દહેશત - 19 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

દહેશત - 19

19

‘લાઈફ લાઈન હૉસ્પિટલ’ના ભોંયરામાં-બોગદામાં અત્યારે સોફિયા જમીન પર પીઠભેર પડી હતી, અને એની પર એનાબેલની લાશ, એનાબેલનું પ્રેત સવાર થયેલું હતું ! એનાબેલના પ્રેતની આંખોના ડોળા સોફિયાને તાકી રહ્યા હતા.

‘પ્લીઝ ! પ્લીઝ, એનાબેલ ! તું...તું મને મારીશ નહિ !’ સોફિયાએ ભયથી કંપતા અવાજે કહ્યું હતું, અનેે એનાબેલના પ્રેતે પોતાનું મોઢું ખોલ્યું હતુ.

સોફિયાએ ભયથી આંખો મિંચી દીધી.

‘હુઉઉઉઉઉઉ...’ સોફિયાના કાને અવાજ પડયો, એટલે અત્યારે સોફિયાએ એ જ રીતના ભયથી કાંપતા આંખો ખોલી નાંખી.

-એનાબેલના પ્રેતે મોઢું ફાડીને ‘હુઉઉઉઉઉઉ...’નો અવાજ કર્યો હતો.

‘પ્લીઝ !’ સોફિયાએ એ રીતના જ થરથર કાંપતાં, એનાબેલના પ્રેતને કહ્યું : ‘એનાબેલ ! મેં તારું કયાં કંઈ બગાડયું છે ? ! પ્લીઝ મને અહીંથી જીવતી જવા દે !’

‘હુઉઉઉઉઉ...!’ એનાબેલના પ્રેતે ફરી મોઢું ફાડીને આ અવાજ કાઢયો. અને અત્યારે જ હવે સોફિયાને એ વાતનો ખ્યાલ આવ્યો કે, એનાબેલનું પ્રેત કંઈ તેને ફાડી ખાવા માટે પોતાનું મોઢું ફાડી રહ્યું નહોતું, પણ એનાબેલનું પ્રેત મોઢું ફાડીને જાણે કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.

‘હુઉઉઉઉઉઉ...!’ એનાબેલના પ્રેતે ફરી મોઢું ફાડયું અને આ વખતે એની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં.

‘એનાબેલ !’ એનાબેલનું પ્રેત તેની પર સવાર થયેલું હતું, પણ હજુ સુધી એનાબેલના પ્રેતે તેને નુકશાન પહોંચાડયું નહોતું એટલે સોફિયાનો ભય સહેજ ઓછો થવાની સાથે જ તેનામાં એનાબેલના પ્રેત સાથે વાત કરવાની હિંમત આવી. ‘તું...,’ સોફિયાએ એનાબેલના પ્રેતના સળગેલા ચહેરા સામે જોઈ રહેતાં પૂછયું : ‘...તું શા માટે આવું બધું કરી રહી છે ?’

એનાબેલનું પ્રેત જાણે સોફિયાના આ સવાલનો જવાબ આપવા માંગતું હોય એમ એણે ફરીવાર પોતાનું મોઢું ખોલ્યું, પણ આ વખતે પણ એનાબેલના પ્રેતના મોઢેથી ‘હુઉઉઉઉઉઉ...’ એવો જ અવાજ નીકળ્યો.

‘સોફિયા ! તું નીચે છે ? !’ અને આ જ પળે સોફિયાના કાને સબ ઈન્સ્પેકટર જિમીનો અવાજ પડયો.

‘હા, જિમી !’ સોફિયાના મોઢેથી વાક્ય સરી પડયું : ‘હું અહીં છું !’

અને આ સાથે જ એનાબેલનું પ્રેત સોફિયા પરથી હટી ગયું અને તેની બાજુમાં લાશની જેમ ઢળી પડયું.

સોફિયાએ બેઠી થતાં ચહેરો ફેરવીને જોયું, તો જિમી ચાર પગે ચાલતો તેની તરફ જ આવી રહ્યો હતો.

સોફિયાએ પાછું તેની બાજુમાં પડેલા એનાબેલના પ્રેત તરફ જોયું.

એનાબેલનું પ્રેત એ જ રીતના લાશની જેમ પડયું હતું.

‘સોફિયા !’ જિમીએ સોફિયા પાસે આવી પહોંચતાં-તેના ખભે હાથ મૂકતાં ચિંતાભેર પૂછયું : ‘તું ઠીક તો છે ને, સોફિયા ?’

‘હા, જિમી !’ કહેતાં સોફિયાએ ફરી બાજુમાં પડેલી એનાબેલની લાશ તરફ જોયું.

‘જિમી ! આ એનાબેલની લાશ છે.’ સોફિયા દુઃખી અવાજે બોલી : ‘મારું માનવું છે કે, આનો વહેલી તકે અંતિમસંસ્કાર થઈ જાય એવું કરવું જોઈએ.’

‘..હું એની વ્યવસ્થા કરું છું.’ જિમીએ એનાબેલની લાશ પર એક ઝીણવટભરી નજર નાંખી લઈને સોફિયાને કહ્યું : ‘પણ તું પહેલાં અહીંથી અને આ હૉસ્પિટલમાંથી બહાર નીકળ.’ ને જિમી સોફિયાને એ બોગદાની બહારની તરફ લઈ ચાલ્યો.

૦ ૦ ૦

રાતના સાડા બાર વાગ્યા હતા.

‘લાઈફ લાઈન હૉસ્પિટલ’ના મેઈન દરવાજાની બહાર પોલીસની જીપો અને શબવાહિની ઊભી હતી. એનાબેલની લાશને શબવાહિનીમાં મૂકી દેવામાં આવી હતી.

જિમી પોતાના સાથી હેડ કૉન્સટેબલ સાથે શબવાહિનીની નજીકમાં જ ઊભો હતો.

જિમીએ ‘વહેલામાં વહેલી તકે એનાબેલની લાશની જરૂરી વિધિ પતાવીને એનો અંતિમસંસ્કાર કરી દેવામાં આવે,’ એવી સૂચના હેડ કૉન્સ્ટેબલને આપી અને પછી આસપાસમાં જોયું.

સોફિયા થોડેક દૂર બેઠી હતી.

જિમી સોફિયા તરફ આગળ વધી ગયો.

‘સોફિયા !’ જિમીએ સોફિયા પાસે પહોંચીને કહ્યું : ‘મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરીને મારી બહેન સુઝેન તેમ જ તારા કૉલેજ ફ્રેન્ડ કાજલ, આનંદ, તેજલ, માનવ અને રીચાને મોતને ઘાટ ઊતારનારા એનાબેલના પ્રેતનો આ ખૂની કેસ તારા કારણે પૂરો થયો. હવે એનાબેલની લાશનો અંતિમસંસ્કાર થઈ જશે એટલે એનો આત્મા-એનુ પ્રેત શાંત થઈ જશે.’ ને જિમીએ જાણે રાહતનો શ્વાસ લીધો : ‘અને એટલે હવે એનાબેલના પ્રેતે તને મોબાઈલ ફોન પર, આજે રાતના બે વાગ્યે તને ખતમ કરી નાંખવાનો જે મોતનો મેસેજ આપ્યો હતો, એનું જોખમ પણ તારા માથેથી ટળી ગયું. તું એનાબેલના પ્રેતથી હવે સલામત થઈ ગઈ.’

‘હા, પણ મને એક વાત સમજાતી નથી. હું એનાબેલના પ્રેતના હાથમાં પકડાઈ ગઈ હતી, છતાં પણ શા માટે એણે મને ખતમ ન કરી ? !’ સોફિયા બોલી, ‘એનાબેલનું પ્રેત ધારત તો તું આવ્યો એ પહેલાં જ એ મને સહેલાઈથી મારી નાંખી શકયું હોત. પણ એણે મને મારી નહિ. અને...,’ સોફિયા સહેજ રોકાઈને આગળ બોલી : ‘...અને મને એવું લાગ્યું કે, એનાબેલનું પ્રેત મને કંઈક કહેવા માંગતું હતું.’

જિમી પળવાર સોફિયા સામે જોઈ રહ્યો પછી બોલ્યો : ‘સોફિયા ! મિસ્ડ્‌ કૉલવાળા પ્રેતનો આ કેસ પતી ગયો છે, એટલે હવે તું બધું ભૂલી જા.’

સોફિયાએ નિશ્વાસ નાંખ્યો.

‘ચાલ હું તને ઘરે મૂકી દઉં.’ અને જિમી રાતના બાર વાગ્યા ને ઉપર ચાલીસ મિનિટનો સમય બતાવી રહેલી પોતાની કાંડા ઘડિયાળમાં નજર નાંખતો નજીકમાં પડેલી પોતાની મોટર-સાઈકલ તરફ આગળ વધી ગયો.

સોફિયા જિમીની પાછળ મોટરસાઈકલ પર બેઠી, એટલે જિમીએ સોફિયાના ઘર તરફ મોટર સાઈકલ દોડાવી મૂકી.

૦ ૦ ૦

જિમીએ સોફિયાના ઘર પાસે મોટરસાઈકલ ઊભી રાખી.

સોફિયા મોટરસાઈકલ પરથી ઊતરીને જિમી સામે ઊભી રહી. જિમી સાથેની સોફિયાની મુલાકાત થોડાંક કલાકોની જ હતી, પણ જાણે તે જિમીને વરસોથી ઓળખતી હોય-જિમી સાથે તેનો વરસોથી નાતો હોય એવું તેને લાગી રહ્યું હતું.

‘હું નીકળું !’ જિમી બોલ્યો : ‘તું તારો ખ્યાલ રાખજે.’

‘હા, પણ..,’ સોફિયા હળવેકથી બોલી : ‘..પણ કયારેક તું મને મળવા આવીશ તો મને ગમશે !’

‘...મને પણ ગમશે !’ જિમી મીઠું મલકતાં બોલ્યો : ‘એટલે હું જરૂર આવીશ.’

સોફિયા પણ મલકી.

જિમીએ સોફિયા તરફ એક પ્રેમભરી નજર નાંખી અને ત્યાંથી મોટરસાઈકલ હંકારી મૂકી.

સોફિયા ઘરમાં દાખલ થઈ.

તેણે લાઈટો ચાલુ કરી. તેની નજર દીવાલ ઘડિયાળ પર પડી. રાતનો એક વાગ્યો હતો.

મિસ્ડ કૉલવાળા પ્રેતે તેના મોતનો સમય રાતના બે વાગ્યાનો આપ્યો હતો, પણ એ પહેલાં જ આ કેસ પતી ગયો હતો અને તે બચી ગઈ હતી.

જોકે, તે તેના દોસ્તોને બચાવી શકી નહોતી, એ બદલ તેને અફસોસ થયા વિના રહ્યો નહિ.

૦ ૦ ૦

જિમી પોતાની મોટરસાઈકલ પર સોફિયાના ઘરથી થોડેક દૂર પહોંચ્યો, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. તેણે મોટરસાઈકલ ઊભી રાખીને મોબાઈલ ફોનમાં વાત કરી. મોબાઈલ ફોનમાં સામેથી એનાબેલની મમ્મી નેન્સી વાત કરી રહી હતી.

‘બેટા ! મને રેબેકા પાસેની ઢીંગલીમાં છુપાવેલી એક ડી. વી. ડી. મળી આવી છે. એ ડી. વી. ડી. તું જોઈશ તો તું ચોંકી જઈશ.’

‘એવું તો શું છે એમાં ? ! !’ જિમીએ અધીરાઈ સાથે પૂછયું.

‘તું આવીને જોઈશ તો જ તને સમજાશે !’ મોબાઈલમાં સામેથી નેન્સીએ કહ્યું, એટલે ‘ઠીક છે, હું તરત જ ત્યાં પહોંચું છું.’ અને જિમીએ મોટરસાઈકલ નેન્સીના ઘર દોડાવી મૂકી.

૦ ૦ ૦

જિમી નેન્સીના ઘરમાં બેઠો હતો અને કૉમ્પ્યુટર પર ડી. વી. ડી. લગાવીને જોઈ રહ્યો હતો. તેની બાજુમાં નેન્સી પણ ઊભી હતી અને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર જોઈ રહી હતી.

કૉમ્પ્યુટરના સ્ક્રીન પર એનાબેલની બન્ને સાવકી દીકરીઓ રેબેકા અને મેલિસાનો રૂમ દેખાઈ રહ્યો હતો.

રૂમમાં રેબેકા જમીન પર બેઠી હતી અને એની સામે હાથમાં ચપ્પુ લઈને મેલિસા ઊભી હતી.

રેબેકાના ચહેરા પર ડર હતો તો મેલિસાના ચહેરા પર નિર્દયતા દેખાતી હતી.

‘ના-ના મેલિસા !’ રેબેકા કરગરી : ‘મને મારીશ નહિ !’

‘મને તને મારવાની ખૂબ જ મજા આવે છે !’ અને આટલું કહેતાં જ મેલિસાએ રેબેકાના પેટમાં ચપ્પું ખોંપી દીધું.

રેબેકાએ પીડાથી ચીસો પાડવા માંડી, ત્યાં જ રૂમનો દરવાજો ખુલ્યો અને એનાબેલ દેખાઈ.

‘આ તું શું કરી રહી છે, મેલિસા !’ કહેતાં એનાબેલ મેલિસા તરફ ધસી ગઈ. તેણે મેલિસાના હાથમાંથી ચપ્પુ ઝુંટવી લીધું અને મેલિસાને દૂર ધકેલી.

એનાબેલે રેબેકા સામે જોયું. રેબેકા જમીન પર લોહીલુહાણ હાલતમાં તરફડતી પડી હતી.

એનાબેલે રેબેકાને ઊઠાવી લીધી અને રૂમના દરવાજા તરફ દોડી. તેના ધ્યાન બહાર તેના હાથમાંનો તેનો મોબાઈલ ફોન ત્યાં જ પડી ગયો.

‘હું રેબેકાની પાટાપિંડી કરાવીને પાછી આવું છું અને તારી બરાબરની ખબર લઉં છું.’ કહેતાં એનાબેલ રેબેકા સાથે રૂમની બહાર નીકળી ગઈ અને બહારથી દરવાજો બંધ કરી દીધો.

મેલિસા રૂમના દરવાજા પાસે પહોંચીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા માંડી, ત્યાં જ અચાનક જ મેલિસાને અસ્થમા-દમનો હુમલો આવ્યો. તેનો શ્વાસ જોરથી ચાલવા માંડયો. તે ટેબલ તરફ દોડી. ટેબલ પર પડેલા અસ્થમાની દવાવાળા પમ્પથી તેણે દવા લેવાનો પ્રયત્ન કર્યો, પણ પમ્પમાં દવા નહોતી. તેના હાથમાંથી પમ્પ પડી ગયો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તે જમીન પર ઢળી પડી અને તરફડવા લાગી. તેણે જમીન પર પડેલો એનાબેલનો મોબાઈલ ફોન લીધો અને એમાંથી એક નંબર લગાવવા માંડયો.

કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાઈ રહેલું આ દૃશ્ય જોઈ રહેલા જિમીએ ધ્યાનથી જોયું.

મેલિસાએ મોબાઈલ ફોન પરથી જે નંબર લગાવ્યો હતો, એ તેની ડૉકટર બહેન સુઝેનનો હતો.

સામેથી સુઝેન તરફથી કોઈ જવાબ મળ્યો નહિ અને મેલિસાના હાથમાંથી મોબાઈલ ફોન છટકી ગયો.

મેલિસા હવે શ્વાસ લઈ શકતી નહોતી.

બીજી થોડીક પળો વિતી અને મેલિસા શાંત થઈ ગઈ.

મેલિસા મરી ગઈ !

કૉમ્પ્યુટરના સ્ક્રીન પર મેલિસાનો ખુલ્લી આંખોવાળો-જીવ વિનાનો ચહેરો દેખાઈ રહ્યો.

જિમીએ કૉમ્પ્યુટરના સ્ક્રીન પરથી નજર હટાવીનેે બાજુમાં ઊભેલી નેન્સી સામે જોયું, ત્યાં જ તેના કાને અવાજ સંભળાયો : ‘અંકલ !’ અને જિમીએ તેમજ નેન્સીએ બન્નેએ જોયું તો રેબેકા હાથમાં ઢીંગલી સાથે તેમની નજીક આવીને ઊભી હતી.

થોડાંક કલાક પહેલાં જિમી સોફિયા સાથે અહીં આવ્યો હતો ત્યારે તેણે અને સોફિયાએ રેબેકા પાસેથી એનાબેલ વિશેની વાત જાણવા માટે એને બોલાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પણ રેબેકા એક શબ્દ પણ બોલી નહોતી, પણ અત્યારે એ સામેથી-આપમેળે બોલી રહી હતી : ‘મેલિસા મને મારતી હતી, પણ મને પ્યાર પણ ખૂબ જ કરતી હતી. એ મને ચ્યુઈંગગમ પણ આપતી હતી, અને...’ રેબેકાએ તેનો હાથ આગળ ધર્યો.

રેબેકાના હાથમાં સફેદ ચ્યુઈંગગમ હતી !

‘...અને બધાં ભલે એમ કહેતાં હોય કે, મેલિસા મરી ગઈ છે અને એને દાટી દેવામાં આવી છે, પણ એ જીવતી છે ! અને...’ રેબેકા બોલી : ‘...અને એ રોજ મને મળવા આવે છે અને મને આ ચ્યુંઈગગમ આપી જાય છે !’

અને આ સાંભળતાં જ જિમી ઊભો થઈ ગયો. ‘આનો મતલબ..., આનો મતલબ એ કે, એનાબેલનું પ્રેત નહિ, પણ મેલિસાનું પ્રેત એક પછી એક બધાંને મોબાઈલ ફોન પર મિસ્ડ કૉલ કરીને એમને ખતમ કરી રહ્યું છે ! અને...,’ જિમીએ ઝડપભેર વિચારવા માંડયું, ‘...અને છેલ્લે મેલિસાના પ્રેતે સોફિયાના મોબાઈલ ફોન પર મિસ્ડ કૉલ કર્યો હતો અને એનું મોત આજે રાતના બે વાગ્યે થશે, એવું કહ્યું હતું. અને અત્યારે રાતનો એક વાગ્યો ને ઉપર પચીસ મિનિટ થઈ હતી. મેલિસાના પ્રેતે આપેલા સમય પ્રમાણે હવે સોફિયાના મોતના સમયમાં ફકત પાંત્રીસ મિનિટની વાર હતી.

‘તેણે સોફિયાને આ વાતથી સાવચેત કરી દેવી જોઈએ.’ અને આ વિચાર સાથે જિમીએ ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો, ત્યાં જ એમાંથી ફિલ્મી ગીતવાળું રિંગ ટોન-રિંગ ગૂંજી ઊઠી,

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?

જિમી ચોંકી ઊઠયો.

જિમીએ પોતાના મોબાઈલ ફોનમાં આ રિંગ સેટ કરી નહોતી. અને...,

...અને જિમીને એ ભયાનક હકીકતની ખબર હતી કે, આ રિંગ એ મિસ્ડ કૉલવાળા પ્રેતની જ હતી ! મિસ્ડ્‌ કૉલવાળા પ્રેતનો જ્યારે કૉલ આવતો હતો ત્યારે આ રિંગ જ વાગતી હતી ! !

જિમીએ મોબાઈલ ફોનના સ્ક્રીન પર જોયું.

-સ્ક્રીન પર સામેથી કૉલ કરનારના મોબાઈલ ફોન નંબરની જગ્યાએ ખોપરીઓ દેખાઈ રહી હતી !

જિમીએ મોબાઈલ ફોનનું બટન દબાવ્યું અને મોબાઈલ ફોન કાન પર ધરીને સીધું જ બોલ્યો : ‘હા, બોલ મેલિસા !’

અને મોબાઈલ ફોનમાં સામેથી પહેલાં સહેજ ઘરઘરાટી સંભળાઈ અને પછી મેલિસાનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો : ‘તો તને ખબર પડી ગઈ કે, હું જ આ બધો ખેલ ખેલી રહી છું !’

‘હા !’ જિમી બેધડક બોલ્યો, ‘અને હું તારો આ ખૂની ખેલ બંધ કરીને જ રહીશ !’

‘ના, એવું નહિ બને ! તું જીવતો રહીશ તો પછી મારો ખેલ ખતમ કરી શકીશ ને !’ મોબાઈલ ફોનમાં સામેથી મેલિસાનો અવાજ સંભળાયો : ‘બરાબર બત્રીસ મિનિટ પછી, બરાબર બે વાગ્યે સોફિયાનું મારા હાથે મોત થવાનું છે. અને એની બે મિનિટ પહેલાં, એટલે કે બરાબર એક વાગ્યા ને અઠ્ઠાવન મિનિટે હું તને મારી નાંખીશ. સોફિયા તને મરતાં જોશે અને પછી બે મિનિટ પછી એ પણ મરી જશે !’ અને મોબાઈલ ફોનમાં સામેથી મેલિસાનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો અને પછી સામેથી મોબાઈલ ફોન કટ્‌ થઈ ગયો.

જિમીએ કાન પાસેથી મોબાઈલ ફોન હટાવ્યો અને મોબાઈલ ફોન સામે જોઈ રહ્યો.

-તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું ! ! !

( વધુ આવતા અંકે )