waste paper books and stories free download online pdf in Gujarati

કાગળ નો ડૂચો....

કાગળનો ડૂચો....વાર્તા...દિનેશ પરમાર 'નજર'

****************************************
ઉઝરડો ફૂલ પર જોઈ હવાની આંખ ભીની થઈ ગઈ
ખરો સબંધ આંખોમાં લખાતો હોય છે એમ જ

કદી પંખી બરફનું ઊડશે, પીંજર રહી જાશે પછી
ઋણાનુબંધ શ્ચાસોનો કપાતો હોય છે એમ જ

ધૂની માંડલિયા
*****************************************
પોતાના અંધ દીકરા પ્રકાશને " દિવ્ય જ્યોત અંધજન મંડળ" ની શાળામાં પ્રવેશ અપાવવા આવેલ સુરેશભાઈ, મંડળના મુખ્ય ટ્રસ્ટી શ્રીમહેશચંદ્રની ચેમ્બર પાસે અટકી ગયા.
તેઓની ચેમ્બરમાં અન્ય લોકો બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા.
પટાવાળાએ કહ્યું, " બોલો...?"
સુરેશભાઈ બોલ્યા, " સાહેબને મળવું છે."
" સારું લો આ ચબરખી તેમાં નામ અને શા માટે મળવું છે? વિગેરે વિગતો ભરી આપો."
થોડીવાર પછી સુરેશભાઈને અંદર બોલાવ્યા.
તેઓ " અંદર આવી શકું?" કહીને અંદર દાખલ થયા.
સામેની ખુરશી તરફ ઈશારો કરી મહેશચંદ્ર હસીને બોલ્યા, " અરે ભાઈ... આમાં તમારે રસેશભાઈ પાસે ફોન કરાવવાની જરૂર નહતી, અહીં જરૂરિયાત મંદ લોકોની સેવા માટે જ બેઠા છીએ! "
" માફ કરજો પણ મારો દીકરો પ્રકાશ અહીં જ પ્રવેશ ઈચ્છતો હોઈ મેં આ પ્રકારની ગુસ્તાખી કરી." બે હાથ જોડીને સુરેશભાઈ બોલ્યા.
"અરે, કશો વાંધો નહીં" કહી બેલ મારી.
જેવો પટાવાળો ચતુર અંદર આવ્યો કે મહેશચંદ્ર બોલ્યા શું ફાવશે? ચા કે કોફી?"
"ચાલશે સાહેબ"
"એમ કંઈ હોય... તમે રસેશભાઈના મિત્ર છો મને ઠપકો મળે..."
"સારુ ચા.. લઈશ" સુરેશભાઈ બોલ્યા.
મહેશચંદ્રે ચતુર સામે જોતા સમજી ગયેલો ચતુર ચા લેવા કેબિનની બહાર નીકળી ગયો.
મહેશચંદ્ર ટેબલ પર પડેલા કાગળો જોવા લાગ્યા આ દરમિયાન સુરેશભાઈ કેબિનનું નિરીક્ષણ કરવા લાગ્યા.
તેમણે, મહેશચંદ્રની ખુરશીની પાછળની દિવાલ પર બે કાચની ફ્રેમો જોઈ, એક ફ્રેમમાં ચોળાઈ ગયેલા કાગળને સરખો કરી લગાડવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું," ડૂચો... "
તેની બાજુની ફ્રેમમાં સુખડનો હાર લગાડેલા આશરે તેર એક વર્ષના બાળકનો ફોટો હતો.
ચા આવી જતા, ચા પીતા પીતા પણ કુતૂહલતાથી ફોટા તરફ જોઈ રહેલા સુરેશભાઈથી છેવટે ન રહેવાતા પ્રશ્ર્ન કરી જ નાખ્યો.
"એક વાત પુછુ સરજી? આ આપની પાછળ જે બે ફોટા છે, એક કાગળ છે જેમાં 'ડૂચો ' લખ્યું છે અને બીજીમાં કોઈ બાળકનો ફોટો છે. આ શું છે..?"
મહેશચંદ્ર આ સાંભળી સહેજ ઉદાસ થઈ ગયા, પછી બોલ્યા, " જાણવા માંગો છો તો સાંભળો."
અને વાત કરતા ભુતકાળમાં સરી પડ્યા.......

********

મહેશચંદ્ર એટલે મહેશ જ્યારે આઠમાં ધોરણમાં આવ્યો ત્યારે સરકારશ્રીના ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા તેના પિતાજીની બદલી જુનાગઢથી અમદાવાદ થતા અમદાવાદ આવવુ પડ્યુ.
મણીનગર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં રહેવા માટે ક્વાર્ટર મળતા, તે વિસ્તારની શાળામાં એડમિશન લઈ લીધુ.
પહેલેથી જ તોફાની એટલે પહેલા જ દિવસે શાળામાં અને વર્ગમાં છાપ ઊભી થઈ ગઈ.
સ્વાભાવિક રીતે આ ઉંમરે છોકરાઓ તોફાની હોય, અને તોફાની સંગ ગમે.. જ..
એટલે વર્ગમાં પ્રવેશ મેળવેલ અન્ય તોફાની છોકરાઓ દુર્ગેશ, પ્રતિક, રાજન, રાઘવ, મનિષ, મોહન બધા બેચાર દિવસમાંજ ખાસમખાસ દોસ્ત બની ગયા.
લગભગ અઠવાડિયા પછી એક સુકેતુ નામના છોકરાએ આ વર્ગમાં પ્રવેશ લીધો.
નાનપણમાં પોલિયો થવાને કારણે તે એક પગે અપંગ હતો.
તોફાની છોકરાઓને તો મજાક મસ્તી કરવા માટે પાત્ર મળી ગયુ જાણે....
વર્ગમાં ટીચર ન હોય, કે પિરિયડ બદલાય, ત્યારે ખબર ન પડે તેમ મોંઢા આગળ હાથ રાખી તોફાની ગ્રુપ તેને જુદા જુદા નામે ચિડવતા.
તે કશું જ ના બોલતો, ઉદાસ ચહેરે પોતાનું લેશન કે વાંચન કર્યા કરતો.
ઘણાં સારા વિદ્યાર્થીઓને આ ઠઠ્ઠા-મશ્કરી પસંદ ન પડતી. પરંતુ તેઓ વિવશ હતા.
સુકેતુના બાપુજી જીવણલાલ ખુબ ધાર્મિક સ્વભાવના હતા. તેમણે સુકેતુને કહેલું, " બેટા.. આ દુનિયામાં સારા ઓછા અને ખરાબ લોકો વધારે છે. તને લોકો ચિડાવશે પરંતુ તારે શાંત રહેવાનુ અને આવા ખામીયુકત સ્વભાવના લોકોની દયા ખાવાનીને, તેઓને સદ્બુદ્ધિ આપે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની. સમય જતાં એજ લોકો તારા તે સ્વાભાવને લઈ તારા મિત્ર બની જશે."
પપ્પાની વાતને જીવન મંત્ર સમજી તે ચુપ રહેતો.
એક વાર તો રિશેષના સમયે શાળાના મેદાનમાં ઝાડ નીચે નાસ્તો કરવા બેઠેલા તોફાની જુથે જોયું કે સુકેતુ નાસ્તો પતાવી પાણીની પરબ તરફ જઈ રહ્યો છે. મહેશને ચાનક ચઢી, તેણે પાળી પર પડેલી નોટબુકનુ કોરુ પાનુ ફાડી મોટા અક્ષરે લખ્યું "ડૂચો" તેની ટોળકી સામે જોઈ હસ્યો, "નકામો ડૂચો" બોલી, સુકેતુની પીઠ પર કાગળના ડૂચાનો ઘા કર્યો.
પાછળ કંઈ વાગતા ચમકી પાછળ જોયું નીચે ડૂચો પડ્યો હતો. ઝાડ તરફની ટોળકી મશ્કરીમાં હસી રહી હતી.
તે કશુંજ ન બોલ્યો, ડૂચો ઉઠાવી પરબ તરફ ધીમે ધીમે આગળ વધી ગયો.

**********

શાળા તરફથી ઈડર પાસે આવેલા 'પોળોના જંગલ 'ના પ્રવાસનુ આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ હરખભેર સંમત થયા.
સુકેતુએ કોઈ ઈચ્છા દર્શાવી નહી. ત્યારે ક્લાસ ટીચર દવે સાહેબે તેને સ્ટાફ રુમમાં બોલાવી કહ્યું, "બેટા તારે નથી આવવું?"
સુકેતુ બોલ્યા વિના નીચી નજરે પગ તરફ જોઈ શાંત ઊભો રહ્યો.તેની આંખમાં ઉમેટેલઆંસુમાં,વિવશતાની ભિનાસ જાણે તરતી હતી.
વગર કહે સમજી ગયેલા પોતાના પ્રિય વિધાર્થીના મનની વાત જાણી દવે સાહેબ બોલ્યા, " ત્યાં ટ્રેકિંગ સિવાય પણ, સદીઓ પુરાણા દેરાસર, શિવ મંદિર, જંગલની આહ્લાદક વનરાજી, વહેતા નિર્મળ ઝરણાં વિગેરે જોવાની મજા પડશે."
સાહેબના પ્રેમપૂર્વકના આગ્રહથી સુકેતુએ મૂક સંમતિ દર્શાવી.
જ્યારે તોફાની ટોળકીને ખબર પડી કે સુકેતુ પણ આવે છે ત્યારે ટોળીમાં થી એક બોલ્યો," આ અડધી ટિકિટ ત્યાં શુ કરશે? "
તો વળી ટોળીનો આગેવાન મહેશ બોલ્યો," આપણે પરત ફરશુ ત્યારે આ ડીફેકટીવ પિસ અડધે રસ્તે ભાખોડિયાં ભરતો હશે.." બધા એની વાત પર ખડખડાટ હસી પડ્યા.

*********

પ્રવાસ કરી પરત ફરતી તેમની બસને ઈડર અને હિમ્મતનગર વચ્ચે ગોઝારો અકસ્માત થયો. ડ્રાઇવર અને બે વિધાર્થીના સ્થળ પર જ મૃત્યુ થયા.
તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સીસ દોડી આવી.
ઘણાંને પ્રાથમિક સારવાર આપી. જ્યારે પાંચેક વિધાર્થી અને એક શિક્ષકની હાલત ગંભીર હોઈ તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા.
સુકેતુને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને કોમામાં ચાલ્યો ગયો હતો.
જ્યારે મહેશનો ચહેરો ઘડાકાભેર અથડાતા નાક અને આંખોને ગંભીર ઇજા થઇ હતી.
ચાર દિવસ પછી ભાનમાં આવેલ સુકેતુ તેના પપ્પાને તેના સાથે પ્રવાસમાં આવેલા તેઓની ખબર પૂછવા લાગ્યો. અને જાણી દુઃખની લાગણી અનુભવવા લાગ્યો.
ડોક્ટરે કહેલું સુકેતુને હજુ ગંભીરતાની બહાર આવતા ચોવીસ કલાક લાગશે.
આ દરમિયાન સુકેતુએ તેના પપ્પાને નજીક બોલાવી કાનમાં કંઈક કહ્યું.
પછી તો ડોક્ટરને વાત કરતા બે સાક્ષીની રૂબરૂમાં બધી કાર્યવાહી કરવામાં આવી.
લગભગ રાત્રે એક વાગ્યે સુકેતુને અચાનક આંચકી શરુ થઈ પરંતુ મુખ્ય ડોક્ટર આવે અને ટ્રીટમેન્ટ શરૂ કરે તે પહેલાં સુકેતુ આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો.

**********

દોઢેક માસ બાદ મહેશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ઘરે આવ્યા બાદ મહેશના પપ્પાએ કહ્યું, " બેટા હવે કેવુ લાગે છે? ઘરે આવી ને... ..?"
"સારુ લાગે છે પપ્પા! પણ મને અકસ્માત થયા બાદ આંખે દેખાવાનુ બંધ થઈ ગયુ હતું. મને આંખોનુ દાન કોણે કર્યું?" મહેશે પ્રશ્ર્ન કર્યો.
"તારા વર્ગમાં ભણતા સુકેતુ નામના વિદ્યાર્થીએ તારા સમાચાર જાણેલા અને મરતા પહેલાં તેણે તેના પપ્પાને તેના અંગોનું દાન કરવાની ઈચ્છા જાહેર કરી હતી તે ઉદાર સુકેતુને આ બધુ આભારી છે "
મહેશ આ સાંભળી આખેઆખો ધ્રુજી ઉઠ્યો. તેના અંગોમાંથી જાણે વિજળી પસાર થઈ ગઈ.
તે વિચારમાં પડી ગયો," અરે....રે..જેને આટલો હડધૂત કર્યો, જેને વાતે વાતે અપમાનિત કર્યો, પારાવાર ઠઠ્ઠા મશ્કરી કરી તે સુકેતુ આટલો ઉદાર કઈ રીતે થઈ શકે? "
ઘરે આવ્યાના અઠવાડિયા પછી મહેશ તેના પપ્પાને લઈ સુકેતુના ઘરે ગયો. મેઇન રુમમાં સુકેતુનો સુખડના હાર વાળો ફોટો લટકતો હતો.
તેની આંખો, સુકેતુને તસ્વીરમાં જોતા ભરાઈ આવી.
સુકેતુના ફોટાની બરાબર બાજુમાં કાચના કબાટમાં તેનું દફ્તર જાણે નિરાધાર થઈ ગયું હોય તેમ જણાતું હતું.
મહેશ કબાટ પાસે ગયો, તેનું એજ જાણીતું દફ્તર જોઈ વ્હાલથી દફ્તર પર હાથ ફેરવ્યો. તેને ખોલીને જોવાની ઈચ્છા થતાં તેણે સુકેતુના પપ્પા સામે જોયું. તેમણે હકારમાં ઈશારો કરતા તેણે દફ્તરમાં નજર નાંખી.
મહેશ ફરી પાછો સાંગોપાંગ થથરી ગયો... તેણે ધડકતા ર્હદયે તેમાંથી કાગળનો ડૂચો કાઢ્યો. જેમાં લખ્યું હતું " ડૂચો"
મહેશ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો..
શાંત થયા પછી તેણે તે કાગળનો ડૂચો અને સુકેતુનો ફોટો માંગી લીધો.

********
" દિવ્ય જ્યોત અંધજન મંડળ" માં પ્રવેશ માટે આવેલા સુરેશભાઈ તરફ જોઈ મહેશચંદ્ર બોલ્યા, " હું જ એ સમયનો નાલાયક મહેશ અને જે ખરા અર્થમાં માનવતાનો દસ્તાવેજ હતો અને હું ડૂચો સમજી ઉપેક્ષા કરતો રહ્યો, આ ફોટામાં છે તે સુકેતુ. મને તમારા જેવા સજ્જન આ વાત યાદ કરાવ્યા કરે અને મારાથી પણ ભુલાય નહીં એટલે આ બંને ફોટા સાથે રાખ્યા છે."
સુરેશભાઈ, મહેશચંદ્ર તરફ તેમજ સામેની ભીંત ઉપરની કાગળના ડૂચામાંથી અંકિત થયેલી તસવીર અને માનવતા ને છલકાવતી સૂકેતુની તસવીર તરફ વારાફરતી ક્યાંય સુધી જોતા રહ્યા.......

*****************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED