Viraj Vaidehi books and stories free download online pdf in Gujarati

વિરાજ વૈદેહી

વૈદેહી અને વિરાજ બંને એક જ કૉલેજમાં એક જ ક્લાસમાં સાથે જ ભણતાં હતાં.

બંનેની આંખ મળી અને એક બીજાને પસંદ કરવા લાગ્યાં, ધીમે ધીમે આ પસંદગી પ્રેમમાં પરિણમી.

વૈદેહી દેખાવમાં ખૂબજ સુંદર અને પૈસેટકે સુખી ઘરની દીકરી હતી જ્યારે વિરાજ સાવ સામાન્ય ઘરનો અને તેનાં મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો.

વૈદેહીના મમ્મી-પપ્પાએ વિરાજની આર્થિક પરિસ્થિતિને કારણે તેનાં લગ્ન વિરાજ સાથે કરી આપવાની ચોખ્ખી "ના" પાડી દીધી.

પરંતુ વૈદેહી વિરાજ સાથે જ લગ્ન કરવા માંગતી હતી તેથી તેણે પોતાના મમ્મી-પપ્પાની ઈચ્છા વિરુદ્ધ વિરાજ સાથે લગ્ન કરી લીધાં.

વિરાજ અને વૈદેહી બંને ખૂબજ ખુશ હતાં અને વિરાજના નાનકડા ઘર-પરિવારને જ પોતાનો ઘર-સંસાર માનીને વૈદેહી પ્રેમથી પોતાના સાસુ સસરા અને વિરાજ સાથે રહેતી હતી.

લગ્નના એક વર્ષ બાદ વૈદેહીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો પોતાના મમ્મી-પપ્પાને મળવા જવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે " આ ઘરનાં દરવાજા તારે માટે હંમેશ માટે બંધ છે માટે અહીં ફરીથી ક્યારેય પગ મૂકવાનો પ્રયત્ન કરીશ નહિ. " તેમ કહી વૈદેહીને હંમેશ માટે જાકારો આપી દીધો.

વૈદેહીને ખૂબજ દુઃખ થયું પરંતુ આવનાર બાળકની સાર-સંભાળ અને વિરાજનો પ્રેમ તેને માટે દવા હતાં.

વૈદેહીનો દિકરો ત્રણ વર્ષનો થયો અને તેની કૂખે તેનાં જેવી સુંદર, રૂપાળી બાળકીનો જન્મ થયો. હવે તેનો ઘર-સંસાર સંપૂર્ણ થયો, વિરાજ અને વૈદેહી બંને ખૂબજ ખુશ હતાં.

પણ, તેમની ખુશીને કોઈની નજર લાગી હોય તેમ વૈદેહીની તબિયત ધીમે ધીમે બગડતી ગઈ.

વિરાજ ઘણાં બધાં ડૉક્ટર પાસે તેને લઈને બતાવવા ગયો, ખૂબ રખડ્યો, ખૂબ રખડ્યો પણ તેની તબિયતમાં કોઈ સુધારો થતો નહીં.

વિરાજ અને તેનાં ઘરના વૈદેહીની તબિયતને કારણે ખૂબજ ચિંતિત રહેવા લાગ્યા.

ઘણાંબધાં સગા-વ્હાલાએ વૈદેહીને તેનાં પિયર મોકલી આપવા પણ કહ્યું પણ વૈદેહી તેમ કરવાની ચોખ્ખી "ના" પાડતી હતી.

ભૂઆ-જાગરિયા, દોરા-ધાગા બધું જ વિરાજ કરી ચૂક્યો પણ વૈદેહીની તબિયતમાં કોઈ સુધારો કે બિલકુલ ફરક દેખાતો ન હતો. તેને પેટમાં અલ્સર થઈ ગયું હતું જે મટવાને બદલે વધતું જતું હતું.

વિરાજ પોતાના મમ્મી-પપ્પાનો દિકરો અને વહુ અને પોતાના બાળકોના માતા અને પિતા એમ બધાજ રોલ એકસાથે બેખૂબીથી નિભાવતો રહ્યો.

વૈદેહીની હાલત હવે ગંભીર થતી જતી હતી. એક દિવસ વિરાજને વિચાર આવ્યો કે, હું વૈદેહીના ભાઈને વૈદેહીની તબિયત વિશે વાત કરું તો તે તેને મળવા માટે આવે અને તેનાથી કદાચ તેની તબિયતમાં કોઈ સુધારો થાય તો. તેથી તે વૈદેહીના ભાઈને મળવા માટે તેમની ઑફિસમાં ગયો.

વૈદેહીના ભાઈએ તેને પ્રેમથી આવકાર્યો અને વૈદેહીના તેમજ તેના બાળકોના ખબર-અંતર પૂછ્યા. વૈદેહીની તબિયત વિશે તેમને જાણ થતાં તેમને ખૂબજ દુઃખ થયું અને અત્યાર સુધી તેમને આ બાબતની જાણ નહિ કરવા બદલ તેમણે વિરાજને ઠપકો પણ આપ્યો. પણ હવે જે થયું તે ખરું.

બીજે દિવસે વૈદેહીના મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી વૈદેહીની ખબર પૂછવા અને તેને મળવા માટે તેનાં ઘરે આવ્યાં. તેની આ પરિસ્થિતિ જોઈને દરેકની આંખમાં આંસું આવી ગયા અને વૈદેહીના મમ્મી-પપ્પા તેને તેમજ તેના બંને બાળકોને લઈને પોતાના ઘરે આવ્યા.

તેમણે વૈદેહીને એકથી એક સારા ડૉક્ટરને બતાવ્યું અને તેની ખૂબજ સેવા-ચાકરી કરી.

પરંતુ હવે વૈદેહીનો અંતિમ સમય આવી ગયો હતો તેને સારું થવાનાં કે બચવાના કોઈ ચાન્સ ન હતાં તેથી બધા મજબૂર હતાં.

પરંતુ વિરાજે વૈદેહીની જે સેવા કરી હતી તે પ્રશંસાને પાત્ર હતી તેણે વૈદેહીને ફક્ત પ્રેમ નહતો કર્યો પણ પ્રેમ નિભાવ્યો પણ હતો.

અને છેવટે એક દિવસ ચઢતાં પહોરે વૈદેહીએ વિરાજના ખોળામાં માથું મૂકીને પોતાનાં પ્રાણનો ત્યાગ કર્યો.

સત્ય ઘટના ✍️

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/4/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED