ચેની વાતચીત સાંભળી.’ જિમી બોલ્યો : ‘તારી પહેલી ફ્રેન્ડ કાજલનું જે દિવસે સાંજના સાત વાગ્યે મોત થયું હતું, એ જ દિવસેે બપોરે બે વાગ્યાની આસપાસ મારી નાની બહેન સુઝેનનું ભેદી રીતના મોત થયું હતું. એની લાશના મોઢામાંથી પણ ચ્યુઈંગગમ મળી હતી. મને ખબર છે ત્યાં સુધી સુઝેન કદી પણ ચ્યુઈંગગમ ચગળતી નહોતી.’

‘હું સબ ઈન્સ્પેકટર આરોહીને એ જ સમજાવતી હતી. મેં પણ તેજલને કે માનવને કદી ચ્યુંઈગ-ગમ ચગળતાં જોયાં નહોતાં. પણ તેઓ મારી વાત માનતા જ નથી. અને તેઓ એ પણ માનવા તૈયાર નથી કે, આ બધાં અકસ્માત નહિ, પણ હત્યા...’

‘આરોહી ભલે માને કે ન માને, પણ મારુંય એમ જ માનવું છે કે, આ બધાં અકસ્માતના નહિ, પણ હત્યાના કેસ છે.’ જિમી વિશ્વાસભેર બોલ્યો : ‘અને મારું એવું પણ માનવું છે કે, મારી બહેનના મોત અને તારા ફ્રેન્ડ્‌સના મોતને પણ એકબીજા સાથે જરૂર કંઈક કનેકશન છે. એટલે તું મારો મોબાઈલ નંબર રાખ. આ કેસને લગતી કોઈ કડી મળે, કે પછી આ બાબતમાં મારું કંઈ કામ પડે, તો તુરત તું મને મોબાઈલ કરજે. હું હાજર થઈ જઈશ.’ અને જિમી મોબાઈલ નંબર બોલ્યો.

સોફિયાએ પોતાના મોબાઈલ ફોનમાં જિમીનો મોબાઈલ નંબર સેવ કર્યો અને જિમીથી છૂટી પડીને તે ઘર તરફ આગળ વધી. તેણે થોડીક રાહત અનુભવી. તેને આ સબ ઈન્સ્પેકટર જિમી પહેલો એવો મળ્યો હતો, જે પણ એવું માનતો હતો કે, આ બધાંના મોત એ એક અકસ્માત નહોતા, પણ એમની હત્યા કરવામાં આવી હતી ! ! !

૦ ૦ ૦

સોફિયા હજુ તો ઘરે પહોંચીને ફ્રેશ થઈ ત્યાં જ ડૉરબેલ રણકી.

સોફિયાએ દરવાજામાં લાગેલા આઈ હોલમાંથી જોયું તો બહાર રીચા ભયભીત ચહેરે ઊભી હતી.

સોફિયાએ દરવાજો ખોલ્યો.

રીચા અંદર આવી.

‘શું થયું ?’ સોફિયાએ દરવાજો પાછો બંધ કરતાં પૂછયું : ‘તું આમ ગભરાયેલી કેમ લાગે છે.’

‘સોફિયા !’ રીચા સોફા પર બેસી પડી : ‘હવે મારો વારો છે. કાજલ, આનંદ, તેજલ અને માનવની જેમ હવે હું પણ મોતના મોઢામાં ધકેલાઈ જઈશ ! હું...હું પણ મરી જઈશ !’

‘આ તું શું બોલી રહી છે, રીચા !’ સોફિયા રીચાની બાજુમાં બેસી ગઈ.

‘સોફિયા !’ રીચા બોલી : ‘કાજલ, આનંદ, તેજલ અને માનવના મોબાઈલ ફોન પર જેવો મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, એવો જ મિસ્ડ કૉલ મારા મોબાઈલ ફોન પર પણ આવ્યો હતો ? !’

‘....કયારે આવ્યો હતો ? !’

‘ગઈકાલે તેં મને મોબાઈલ કરીને માનવનું મોત થયાના સમાચાર આપ્યાને, બસ એની થોડીક પળો પહેલાં જ. એ મિસ્ડ્‌ કૉલ માનવના મોબાઈલ નંબર પરથી હતો, એટલે મેં સામેથી કૉલ લગાવ્યો તો પહેલાં સામેથી ઘરઘરાટી સંભળાઈ હતી અને પછી એક અજાણી વ્યકિતનો અવાજ સંભળાયો હતો અને એણે કહ્યું કે, ‘‘રીચા ! મરવા માટે તૈયાર થઈ જા ! તારે તારા ફ્રેન્ડ્‌સ માનવ, તેજલ, આનંદ અને કાજલ પાસે જવાનું છે !’’

‘રીચા !’ સોફિયાએ અધીરાઈ સાથે પૂછયું : ‘એ વ્યક્તિએ તારું મોત કયારે ? કેટલા વાગ્યે થશે એ કંઈ કહ્યું હતું ખરું ? !’

‘ના ! એણે આટલી વાત કરી એ સાથે જ મેં મોબાઈલ બાજુ પર મૂકી દીધો હતો અને એ પછી તારો, માનવનું મોત થઈ ગયાના સમાચારવાળો કૉલ આવ્યો હતો.’

‘...એ એક મિસ્ડ્‌ કૉલ આવ્યો એ પછી ફરી એ વ્યકિતનો કૉલ આવ્યો નથી ને ?’

‘ના !’ રીચા બોલી.

‘તારો મોબાઈલ કયાં છે ? !’

‘આ રહ્યો !’ કહેતાં રીચાએ પર્સમાંથી પોતાનો મોબાઈલ ફોન કાઢીને સોફિયાને આપ્યો.

સોફિયાએ મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢી નાંખી. તેણે મોબાઈલ અને બેટરી ટેબલ પર મૂકી : ‘હવે તારા આ મોબાઈલમાં બેટરી નથી એટલે એ વ્યકિતનો કૉલ નહિ આવે !’

‘હા !’ રીચાના ચહેરા પર નિરાંત આવી : ‘હવે એ વ્યક્તિનો કૉલ નહિ આવે. પણ..,’ રીચા બોલી : ‘આપણાં ગ્રુપે એ વ્યક્તિનું એવું તો શું બગાડી નાંખ્યું છે કે, એ વ્યક્તિ એક પછી એક આપણાં ગ્રુપના લોકોના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરીને, આમ એમના જીવ લઈ રહી છે ? ! !’

‘શી ખબર !’ સોફિયા બોલી, ત્યાં જ તેના મગજમાં એ વાત ઝબકી કે, એક પછી એક તેના ફ્રેન્ડ્‌સના મોબાઈલ ફોન પર એ વ્યક્તિના મિસ્ડ્‌ કૉલ આવી રહ્યા છે, તો તેના મોબાઈલ ફોન પર પણ એ વ્યક્તિનો મિસ્ડ્‌ કૉલ આવી શકે ! ! !

‘રીચા !’ બોલતાં સોફિયાએ પોતાનો મોબાઈલ ફોન લીધો : ‘હું મારા મોબાઈલ ફોનમાંથી પણ બેટરી કાઢી નાંખું છું.’

‘હા !’ રીચા બોલી ઊઠી : ‘આ બરાબર છે !’

સોફિયાએ તેના મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢી લીધી. તેણે પોતાનો મોબાઈલ અને એની બેટરી ટેબલ પર, તેણે રીચાનો મોબાઈલ અને બેટરી મૂકી હતી એની બાજુમાં મૂકી દીધી. ‘હવે આપણે આ બાબતમાં બેફિકર થઈ જઈએ.’ કહેતાં સોફિયા ઊભી થઈ : ‘ચાલ, આપણે કંઈ ખાઈ- પી લઈએ !’

‘હા !’ કહેતાં રીચા સોફિયા સાથે કીચન તરફ ચાલી.

૦ ૦ ૦

રાતનો એક વાગ્યો હતો. સોફિયાના બેડરુમમાં, પલંગ પર સોફિયા અને એની બાજુમાં રીચા ઊંઘી રહી હતી. ત્યાં જ અત્યારે વાતાવરણમાં ગીત ગૂંજી ઊઠયું-

‘ના મૈં જાનું...,

ના તું જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ ક્યા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?’

અને સોફિયાની આંખ ખૂલી ગઈ. તે પલંગ પર સફાળી બેઠી થઈ ગઈ. આ ગીતનો આ અવાજ ડ્રોઈંગરૂમમાંથી આવી રહ્યો હતો.

તે ઊભી થઈ. તેણે બેડરુમના દરવાજા પાસે પહોંચીને ડ્રોઈંગ-રૂમમાં નજર નાંખી અને તે ભયથી ધ્રુજી ઊઠી.

-આ માનવામાં ન આવે એવી ગજબનાક હકીકત હતી ! ! ! !

-સામે, ટેબલ પર સોફિયાએ તેના તેમજ રીચાના મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢીને જે મોબાઈલ ફોન મૂકયા હતા, એ બન્ને મોબાઈલ ફોન એમના એમ જ પડયા હતા ! એ બન્ને મોબાઈલ ફોનની બેટરીઓ પણ જેમની તેમ એ બન્ને મોબાઈલ ફોનની બાજુમાં જ પડી હતી ! પણ છતાં.., હા, છતાં પણ એ બન્ને મોબાઈલ ફોનમાંના, કોઈ એક મોબાઈલ ફોનમાંથી જ આ ફિલ્મી ગીતવાળી રિંગ ટોન-રિંગ ગુંજી રહી હતી !

‘ના મૈં જાનું...,

ના તું જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ ક્યા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?’

-‘મોબાઈલ ફોનમાં બેટરી લાગેલી નહોતી, છતાં ફિલ્મી ગીતવાળી રિંગ ટોન-આ રિંગનો અવાજ મોબાઈલ ફોનમાંથી કેવી રીતના ગુંજી શકે ? ! ?’ એ એક સવાલ હતો. અને આ સવાલની સાથે જ એક બીજો સવાલ એ પણ હતો કે, ‘અત્યારે રીચા અને સોફિયા, બન્નેના મોબાઈલ ફોનમાંથી આખરે કોના મોબાઈલ ફોનમાંથી આ રિંગ ટોન ગુંજી રહ્યો હતો ? ! ?’

( વધુ આવતા અંકે )