દહેશત - 6 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દહેશત - 6

06

-ગઈકાલ રાતના તેજલને આનંદના ઘરની બારી બહાર, લીમડાના ઝાડ નીચે ઊભેલી જે સ્ત્રી સળગી ઊઠતી દેખાઈ હતી, એ જ સ્ત્રીને અત્યારે સામે બસ સ્ટેન્ડ પાસે સાજી-સારી ઊભેલી જોઈને તેજલ ખળભળી ઊઠી હતી. ‘ગઈકાલે તેની નજર સામે સળગીને પછી ગાયબ થઈ ગયેલી આ સ્ત્રી, એકદમ સાજી-સારી થઈને આજે ફરી તેની સામે કેવી રીતના આવી ગઈ ? !’ અત્યારે તેજલના મનમાંનો આ વિચાર પુરો થયો, ત્યાં જ એ સ્ત્રીના શરીર પર આગ ભડકી અને એ સ્ત્રી સળગી ઊઠી. અને બરાબર આ પળે જ તેજલ અને એ સળગતી સ્ત્રી વચ્ચેની સડક પરથી એક કાર પસાર થઈ ગઈ. અને..., અને તેજલની નવાઈ ને આંચકા વચ્ચે સામે ઊભેલી એ સ્ત્રી હવે દેખાઈ નહિ. તેજલે રસ્તાની બન્ને બાજુ નજર દોડાવી. એ સ્ત્રી નહોતી. તેની અને એ સ્ત્રી વચ્ચેની સડક પરથી કાર પસાર થઈ હતી, એમાં પળની જ વાર લાગી હતી અને આ પળવારમાં જ એ સળગતી સ્ત્રી તેની નજર સામેથી અદૃશ્ય થઈ ગઈ હતી ! ! !

તેજલ હવે ફરી ઝડપી પગલે ચાલવા માંડી. ‘એ સ્ત્રી આમ શા માટે તેની સામે આવતી હતી અને અદૃશ્ય થઈ જતી હતી ? આખરે એ સ્ત્રી કોણ હતી ? ! ?’ આવા સવાલો સાથે તેજલ રસ્તાના નાકે પહોંચી. હવે વચ્ચે આડી-પહોળી સડક હતી અને તેણે આ સડક ક્રોસ કરીને સામે જવાનું હતું.

ટીઈઈઈટ...! જમણી બાજુથી હોર્નનો અવાજ સંભળાયો.

તેજલે જમણી બાજુ જોયું. એ બાજુથી એક બસ નજીક આવી. બસમાં બારી પાસે એક દસેક વરસની છોકરી બેઠી હતી. એ છોકરી પોતાની મોટી-મોટી આંખોથી તેને તાકી રહી હતી. અને અચાનક જ એ છોકરીની આંખો ફૂટી ગઈ !

તેજલનું હૃદય ભયના માર્યે ગળે આવી ગયું. બસ તેની નજર સામેથી પસાર થઈને ડાબી બાજુ આગળ વધી ગઈ, છતાં એ છોકરી ચહેરો ફેરવીને પોતાની ફૂટેલી આંખોથી તેને જોઈ રહી.

બસ થોડીક વધુ દૂર નીકળી અને એ છોકરી દેખાતી બંધ થઈ, છતાં તેજલ જડની જેમ ત્યાં જ ઊભી રહી.

ઝુઉઉઉઉઉઉઉઉ.....!

અને તેની પીઠ પાછળથી કોઈ ઝડપભેર પસાર થઈ ગયું હોય એવું તેને લાગ્યું. તેણે પાછળ ફરીને જોયું. પાછળ...,

....પાછળ કોઈ નહોતું.

તેણે કંપારી અનુભવતાં સડક ક્રોસ કરી અને ઉતાવળેે પગલે ચાલવા માંડી. તેનું ઘર હજુ થોડેક દૂર હતું. ‘તે ઘર સુધી પહોંચશે ત્યાં સુધી તેની સામે આવું ભયાનક બનતું ને દેખાતું રહેશે તો તેનો તો જીવ જ નીકળી જશે. તેણે સોફિયા સાથે વાત કરવી જોઈએ.’ અને તેજલે ડાબી બાજુની ગલીમાં વળતાં પર્સમાંથી મોબાઈલ કાઢયો. તેણે સોફિયાનો મોબાઈલ નંબર લગાવ્યો. બીજી રિંગ પછી મોબાઈલમાં સામેથી સોફિયાનો અધીરો અવાજ સંભળાયો : ‘હેલ્લો, તેજલ !’

‘હા !’ તેજલે એ ગલીમાં આગળ વધતાં કહ્યું.

‘તું કયાં છે ? ! સવારથી મેં તને કેટલાં કૉલ...’

‘...હું માસીની તબિયત જોવા સુરત ગયેલી ને અત્યારે હું સ્ટેશનેથી ઘર તરફ ચાલતી જઈ રહી છું.’ તેજલે મોબાઈલમાં સોફિયાને કહ્યું : ‘પણ...પણ રસ્તામાં મારી સાથે ભયાનક ઘટનાઓ બની રહી છે ? !’

‘ભયાનક ઘટનાઓ...? !’

‘અસલમાં...’ તેજલે ઝડપી ચાલે એ ગલીમાં આગળ વધતાં ને આસપાસમાં જોતાં મોબાઈલ ફોનમાં કહ્યું : ‘મારા મોબાઈલ પર એક મિસ્ડ્‌ કૉલ આવ્યો એ પછી મારી સાથે બધું વિચિત્ર ને ભયાનક-ભયાનક બની રહ્યું છે.’

‘તારા મોબાઈલ પર મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો ? !’ મોબાઈલમાં સામેથી સોફિયાનો ગભરાયેલો અવાજ સંભળાયો.

‘હા ! મેં એ મિસ્ડ્‌ કૉલ પર કૉલ કર્યો તો પહેલાં મોબાઈલમાં સામેથી ઘરઘરાટી સંભળાઈ હતી અને પછી સામેથી એક વ્યક્તિએ મને કહ્યું હતું કે, ‘‘સોમવારની રાતના મારું મોત થઈ જશે !’’ મેં એ વ્યક્તિની આ વાત ગણકારી નહિ, પણ એ પછી મારી સામે ભયાનક ઘટનાઓ...’

‘...તેજલ...,’ તેજલના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી સોફિયાનો ચિંતાથી કંપતો અવાજ સંભળાયો : ‘...આજે સોમવારની રાત જ છે. એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ તને તારું મોત કેટલા વાગ્યે થશે, એ કંઈ કહ્યું હતું ?’

‘હા ! એ વ્યક્તિએ કહેલું કે, ‘‘સોમવારની રાતના બરાબર બાર વાગ્યે મારું મોત થઈ જશે ! હું મરી જઈશ !’’

‘અત્યારે..અત્યારે પોણા બાર વાગ્યા છે !’ મોબાઈલમાં સામેથી સોફિયાનો અવાજ સંભળાયો : ‘બાર વાગવામાં હવે ફકત પંદર મિનિટની જ વાર છે ! તું અત્યારે કયાં છે ? !’

‘હું મારા ઘરથી થોડેક દૂર છું.’ તેજલે કહ્યું : ‘રોઝ ગાર્ડન પાસે પહોંચી છું.’

‘તું જલદી ઘરે પહોંચ. હું તારી પાસે આવું છું.’ મોબાઈલમાં સામેથી સોફિયાનો અવાજ આવ્યો, ‘પણ હા, તું કૉલ ચાલુ રાખ. મારી સાથે વાત કરતી રહે.’

‘હા, પણ તું જલદી આવ !’ કહેતાં તેજલે કાન પર મોબાઈલ ફોન લગાવેલો રાખ્યો. તેણે ઝડપી ચાલે આગળ વધવાની સાથે આસપાસ જોવાનું ચાલુ રાખ્યું.

ત્યારે અહીંથી થોડાં કિલોમીટર દૂર, ઘરમાંથી બહાર નીકળી આવેલી સોફિયાએ દોડતાં પગલે રોડ તરફ ચાલતાં, મોબાઈલ ફોનમાં તેજલ સાથે વાત કરી : ‘તેજલ ! તારા મોતના મેસેજવાળો એ કૉલ ક્યારે આવ્યો હતો ? !’

‘ગઈકાલે બપોરના !’ સોફિયાના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી તેજલનો અવાજ સંભળાયો : ‘બપોરના બાર વાગ્યાની આસપાસ ! કાજલને અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવી એ પછી આપણે કાજલના ઘરે બેઠાં હતાં ત્યારે !’

‘તું પણ કેવી છે, તેજલ ? !’ સોફિયાએ પાસેથી પસાર થઈ રહેલી ટૅકસી રોકીને એમાંં બેસતાં ટૅકસીવાળાને કાજલના ઘરનું સરનામું કહ્યું. ટૅકસીવાળાએ ટૅકસી આગળ વધારી એની સાથે જ સોફિયાએ તેના કાન પર મુકાયેલા મોબાઈલ ફોનમાંની તેજલ સાથેની વાતચીતને આગળ વધારી : ‘ગઈકાલે બપોરના તારા મોબાઈલ પર આવો વિચિત્ર મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, પણ તો પછી તેં અત્યાર સુધી મને આ વિશે કંઈ કહ્યું કેમ નહિ ? !’

‘મને એમ કે, કદાચ આનંદ મારી સાથે મજાક કરતો હશે !’

‘એટલે..? !’ સોફિયાએ કહ્યું, ‘...એટલે આનંદના મોબાઈલ પરથી મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો ?’

‘હા !’ મોબાઈલમાં સામેથી તેજલનો અવાજ સંભળાયો : ‘અને એટલે જ તો મેં મોતના એ મેસેજવાળી વાતને ધ્યાનમાં લીધી નહિ, અને તને કે, રીચાને પણ આ વિશે કંઈ કહ્યું નહિ !’

‘તેજલ !’ સોફિયાએ કહ્યું : ‘છેલ્લે બાર વાગ્યા ને એક મિનિટે આનંદે તને મિસ્ડ કૉલ કર્યો હતો, એ પછી જ તેં એને કૉલ કરીને એની સાથે વાત કરી હતી ને ?’

‘હા, પણ સામે છેડેથી આનંદ જ વાત કરતો હતો કે, કેમ ? એ સમજાય એવું નહોતું.’

‘તેજલ !’ સોફિયાએ અધીરાઈ સાથે પૂછયું : ‘તું મને એ કહે, સામેવાળી વ્યક્તિએ તને એકઝેટ્‌ શું કહ્યું હતું ? !’

‘એણે મને કહેલું કે, ‘‘એ મારું મોત બોલી રહ્યું છે,’’ અને ‘‘સોમવારની રાતના બરાબર બાર વાગ્યે એ મને મોતના મોઢામાં ધકેલી દેશે, મને મારી નાંખશે !’’

તેજલની આ વાત સાંભળીને સોફિયાએ કાંડા ઘડિયાળમાં જોયું. રાતના અગિયાર વાગ્યા ને ઉપર બાવન મિનિટ થઈ હતી. મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ તેજલના મોતનો જે સમય આપ્યો હતો, એને આઠ મિનિટની વાર હતી.

‘હજુ વધુ સ્પીડમાં જવા દો.’ સૉફિયાએ ટૅકસીવાળાને કહ્યું.

ટૅકસીવાળાએ સ્પીડ વધારી.

સોફિયાએ મોબાઈલમાં તેજલને પૂછયું : ‘તેજલ ! અત્યારે તું કયાં પહોંચી ? !’

અને સામેથી તેજલનો જવાબ આવે એ પહેલાં જ કૉલ કટ્‌ થઈ ગયો. ‘આ તેજલનો ફોન કેમ કટ્‌ થઈ ગયો ?’ સોફિયાને ધ્રાસકો પડયો. તેણેે ટૅકસીવાળાને કહ્યું : ‘ભાઈ ! ટૅકસીની સ્પીડ હજુ પણ વધારો.’ અને સોફિયા ધ્રુજતા હાથે મોબાઈલ ફોન પરથી તેજલનો મોબાઈલ નંબર લગાવવા લાગી.

તો અહીંથી થોડેક દૂરની એ ગલીમાં આગળ વધતાં તેજલ પણ મોબાઈલ ફોન પરથી સોફિયાનો મોબાઈલ નંબર લગાવવા ગઈ, પણ ત્યાં જ તેના મોબાઈલનો રિંગ ટોન-રિંગ ગુંજી ઊઠી,

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના કયા હૈ ?

ખોના હૈ કયા...?’

અને આ સાંભળતાં જ તેજલ છળી ઊઠી. તેણે તેના મોબાઈલ ફોનમાં આ ગીતવાળી રિંગ સેટ કરી નહોતી. છતાં ગઈકાલે તેને મોતના મોસેજવાળો જે મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, એ વખતે આ ગીત વાળી રિંગ જ વાગી હતી. એ પછી તેના માસા વગેરેના જે એક-બે કૉલ આવ્યા હતા, એ વખતે તેણે સેટ કરેલી એક ઈંગ્લીશ સૉન્ગવાળી રિંગ જ વાગી હતી. અને આજે અત્યારે પાછી ફરી પેલી જ-મોતના મેસેજવાળી રિંગ જ વાગી રહી હતી.

તેણે એ ગલીમાંથી બહાર નીકળીને, આગળ વધતાં મોબાઈલના સ્ક્રીન પર જોયું.

-મોબાઈલમાં સામેવાળાના મોબાઈલ નંબરની જગ્યાએ, મોબાઈલના આંકડા જેટલી જ માનવીની ખોપરીઓ દેખાઈ રહી હતી ! ! !

તેજલેે વાત કરવી કે, નહિ ? ની પળવારની મૂંઝવણ પછી મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાન પર મૂકયો.

મોબાઈલમાંથી ‘ઘર્‌ર્‌ર્‌ર્‌....’ એવો અવાજ સંભળાયો, અને પછી ગઈકાલે બપોરના બાર વાગ્યાની આસપાસ, તેજલે જે મિસ્ડ્‌ કૉલ પર કૉલ લગાવ્યો હતો અને તેને જે અવાજ સાંભળવા મળ્યો હતો, એ જ અવાજ અત્યારે સાંભળવા મળ્યો : ‘તેજલ ! સોમવારની રાતના બાર વાગવાને છ મિનિટની વાર છે. મેં તને ગઈકાલે કહ્યા પ્રમાણે તારે બરાબર બાર વાગ્યે મરી જવાનું છે !’

‘તું...તું કોણ છે ? !’ તેજલે કંપતા અવાજે પૂછયું.

‘મેં તને કાલે જ તો કહેલું કે, હું તારું મોત બોલી રહ્યો છું.’ તેજલના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી એ વ્યક્તિનો અવાજ સંભળાયો : ‘તારી ફ્રેન્ડ કાજલ ઍમ્બ્યુલન્સની ટકકરથી મરી અને આનંદ હાર્ટ એટેકથી મર્યો ! બોલ હવે, તારે કેવી રીતે મરવું છે ?’

તેજલે સામેવાળાના આ કૉલને કટ્‌ કરવા માટેનું બટન દબાવી દીધું અને પછી કૉલ કટ્‌ થયો છે કે, નહિ ? એ જોવા માટે તેણે ફરી મોબાઈલ કાન પર મૂકયો, તો સામેવાળી વ્યક્તિનો અવાજ સંભળાયો : ‘ના, તેજલ ! હવે આ કૉલ કટ્‌ નહિ થાય ! હવે હું ધારીશ ત્યારે જ કૉલ કટ્‌ થશે !’

તેજલે કાન પરથી મોબાઈલ ફોન હટાવી લીધો. તેને મોબાઈલ ફોન ફેંકી દેવાનું મન થઈ ગયું, પણ તેણે મનને વાર્યું. ‘મોબાઈલ પરની તેની સોફિયા સાથેની વાતચીત કટ્‌ થઈ ગઈ હતી. કદાચને સોફિયાનો કૉલ ફરી આવી જાય અને એની સાથે વાત થઈ જાય !’ એવા વિચાર સાથે તેજલ ગલીની બહાર નીકળી. હવે તેનો ફલેટ આ સામે જ હતો. ‘એકવાર તે પોતાના ઘરે પહોંચી જાય પછી તેને મોબાઈલ કરનારી વ્યક્તિ ઝખ મારે છે !’ વિચારતાં તેજલ પોતાના ફલેટ તરફ દોડી.

ત્યારે થોડેક દૂરથી, આ તરફ જ દોડી આવી રહેલી ટૅકસીમાં બેઠેલી સોફિયાએ ચોથીવાર તેજલનો મોબાઈલ લગાવ્યો, પણ આ વખતેય તેજલનો કૉલ લાગ્યો નહિ. સોફિયાએ આગળ રસ્તા પર નજર દોડાવી. હવે તેજલનું ઘર ખાસ દૂર નહોતું. સોફિયાએ કાંડા ઘડિયાળમાં જોયું. અગિયાર વાગ્યાને સત્તાવન મિનિટ થઈ હતી. મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ તેજલના મોતનો બાર વાગ્યાનો જે સમય આપ્યો હતો, એમાં ફકત ત્રણ મિનિટની જ વાર હતી.

બરાબર આ જ પળેે, તેજલ અહીંથી થોડેક દૂર, ત્રીજા માળ પરના પોતાના ફલેટના દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજાનું લૉક ખોલ્યું અને ફલેટમાં દાખલ થઈ.

તે સોફા પર બેસી ગઈ. ‘અત્યાર સુધીમાં એ વ્યક્તિનો કૉલ કટ્‌ થઈ ગયો હશે !’ એવી ગણતરી સાથે તેણે મોબાઈલ કાને ધર્યો, ત્યાં જ મોબાઈલમાં સામેથી એ જ વ્યક્તિનો અવાજ સંભળાયો, ‘તેજલ ! બાર વાગવાને, તારું મોત થવાને હવે ફકત બે મિનિટની જ વાર છે !’

તેજલ કંઈ બોલી શકી નહિ. ત્યાં જ તેને બાલ્કની તરફથી અવાજ સંભળાયો. તેણે સોફા પરથી ઊભી થઈ જતાં બાલ્કની તરફ જોયું.

-બાલ્કનીનો દરવાજો ધીમે-ધીમે ખુલી રહ્યો હતો.

તેજલ કાંપવા માંડી : ‘ક..ક...કોણ..., કોણ છે ? !’

બાલ્કનીમાંથી જવાબ સંભળાયો નહિ, પણ બાલ્કનીનો દરવાજો પૂરો ખુલી ગયો !

તેજલે પરાણે હિંમત ભેગી કરી અને બાલ્કની પાસે પહોંચી.

-બાલ્કનીમાં કોઈ દેખાયું નહિ.

તેણે બાલ્કનીમાં પગ મૂકયો, ત્યાં જ તેને એવું લાગ્યું કે, તેની પીઠ પાછળ કોઈ ઊભું છે. તે એકદમથી પાછળની તરફ ફરી.

બરાબર એ જ પળે, ફલેટની નીચે સોફિયાની ટૅકસી આવીને ઊભી રહી. સોફિયા ટૅકસીની બહાર નીકળી, ત્યાં જ તેના કાને તેજલનો અવાજ સંભળાયો : ‘નહિ.., નહિ..!’

સોફિયાએ અધ્ધર, સોફિયાના ત્રીજા માળ પરના ફલેટની બાલ્કની તરફ જોયું, અને એ જ પળે તેજલ એ બાલ્કનીમાંથી નીચે-જમીન પર આવી પડતી દેખાઈ.

‘તેજ....લ...!’ સોફિયાના મોઢેથી ચીસ નીકળી ગઈ ને ત્રીજી પળે, સોફિયાથી પાંચ-છ પગલાં આગળ, તેજલ જમીન પર આવીને પડી. ધબ્‌્‌ !

તેજલનું માથું ફાટી ગયું અને લોહી નીકળવા માંડયું. તે પળ-બે પળ તરફડીને શાંત થઈ ગઈ. તેેની આંખો પહોળી ને કીકીઓ સ્થિર થઈ ગઈ. તેનો જીવ નીકળી ગયો.

સોફિયાનો શ્વાસ જાણે અટકી ગયો. તે જમીન પર બેસી પડી.

એ જ પળે તેજલ.., તેજલની લાશનો જમણો હાથ સળવળ્યો !

તેજલનું બાકીનું આખું શરીર, તેની ફાટેલી આંખોની કીકીઓ વગેરે લાશની જેમ જ સ્થિર પડયાં રહ્યાં, પણ ફકત એના જમણા હાથમાં જીવ બાકી રહ્યો હોય એમ એનો જમણો હાથ સળવળ્યો ને એણે પોતાની પકડમાં પકડાયેલા મોબાઈલ ફોનનું બટન અંગૂઠાથી દબાવ્યું.

મોબાઈલના સ્ક્રીન પર, મોબાઈલમાં સેવ થયેલા નામ-નંબર આવવા માંડયા.

તેજલની લાશના હાથે બટન દબાવીને તેજલના કૉલેજ ફ્રેન્ડ ‘માનવ’ના નામને હાઈલાઈટ કર્યું અને પછી બટન દબાવ્યું. અને એ સાથે જ માનવના મોબાઈલ ફોન નંબર પર તેજલના મોબાઈલની રિંગ જવા માંડી.

માનવના મોબાઈલ નંબર પર થોડીક રિંગ ગઈ, એટલે તેજલની લાશના હાથે બટન દબાવ્યું અને કૉલ કટ્‌ કર્યો, અને પછી એ હાથ સ્થિર થઈ ગયો. એ હાથમાંથી પણ જાણે જીવ નીકળી ગયો ! !

-હા !

-તેજલ મરી એ પછી, તેની લાશે, તેના મોબાઈલ ફોન પરથી તેના કૉલેજ ફ્રેન્ડ માનવના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ લગાવ્યો હતો ! ! ! ! ! ! ! ! !

( વધુ આવતા અંકે )