ખુશી દરરોજ સાંજે સુંદર રીતે સજીધજીને, તૈયાર થઈને આ દરિયાકિનારે આવતી અને કલાકો સુધી કોઈની રાહ જોતી ઉભી રહેતી. અને છેવટે રાત્રિનું અંધારું થતાં નિરાશ થઈને પાછી વળી જતી. આ તેનો નિત્યક્રમ હતો.તેને પોતાના પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે એક દિવસ મારો આરવ ચોક્કસ પાછો આવશે.
આરવ અને તેના મિત્રો અવાર-નવાર વિચિત્ર પ્રકારની રેસ લગાવતાં. ક્યારેક ગાડીની તો ક્યારેક બાઈકની. આ વખતે તેમણે દરિયામાં બોટીંગની રેસ લગાવી હતી.પણ આ વખતે આરવને આ રેસ ભારે પડી ગઈ હતી. તે પોતાની નાવડી હંકારતાં હંકારતાં દરિયામાં ઘણે દૂર કોઈ અજાણી જગ્યાએ ચાલ્યો ગયો હતો.
આ અજાણ્યા દરિયાકિનારે તે પહોંચ્યો ત્યારે લગભગ અંધારું થઈ ગયું હતું તેથી તે પોતાની નાવડી સાઈડમાં રોકીને તે દરિયાકિનારે ઉતરી ગયો.
તેને નાનકડું સુંદર ગામ પોતાની નજર સમક્ષ દેખાયું અને ગામભણી મીટ માંડી તો એક ખૂબજ સુંદર છોકરી તેને પોતાની સામે આવતી દેખાઈ, જેને જોતાં જ તેને ગમી ગઈ, ખૂબજ રૂપાળી દેખાતી તેને આરવે તેનું નામ-ઠામ પૂછ્યું.
આ છોકરીને પણ આવાં નાનકડા ગામમાં કોઈ નવયુવકને આ રીતે આવેલો જોઈને થોડું કૂતુહલ થયું.
તેણે પણ સ્વાભાવિક રીતે જ તેને બધું જ પૂછી લીધું અને પછી પોતાની સાથે તેને પોતાના ઘરે લઈ ગઈ અને આશરો આપ્યો.
ચાર-પાંચ દિવસ આરવ અહીં ખુશીની સાથે ખુશીનાં ઘરે રોકાઈ ગયો અને પોતાના ઘરે જવાનો રસ્તાની પૂછપરછ કરતો રહ્યો.
દરિયાકિનારે આવેલું આ નાનકડું પણ સુંદર ગામ હતું ગામનું નામ "પરવાળા" હતું. ખુશી તેના માતા-પિતાની એકની એક દીકરી હતી તેને જન્મ આપતાંની સાથે જ તેની મમ્મીનું મૃત્યુ થયું હતું અને તે પોતાના પિતા સાથે પોતાના આ નાનકડા પણ સુંદર ગામમાં એક સુંદર ઘર બનાવીને રહેતી હતી.
ખુશીની મીઠી બોલી, ભોળી અને નિર્દોષ વાતોથી તેને ખુશી સાથે એક અજબ નાતો બંધાઈ ગયો હતો. ખુશીને પણ આ રૂપાળો હેન્ડસમ, ઠાવકો અને બોલકણો નવયુવાન ખૂબ ગમી ગયો હતો અને તે તેના પ્રેમમાં પડી ગઈ હતી અને તેને પોતાનો હમસફર માનવા લાગી હતી.
પરંતુ આરવનો ઘર-પરિવાર આ ગામથી ઘણે બધે દૂર હતો જ્યાં તેનાં ઘરવાળા બધાજ તેની રાહ જોતાં બેઠાં હતાં તેથી તેને પોતાના ઘરે પાછા વળ્યા સિવાય છૂટકો પણ નહોતો.
ખુશી તેને પાછો જવા દેવા તૈયાર ન હતી, ખુશી તેને પોતાના પ્રેમમાં જકડી રાખવા માંગતી હતી અને તેની સાથે લગ્ન કરી ઘર-સંસાર વસાવવા માંગતી હતી. તેણે પોતાના પિતાની સંમતિ પણ લઈ લીધી હતી. પણ આરવ માટે આ શક્ય ન હતું તેથી તેણે ખુશીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ખુશી આરવની કોઈ વાત માનવા તૈયાર ન હતી.
છેવટે આરવે ખુશીને પોતાની બાહુપાશમાં જકડી પોતાના પ્રેમનો એકરાર કર્યો, તેને માથે પ્રેમથી ચુંબન કર્યું અને તેનો હાથ પોતાના હાથમાં લઈને પોતે જરૂરથી પાછો આવશે તેવી તેને પ્રોમિસ પણ આપી અને દુઃખી હ્રદયે ખુશી પાસેથી વિદાય લીધી.
આ વાતને બરાબર બાર મહિના થઈ ગયા હતાં પણ આરવ હજી સુધી પાછો વળ્યો ન હતો.
જ્યારથી આરવ ગયો ત્યારથી અત્યાર સુધી ખુશી દરરોજ સાંજ પડતાં જ આ દરિયાકિનારે આવતી અને પોતાના આરવની આતુરતા પૂર્વક રાહ જોતી તેને હજી પણ પોતાના પ્રેમ ઉપર વિશ્વાસ છે કે, " મારો આરવ એક દિવસ ચોક્કસ પાછો આવશે અને લગ્ન કરીને મને તેની સાથે લઈ જશે. "
કાશ, આરવ પાછો આવે અને ખુશીના ઈંતજારનો અંત આવે અને બંનેનું મિલન થાય તેમજ ખુશીને તેની ખુશી પાછી મળે.....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/4/2021