દહેશત - 11 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દહેશત - 11

11

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરીયલ ‘દહેશત’ના પ્રોડ્યૂસર જોનાથને રીચાના હાથમાં પોતાનો મોબાઈલ ફોન આપ્યો, ત્યાં જ એ મોબાઈલ ફોનમાં પેલી વ્યક્તિનો જ્યારે પણ મિસ્ડ્‌ કૉલ આવતો હતો ત્યારે જે ફિલ્મી ગીતવાળો રિંગ ટોન ગૂંજી ઊઠતો હતો, એવો જ રિંગ ટોન ગૂંજી ઊઠયા હતોે, અને રીચાએ જોયું તો એ મોબાઈલ ફોન પર એક એમ. એમ. એસ. આવ્યો હતો. રીચાએ મોબાઈલનું બટન દબાવીને એ એમ. એમ. એસ. જોયો તો તે ભયથી થરથરી ઊઠી હતી.

-રીચાને મોબાઈલના સ્ક્રીન પર તેની પોતાની જ લાશ દેખાઈ રહી હતી. તેની લાશની ફૂટેલી આંખોમાંથી લોહીની ધાર નીકળી રહી હતી. તેના હૃદયમાં એક કાચ ખૂંપેલો હતો અને એમાંથી પણ લોહીનો રેલો નીકળી રહ્યો હતો !

‘લાવ, મને બતાવ !’ કહેતાં અત્યારે રીચાની બાજુમાં ઊભેલી સોફિયાએ રીચાના હાથમાંથી મોબાઈલ ફોન લીધો ને તેણે મોબાઈલના સ્ક્રીન પર નજર નાંખી ! તે સ્ક્રીન પર દેખાઈ રહેલી રીચાની લાશને જોઈ રહી. તેણે ગઈકાલે રાતના રીચાના મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢી નાંખી હોવા છતાં, પેલી અજાણી વ્યક્તિનો મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને રીચાએ સામેથી એ મિસ્ડ્‌ કૉલ પર કૉલ લગાવ્યો હતો ત્યારે મોબાઈલમાં સામેથી એ વ્યક્તિએ રીચાને કહ્યું હતું કે, ‘‘શનિવારની રાતના બરાબર દસ વાગ્યા ને દસ મિનિટે, કાચથી રીચાની બન્ને આંખો ફૂટી જશે અને એ જ પળે રીચાના હૃદયમાં પણ કાચ ખૂંપી જશે અને એનો જીવ નીકળી જશે !’’

એ પછી રીચાએ એનો મોબાઈલ ફોન તોડી નાંખીને ગટરમાં વહાવી દીધો હતો. અને અત્યારે હવે ટી. વી. સીરીયલ ‘દહેશત’ના આ પ્રોડ્યૂસર જોનાથને હજુ તો પોતાનો મોબાઈલ ફોન રીચાના હાથમાં આપ્યો હતો, ત્યાં જ આ મોબાઈલ ફોનમાં રીચાની લાશવાળો આ એમ. એમ. એસ. આવ્યો હતો !

‘આખરે એ વ્યક્તિએ રીચાની લાશવાળો આ એમ. એમ. એસ. કેવી રીતે તૈયાર કર્યો હશે ? !’ આ એક સવાલની સાથે જ એ પણ એક ખતરનાક વાત હતી કે, હજુ તો રીચાએ જોનાથનનો મોબાઈલ ફોન હાથમાં લીધો હતો, ત્યાં જ એ મોબાઈલ પર રીચાની લાશવાળો એમ. એમ. એસ. આવ્યો હતો. અને.., અને આનો મતલબ એ કે, એ વ્યક્તિ સતત તેમની પર નજર રાખી રહી હતી. એ વ્યક્તિ અત્યારે પણ તેમને જોઈ રહી હતી !

અને સોફિયાએ એ વ્યક્તિને પકડી પાડવા માટે આસપાસમાં ઝડપી નજર ફેરવવા માંડી.

તો જોનાથને સોફિયાના હાથમાંથી મોબાઈલ ફોન લઈ લીધો અને રીચાની લાશવાળો એમ. એમ. એસ. જોવા માંડયો.

સોફિયાએ આસપાસમાં દૂર-દૂર સુધી નજર દોડાવી લીધી, પણ કોઈ દેખાયું નહિ. તેણે રીચા સામે જોયું.

રીચામાં જાણે જીવ જ ન હોય એમ એ પથ્થરના પૂતળાની જેમ, ભય થીજેલી આંખે ઊભી હતી !

‘રીચા, તું અંદર મારા રૂમમાં જા.’ કહેતાં સોફિયાએ રીચાનો હાથ પકડીને એને દરવાજાથી સહેજ દૂર ખસેડી એટલે જોનાથને ઉતાવળે કહ્યું : ‘રીચા ! જે રીતના મારા મોબાઈલ ફોન પર તને પરેશાન કરનારી એ વ્યક્તિનો આ એમ. એમ. એસ. આવ્યો છે, એ જોતાં મને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે, એ કોઈ ભયાનક ભૂત-પ્રેત જ છે ! પણ તું ચિંતા ન કર. આપણે તને પરેશાન કરનારા આ પ્રેતથી પીછો છોડાવવા માટેની વળગાડ મુક્તિની ક્રિયા કરીશું અને એ પ્રેતથી તારો પીછો છોડાવી દઈશું. અને આ આખી ઘટના ટી. વી. પર, ‘દહેશત’ સીરિયલમાં લાઈવ રજૂ કરીશું.’

‘ના ! અમારે આવી કોઈ જોખમી ક્રિયા કરવી નથી.’ કહેતાં સોફિયા દરવાજો બંધ કરવા માંડી.

‘સોફિયા, પ્લીઝ !’ જોનાથન બોલ્યો : ‘તું મારી પર ભરોસો રાખ. તેં મારી સીરિયલ જોઈ નથી, પણ મેં આટલા વરસમાં આવા અનેક ચિત્ર-વિચિત્ર અને ભયાનક પ્રેતોનો સામનો કરીને એમનાથી તમારા જેવા લોકોને બચાવ્યાં છે !’

‘થૅન્કયૂ તમે અહીં સુધી આવ્યાં, પણ અમારે આ બધી વાતમાં પડવું નથી.’ ને સોફિયાએ દરવાજો બંધ કરી દીધો.

‘સોફિયા ! તું સમજતી કેમ નથી ? !’ બહારથી જોનાથનનો અવાજ આવ્યો : ‘તમે લોકો મારી મદદ લેશો તો તમને ફાયદો જ થશે, કંઈ નુકશાન નહિ થાય !’

સોફિયાએ કોઈ જવાબ આપ્યો નહિ.

‘સોફિયા !’ સોફિયાની બાજુમાં ઊભેલી રીચા બોલી : ‘મને લાગે છે કે, આપણે જોનાથનની મદદ લેવી જોઈએ !’

‘જોનાથન પોતાની સીરિયલ ચલાવવા માટે, રૂપિયા કમાવવા માટે તારો ઉપયોગ કરવા માંગે છે. તારી પર ભૂત-પ્રેતથી મુક્તિ માટેની ક્રિયા કરવા માંગે છે, પણ...’ સોફિયા બોલી : ‘...પણ આ કામ કોઈ પ્રેતનું છે કે, નહિ ? ! એ આપણે નકકી કરી શક્યા નથી, એવામાં આ વળગાડ મુક્તિની ક્રિયા કરવામાં મને તો તારા જીવનું જોખમ જ લાગે છે.’

સોફિયાની આ વાત સાંભળીને હવે રીચા કંઈ બોલી નહિ. એણે સોફિયા સાથે કંઈ દલીલ કરી નહિ. એ સોફિયાના બેડરૂમ તરફ આગળ વધી ગઈ.

‘સોફિયા ! રીચા ! ચારેક વરસ પહેલાં મારા જુવાન દીકરાને એક ભયાનક પ્રેત વળગ્યું હતું. પણ એ વખતે હું ભૂત-પ્રેતમાં માનતો નહોતો, એટલે મેં એની દુનિયાભરની સારવાર-દવાઓ કરી હતી, પણ ભૂત-પ્રેત ભગાડવા માટેની કોઈ ક્રિયા કરાવી નહોતી. છેવટે એ ભયાનક પ્રેતે મારા દીકરાનો ભોગ લઈ લીધો.’ બંધ દરવાજા બહારથી જોનાથનનો દુઃખી અવાજ સંભળાયો : ‘હું પ્રેતનો ભોગ બની ગયેલા મારા દીકરાને તો પાછો લાવી શકું એમ નહોતો, પણ ભૂત-પ્રેતથી પીડાતા મારા દીકરા જેવા બીજા લોકોને બચાવવા તેમ જ મારી જેમ ભૂત-પ્રેતમાં નહિ માનીને પોતાના સ્વજનોને ગુમાવી બેસનારા લોકો સામે ભૂત-પ્રેતની હકીકત રજૂ કરવા મેં આ સીરિયલ ચાલુ કરી. બસ, બાકી આમાં મારો બીજો કંઈ ફાયદો નથી.’

સોફિયા કંઈ બોલી નહિ.

‘ઠીક છે.’ દરવાજા બહારથી જોનાથનનો અવાજ આવ્યો : ‘હું જાઉં છું, પણ મારું કાર્ડ મૂકતો જાઉં છું. તમને મારી મદદ લેવાનું મન થાય તો મને કૉલ કરજો.’

અને સોફિયાને બંધ દરવાજા નીચેની તિરાડમાંથી જોનાથને બહારથી સરકાવેલું એનું વીઝિટિંગ કાર્ડ અંદર આવતું દેખાયું.

સોફિયાએ એ કાર્ડ ઊઠાવ્યું અને એમાં નજર નાંખ્યા વિના જ તેણે એ કાર્ડ દરવાજાની બાજુમાં પડેલા ટેબલ પર મૂકી દીધું.

જોનાથન આવી પહોંચ્યો હતો એટલે સોફિયા અને રીચાનો ચા-નાસ્તો બાકી રહી ગયો હતો. સોફિયા ફરી ચા ગરમ કરવા માટે ટેબલ પરથી ચાના કપ લઈને કીચન તરફ આગળ વધી ગઈ.

ત્યારે સોફિયાના બેડરૂમમાં રીચા પલંગ પર બેઠી હતી. રીચાનું એક મન કહેતું હતું કે, ‘તેણે જોનાથનની મદદ લેવી જોઈએ,’ તો તેનું બીજું મન કહેતું હતું કે, ‘સોફિયાની વાત માનીને તેણે જોનાથનની મદદ લેવાનું ટાળવું જ જોઈએ.’ તે પલંગ પર લેટી, ત્યાં જ તેની નજર સાઈડ ટેબલ પર પડી. અને આ સાથે જ તેના ચહેરા પર ભય આવી જવાની સાથે જ તે એકદમથી જ બેઠી થઈ ગઈ !

-સાઈડ ટેબલ પર મોબાઈલ ફોન પડયો હતો !

-તે એ મોબાઈલ ફોનને તાકી રહી !

-એ મોબાઈલ ફોન તેનો હતો !

-હા, એ મોબાઈલ ફોન તેનો પોતાનો જ હતો !

-હા ! હા ! ! એ તેનો એ જ મોબાઈલ ફોન હતો જે તેણે ગઈકાલે રાતના તોડી નાંખ્યો હતો, ટુકડે-ટુકડાં કરી નાંખ્યો હતો અને પછી એને ગટરમાં વહાવી દીધો હતો ! !

હા ! હા ! ! હા ! ! ! તેનો એ જ મોબાઈલ ફોન અત્યારે તેની સામે ટિપૉય પર આખો-જરાય લિસોટા વગરનો-એવો ને એવો, નવો-નક્કોર થઈને પડયો હતો.

પળવાર માટે તો રીચાને લાગ્યું કે, તે ચક્કર ખાઈને પડી જશે.

આ ઘટના સામાન્ય નહોતી ! ભેદી હતી ! ! ભયાનક હતી ! ! ડરાવી-ગભરાવીને મારી નાંખે એવી હતી ! ! !

તેણે ઉપરા-છાપરી ચાર પાંચ ઊંડા-ઊંડા શ્વાસ લીધાં પછી જાણે તેના ચકકર ઓછાં થયાં. તેના તનમાં નવું જોર ફૂંકાયું. તેના મનમાં નવી હિંમત જાગી. ‘તેણે પોતાનો આ મોબાઈલ ફોન ઊઠાવીને બહાર ફેંકી દેવો જોઈએ.’ તેના મનમાં આ વિચાર જાગ્યો અને તે ટેબલ તરફ હાથ આગળ વધારવા ગઈ, ત્યાં જ પાછો તેના મગજમાં વિચાર જાગ્યો, ‘પણ એનાથી શું થશે ? ગઈકાલે રાતના તેણે પોતાના આ મોબાઈલના ટુકડે ટુકડાં કરીને એને ગટરમાં વહાવી દીધો હતો, છતાં તેનો આ મોબાઈલ આખો થઈને પાછો આવી ગયો હતો, તો અત્યારે તે આ મોબાઈલ ઊઠાવીને બહાર ફેંકી દેશે તોય શું એ પાછો નહિ આવી જાય ? !’ અને તે મોબાઈલ ફોન તરફ પળ-બે-પળ તાકી રહી અને પછી તેણે નકકી કર્યું, ‘આ મોબાઈલ ફરી પાછો આવે કે ન આવે, પણ અત્યારે તો તેણે આ મોબાઈલ ફોન બહાર ફેંકી જ દેવો જોઈએ !’ અને તેણે ટેબલ તરફ હાથ આગળ વધાર્યો. તેણે મોબાઈલ ફોન હાથમાં લીધો ત્યાં જ તેના હાથમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. તેને લાગ્યું કે, મોબાઈલ ગરમ હતો !

તે ઊભી થઈ. તેણે બારી ખોલી અને ઘા કરીને મોબાઈલ ફોન બારી બહાર ફેંક્યો !

મોબાઈલ ફોન બહાર-કમ્પાઉન્ડની જમીન પર પડયો અને બીજી જ પળે એ ભડ્‌-ભડ્‌-ભડ્‌ કરતાં સળગી ઊઠયો !

રીચા પળ-બે-પળ હેબતાઈ ગયેલી નજરે તેના સળગતા મોબાઈલ તરફ તાકી રહી અને પછી તેણે બારી બંધ કરીને સ્ટોપર ચઢાવી દીધી.

તે પલંગ પર બેસી પડી. તેની સામે, તેની સાથે એવી વિચિત્ર અને ભયાનક ઘટનાઓ બની રહી હતી કે, તેનું મગજ બહેર મારી ગયું હતું. તેનું શરીર કમજોર પડી ગયું હતું. અત્યારે હવે તેનું મગજ કંઈ વિચારી-સમજી શકવાની સ્થિતિમાં રહ્યું નહોતું, તો તેનું શરીર પણ કંઈ કરી શકવાની હાલતમાં રહ્યું નહોતું ! !

૦ ૦ ૦

સબ ઈન્સ્પેકટર જિમી તેના ઘરમાં, ખુરશી પર બેઠો હતો. તેના મગજમાં અત્યારે તેની નાની બહેન સુઝેનના ભેદી મોતના વિચારો ઘુમરાઈ રહ્યાં હતાં.

‘તેની બહેન સુઝેનની લાશ ઘરના સ્વિમિંગ પુલમાંથી મળી આવી હતી. સુઝેનની લાશના મોઢામાંથી ચ્યુઈંગગમ નીકળી હતી. આવી જ ચ્યુઈંગગમ, તેને પોલીસ ચોકીમાં મળેલી પેલી યુવતી સોફિયાના ફ્રેન્ડ્‌સ તેજલ અને માનવના ભેદી મોત પછી એમની લાશના મોઢામાંથી પણ મળી આવી હતી. અને એટલે આ ત્રણેયના મોતને એકબીજા સાથે કંઈક કનેકશન હતું. અને આ કનેકશન શું હતું ? ! એ જો તે શોધી કાઢે તો આ ત્રણેયના મોતના ભેદ પરથી પડદો ઊઠી શકે એમ હતો.

‘તેની બહેન સુઝેનનું મોત થયું હતું ત્યારે તે બહારગામ હતો, એટલે સુઝેન સાથે એની મોતની છેલ્લી મિનિટો-છેલ્લી પળોમાં શું બન્યું હતું ?ં એની તેને ખબર નહોતી. પણ હા, સોફિયાનું કહેવું હતું કે, તેના જે ચાર ફ્રેન્ડ્‌સ કાજલ, આનંદ, તેજલ અને માનવના ભેદી રીતના મોત થયાં હતાં, એ ચારેયના મોબાઈલ ફોન પર એમનાં મોત પહેલાં એક અજાણ્યા નંબર પરથી મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો. આ ચારેય જણાંએ, એ નંબર પર કૉલ કર્યો હતો તો તેમની સાથે એક અજાણી વ્યક્તિએ વાત કરી હતી અને તેમને તેમનું મોત થશે એવું કહેવાની સાથે જ તેમના મોતનો સમય પણ જણાવ્યો હતો.

‘અને.., અને એ વ્યક્તિના કહેવા પ્રમાણેના સમયે જ એ ચારેયના મોત થયાં હતાં.

‘જોકે, એમનાં મોત અકસ્માત અને કુદરતી લાગે એ રીતના થયાં હતાં, એટલે આ કેસ સંભાળી રહેલી સબ ઈન્સ્પેકટર આરોહી એ માનવા તૈયાર નહોતી કે, આ ચારેયના મોત એ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિએ કર્યા હતા.’ અને આ વિચાર સાથે જ અત્યારે અચાનક જ જિમીના મગજમાં વિચાર જાગ્યો, ‘તેજલ અને માનવનું મોત થયું, ત્યારે એમના મોઢામાંથી ચ્યુઈંગગમ નીકળી હતી. તેની નાની બહેન સુઝેનનું મોત થયું એ પછી સુઝેનના મોઢામાંથી પણ ચ્યુઈંગગમ નીકળી હતી. હવે તેજલ અને માનવનું મોત થયું એ પહેલાં એમના મોબાઈલ ફોન પર એક અજાણી વ્યક્તિનો મોતના મેસેજવાળો મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો ! તો શું તેની નાની બહેન સુઝેનનું મોત થયું એ પહેલાં એના મોબાઈલ ફોન પર પણ એ અજાણી વ્યક્તિનો મિસ્ડ્‌ કૉલ આવ્યો હશે ! ? !

‘તેણે સુઝેનનો મોબાઈલ ફોન ચેક કર્યો નહોતો. તેણે સુઝેનનો મોબાઈલ ચેક કરવો જોઈએ.’ અને આ વિચાર સાથે જ તે ઊભો થયો ને સુઝેનના રૂમમાં પહોંચ્યો.

રૂમમાં ટેબલ પર સુઝેનનો મોબાઈલ ફોન પડયો હતો.

જિમીએ ખુરશી પર બેસતાં, ટેબલ પર પડેલો સુઝેનનો મોબાઈલ ફોન ઊઠાવ્યો. તેણે મોબાઈલ ફોનનું બટન દબાવીને એના સ્ક્રીન પર જોયું.

-સુઝેનના મોબાઈલ ફોન પરથી છેલ્લે એક મિસ્ડ્‌ કૉલ થયેલો હતો !

જિમીએ બટન દબાવીને એ મિસ્ડ્‌ કૉલ પહેલાંનો નંબર જોયો.

-સુઝેને એક અજાણ્યા નંબર પર કૉલ લગાવ્યો હતો અને એ અજાણ્યા નંબરવાળી વ્યક્તિ સાથે વાત કરી હતી.

‘સુઝેને આ જે અજાણ્યા નંબરવાળી વ્યક્તિ સાથે વાત કરી હતી, નકકી એ વ્યક્તિનો જ મિસ્ડ્‌ કૉલ આવ્યો હશે !’ એવા અંદાજા સાથે જિમીએ બટન દબાવીને મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો તેનો આ અંદાજો સાચો ઠર્યો.

સુઝેને જે અજાણ્યા નંબર પર વાત કરી હતી, એ નંબર પરથી જ મિસ્ડ કૉલ આવ્યો હતો.

હવે એટલી વાત સાફ હતી.

સુઝેનના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો.

સુઝેને એ મિસ્ડ્‌ કૉલવાળા નંબર પર કૉલ લગાવ્યો હતો અને સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી હતી.

અને આ પછી સુઝેને એક બીજા નંબર પર મિસ્ડ્‌ કૉલ લગાવ્યો હતો !

અને એ પછી એનું મોત થઈ ગયું હતું ! ! !

જિમી સુઝેનના મોબાઈલને તાકી રહ્યો. હવે તેની પાસે, તેની નાની બહેન સુઝેનના ભેદી મોતનો થોડા-ઘણાં અંશે પણ ભેદ ખુલી શકે એવી બે કડીઓ હતી !

એક કડી હતી, સુઝેનના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિનો મોબાઈલ ફોન નંબર !

બીજી કડી હતી, છેલ્લે સુઝેને જે વ્યક્તિને મિસ્ડ કૉલ લગાવ્યો હતો, એ મોબાઈલ ફોન નંબર !

જિમીએ નકકી કર્યું, ‘તેણે પહેલાં સુઝેનના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ ! એ વ્યક્તિ જ જો આ બધાં મોત પાછળ હશે તો તેને જરૂર ખ્યાલ આવી જશે !’

અને આ સાથે જ જિમીએ સુઝેનના મોબાઈલ ફોન પર જે નંબર પરથી મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, એ નંબર પર કૉલ લગાવ્યો અને મોબાઈલ ફોન કાન પર મૂકયો.

( વધુ આવતા અંકે )