દહેશત - 4 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

દહેશત - 4

04

કાજલને અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવી, એ પછી પાસ-પાડોશની સ્ત્રીઓએ કાજલની મોટી બહેન કિન્નરીને હિંમત અને દિલાસો આપીને વિદાય લઈ લીધી હતી. પાડોશમાં રહેતાં વસુમતિબેને સોફિયા, તેજલ અને રીચાની મદદથી પરાણે કિન્નરીને બે ટૉસ્ટ ખવડાવ્યા અને ચા પીવડાવી. પછી વસુમતિબેને ‘તમે ત્રણેય જણીઓ પણ કંઈ ખાઈ-પી લો,’ એવું કહ્યું, એટલે તેજલ અને રીચા કિન્નરીનો ચાનો ખાલી કપ લઈને રસોડા તરફ આગળ વધી ગઈ. તો સોફિયા પાછી કાજલના બેડરુમમાં પહોંચી.

સોફિયા પલંગ પર બેઠી, ત્યાં જ તેના મગજમાં સવાલ જાગ્યો, ‘કાજલને એનું મોત સાંજના સાત વાગ્યે થવાનું છે, એવું મિસ્ડ્‌ કૉલ કરીને કહેનારી વ્યક્તિ કોણ હશે ? ! ?’ અને આ સવાલ સાથે જ સોફિયાના મગજમાં આનંદની મિસ્ડ્‌ કૉલવાળી વાત તાજી થઈ ગઈ. ‘ગઈકાલે આનંદને પણ એવો મિસ્ડ કૉલ આવ્યો હતો કે, ‘‘એનું આજ બપોરના બરાબર બાર વાગ્યે મોત થઈ જશે.’’ અને આ વાત તાજી થતાં જ સોફિયાએ કાંડા ઘડિયાળમાં જોયું. બપોરના બાર વાગ્યાને ઉપર દસ મિનિટ થઈ હતી. મતલબ કે, આનંદને મિસ્ડ કૉલ કરનારી વ્યક્તિએ આનંદનું મોત થવાનો જે સમય આપ્યો હતો, એ સમયની ઉપર બીજી દસ મિનિટ વીતી ચૂકી હતી !

સોફિયાએ મોબાઈલ ફોન હાથમાં લીધો. છેલ્લે તેણે આનંદનો જ મોબાઈલ ફોન લગાવ્યો હતો. તે આનંદનો મોબાઈલ નંબર લગાવવા ગઈ, ત્યાં જ મોબાઈલની રિંગ વાગી ઊઠી. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું.

આનંદના મોબાઈલ ફોન નંબર પરથી જ રિંગ આવી રહી હતી.

‘હાશ ! આનંદનો જ ફોન છે. સારું છે, મિસ્ડ કૉલવાળી વ્યક્તિના કહ્યા પ્રમાણે આનંદને કંઈ થયું નથી !’ નિરાંત અનુભવતાં સોફિયાએ મોબાઈલનું બટન દબાવ્યું, મોબાઈલ કાને ધર્યો અને સીધું જ કહ્યું : ‘હા, બોલ, આનંદ !’

જવાબમાં તેને મોબાઈલમાંથી અજાણ્યો અવાજ સંભળાયો : ‘કોણ બોલો છો, તમે ? !’

‘તમે કોણ બોલો છો ? !’ સોફિયાએ સામું પૂછીને કહ્યું : ‘આ ફોન જેનો છે, એ આનંદને ફોન આપો તો !’

‘તમે એના શું થાવ, બેન ?’ મોબાઈલમાં સામેથી એ માણસનો સવાલ સંભળાયો.

‘હું એની ફ્રેન્ડ બોલું છું.’

‘તો તમે હિંમત રાખીને મારી વાત સાંભળજો અને પછી આ વાત તમારા ફ્રેન્ડના સગાં-વહાલાંને પણ કહી દેજો.’

‘શું...? !’ સોફિયાનું હૃદય જોશભેર ધબકવા માંડયું.

‘તમારો ફ્રેન્ડ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો !’

‘એટલે...એટલે... ? ! ?’

‘એ મરી ચૂકયો છે !’

‘હેં...? !’ સોફિયાને લાગ્યું કે, આખું ઘર ચકકર-ચકકર ફરવા લાગ્યું છે, ત્યાં જ તેના કાને રીચાનો સવાલ સંભળાયો : ‘શું થયું, સોફિયા ! આમ ડઘાઈ કેમ ગઈ છે ? !’

સોફિયાએ રીચા સામે જોયું. તેની આંખોમાંથી આંસુ ટપકયાં : ‘આનંદ...!’ સોફિયા પરાણે બોલી શકી : ‘...આનંદ મરી ગયો !’

‘શું ? ! !’ અને રીચા સોફિયાની બાજુમાં ફસડાઈ પડી.

આનંદના મોતના સમાચાર સાંભળીને સોફિયા હેબતાઈ ગઈ હતી, ગભરાઈ ગઈ હતી. પણ તેણે હિંમત રાખ્યા વિનાય છૂટકો નહોતો. તેણે ફરી મોબાઈલ કાન પર મૂકયો, ત્યાં જ સામેથી પેલા માણસનો અવાજ સંભળાયો : ‘હેલ્લો...હેલ્લો ! તમે મારી વાત સાંભળી રહ્યા છો ને, બેન !’

‘હ...હ...હા !’

‘તમે જલદી અહીં મરનારના સગાંવહાલાંને લઈને આવી જાવ.’ મોબાઈલમાં સામેથી એ માણસનો અવાજ આવ્યો, અને તુરત જ એણે સરનામું જણાવ્યું.

‘અમે., અમે આવીએ છીએ.’ સોફિયાએ કહ્યું, એ સાથે જ સામેથી મોબાઈલ કટ્‌ થઈ ગયો.

સોફિયાએ બાજુમાં બેઠેલી રીચા સામે જોયું.

‘સોફિયા ! પહેલાં કાજલનું મરણ થયું અને હવે તું કહે છે કે, આનંદ મરી ગયો !’ રીચાએ રડતાં-રડતાં કહ્યું : ‘આ...આ બધું શું થવા બેઠું છે ? !’

સોફિયા પાસે આનો જવાબ નહોતો. હા, પણ તેની પાસે આને લગતા સવાલો જરૂર હતા. ‘કાજલ અને આનંદને મોબાઈલ પર કોઈ અજાણી વ્યક્તિ મારફત એમના મોતનો સમય મળ્યો હતો અને એ સમય પર જ એમના મોત થયા હતા ! આખરે આવી રીતના કાજલ અને આનંદને મોબાઈલ પર મોતના મેસેજ આપનાર વ્યક્તિ કોણ હતી ?’

‘સોફિયા ! હવે શું કરીશું, સોફિયા ? ! ?’ સોફિયાના કાને રીચાનો સવાલ સંભળાયો, એટલે સોફિયાએ રીચા સામે જોયું.

‘રીચા !’ સોફિયાએ કહ્યું : ‘તું તેજલને બોલાવી લે.’

‘તેજલ તો એના ઘરે ગઈ !’ રીચાએ કહ્યું : ‘અમે રસોડામાં હતાં ત્યારે એના મોબાઈલ પર કોઈકનો કૉલ આવ્યો અને એ ઉતાવળમાં ચાલી ગઈ.’

સોફિયા વિચારમાં પડી, પછી બોલી : ‘આપણે તેજલને પછી કૉલ કરીએ છીએ. પહેલાં આપણે લલિતઅંકલને કૉલ લગાવીએ. જોકે..,’ સોફિયાએ નિસાસો નાંખ્યો : ‘...આપણે લલિતઅંકલ અને સુનયનાઆન્ટીને આનંદનું બી.પી. લૉ થઈ ગયું છે અને એને સહેજ ચકકર આવ્યાં છે, એવું કહીને જ ત્યાં આનંદ પાસે બોલાવવા પડશે.’ અને તે પોતાના મોબાઈલ પરથી આનંદના ઘરનો ફોન નંબર લગાવવા લાગી.

૦ ૦ ૦

સોફિયા ટૅકસીમાં ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ત્યાં ફૂટપાથ પર ભીડ ભેગી થયેલી હતી. નજીકમાં આનંદની બાઈક ઊભી હતી.

સોફિયા ભીડ તરફ ધસી ગઈ અને ભીડના માણસોને આઘાપાછા કરતાં ભીડ વચ્ચે પહોંચી.

વચ્ચે-જમીન પર પગથી માથા સુધી ચાદર ઓઢાડેલું એક શબ પડયું હતું.

‘તું જ છે ને, આ ભાઈની ફ્રેન્ડ ? !’ એક સિત્તેર-પંચોતેર વરસના કાકાએ સોફિયા જે રીતના ભીડમાં ઘૂસી આવી હતી એ જોતાં પૂછયું.

સોફિયાએ જવાબ આપ્યો નહિ. તેણે આનંદની બાઈક ઊભેલી જોઈ હતી, પણ છતાંય તેનું મન કહી રહ્યું હતું કે, ‘આ આનંદનું શબ ન હોય તો સારું.’

તેણે પરાણે હિંમત કરીને શબ તરફ હાથ આગળ વધાર્યો. તેણે ધ્રુજતા હાથે શબ પરની ચાદર હટાવી અને તે થીજી ગઈ.

-એ આનંદનું જ શબ હતું ! આનંદની આંખો ફાટેલી હતી ! એનું મોઢું અધખુલ્લું હતું ! એની ફાટેલી આંખોમાં જાણે મોતને જોયાનો ખોફ-ભય થીજેલો હતો !

સોફિયાની આંખોના બાંધ તૂટી ગયાં હોય એમ તેની આંખોમાંથી આંસુના ઘોડાપૂર વહેવા માંડયા.

‘ભાઈ ! આ બાઈકવાળા જે યુવાનને ચકકર આવ્યા હતાં, એ યુવાન કયાં છે ? !’ સોફિયાના કાને આનંદના ડેડી લલિતકુમારનો અવાજ પડયો, એટલે સોફિયા ઊભી થઈ, ત્યાં જ ભીડના માણસોને ખસેડીને વચ્ચે આવી પહોંચેલા લલિતકુમાર દેખાયા.

‘સોફિયા ! મારો આનંદ કયાં..’ અને લલિતકુમારની નજર આનંદના શબ પર પડી. તેઓ પૂતળું બની ગયા. એ જ પળે ભીડને હટાવીને અંદર આવેલી આનંદની મમ્મી સુનયનાની નજર પણ આનંદના શબ પર પડી અને એ ‘મારા લાલ ! આ તને શું થઈ ગયું !’ની પોક મૂકતાં આનંદના શબને વળગી પડી.

‘અંકલ !’ લલિતકુમારનો હાથ પકડતાં સોફિયાએ કહ્યું, ‘અંકલ!’

લલિતકુમારે સોફિયા સામે જોયું : ‘બેટી !’ એમના ગળે ડૂમો બાઝયો : ‘આ...આ !’ અને તેઓ ‘‘આ કેવી રીતે બન્યું ?’’ એ સવાલ પૂરો કરી શકયા નહિ.

સોફિયાએ બાજુમાં ઊભેલા પેલા કાકા સામે જોયું.

‘કાકા ! તમે જ મને મોબાઈલ કરેલો ને !’ સોફિયાએ પૂછયું.

‘હા !’ કાકાએ કહ્યું, અને પછી સોફિયાએ આગળ સવાલ કરવાની જરૂર પડી નહિ. કાકાએ જે બની ગયું હતું, એ કહેવા માંડયું : ‘દીકરી ! હું આ બાજુની મારી દવાની દુકાનમાં બેઠો હતો, ત્યાં જ આ છોકરાની મોટર-સાઈકલ ઊભી રહી. પહેલાં એણે કીક મારી પણ મોટરસાઈકલ ચાલુ થઈ નહિ. એણે પેટ્રોલની ટાંકી જોઈ અને પછી એણે પોતાના ખભા તરફ જોયું અને પછી એની આંખો ફાટી ને એણે પોતાની છાતી પર હાથ દબાવ્યો. મને લાગ્યું કે, એને પીડા થઈ રહી છે. હું મારી ખુરશી પરથી ઊભો થયો, ત્યાં તો એ મોટરસાઈકલ સાથે જમીન પર પડતો દેખાયો. મેં એને ‘‘એય.., છોકરા ! જો.., સંભાળ..!’’ એવી બૂમ પણ પાડી, પણ એ પહેલાં તો એ બિચારો મોટરસાઈકલ સાથે જમીન પર પડી ગયો. મેં એની પાસે પહોંચીને જોયું તો એની આંખો અને મોઢું ફાટેલા રહી ગયાં હતાં.

‘મેં મોબાઈલ કરીને તાત્કાલિક નજીકમાંથી ડૉકટર બાટલીવાલાને બોલાવ્યા. બાટલીવાલાએ છોકરાને હાર્ટઍટેક આવ્યો હોવાનો કારણે એનો જીવ ગયાનું કહ્યું, એટલે પછી મેં આ છોકરાનો મોબાઈલ લઈને એમાં તારો જે છેલ્લો નંબર હતો, એ નંબર લગાવ્યો.’

સોફિયાથી એક નિશ્વાસ નંખાઈ ગયો. તેને આનંદના મોત વિશે બીજી કોઈ ભલે ખબર નહોતી, પણ એટલી તો ચોકકસ ખબર હતી કે, આનંદનું મોત હાર્ટ-એટેકથી થયું નહોતું. પણ કાલ સાંજના આનંદના મોબાઈલ ફોન પર વાત કરનારી વ્યક્તિએ, આજ બપોરના બાર વાગ્યે આનંદનું મોત થશે એવું જે કહ્યું હતું, એ પ્રમાણે જ આનંદનું મોત થયું હતું ! આનંદને મિસ્ડ્‌ કૉલ કરીને, એની સાથે વાત કરનારી એ વ્યક્તિએ જ આનંદને મારી નાંખ્યો હતો ! એ વ્યક્તિએ આનંદનું ખૂન એવી રીતના કર્યું હતું કે, એનું મોત હાર્ટએટેકથી થયું હોય એમ જ લાગે ! અને આની પહેલાં કાજલનું ખૂન પણ એવી રીતના જ કરવામાં આવ્યું હતું ને કે, કાજલનું મોત એકસીડન્ટ્‌માં થયું હોય એવું લાગે ! !

‘પણ તેને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી કાજલ કે, આનંદને કોઈ આમ મારી નાંખે એવી એમની કોઈની સાથે દુશ્મની નહોતી. પછી આખરે કાજલ અને આનંદને મોબાઈલ પર એમના મોતનો મેસેજ આપીને, પછી એ બન્નેને મોતના મોઢામાં ધકેલનાર એ વ્યક્તિ આખરે કોણ હતી ? !

‘કદાચ...કદાચ આનો જવાબ તેને આ કાકા પાસેથી મળી શકે એમ હતો. પણ અત્યારે આનો જવાબ મેળવવાનો સમય નહોતો. અત્યારે તો તેણે આનંદના મમ્મી-ડેડીને સાચવવાના હતા અને આનંદનું શબ ઘરે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવાની હતી.’ આવું વિચારીને સોફિયાએ કાકા પાસે શબવાહિનીને બોલાવવા માટે મોબાઈલ કરાવ્યો.

શબવાહિની આવી, એટલે સોફિયાએ કાકાની મદદ લઈને મહામહેનતે આનંદના શબ પાસેથી આનંદના મમ્મી-ડેડીને દૂર કર્યા.

શબવાહિનીવાળાઓએ આનંદનું શબ ઊઠાવ્યું, એ વખતે આનંદના મોઢામાંથી એક સફેદ વસ્તુ બહાર નીકળી પડી.

શબવાહિનીવાળાઓમાંથી કોઈનું કે, સોફિયાનું ધ્યાન આ વાત તરફ ગયું નહિ, પણ પેલા કાકાના જોવામાં આ આવ્યું હતું.

સોફિયા આનંદનું શબ તેમજ એના મમ્મી-ડેડીને લઈને શબ-વાહિનીમાં રવાના થઈ અને ભીડ વિખરાઈ પછી પેલા કાકાએે આનંદના મોઢામાંથી નીકળીને જમીન પર પડેલી એ સફેદ વસ્તુ ઊઠાવી.

-એ સફેદ વસ્તુ ચીકણી હતી !

-કાકાએ એ વસ્તુને ધ્યાનથી જોઈ અને સૂંઘી એટલે એમને ખ્યાલ આવી ગયો ! !

-એ ચ્યુઈંગગમ હતી !

‘બિચારો, કમનસીબ છોકરો,’ કાકાએ હાથમાંની એ ચ્યુઈંગગમ જમીન પર ફેંકી : ‘..પોતાના મોઢામાં મૂકેલી ચ્યુઈંગગમ પણ પૂરી ચાવી શકયો નહિ ! !’ અને કાકા ઝભ્ભાથી હાથ લૂંછતા પોતાની દવાની દુકાન તરફ આગળ વધી ગયા.

૦ ૦ ૦

રાતના સાડા નવ વાગ્યા હતા. સાંજના આનંદના અંતિમસંસ્કારની વિધિ પૂરી થઈ, એ પછી ધીરે-ધીરે આનંદના પાસ-પાડોશીઓ અને સગાંવહાલાં વીખરાઈ ગયા હતા.

અત્યારે બાજુની સોસાયટીમાં રહેતા આનંદના અંકલ વિનોદભાઈ અને આન્ટી રંજનાબેન તેમજ સોફિયા, તેજલ અને રીચા બેઠા હતા.

સોફિયા આનંદના મમ્મી-ડેડી સાથે ઘટનાસ્થળેથી શબવાહિનીમાં આનંદનું શબ લઈને આવી ત્યારે રીચા સાથે તેજલ પણ હાજર હતી. રીચાએ તેજલને મોબાઈલ કરીને બોલાવી લીધી હતી.

સોફિયા અને રીચા આનંદની રંજનાઆન્ટી સાથે આ કાજમાં ઊભી રહી હતી, પણ તેજલ એક ખૂણો પકડીને બેસી ગઈ હતી. તેજલના ચહેરા પર બેચેની અને ચિંતાના ભાવ દેખાતાં હતાં. તેના મનમાં ગડમથલ ચાલી રહી હતી. તે રીચા સાથે બેઠી હતી. આનંદના મમ્મી-ડેડી નજીકમાં જ બેઠાં હતાં.

જ્યારે સામે, બારી પાસે સોફિયા આનંદની રંજનાઆન્ટી સાથે ધીમા અવાજે વાત કરી રહી હતી. ‘હા, આન્ટી ! તમારી વાત સાચી છે. લલિતઅંકલ અને સુનયનાઆન્ટીને થોડુંક જમાડી લઈએ, પછી એમને ઊંઘની ગોળી આપી દઈએ.’

‘હું તારા અંકલને કહું છું, એ ગોળી લઈ આવશે.’ કહેતાં રંજનાઆન્ટી વરંડામાં બેઠેલા વિનોદભાઈ પાસે ચાલ્યાં ગયાં.

સોફિયાએ આનંદના ડેડી લલિતકુમાર અને મમ્મી સુનયના સામે જોયું.

જુવાનજોધ દીકરા આનંદના મોતના આઘાતમાં આનંદની મમ્મી સુનયના વારેઘડીએ પોક મૂકીને રડવા માંડતી હતી. તો આનંદના ડેડી લલિતકુમારે પણ પોતાના દીકરાના મોતના આઘાતમાં બોલવા-ચાલવાનું બંધ કરી દીઘું હતું.

અત્યારે અચાનક જ સોફિયાને એવું લાગ્યું કે, તેને જમણી બાજુની બારી બહારથી કોઈ સ્ત્રીનો બળબળતો નિસાસો સંભળાયો. સોફિયાએ તુરત જ ફરીને બારી બહાર નજર દોડાવી.

-બલ્બના ઝાંખા અજવાળામાં બારી બહારનું દૃશ્ય જોઈ શકાતું હતું. બારી બહારના નાનકડા કમ્પાઉન્ડમાં ઘાસ પથરાયેલું હતું, અને કમ્પાઉન્ડની દીવાલ પાસે સળંગ ઝાડ ઊગેલા હતા.

-ત્યાં કોઈ નહોતું.

‘તેને બારી બહારથી કોઈ સ્ત્રીના નિસાસાનો અવાજ ખરેખર સંભળાયો હતો, કે પછી તેને એવી ભ્રમણા થઈ હતી ? !’ વિચાર સાથે સોફિયા પાછી અંદરની તરફ ફરી. ત્યાં જ પોતાના પતિ વિનોદભાઈને ઊંઘની ગોળી લેવા માટે મોકલીને રંજનાઆન્ટી પાછા સોફિયા પાસે આવીને ઊભાં રહ્યાં.

સોફિયા રંજનાઆન્ટી સાથે વાત કરવા માંડી,

ત્યારે સામેના ખૂણામાં રીચાની બાજુમાં બેઠેલી તેજલની નજર, સોફિયાની જમણી બાજુની બારી બહાર તકાયેલી હતી.

તેજલને અત્યારે એ બારી બહારના, કમ્પાઉન્ડની દીવાલ પાસેના લીમડાના ઝાડ નીચે એક પચાસેક વરસની સ્ત્રી ઊભેલી દેખાઈ રહી હતી.

એ સ્ત્રી જાણે તેજલને જ જોઈ રહી હતી.

‘આ સ્ત્રી તે વળી બારી બહાર-ઝાડ નીચે ઊભી-ઊભી તેને આમ શા માટે જોઈ રહી છે ? !’ તેજલના મગજમાં હજુ તો આ સવાલ પૂરો થયો, ત્યાં જ અચાનક ને અણધારી ઘટના બની ! એકદમથી જ એ સ્ત્રીના શરીર પર આગ ભડકી ઊઠી અને એ સ્ત્રી સળગવા માંડી ! !

‘સોફિયા ! બહાર એક સ્ત્રી સળગી રહી છે !’ આવું તેજલ બોલવા ગઈ, ત્યાં જ તેની નજર સોફિયાના જમણા હાથ પર પડી. અને તે ભયથી કાંપી ઊઠી-થરથરી ઊઠી. તે આંખો ફાડીને સોફિયાના હાથ તરફ જોઈ રહી !

-સોફિયાના જમણા હાથના કાંડાથી કોણી સુધીના ભાગની ચામડી ફાડીને એક પછી એક ભયાનક વીંછી બહાર નીકળી રહ્યાં હતાં ! ! ! ! ! ! ! ! ! !

( વધુ આવતા અંકે )