Daheshat - 2 books and stories free download online pdf in Gujarati

દહેશત - 2

02

કાજલ સાથે ઍમ્બ્યુલન્સ ટકરાઈ અને કાજલનો જીવ નીકળી ગયો એની ત્રીસમી સેકન્ડે કાજલના કૉલેજ ફ્રેન્ડ આનંદના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. આનંદ બાઈક ચલાવી રહ્યો હતો, એટલે તેનું ધ્યાન મોબાઈલની રિંગ તરફ ગયું નહિ. તેણે પોતાના ઘરના મેઈન દરવાજા પાસે બાઈક ઊભી રાખી અને બાઈકનું એન્જિન બંધ કર્યું, ત્યાં જ તેના કાને ફિલ્મી ગીત પડયું,

‘ના મૈં જાનું..., ના તુ જાને...,

કિસ ઘડી મેં..., હોના હૈ કયા...?

જિંદગી કે..., ઈસ જુએ મેં...,

પાના કયા હૈ ? ખોના હૈ કયા...?’

આનંદે આસપાસમાં જોયું અને તેને ખ્યાલ આવ્યો કે, આ ફિલ્મી ગીતનો અવાજ તેના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનમાંથી આવી રહ્યો હતો. ‘તેણે તો મોબાઈલમાં મ્યુઝિકની રિંગટોન સેટ કરી હતી, પછી આ ફિલ્મી ગીત કેમ વાગવા માંડયું ? !’ મનમાં જાગેલા આ સવાલ સાથે આનંદે ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો, ત્યાં જ રિંગટોન-એ ગીત વાગવાનું બંધ થયું. ‘થોડીવાર પહેલાં તે ‘જિમ’માં એકસરસાઈઝ કરી રહ્યો હતો, ત્યારે તેના ફ્રેન્ડ માનવે તેનો મોબાઈલ હાથમાં લીધો હશે, અને એણે જ રિંગટોન બદલી નાંખી હશે,’ એવા વિચાર સાથે આનંદે મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો કાજલના મોબાઈલ નંબર પરથી મિસ્ડ કૉલ હતો.

તે ઘરમાં દાખલ થયો અને પોતાના રૂમમાં પહોંચ્યો. તેણે પલંગ પર લંબાવતાં કાજલના મિસ્ડ્‌ કૉલ પર કૉલ લગાવ્યો, અને મોબાઈલ કાન પર મૂકયો. અને બીજી જ પળે તેણે મોબાઈલ પર વાત કરવા માંડી : ‘હા, બોલ ! કાજલ !’

અને મોબાઈલમાંની સામેની વાત સાંભળીને આનંદ હસી પડયો : ‘આ તું શું બોલી રહી છે, કાજલ ? ! હું તો આમેય તારા ‘લવ’માં જીવતે જીવ મરી ગયેલા જેવો જ છું !’

અને મોબાઈલમાં સામેથી અવાજ આવ્યો, એટલે વળી પાછો આનંદ બોલી ઊઠયો : ‘કાજલ ! તું કાલ બપોરના બાર વાગ્યાની વાત કરી રહી છે ? અરે ! તું કહેતી હોય તો હું અત્યારે જ તારા માટે મરી જવા તૈયાર છું !’

અને સામેથી ફરી અવાજ આવ્યો, અને આનંદ કંઈ બોલવા ગયો, ત્યાં જ તેના કાને તેની મમ્મી સુનયનાનો અવાજ સંભળાયો : ‘આનંદ ! તું ભાજી-પાંઉ માટે પાઉં લઈ આવ્યો ને ?’

‘કાજલ ! હું પછી તારી આ મજાકનો જવાબ આપું છું !’ કહીને આનંદેે મોબાઈલ ફોન ખિસ્સામાં મૂકયો, ત્યાં જ દરવાજે તેની મમ્મી સુનયના દેખાઈ.

‘મમ્મી ! હું પાઉં લાવવાનું ભૂલી જ ગયો, પણ હું આ ગયો ને આ પાછો આવ્યો !’ કહેતાં આનંદ મમ્મી પાસેથી પસાર થઈને મેઈન દરવાજા તરફ ધસ્યો.

‘હવે ઉતાવળ ના કરતો. બાઈક ધીમે ચલાવજે.’ મમ્મીનો અવાજ કાને પડયો, ત્યાર સુધીમાં આનંદ મેઈન દરવાજા બહાર નીકળી ચૂકયો હતો.

આનંદ બાઈક પર સવાર થયો અને તેણે બૅકરી તરફ બાઈક દોડાવી, ત્યારે તેના મગજમાં થોડીક પળો પહેલાં મોબાઈલમાં કાજલે કરેલી વાત જ ઘુમરાતી હતી. ‘આ કાજલ પાગલ થઈ ગઈ છે કે, શું ? ! એ કેવી વિચિત્ર વાત કરી રહી હતી. પણ હુંય તે કયાં ઓછો છું. હું મોડેથી કાજલનેે મોબાઈલ કરીને એની બરાબરની ફિલમ ઊતારું છું.’

જોકે, આવું વિચારી રહેલા આનંદને એ દુઃખભરી હકીકતની ખબર નહોતી કે, કાજલ તો મરી ચૂકી છે ! ! !

૦ ૦ ૦

કાજલના ઘરથી થોડેક દૂર આવેલી એ ગલીની ફૂટપાથ પર સફેદ કપડું ઢંકાયલું કાજલનું શબ પડયું હતું. કાજલના શબની નજીકમાં જ કાજલની મોટી બહેન કિન્નરી રોતી-કકળતી બેઠી હતી. કિન્નરીની આજુબાજુ કાજલની સહેલીઓ તેજલ અને રીચા પણ આંસુ સારતી બેઠી હતી. નજીકમાં પોલીસ આ એક્‌સીડન્ટની તપાસ કરી રહી હતી.

કાજલની ખાસ સહેલી સોફિયા નજીકમાં ઊભી હતી. સોફિયાની આંખોમાંય આંસુ રોકાતાં નહોતાં, પણ અત્યારે તેનું ધ્યાન પોલીસ-તપાસ તરફ હતું. કારણ કે, તેના માટે કાજલનું આ મોત કુદરતી નહોતું. તેના માટે કાજલનું મોત ભેદી હતું ! રહસ્યમય હતું ! ! તે ચાર કલાક પહેલાં કાજલ સાથે મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં વાતો કરતી ઊભી હતી, ત્યારે કાજલે તેને એક મિસ્ડ્‌ કૉલની વાત કરી હતી. કાજલે એ મિસ્ડ્‌ કૉલ પર કૉલ કર્યો હતો, ત્યારે સામેની વ્યક્તિએ કાજલને ‘‘આજે બરાબર સાત વાગ્યે એનું મોત થઈ જશે,’’ એવું કહ્યું હતું.’

કાજલ એવું માનતી હતી કે, એના કૉલેજ ફ્રેન્ડ આનંદે એની સાથે આવી મજાક કરી હતી, તો સોફિયાએ પોતે પણ આ કામ આનંદનું હશે, એમ માનીને આ વાતને ગંભીરતાથી લીધી નહોતી.

પણ ફિલ્મનો શૉ છૂટયા પછી કાજલથી છૂટી પડીને સોફિયા ઘરે પહોંચી હતી, અને રિલેક્સ થઈ રહી હતી, ત્યાં જ કાજલની મોટી બહેન કિન્નરીનો મોબાઈલ આવ્યો હતો. કિન્નરીએે રોતા-કકળતા સોફિયાને કાજલના એક્‌સીડન્ટના સમાચાર આપ્યા હતા ને અહીંનું એડ્રેસ આપ્યું હતું.

સોફિયા આઘાત ને આંચકાથી અધમૂઈ થયેલી હાલતમાં અહીં આવી ત્યારે ખાસ્સી ભીડ જમા થયેલી હતી. તેજલ અને રીચા આવી ચૂકી હતી અને એ બન્ને જણીઓ કિન્નરી પાસે બેઠી હતી.

પણ સોફિયા પોતે કિન્નરી પાસે બેસી જવાને બદલે પોલીસતપાસ થઈ રહી હતી, ત્યાં પોતાના કાન અને ધ્યાન ધરીને ઊભી હતી.

જે ઍમ્બ્યુલન્સે કાજલને કચડી મારી હતી, એ ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર સોમુ અકસ્માત થતાં જ બેહોશ થઈ ગયો હતો, પણ એ થોડી વાર પહેલાં જ હોશમાં આવ્યો હતો, અને અત્યારે એ વાતચીત કરી શકવાની હાલતમાં આવ્યો હતો, એટલે સબ ઈન્સ્પેકટર અરિજીત એને પૂછપરછ કરી રહ્યો હતો.

‘ના, સાહેબ !’ ઍમ્બ્યુલન્સના ડ્રાઈવર સોમુએ કહ્યું : ‘ઍમ્બ્યુલન્સમાં કોઈ પૅશન્ટ હતું જ નહિ કે, મારે ઍમ્બ્યુલન્સ દોડાવવાની થાય અને એમાં આ અકસ્માત થયો હોય !’

‘...તો ? !’ સબ ઈન્સ્પેકટર અરિજીતે પૂછયું.

‘મને એ જ સમજાતું નથી કે, આવું કેવી રીતના બન્યું ? ! ?’

‘એટલે...? ! ?’ અરિજીતે આંખો ઝીણી કરતાં સોમુને પૂછયું : ‘તું કહેવા શું માંગે છે ?’

સોફિયાએે પોતાના કાન વધુ સરવા કર્યા.

‘સાહેબ ! હું ઍમ્બ્યુલન્સને સર્વિસ માટે ગૅરેજમાં મૂકીને વહેલો ઘરભેગો થઈ જવાની ઉતાવળમાં ઍમ્બ્યુલન્સ સ્પીડમાં હંકારતો આ ગલીમાં દાખલ થયો હતો, અને હું સાચું કહું છું, સાહેબ,’ સોમુની આંખોમાં આંસુ ઊભરાયાં : ‘મારો કોઈ વાંક નહોતો, અને...અને આ બહેનનો પણ કોઈ કસૂર નહોતો. એ બિચારી તો આ બાજુની ફૂટપાથ પર છેક અંદરની તરફ ચાલી રહી હતી, પણ અચાનક જ જાણે કોઈએ મારી ઍમ્બ્યુલન્સનું સ્ટીઅરિંગ આ બહેન તરફ વાળી દીધું હોય એવું બન્યું હતું, અને મેં બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બ્રેક પણ લાગી નહોતી ને ઍમ્બ્યુલન્સ આ બહેન સાથે ટકરાઈ ગઈ હતી !’

‘તો આનો અર્થ એ કે, ઍમ્બ્યુલન્સમાં કોઈ ખરાબી થઈ હશે.’ અરિજીતે કહ્યું : ‘તમે લોકો તમારા વાહનોને સમયસર સર્વિસ કરાવી લેતાં હોવ તો આમ નિર્દોષ લોકોના જીવ ન જાય.’

હવે સોમુથી એક ધ્રુસકું મુકાઈ ગયું.

સોફિયા એક તરફ બેસી ગઈ. તે વિચારી રહી, ‘પોલીસે કરેલી પૂછપરછ પરથી એ વાત સામે આવતી હતી કે, આમાં ઍમ્બ્યુલન્સના ડ્રાઈવરનો કોઈ વાંક નહોતો કે, કાજલનો પણ કોઈ કસૂર નહોતો. સર્વિસ માટે ગૅરેજ પર જઈ રહેલી ઍમ્બ્યુલન્સમાં કોઈ ખામી ઊભી થઈ હતી, અને એના કારણે ઍમ્બ્યુલન્સ કાબૂ બહાર જઈને કાજલ સાથે અથડાઈ ગઈ હતી.

‘આ વાત ગળે ઊતરતી હતી, પણ...પણ એ મિસ્ડ્‌ કૉલનું શું ?

‘કાજલના મોબાઈલ ફોન પર બપોરના એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને કાજલે સામેથી એ મિસ્ડ્‌ કૉલ કરનાર વ્યક્તિને કૉલ કરીને એ વ્યક્તિ સાથે વાત કરી હતી. ત્યારે એ વ્યક્તિએ કાજલને, બરાબર સાંજના સાત વાગ્યે એનું મોત થઈ જશે, એવું કહ્યું હતું, અને એ વ્યક્તિના કહેવા પ્રમાણે સાત વાગ્યાની આસપાસ જ કાજલનું એક્‌સીડન્ટમાં મોત થયું હતું ! !

‘શું આ જોગાનુજોગ હતો ? કે પછી આની પાછળ ખરેખર એ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિનો જ હાથ હતો ? !’ અને સોફિયાના મગજમાં ઝબકારો થયો, ‘તેણે કાજલનો મોબાઈલ ફોન જોવો જોઈએ. એની પર આવેલા એ મિસ્ડ્‌ કૉલના નંબર-વાળી વ્યક્તિને પકડવી જોઈએ.’ અને સોફિયાએ જોયું, તો હેડ કોન્સ્ટેબલ ગેમાજી તેની નજીક આવીને ઊભો રહ્યો.

‘દીકરી ! તું મરનારની સગી છે ને ? !’

‘હા !’ સોફિયા બોલી.

‘દીકરી !’ હેડ કોન્સ્ટેબલ ગેમાજી બોલ્યો : ‘ આ મરનારનું પર્સ છે. એમાં એનો મોબાઈલ ફોન પણ મૂકી દીધો છે. શબનું પોસ્ટમોર્ટમ થશે એટલે શબ તમને મળી જશે.’ ગેમાજીએ સોફિયાને પર્સ આપ્યું અને કહ્યું : ‘દીકરી ! આમને ઘરે લઈ જા.’

‘જી !’ કહેતાં સોફિયાએ જોયું તો કિન્નરી હજુય તેજલ અને રીચાને વળગીને રડી રહી હતી.

કિન્નરીનું ઘર નજીક જ હતું, પણ કિન્નરીને ચલાવીને ઘરે લઈ જઈ શકાય એવી હાલતમાં એ નહોતી, એટલે સોફિયા ગલીના નુકકડ પરથી ટેક્‌સી લઈ આવી. આટલી વારમાં કાજલનું શબ શબવાહિનીમાં મુકાઈ ચૂકયું હતું અને કિન્નરી ઝાલી ઝલાતી નહોતી.

સોફિયાએ તેજલ અને રીચાની મદદથી કિન્નરીને ટેકસીની પાછલી સીટ પર વચ્ચે બેસાડી. તેજલ કિન્નરીની ડાબી બાજુ બેઠી. સોફિયા કિન્નરીની જમણી બાજુ બેઠી અને પછી એનું માથું પોતાના ખભા પર લઈને એને રડવા દીધી.

રીચા આગલી સીટ પર બેઠી.

ટેકસી કાજલ.., કિન્નરીના ઘર તરફ આગળ વધી, ત્યારે સોફિયાના મન-મગજમાં બપોરે કાજલના મોબાઈલ ફોન પર આવેલો, કાજલના મોતના મેસેજ-વાળો મિસ્ડ્‌ કોલ ભમતો હતો !

૦ ૦ ૦

આનંદ તેની મમ્મી સુનયના અને ડેડી લલિતકુમાર સાથે ડાઈનિંગ ટેબલ પર ભાજી-પાંઉ જમી રહ્યો હતો, ત્યાં જ આનંદના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. આનંદે મોબાઈલમાં જોયું તો સોફિયાનો મોબાઈલ હતો. તેણે મોબાઈલનું બટન દબાવીને કહ્યું : ‘હા, બોલ સોફિયા !’ અને મોબાઈલમાંની વાત સાંભળીને તેના મોઢેથી ‘હેં...!’ નો એક શબ્દ નીકળ્યો અને તેના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો.

‘શું થયું ?’ આનંદના મમ્મી-ડેડી બન્ને એકીસાથે પૂછી ઊઠયાંં.

આનંદે જવાબ આપ્યો નહિ.

આનંદના ડેડી લલિતકુમારે નીચે પડેલો મોબાઈલ ઊઠાવીને કાને મૂકયો અને બોલ્યા : ‘હેલ્લો સોફિયા ! હું લલિતઅંકલ બોલું છું ! શું થયું ?’

‘અંકલ !’ અને સામેથી સોફિયાનું ધ્રુસકું સંભળાયું : ‘કાજલનું એક્સીડન્ટમાં ડેથ થઈ ગયું. એ...એ અમને છોડીને...’

‘બેટી ! બધાં હિંમત રાખો.’ લલિતકુમારે કહ્યું : ‘હું આનંદને લઈને ત્યાં પહોંચું છું.’ અને લલિતકુમારે મોબાઈલ કટ્‌ કર્યો અને આનંદ સામે જોયું.

આનંદ મૂઢ બની ગયો હતો.

લલિતકુમારે આનંદની પીઠ પર દિલાસાભર્યો હાથ ફેરવ્યો, અને એ સાથે જ આનંદ પોક મૂકતાં લલિતકુમારને વળગી પડયો.

૦ ૦ ૦

રાતના નવ વાગ્યા હતા. કાજલના ઘરમાં પાસ-પાડોશીઓની ભીડ જમા થયેલી હતી. કાજલના આ અચાનક મોતે બધાંને દુઃખી કરી નાંખ્યા હતા.

સોફિયા કાજલના બેડરૂમમાં બેઠી હતી. તે બેચેની અનુભવી રહી હતી. તે વિચારમાં પડી, ‘પોલીસ ગમે તે માને પણ કાજલનું મોત ફકત એક અકસ્માત નહોતું. એની પાછળ કંઈક ભેદ હતો ! બપોરે કાજલને એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને એ મિસ્ડ કૉલ પર કાજલે કૉલ કર્યો ત્યારે સામેની વ્યક્તિએ ‘‘કાજલનું મોત સાંજના સાત વાગ્યે થશે,’’ એવું કહ્યું હતું. અને બરાબર સાંજના સાત વાગ્યે જ કાજલનું મોત થયું હતું ! અને આ હકીકત કાજલના મોત.., એના કમોત પાછળ કોઈ રહસ્ય-કોઈ ભેદ છુપાયેલો હોવા તરફ આંગળી ચીંધી રહી હતી !’

‘સોફિયા !’ સોફિયાના કાને અવાજ સંભળાયો, એટલે તેણે વિચારોમાંથી બહાર આવતાં જોયું તો આનંદ તેની સામે ઊભો હતો. આનંદની આંખો રડવાના કારણે લાલઘૂમ થયેલી હતી. આનંદને જોતાં જ સોફિયાની અત્યાર સુધી જળવાયેલી હિંમત તૂટી ગઈ. તે મન મૂકીને રડી પડી.

હવે આનંદે મન મક્કમ રાખ્યું ને સોફિયાને શાંત પાડવા માંડયો.

થોડીવારે સોફિયા શાંત પડી.

‘આ..,’ આનંદે દુઃખી અવાજે પૂછયું : ‘...આ અચાનક કેવી રીતના થઈ ગયું, સોફિયા ? !’

‘આપણને આ અચાનક લાગે છે, આનંદ ! પણ આ અચાનક નથી બન્યું !’ સોફિયાએ કહ્યું : ‘બપોરના કાજલના મોબાઈલ ફોન પર ‘‘આજે સાંજના બરાબર સાત વાગ્યે એનું મોત થશે,’’ એવો કૉલ આવ્યોે...’

‘...એટલે-એટલે શું કાજલને પણ એવો કૉલ આવ્યો હતો ? !’

‘કાજલને પણ એવો કૉલ આવ્યો હતો, એટલે...? ! એટલે તું કહેવા શું માંગે છે ? ! ?’ સોફિયાએ અધીરાઈભેર પૂછયું : ‘શું કોઈ બીજાને પણ એવો કૉલ આવ્યો હતો ? !’

‘પહેલાં તું મને એ કહે..,’ આનંદે પૂછયું : ‘કાજલને કેવો કૉલ આવ્યો હતો ? !’

સોફિયાએ કાજલને ‘એનું બરાબર સાંજના સાત વાગ્યે મોત થશે’, એવો કૉલ આવ્યો હતો, એ આખી વાત કરી અને પછી આગળ કહ્યું : ‘કાજલ અને મારું એમ માનવું હતું કે, તેં કાજલને ડરાવવા-ગભરાવવા માટે આવી મજાક કરી હતી !’

‘મેં કાજલ સાથે આવી કોઈ મજાક કરી નહોતી. પણ સાંજના કાજલે જ મારી સાથે આવી મજાક કરી હતી.’ આનંદે કહ્યું : ‘કાજલે મને મિસ્ડ્‌ કૉલ કર્યો હતો અને સામેથી મેં એને કૉલ કર્યો ત્યારે કાજલે સહેજ ઘરઘરાટીવાળા અવાજમાં મને કહ્યું કે, ‘‘કાલ બપોરના બરાબર બાર વાગ્યે મારું મોત થઈ જશે.’’

‘કાજલે.., કાજલે તને આવું કહ્યું ? ! ? !’ સોફિયાએ પૂછયું.

‘...તો નહિ તો શું ! !’

સોફિયા આનંદ સામે તાકી રહી-મૂંઝવણ સાથે વિચારી રહી, ‘આજે બપોરના કાજલના મોબાઈલ ફોન પર કૉલ આવ્યો હતો કે, ‘‘સાંજના સાત વાગ્યે એનું મોત થઈ જશે.’’ અને મોબાઈલમાંની વ્યક્તિના કહેવા પ્રમાણે કાજલનું સાંજના સાત વાગ્યે મોત થઈ ગયું હતું. હવે.., હવે આનંદનું કહેવું હતું કે, ‘‘એણે કાજલ સાથે આવી કોઈ મજાક કરી નહોતી,’’ અને ઊલટાનું આનંદનું કહેવું હતું કે, ‘‘કાજલના મોબાઈલ ફોન પરથી એને મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને એણે સામે કૉલ કર્યો તો સહેજ ઘરઘરાટીવાળા અવાજમાં કાજલેે એને કહ્યું હતું કે, ‘કાલ બપોરના બાર વગ્યે એનું મોત થઈ જશે !’

‘તો...’ અને સોફિયાનું હૃદય ફફડી ઊઠયું, ‘..તો શું આજ સાંજના કાજલ સાથે જે બન્યું હતું એવું જ કાલ બપોરના આનંદ સાથે બનશે ? ! ?

‘કાજલના મોબાઈલ ફોન પર આવેલા મિસ્ડ્‌ કૉલ પ્રમાણે જ કાજલનું સાંજના સાત વાગ્યે મોત થયું હતું, તો શું આનંદના મોબાઈલ ફોન પર આવેલા મિસ્ડ્‌ કૉલ પ્રમાણે જ આનંદનું પણ કાલ બપોરના બાર વાગ્યે મોત થઈ જશે ? !’

( વધુ આવતા અંકે )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED