દહેશત - 5 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દહેશત - 5

05

સોફિયાના જમણા હાથના કાંડાથી કોણી સુધીના ભાગની ચામડી ફાડીને એક પછી એક ભયાનક વીંછીને બહાર નીકળતાં જોઈને તેજલ પગથી માથા સુધી કાંપી ઊઠી હતી-થરથરી ઊઠી હતી.

‘સોફિયા ! તું રંજનાઆન્ટી સાથે વાતો કરી રહી છે, પણ તારા હાથ તરફ જો.., ભયાનક વીંછી નીકળી રહ્યાં છે !’ તેજલની જીભે આ વાકય સળવળી ઊઠ્યું, પણ તેના મોઢેથી આ વાકય બહાર નીકળી શકયું નહિ. આટલી વારમાં તો સોફિયાના હાથમાંથી દસ-બાર વીંછી બહાર નીકળી ચૂકયા હતા અને સોફિયાના ખભા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યાં જ અત્યારે તેજલના ખભે રીચાનો હાથ મુકાવાની સાથે જ તેેના કાને રીચાનો સવાલ સંભળાયો : ‘તેજલ ! આમ તું ગભરાયેલી કેમ લાગે છે ? !’

તેજલે સોફિયા સામે જોયું : ‘આ જો કેવું ભયાનક બની રહ્યું છે ! ! સોફિયાના હાથમાંથી વીંછી નીકળી રહ્યા છે ! ! !’ તેજલની જીભ પર શબ્દો દોડી આવ્યા, પણ આ વખતેય તેજલના મોઢેથી આ શબ્દો નીકળી શકયા નહિ અને તેણે પાછું સોફિયા તરફ જોયું.

-અત્યારે હવે સોફિયાના હાથમાંથી વીંછી નીકળતા નહોતા ! ! સોફિયાના હાથની ચામડી ફાટેલી નહોતી ! સોફિયાના હાથની ચામડી પહેલા જેવી જ આખી-સાજી-સારી હતી ! !

‘તેજલ !’ તેજલના કાને ફરી રીચાનો સવાલ સંભળાયો : ‘તારી તબિયત સારી નથી કે, શું ? !’

‘હા !’ તેજલ કહ્યું, અને આ વખતે તેની જીભ પર આવેલો આ એક શબ્દ તેના મોઢાની બહાર નીકળી આવ્યો.

તેજલનો ગભરાટ વધ્યો. તેની સાથે કંઈક વિચિત્ર બની રહ્યું હતું ! તેની સામે કંઈક ભયાનક ને ભેદી બની રહ્યું હતું ! !

તેણે ફરી સોફિયા સામે જોયું. હવે સોફિયા રંજનાઆન્ટી સાથે રસોડા તરફ જઈ રહી હતી.

‘રીચા ! હું ઘરે જાઉં છું !’ તેજલ રીચાને ધીમેથી કહેતાં ઊભી થઈ અને મેઈન દરવાજા તરફ આગળ વધી ગઈ.

રીચા બેસી રહી. ‘તેજલ વિચિત્ર રીતના વર્તી રહી હતી. શું કાજલ તેમજ આનંદના મોતના આઘાતને કારણે જ આવું હતું કે, પછી તેજલના આવા વિચિત્ર વર્તન પાછળનું કારણ કંઈક જુદું હતું ?’ રીચા વિચારી રહી.

૦ ૦ ૦

રીચા સોફિયાની સાથે આનંદના ઘરની બહાર નીકળી, ત્યારે રાતના સાડા દસ વાગવા આવ્યા હતા. રીચાએ સ્કૂટર ચાલુ કર્યું. સોફિયા પાછળની સીટ પર બેઠી, એટલે રીચાએ સોફિયાના ઘર તરફ સ્કૂટર હંકારતાં પોતાના મનમાં ઘુમરાઈ રહેલી તેજલના વિચિત્ર વર્તન વિશેની વાત કરી.

‘રીચા !’ સોફિયાએ કહ્યું : ‘તેજલનું વર્તન કંઈક ન સમજાય એવું છે, પણ આવું કાજલ અને આનંદના મોતને કારણે હોય એવું લાગે છે. છતાં કાલે મળીશું, ત્યારે તેજલને પૂછી જોઈશું.’

‘ઠીક છે !’ રીચાએ કહ્યું, અને સોફિયાના ઘર પાસે સ્કૂટર ઊભું રાખ્યું. સોફિયા સ્કૂટર પરથી ઊતરી, એટલે ‘ગુડનાઈટ !’ કહેતાં રીચાએ સ્કૂટર પોતાના ઘર તરફ હંકારી મૂકયું.

સોફિયા પોતાના ઘરના મેઈન દરવાજા પાસે પહોંચી. તેણે લૉક ખોલ્યું. દરવાજો ખોલીને લાઈટ ચાલુ કરી અને દરવાજો બંધ કર્યો. તે સોફા પર ફસડાઈ.

તેના મમ્મી-ડેડી ન્યૂયોર્ક, તેના મોટાભાઈ પીટર પાસે ગયા ન હોત અને અત્યારે અહીં તેની સાથે હોત તો તેને હૂંફ અને હિંમત મળી રહેત. તેના મમ્મી-ડેડી હજુ અઠવાડિયા પહેલાં જ ગયાં હતાં અને પૂરા ત્રણ મહિના ત્યાં રહીને પાછા ફરવાના હતા.

તે નિશ્વાસ નાંખતાં ઊભી થઈ અને બેડરૂમ તરફ આગળ વધી.

બે દિવસમાં તેના બે ફ્રેન્ડ્‌સ કાજલ અને આનંદના ભેદી મોતે તેને દુઃખી કરી નાંખી હતી. તેને મૂંઝવી નાંખી હતી. તેની ભૂખ મારી નાંખી હતી. તે ખાલી પેટે પલંગ પર લેટી ને આંખો મીંચી.

જોકે, તેને ખબર હતી, કાજલ અને આનંદના મોત પહેલાં, એમના મોબાઈલ ફોન પર, એમના મોતના મેસેજવાળા જે ભેદી મિસ્ડ્‌ કૉલ આવ્યા હતા, એ વિશેના સવાલો તેને નિરાંતે ઊંઘવા દેવાના નહોતા !

-કાજલ અને આનંદને મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિ કોણ હતી ?

-એ વ્યક્તિએ શા માટે અગાઉથી મોબાઈલ ફોન પર એમના મોતનો સમય આપીને, બરાબર એ જ સમયે એમને મોતને ઘાટ ઊતાર્યા હતા ? ! ?

-આ અને આવા બીજા સવાલો તેને ઊંઘવા દેવાના નહોતા.

તે પડખું ફરી. તેણે નક્કી કર્યું. ‘આજે બપોરના આનંદને જેણે મરતાં જોયો હતો અને જેણે તેને મોબાઈલ ફોન કરીને આનંદ મરી ગયાના સમાચાર આપ્યા હતા, એ દવાવાળા કાકાને તે કાલે સવારે મળવા જશે ! કદાચને એ કાકાની કોઈ વાત પરથી આનંદના મોત પાછળનો ભેદ ખૂલી જાય ! ! !’

૦ ૦ ૦

રાતના અગિયાર વાગ્યા હતા.

બહારગામથી ઘરે પાછા ફરેલા સબ ઈન્સ્પેકટર જિમીએ પોતાની પાસેની ચાવીથી લેચ-કીવાળું લૉક ખોલીને મેઈન દરવાજો ખોલ્યો.

અંદર અંધારું હતું. તેણે બેગ બાજુ પર મૂકીને, લાઈટ ચાલુ કરી અને દરવાજો બંધ કર્યો. તેણે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો અને પોતાની નાની બહેન સુઝેનનો મોબાઈલ નંબર લગાવ્યો.

-મોબાઈલમાં-સામેથી રિંગ સંભળાવા લાગી. થોડી વાર સુધી સામેથી રિંગ સંભળાતી રહી, પણ સામેથી સુઝેને મોબાઈલ લીધો નહિ. જિમીએ ફરી સુઝેનનોે મોબાઈલ નંબર લગાવ્યો, ત્યાં જ તેનું ધ્યાન ડાબી બાજુ, બહાર લૉન પર-સ્વિમિંગ પુલ પર જવાના દરવાજા તરફ ગયું.

-એ દરવાજો ખુલ્લો હતો !

તેણે લૉનની લાઈટ ચાલુ કરી. તે દરવાજાની બહાર નીકળીને લૉનમાં આવ્યો, ત્યાં જ તેનું ધ્યાન એ તરફ ખેંચાયું કે, સામે પડેલા ટેબલ પર જ સુઝેનનો મોબાઈલ પડયો હતો અને એ રણકી રહ્યો હતો !

‘પોતાનો મોબાઈલ અહીં ઘરે જ મૂકીને સુઝેન કયાં ગઈ હશે ?’ વિચારતાં જિમીએ કૉલ કટ્‌ કર્યો. ટેબલ પર પડેલા સુઝેનના મોબાઈલની રિંગ ગૂંજતી બંધ થઈ. જિમી ટેબલ પાસે પહોંચ્યો, તો ટેબલ પર સુઝેનના મોબાઈલ ફોનની બાજુમાં સુઝેનનું લૅપટોપ ખુલ્લું પડયું હતું. એ લૅપટોપ ચાલુ હતું. ‘સુઝેન એવી તો કેવી ઉતાવળમાં હશે કે, એ પોતાનો મોબાઈલ અહીં ઘરમાં જ ભૂલીને અને લૅપટોપ પણ આમ ચાલુ મૂકીનેે બહાર નીકળી ગઈ ? !’ આવા સવાલ સાથે જિમી ખુરશી પર બેસવા ગયો, ત્યાં જ બાજુમાં આવેલા સ્વિમિંગ પુલમાં તેની નજર પડી.

સુઝેન સ્વિમિંગ પુલમાં હતી !

જિમી સ્વિમિંગ પુલ નજીક પહોંચ્યો અને સુઝેનને જોતાં જ તે ચોંકી ઊઠ્યો.

સુઝેનનું શરીર ફૂલી ગયેલું લાગતું હતું અને એની આંખો બંધ હતી. સુઝેનના ચહેરાને જાણે કોઈએ ખોતરી કાઢયો હોય એવા નખના નિશાન પડેલાં હતાં !

જિમીએ સ્વિમિંગ પુલમાં ઝંપાલાવ્યું અને સુઝેનને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી. તેણે સુઝેનને તપાસી અને તેના પગ નીચેની જમીન સરકી ગઈ.

-સુઝેન મરી ચૂકી હતી.

જિમી પૂતળું બની ગયોે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

તે સુઝેનથી સાત વરસ મોટો હતો. તેના ડેડી આર્મીમાં હતાં. ચાર વરસ પહેલાં, તેના ડેડી, તેની મમ્મીને લઈને ફરવા ગયા, ત્યારે જીપ અકસ્માતમાં એ બન્નેનું મોત થઈ ગયું હતું. એ પછી ઘરમાં તે અને સુઝેન બે જણાં જ હતાં. બન્નેને એકબીજા વિના ચાલતું નહોતું, અને આજે આમ અચાનક જ સુઝેન તેને હંમેશ માટે છોડીને ચાલી ગઈ હતી ! સુઝેન સ્વિમિંગ પુલમાં ડૂબીને મરી ગઈ હતી ! પણ...પણ સુઝેન તો સ્વિમિંગ ખૂબ જ સારું જાણતી હતી, એ કંઈ ડૂબી જાય એમ નહોતી. અને...અને એના ચહેરા પરના નખના નિશાન પણ તો એની કોઈની સાથે ઝપાઝપી થઈ હોવાની હકીકત તરફ આંગળી ચિંધતાં હતાં ને !’ અને જિમીના મગજમાંથી આ વાત પસાર થઈ, ત્યાં જ તેનું ધ્યાન સુઝેનના જમણા ગાલ તરફ ખેંચાયું. સુઝેનનો ગાલ સહેજ ઊપસેલો હતો. ગાલની અંદર, ગલોફામાં-મોઢામાં કોઈક વસ્તુ હોય એવું લાગતું હતું ! !

જિમીએ સુઝેનના શબનું મોઢું ખોલ્યું અને હાથની બે આંગળી એના મોઢામાં નાંખીને, મોઢામાંની એ વસ્તુ બહાર કાઢી.

-તે એ વસ્તુને જોઈ રહ્યો !

-એ વસ્તુ સફેદ અને ચીકણી હતી !

-એ વસ્તુ ચ્યુઈંગગમ હતી !

-હા ! ચ્યુઈંગગમ ! !

-અને...,

-...અને હા ! આવી જ ચ્યુઈંગગમ આનંદનું મોત થયું, એ પછી એના મોઢામાંથી પણ નીકળી હતી અને પેલા દવાની દુકાન-વાળા કાકાએ એ ચ્યુઈંગગમને જોઈને પછી ફેંકી દીધી હતી.

૦ ૦ ૦

સોમવારની સવારના દસ વાગ્યા હતા. અત્યારે સોફિયા, ગઈકાલે બપોરના જે કાકાની નજર સામે આનંદનું મોત થયું હતું, એ દવાની દુકાનવાળા કાકાની દુકાનમાં બેઠી હતી અને એમની સાથે આનંદના મોત વિશે વાત કરી રહી હતી.

‘એટલે..,’ સોફિયાએ કાકાને પૂછયું : ‘...તમારું એમ કહેવું છે કે, આનંદે એના ખભા તરફ જોયું હતું અને પછી એની આંખો ફાટી હતી અને પછી એણે પોતાની છાતી પર હાથ દબાવ્યો હતો ? ’

‘હા !’ દવાવાળા કાકાએ કહ્યું.

‘એટલે એણે એવી રીતના જોયું હતું કે, જાણે કોઈ એની પાછળ ઊભું હોય ? ? !’

‘હા !’ કાકાએ કહ્યું : ‘એણે જોયું તો એવી જ રીતના હતું, પણ એની પાછળ કોઈ નહોતું.’

‘શું તમે ધ્યાનથી જોયું હતું, કાકા ? !’ સોફિયાએ પૂછયું.

‘હા ! મારી ઉંમર ભલે મોટી હોય પણ હજુ મારી આંખો તેજ છે. જો એ છોકરાની પીઠ પાછળ કોઈ ઊભું હોત તો હું ચોકકસ એને જોઈ શકયો હોત.’

‘હં !’ સોફિયાએ કહ્યું અને વિચારમાં પડી, ‘કાકાની વાત પરથી લાગતું હતું કે, આનંદને હાર્ટએટેક જ આવ્યો હતો. પણ એ હાર્ટએટેક, મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિએ આનંદને એના મોતનો જે સમય આપ્યો હતો, બરાબર એ જ સમયે આવ્યો હતો ! અને એટલે આનંદનું મોત ભેદી હતું એ વાતમાં બે મત નહોતા !

‘દીકરી ! ચા-ઠંડું કંઈ પીશ ?’ કાકાનો સવાલ કાને પડયો, એટલે સોફિયા વિચારોમાંથી બહાર આવી. ‘ના, કાકા ! હવે હું નીકળીશ.’ કહેતાં સોફિયા ઊભી થઈ, ત્યાં જ કાકા બોલી ઊઠયા : ‘અરે હા, દીકરી ! એ છોકરાનો ફોન તો મારી પાસે જ રહી ગયો છે !’ અને કાકાએ ખાનામાંથી આનંદનો મોબાઈલ ફોન કાઢીને સોફિયાને આપ્યો.

સોફિયા કાકાનો આભાર માનીને દુકાનની બહાર નીકળી. તે ટૅકસીમાં બેઠી. ટૅકસી તેના ઘર તરફ ચાલી, એટલે તેણે આનંદના મોબાઈલ ફોનમાં, આનંદે છેલ્લે લગાવેલો મોબાઈલ નંબર જોયો.

-એ નંબર તેજલનો-તેજલના મોબાઈલ ફોનનો હતો !

‘તો આનો અર્થ એ કે, આનંદે જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો એ પહેલાં, છેલ્લે એણે તેજલના મોબાઈલ ફોન પર કૉલ કર્યો હતો અને એણે તેજલ સાથે વાત કરી હતી !’ અને સોફિયાએ આનંદના મોબાઈલમાં, આનંદે કેટલા વાગ્યે તેજલને કૉલ લગાવ્યો હતો, એ સમય જોયો.

-એ સમય હતો, ગઈકાલ બપોરના બાર વાગ્યા ને ઉપર એક મિનિટનો !

‘આનો અર્થ એ કે, આનંદ મરણ પામ્યો એની નજીકની પળોમાં જ એણે તેજલના મોબાઈલ ફોન પર કૉલ કર્યો હતો અને તેજલ સાથે વાત કરી હતી ! આનંદે પોતાની જિંદગીની એ આખરી પળોમાં તેજલ સાથે શું વાત કરી હશે ? !’ અને આનો જવાબ મેળવવા માટે સોફિયાએ પોતાના મોબાઈલ ફોન પરથી તેજલનો મોબાઈલ નંબર લગાવ્યો.

બીજી જ પળે, મોબાઈલમાં- સામેથી તેજલનો મોબાઈલ ફોન કવરેજ એરિયાની બહાર હોવાનો સંદેશો સંભળાવા લાગ્યો.

સોફિયાએ બીજી બે-ત્રણ વખત તેજલનો મોબાઈલ નંબર લગાવ્યો, પણ આ સંદેશો જ સાંભળવા મળ્યો, એટલે સોફિયાએ તેજલના ઘરનો ફોન નંબર લગાવ્યો.

-સામેથી રિંગ વાગવા માંડી.

-સામેથી તેજલ કે, એની મમ્મી ફોન ઉઠાવશે, એવી સોફિયાની ગણતરી ખોટી પડી. સામેથી રિંગ વાગતી રહી, પણ કોઈએ ફોન ઉઠાવ્યો નહિ. આટલી વારમાં ટૅકસી સોફિયાના ઘર પાસે પહોંચી ચૂકી હતી. સોફિયા ટૅકસી ઊભી રખાવીને ટૅકસીમાંથી ઊતરી.

‘તે મોડેથી તેજલનો કૉન્ટેેકટ્‌ કરશે.’ એવા વિચાર સાથે સોફિયા ઘર તરફ આગળ વધી ગઈ.

૦ ૦ ૦

રાતના અગિયાર વાગ્યા ને પાંત્રીસ મિનિટ થઈ હતી.

સોફિયાએ સવારથી અત્યાર સુધીમાં તેજલનો મોબાઈલ નંબર ચાર-પાંચ વખત લગાવી જોયો હતો, તો તેજલનો મોબાઈલ કવરેજ એરિયા બહાર હોવાનું જ બતાવતો હતો.

‘થોડીવાર પછી ટ્રાય કરી જોઉં છું.’ એવા વિચાર સાથે સોફિયાએ પોતાનું ધ્યાન કાજલ અને આનંદના મોતની ભેદી ઘટનાથી દૂર રાખવા ટી. વી. ચાલુ કર્યું.

બરાબર આ પળે જ, અહીંથી થોડાંક કિલોમીટર દૂર આવેલા રેલ્વે સ્ટેશનમાં આવી પહોંચેલી ટ્રેનમાંથી તેજલ ઊતરી.

આજે વહેલી સવારના તેના માસાનો ફોન આવ્યો કે, તેની માસીની તબિયત સારી નથી, એટલે તેની મમ્મી એકલી જ સુરત જવા માટે તૈયાર થઈ હતી, પણ તે કાજલ અને આનંદના મોતનો ગમ ભુલાવવા અને તેની સાથે બની રહેલી ભયાનક અને વિચિત્ર ઘટનાઓથી પીછો છોડાવવા માટે તેની મમ્મી સાથે સુરત ચાલી ગઈ હતી. પણ ત્યાંય તેને ચેન પડયું નહોતું. અને એટલે તે મમ્મીને માસી પાસે મૂકીને સુરતથી પાછી આવી ગઈ હતી.

અત્યારે તે સ્ટેશનની બહાર નીકળી. તેનું ઘર સ્ટેશનથી થોડેક જ દૂર હતું, એટલે તે ચાલતી જ ઘર તરફ આગળ વધી.

તે ફૂટપાથ પર ચાલતી સ્ટેશનથી થોડેક દૂર પહોંચી, એટલે આસપાસમાં લોકોની અવર-જવર ઓછી થવા માંડી. તે ડાબી બાજુના રસ્તા પર વળી. આ રસ્તા પરની અવર-જવર બિલકુલ પાંખી હતી. છેક આગળ જમણી બાજુ એક દુકાન ખુલ્લી હોય એવું લાગી રહ્યું હતું.

ઝુુઉઉઉઉઉ...!

તેજલને અચાનક જ તેની પીઠ પાછળથી કોઈ પસાર થઈ ગયું હોય એવું લાગ્યું ! તેણે ગભરાઈ ઊઠતાં પાછળ ફરીને જોયું.

-...પાછળ કોઈ નહોતું !

‘તેણે ચાલીને ઘરે જવાને બદલે સ્ટેશન પરથી ટૅકસી કરી લેવાની જરૂર હતી !’ એવા અફસોસ સાથે તેણે ચાલવાની ઝડપ વધારી, ત્યાં જ તેની નજર જમણી બાજુ પડી.

જમણી બાજુ, વચ્ચેની પહોળી સડક પછી, સામેની ફૂટપાથ પર બસ સ્ટેન્ડ હતું અને એ બસ સ્ટેન્ડ પાસે એક સ્ત્રી ઊભી હતી !

એ સ્ત્રીનો ચહેરો જોતાં જ તેજલ ખળભળી ઊઠી !

-એ સ્ત્રી.., એ સ્ત્રી એ જ હતી, જે ગઈકાલે રાતના તે આનંદના ઘરે બેઠી હતી ત્યારે તેને બારી બહાર, લીમડાના ઝાડ નીચે ઊભેલી દેખાઈ હતી અને પછી એ સ્ત્રીના શરીર પર આગ ભડકી હતી ને એ સ્ત્રી સળગી ઊઠી હતી ! ! !

( વધુ આવતા અંકે )