Lilo Ujas – Chapter – 23 Scattered Dreams – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં – દિવ્યેશ ત્રિવેદી

મનીષા અને ઉદય સવારે સવા નવે ડૉ. પ્રભારીના ક્લિનિક પર પહોંચી ગયાં. મનીષાનો આશાવાદ હજુય જીવંત હતો કે અહીં કોઈક ઈલાજ થઈ શકશે. પરંતુ ઉદયે તો આશા ગુમાવી જ દીધી હતી. એણે તો માની જ લીધું હતું કે હવે એનો ઈલાજ થઈ શકવાનો નથી. એના મનમાં તો એક જ વિચાર વારંવાર આંટો મારી જતો હતો કે જિંદગી જ સાવ નિરર્થક છે. પરંતુ મનીષાના આશાવાદ સામે એનો નિરાશાવાદ પાંગળો બની જતો હતો.

બરાબર સાડા નવના ટકોરે ડૉ. પ્રભારી આવ્યા. એમણે તરત જ મનીષા અને ઉદયને અંદર બોલાવ્યાં. ક્લિનિકમાં બિનજરૂરી ભપકો નહોતો. છતાં સજાવટ આકર્ષક લાગતી હતી. ભીંતો પર કેટલાંક ચિત્રો હતાં અને થોડા ઉત્તેજક લાગે એવાં બે-ત્રણ આરસનાં શિલ્પ હતાં. ડૉ. પ્રભારીનું વ્યક્તિત્વ પણ ખુશનુમા હતું. એમનો પ્રૌઢ અને હસમુખો ચહેરો જોઈને જ મનને અજબ પ્રકારની શાતા અનુભવાતી હતી. મનીષાનો આશાવાદ સ્વાભાવિક રીતે જ મજબૂત બનતો હતો. હજુ પણ એની શ્રદ્ધા ડગી ગઈ નહોતી. ઉદય તો સાવ અલિપ્ત હોય એમ આવીને ડૉક્ટરની સામે ખુરશી પર બેઠો. ડૉક્ટરે પહેલાં એની અને મનીષાની વાત સાંભળી. વચ્ચે વચ્ચે સ્પષ્ટતા ખાતર કેટલાક પ્રશ્નો પણ કર્યા.

વાત પતી ગઈ એટલે એમણે ખૂબ જ સહાનુભૂતિપૂર્વક કહ્યું, “યંગ મેન એન્ડ યંગ લેડી, તમારી પીડા હું સમજું છું. મને તમારા માટે સહાનુભૂતિ છે. તમારા જેવી સમસ્યા અનેક લોકોને હોય છે. તમારી સમસ્યા થોડી વધુ ગંભીર અને વિશિષ્ટ લાગે છે. જુઓ, એક વાત સમજી લેવા જેવી છે. આ જગતમાં એવી કોઈ જ સમસ્યા નથી, જેનો કોઈ ઉકેલ જ ન હોય. ક્યારેક એવું બને કે સમસ્યા ઉકેલતાં આપણાં ધાર્યા કરતાં વધુ વાર લાગે અને આપણી ધીરજ ખૂટી જાય. પરંતુ નાસીપાસ નહિ થવાનું.” ડૉક્ટરે ઉદય સામે જોયું. એમને ખ્યાલ આવી ગયો હતો કે ઉદય નિરાશ અને નાસીપાસ થઈ ગયો છે.

“તમને ડાયાબિટીસ કે હાર્ટનો પ્રોબ્લેમ અથવા બીજી કોઈ તકલીફ થઈ છે ખરી?” ડૉક્ટરે પહેલો સવાલ કર્યો.

ઉદયે નકારમાં જવાબ આપ્યો. પણ મનીષાએ તરત પૂછયું, “સાહેબ હજુ તો માંડ પચીસ વર્ષ થયાં છે. આ ડાયાબિટીસ અને હૃદયરોગ...”

ડૉક્ટરે હસતાં હસતાં કહ્યું, “ન જ હોય એમ આપણે ઈચ્છીએ. પરંતુ ડાયાબિટીસ અને હૃદયરોગને હંમેશા ઉંમર સાથે સંબંધ હોય જ એ જરૂરી નથી. નાના બાળકને પણ ડાયાબિટીસ થઈ શકે છે અને તંદુરસ્ત દેખાતા પચીસ વર્ષના યુવાનને પણ હૃદયરોગ થઈ શકે છે. ડાયાબિટીસ ન હોય તો પણ એકવાર ચેક કરાવી લેવાનો...”

ડૉક્ટરે બીજો પ્રશ્ન પૂછ્યો, “સવારે ઊઠો ત્યારે ખાસ કરીને ઉનાળામાં જનનેન્દ્રિયમાં ઉત્તેજના હોય છે ખરી?"

ઉદય સહેજ વિચાર કરીને બોલ્યો, “ક્યારેક સાધારણ હોય છે. પરંતુ બાથરૂમ થઈ આવ્યા પછી રહેતી નથી!"

“તમે ક્યારેય હસ્તમૈથુન કર્યું છે ખરું?" ડૉક્ટરે ત્રીજો પ્રશ્ન કર્યો.

“ના.” ઉદયે તરત જ જવાબ આપી દીધો.

પહેલી વાત તો એ કે મારા પ્રશ્નનો ખચકાટ વિના સાચો જવાબ આપવાનો છે. તમે ના પાડો છો એ માનવા હું તૈયાર નથી. ખરેખર જો તમે કદી હસ્તમૈથુન ન કર્યું હોય તો એ એક સમસ્યા છે..." ડૉક્ટરે કહ્યું.

“ક્યારેક..." ઉદયે ખચકાટ સાથે જવાબ આપ્યો.

“ક્યારેક એટલે આંતરે દિવસે, અઠવાડિયે એક વાર, મહિને એક વાર કે વર્ષે એકવાર?" ડૉક્ટરે ઊંડા ઊતરતાં પૂછયું.

“વર્ષે... ના, ક્યારેક મહિને એકાદ વાર..." ઉદય હજુ પણ ખચકાતો હતો.

“ધેટ્સ રાઈટ, જ્યારે પણ હસ્તમૈથુન કર્યું ત્યારે સ્ખલન થયું છે?"

“હા”

“કેટલું?”

ઉદયે કંઈક વિચારીને કહ્યું, “થોડું!”

“એ વખતે જનનેન્દ્રિય ઉત્તેજિત થતી હતી?"

“ખાસ નહિ, સાધારણ...”

“સ્વપ્નસ્રાવનો અનુભવ થયો છે?"

“હા.”

“કેટલી વાર...?"

“ઘણી વાર...” ઉદયે જવાબ આપ્યો.

“જુઓ, મિ. વ્યાસ. આ ત્રણ બાબતો પરથી બે વાત સ્પષ્ટ સમજાય છે કે એક તો તમારી જાતીય-વૃત્તિ સામાન્ય છે. અને બીજી વાત એ કે ઉત્તેજના નહિ અનુભવવાની તમારી સમસ્યા માનસિક કરતાં શારીરિક વધુ છે. માનસિક સમસ્યાને મનોવૈજ્ઞાનિક રીતે ઉકેલી શકાય, શારીરિક સમસ્યાને જુદી રીતે ઉકેલવી પડે. હવે હું તમને જરા તપાસી લઉં એ પછી આપણે આગળ વાત કરીએ.” કહીને ડૉક્ટર ઊભા થયા. મનીષાને ત્યાં જ બેસાડી ઉદયને અંદર લઈ ગયા. દસ મિનિટ પછી બહાર આવ્યા અને ઉદય તથા મનીષાને સંબોધીને શરૂ કર્યું.

આ પ્રકારના મોટા ભાગના કિસ્સાઓમાં માનસિક કારણો જ જવાબદાર હોય છે. અત્યાર સુધી તો એમ જ મનાતું હતું કે માત્ર માનસિક કારણો જ જવાબદાર હોય છે. પરંતુ હવે દુનિયાભરમાં સેક્સ વિષે ઝડપી સંશોધનો થવા માંડ્યાં છે અને સમસ્યા વધુ સારી રીતે સમજાવા માંડી છે. તથા એની સારવારની નવી નવી પધ્ધતિઓ સમજાવા લાગી છે. હવે તો એવું પણ મનાય છે કે નપુંસકતાના અડધોઅડધ કિસ્સાઓમાં શારીરિક કારણ પણ જવાબદાર હોય છે.” ડૉક્ટર સહેજ અટક્યા અને પછી બોલ્યા. “જનનેન્દ્રિયની ઉત્તેજના પાછળ અનેક કારણો જવાબદાર હોય છે અને એમાં શરીરનાં અનેક અંગો પોતાનો ભાગ ભજવે છે. આપણું મગજ, જ્ઞાનતંતુઓ, રક્તવાહિનીઓ અને હોર્મોન્સની પણ ચોક્કસ ભૂમિકા હોય છે.

સેક્સની ઉત્તેજનાનો કોઈ પણ ઉદ્દીપક, એટલે કે ઉત્તેજક દ્રશ્ય, ઉત્તેજક વાતચીત કે ઉત્તેજક વિચાર મગજમાં જાગે એટલે મગજ કરોડરજ્જુ મારફતે એ સંદેશો જનનેન્દ્રિયને પહોંચાડે છે. આ સંદેશાઓ વિદ્યુત તરંગોના રૂપમાં હોય છે. એને કારણે શિથિલ જનનેન્દ્રિયની રક્તવાહિનીઓમાં રક્ત ભેગું થાય છે અને આ રીતે લગભગ પાંચ ગણું રક્ત એકઠું થવાથી ઉત્થાન અથવા ઉત્તેજના અનુભવાય છે. એનો અર્થ એ કે ઉત્તેજના સુધી પહોંચવામાં ભાગ લેનારો આમાંનો કોઈક એક ખેલાડી પણ ક્લિન બોલ્ડ થઈ જાય, રન-આઉટ થઈ જાય અથવા તો પેવેલિયનની બહાર જ ન નીકળે તો બાજી હારી જવાય છે.

મેં તમને ડાયાબિટીસ છે કે નહિ એવું પૂછયું એનું કારણ એ છે કે આ બાબતમાં ડાયાબિટીસ એક ખૂંખાર વિલન જેવો છે. ડાયાબિટીસને કારણે કોઈક મજ્જા અથવા રક્તવાહિનીને નુકસાન થયું હોય તો જનનેન્દ્રિયની રકતવાહિની સુધી પૂરતું રક્ત પહોંચે નહિ અને એ શિથિલ જ રહે. ડાયાબિટીસના અડધો અડધ દર્દીઓ વત્તેઓછે અંશે આ જ કારણે નપુંસકતા અનુભવતા હોય છે. એવી જ રીતે કાર્ડિયોવાસ્કયુલર ડિસિઝ, જેમાં રક્તવાહિનીઓ સાંકડી અને સખત બની જતી હોવાથી પણ જનનેન્દ્રિય સુધી પૂરતું લોહી પહોંચતું નથી, ક્યારેક પ્રોસ્ટેટ અથવા બ્લેડરના ઓપરેશન દરમ્યાન જ્ઞાનતંતુઓને ઈજા થઈ હોય ત્યારે પણ આવું બને છે. ઘણીવાર કેટલીક દવાઓની આડઅસરનું પણ આવું જ પરિણામ આવતું હોય છે. ખાસ કરીને હાઈબ્લડ પ્રેશર કે એન્જાઈનલ પેઈન માટેની દવાઓને કારણે જાતીય વૃત્તિ મંદ પડે છે અને છેવટે એ નપુંસકતામાં પરિણમે છે." ઉદય મનમાં એ જ વિચારતો હતો કે એના કિસ્સામાં આમાંથી ક્યું કારણ જવાબદાર હોઈ શકે?

ડૉક્ટરે આગળ ચલાવ્યું. “એકવાર કારણ પકડાય તો એ માટે આપણી પાસે વિવિધ ઈલાજો છે. રક્તવાહિનીઓને વિસ્તૃત કરવા માટે એટલે કે પહોળી કરવા માટે તથા લોહીનું પરિભ્રમણ ઝડપી બને એ માટે ઈન્જેક્શનો આપવા પડે છે અને નબળી પડી ગયેલી નસોને બાંધી દેવા માટે ઓપરેશન પણ થઈ શકે છે. પરંતુ જો મજ્જાતંતુઓ, જ્ઞાનતંતુઓ કે રક્તવાહિનીઓને કાયમી નુકસાન થયું હોય તો મોટે ભાગે આવા ઈલાજો પણ કામ લાગતા નથી. હમણાં હમણાં એક ઈલાજ પર કામ થયું છે. પણ એ ઈલાજનાં પરિણામો પણ બહુ સંતોષકારક જણાયા નથી.” ડૉક્ટરે કહ્યું.

“એ ઈલાજ કયો છે?” મનીષાએ જિજ્ઞાસા વ્યક્ત કરી.

“હા, એ ઈલાજ જનનેન્દ્રિયમાં કૃત્રિમ ઉત્તેજના માટેનો છે. એને ‘પિનાઈલ ઈમ્પ્લાન્ટ' કહે છે. એ એક પ્રકારનું પ્રત્યારોપણ છે. આપણે જેમ કૃત્રિમ દાંત અથવા કૃત્રિમ ઘૂંટણ મૂકીએ છીએ એમ જનનેન્દ્રિયમાં એક યાંત્રિક સાધન મિકેનિકલ ડિવાઈસ મૂકવામાં આવે છે.” મનીષાને વિગત જાણવાની ઈચ્છા થઈ. આથી એણે પૂછયું. “મને આમાં રસ પડયો છે. સાહેબ, જરા વિગતે સમજાવશો?”

ડૉક્ટરે તરત કહ્યું , “ત્રણ પ્રકારના પિનાઈલ ઈમ્પ્લાન્ટ આવે છે. એમાંનો એક અર્ધ-સખત એટલે કે થોડો શિથિલ ઈમ્પ્લાન્ટ ભારતમાં ઉપલબ્ધ બન્યો છે. એમાં સિલિકોન રબરના બે નાનકડા દંડ હોય છે. એ બંનેને જનનેન્દ્રિયમાં બેસાડવામાં આવે છે. પરિણામે એનાથી જનનેન્દ્રિય સતત ઉત્તેજિત અવસ્થામાં રહે છે. છતાં એની મર્યાદાઓને કારણે એ ઈચ્છિત પરિણામ આપતો નથી. બીજા ઈમ્પ્લાન્ટમાં સિલિકોનના બે નળાકાર દંડ હોય છે. દરેક નળાકાર દંડ સાથે એનું પોતાનું રક્ત સંગ્રહાલય હોય છે અને સાથે એક પમ્પ હોય છે. ત્રીજો ઈમ્પ્લાન્ટ ત્રણ સાધનોનો બનેલો છે. આ ત્રણેય શરીરમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ ત્રણેય ઈમ્પ્લાન્ટમાં પહેલાં ઈમ્પ્લાન્ટની અનેક મર્યાદાઓ છે. એ પ્રમાણમાં સહેલાઈથી મૂકી શકાય છે. પરંતુ એ અપેક્ષાઓ પૂરી કરતું નથી. ત્રીજું ઈમ્પ્લાન્ટ કાર્યક્ષમ છે. જો કે એની પણ મર્યાદાઓ ઘણી છે. આપણે ત્યાં હજુ નવું નવું જ આવ્યું છે. એ ખર્ચાળ પણ છે, એમાં ઑપરેશનની જરૂર પડે છે. બધું મળીને દોઢેક લાખ રૂપિયાનો ખર્ચ થાય." ડૉક્ટરે ટૂંકમાં ખ્યાલ આપ્યો. મનીષા અને ઉદય વિસ્મય સાથે વિચારતાં રહ્યાં.

ડૉક્ટરે આગળ ચલાવ્યું, “મારી દ્રષ્ટિએ આ છેક છેલ્લો ઉપાય છે. છતાં એ પણ અનેક કારણોસર નિષ્ફળ જવાનું જોખમ તો રહે છે જ. એટલે દોઢ લાખ ખર્ચીને પણ રિસ્ક લેવાની તૈયારી તો રાખવી જ પડે.”

“ઑપરેશનમાં કેટલો ટાઈમ લાગે?" મનીષાએ બધી જ જરૂરી વિગત મેળવી લેવી હતી.

“ઈટ ડિપેન્ડ્સ! તો પણ ઓછામાં ઓછો એક કલાક તો થાય જ... અને એ ઑપરેશન ગમે તેનાથી ન થઈ શકે. એકસ્પર્ટ હોય અને તાલીમબદ્ધ હોય એવા યુરો-સર્જને જ એ ઑપરેશન કરવું પડે!” ડૉક્ટરે સ્પષ્ટતા કરી.

મનીષા થોડી મૂંઝવણમાં મુકાઈ. પરંતુ ઉદયે તો અહીં જ આશા મૂકી દીધી. એક તો રિસ્ક અને ઉપરથી લાખ-દોઢ લાખનો ખર્ચ!

ડૉક્ટરે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું , “ગમે તેમ તોય આ કૃત્રિમ ઉપાય છે. કુદરતી વ્યવસ્થા સાથે એની સરખામણી થઈ શકે નહિ. અને હા, પરદેશોમાં એક નવી દવા શોધાઈ રહી હોવાનું મેં હમણાં એક મેડિકલ જર્નલમાં વાંચ્યું હતું. આ દવા ઈમ્પોટન્સી અને ઈરેકટાઈલ ડિસફંક્શન અથવા નોન-ફેશન જેવા કિસ્સાઓમાં કારગત નીવડશે એવી આશા છે. પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ મુજબ તો આ દવા એક જ વખત કામ લાગે એવી હશે. દર વખતે એ લેવી પડે. અત્યારના અંદાજ મુજબ ભારતીય કિંમત પ્રમાણે એક ગોળીના ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા હશે!”

“એ ગોળી અહીં મળે ખરી?" મનીષાએ પૂછયું.

“અરે, હજુ તો અમેરિકા અને યુરોપમાં જ આવી નથી. અત્યારે એ સંશોધનના આખરી તબક્કામાં છે. પછી એના પર ક્લિનિકલ ટ્રાયલ થશે અને પછી ફિલ્ડ ટ્રાયલ થશે. એ પછી અમેરિકાની એફ. ડી.એ. મંજૂરી આપે ત્યારે એ બજારમાં આવશે. ભારતમાં આવતાં તો કદાચ આ સદી પૂરી થઈ થશે... અને પછી પણ એ તમારા પર કામ કરે છે કે નહિ એ તો પ્રશ્ન રહે જ છે!” ડૉક્ટરે ફોડ પાડ્યો.

“તો પછી અમારે કરવું શું?” મનીષાએ મુદ્દાનો સવાલ પૂછ્યો.

“શ્રદ્ધા રાખવી, ધીરજ રાખવી અને પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવું એ જ એક ઉપાય છે. હું સમજું છું કે લગ્ન પછી શરીર-સંબંધ જ ન થઈ શકે એની પીડા કારમી હોય છે. છતાં હું પણ એમ કહીશ કે સેક્સ એટલે માત્ર શરીર-સંબંધ જ નથી. તમે તમારી સેક્સની લાગણીઓને શરીર-સંબંધ સિવાય પણ અનેક રીતે સંતોષી શકો છો. તમારે એ શીખવું પડશે. દરમ્યાન અઠવાડિયા પછી હું પરદેશ જાઉં છું. ત્રણ મહિના પછી તમારે મને મળી જવાનું. ડાયાબિટીસ ચેક કરાવી લેવાનો. એ પછી આપણે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન, ડ્રગ ડિલિવરી સિસ્ટમ વગેરે અજમાવી જોઈશું. કદાચ કોઈ ઉપાય કામ કરી જાય પણ ખરો.”

મનીષા અને ઉદય ડૉ. પ્રભારીને એમની કન્સલ્ટીંગ ફી ચૂકવીને ઊભા થવા જતાં હતાં ત્યાં ડૉક્ટરે ઉદયને સંબોધીને કહ્યું, “એક ખાસ વાત. નપુંસકતા અને મર્દાનગીને કોઈ સંબંધ નથી. એટલે મન પર એનો ભાર રાખશો નહિ. એનું કારણ એ છે કે શરીરની અસર મન પર અને મનની અસર શરીર પર પડતી હોય છે. આપણે એક ખોટા વિષચક્રમાં ફસાઈ જઈએ છીએ. રાઈટ? ઓલ ધ બેસ્ટ!”

ઉદય અને મનીષા ડૉક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યાં એટલે રિસેપ્શન પર બેઠેલી છોકરી મનીષા સામે જોઈને ઔપચારિક રીતે હસી. મનીષાએ પણ એને સામું સ્મિત આપ્યું. ઉદયને આવી ઔપચારિકતા સમજવાને બદલે એમ જ લાગ્યું કે જાણે એ છોકરી એના પર જ હસી હતી. બંને નીચે આવ્યાં અને ચાલતાં ચાલતાં જ ચર્નીરોડ સ્ટેશન તરફ આગળ વધ્યાં. રસ્તામાં ઉદય કંઈ બોલ્યો નહિ. એને તો એવું જ લાગતું હતું કે બીજા બધા લોકો પણ એની સામે જ જુએ છે અને એની દયા ખાય છે. આગળ ત્રિભુવન ભીમજી ઝવેરીનો શૉ રૂમ આવ્યો એટલે મનીષાએ કહ્યું, “એ શૉ-રૂમ પછી એક સેન્ડવીચવાળો બેસે છે. એની સેન્ડવીચ બહુ સરસ આવે છે. હું જયારે અહીંથી નીકળું છું ત્યારે એની સેન્ડવીચ ખાઉં છું. સોનલને પણ આ સેન્ડવીચ બહુ ભાવે છે. ચાલ, આપણે એક એક સેન્ડવીચ ખાઈએ.”

ઉદય ના પાડવા માગતો હતો, પણ ના પાડી શક્યો નહિ. એ ચૂપચાપ મનીષાની પાછળ પાછળ ગયો. ત્યાં એક પાટિયા પર બેસતાં જ મનીષા બોલી. ડૉક્ટર સરસ છે નહિ? કેટલું સરસ રીતે બધું સમજાવ્યું! ત્રણ મહિના પછી આપણો ફરી એકવાર એમને મળી જઈશું!”

ઉદય એની વાત સાંભળીને સહેજ અકળાયો. છતાં અકળામણ દબાવીને દબાતા અવાજે બોલ્યો, “સરસ વાત કરે છે એથી શું? અને ડૉક્ટર સરસ હોય એથી પણ શું? આપણે તો ધોયેલા મૂળા જેવાં જ પાછાં આવ્યાં ને?"

“કેમ એવું કહે છે? ડૉક્ટરે તો આપણને જે કંઈ પરિસ્થિતિ છે. એથી વાકેફ કર્યા છે. એમણે સાવ આશા મૂકી દીધી પણ નથી. એટલે જ તો ત્રણ મહિના પછી મળવાનું કહ્યું છે!”

“કોઈ ડૉક્ટર એવું તો ના જ કહે ને કે મારાથી કંઈ થાય એવું નથી? એ તો આપણે જ સમજવાનું હોય!” ઉદયે એની સમજદારી દાખવી.

“સાચું કહું, તું નિરાશાવાદી થઈ ગયો છે અને એથી તું વાસ્તવિકતાને સમજતો નથી!” મનીષાએ સહેજ અણગમો દર્શાવતાં કહ્યું.

પરંતુ ઉદય બમણી ચીડ સાથે બોલ્યો, “તું બહુ ખોટી આશાવાદી થઈ ગઈ છે. એટલે તું જ વાસ્તવિકતાને સમજતી નથી!”

મનીષા કંઈ બોલી નહિ. એને લાગ્યું કે અત્યારે દલીલ કરવાનો અર્થ નથી. એટલામાં સેન્ડવીચ આવી. બંનેએ ખાધી અને ઉપર નાળિયેરનું પાણી પીધું.

ત્યાંથી એક પણ શબ્દ બોલ્યા વિના ઉદય અને મનીષા ચર્નીરોડ સ્ટેશન પર આવ્યાં અને બોરીવલી જતી લોકલમાં બેસી પાર્લા આવ્યાં. સીધાં જ દવાખાને ગયાં. સવારે જ પિનાકીનભાઈ આવ્યા હતા. વિનોદિનીબહેને કહ્યું, અમને તો એમ કે તું રસોઈ બનાવીને લઈને આવીશ. કાલે સાંજે પણ આવી નહોતી ને?" વિનોદિનીબહેન બોલ્યાં.

મને એમ કે, મેં તને વાત કરી છે. કદાચ ભૂલી ગઈ હોઈશ . ઉદયને એક જણને મળવાનું હતું... ઓપેરા હાઉસ... મનીષાએ કહ્યું.

“મળ્યાં કે નહિ?" વિનોદિનીબહેન ઔપચારિક જ પૂછયું.

“મળ્યાં ને! ખૂબ વાતો થઈ... કાકા, ચાલો અમારી સાથે ઘરે!" મનીષાએ પિનાકીનભાઈને કહ્યું.

“હું ઘરે જઈ આવ્યો. અને મારે આજે એકવાર છે. એટલે ખાવું નથી!” પિનાકીનભાઈએ કહ્યું.

“તો અમે ઘેર જઈને આવીએ...” કહીને મનીષા જવા તૈયાર થઈ.

“તમે લોકો હજુ રોકાવાનાં છો?” પિનાકીનભાઈએ જતાં જતાં મનીષાને પૂછયું.

મનીષા ઉદય તરફ જોતાં બોલી, નક્કી નથી. જોઈએ, વિચારીએ!”

“ના. આજે આપણે નીકળી જઈએ. તારે રહેવું હોય તો રહે. મારે તો જવું જ પડશે!” ઉદયે થોડી રૂક્ષતા સાથે કહ્યું.

મનહરભાઈ પલંગમાં પડયા પડયા જ બોલ્યા, “ના, ના, મનીષા તમારી સાથે જ આવશે. તમને પછી ત્યાં તકલીફ પડે ને!"

ઉદયે કંઈ જવાબ ન આપ્યો. એની અંદરની ઈચ્છા તો એવી જ હતી કે મનીષા થોડા દિવસ મુંબઈ રહે, જેથી એને નિષ્ફળતા અને ગ્લાનિનો અનુભવ કરવામાંથી થોડી રાહત મળે, પરંતુ મનીષા એને એકલો મૂકવા તૈયાર નહોતી.

પિનાકીનભાઈએ કહ્યું, “તો પછી મારી સાથે જ ચાલો. મારે પણ આજે રાત્રે નીકળવું જ છે!”

“આટલે દૂર આવ્યો છું તો એક દિવસ રોકાઈ જા ને!" મનહરભાઈએ કહ્યું.

“રોકાવાની તો મને પણ ઈચ્છા છે. પરંતુ મારી ઓફિસમાં ઓડિટ ચાલે છે અને હું માંડ માંડ એક દિવસ નીકળ્યો છું.” પિનાકીનભાઈએ કહ્યું.

“તમારું તો કામ એકદમ વ્યવસ્થિત હોય, તમારે શા માટે ઓડિટની ચિંતા કરવાની હોય?" મનીષાએ એમની આડકતરી પ્રશંસા કરતાં કહ્યું.

“બેટા, તું સમજતી નથી. આજના જમાનામાં તો જેનું કામ વ્યવસ્થિત હોય એણે જ ચિંતા કરવી પડે!”

થોડીવાર પછી ઉદય અને મનીષા ઘેર ગયાં. મનીષાએ ઉદયને પૂછયું, “શું ખાવું છે?"

ઉદયે કહ્યું, “મને ભૂખ નથી... અને હવે કોઈ ડૉક્ટરને બતાવવું નથી. અને ફરી તને કહું છું કે તારે રોકાવું હોય તો રોકાઈ જા!” પછી મનીષાનો જવાબ પણ સાંભળ્યા વિના અને ક૫ડાં બદલ્યા વિના એ અંદર જઈને પલંગમાં પડયો. એનું મન એટલું થાકી ગયું હતું કે એને કારણે એનું શરીર પણ થાક અનુભવતું હતું.

ઉદય એકદમ મૌન થઈ ગયો હતો. સાંજે સાડા સાતે મનીષાએ રસોઈ તૈયાર કરી દીધી અને બંને જમીને, ટિફિન લઈને દવાખાને પહોંચ્યાં. પિનાકીનભાઈ લગભગ આખો દિવસ દવાખાને જ બેસી રહ્યા હતા. સાંજે નીકળતી વખતે મનીષાએ સોનલને ફોન કર્યો. સોનલે કહ્યું કે એનાથી નીકળાય એવું નથી, એટલે સ્ટેશને આવતી નથી.

દવાખાનેથી પિનાકીનભાઈ, ઉદય અને મનીષા સાડા નવે મુંબઈ સેન્ટ્રલ જવા નીકળ્યાં. ટ્રેનનો ટાઈમ સોડા અગિયારનો હતો. એટલે કશી ઉતાવળ નહોતી. પિનાકીનભાઈએ કુલી પાસે ત્રણ જગ્યા રોકાવી. ટ્રેન ઊપડી એટલે થોડીવારમાં મનીષા તો ઊંઘી ગઈ અને પિનાકીનભાઈ પણ ઊંધી ગયા. ઉદયને ક્યાંય સુધી ઊંઘ ન આવી. ગાડીના અવાજમાં એને એનાં સપનાં વહેરાતાં હોય એવું લાગતું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED