નરો વા કુંજરો વા - (૪) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નરો વા કુંજરો વા - (૪)

મિહીકાની આત્મહત્યાના સમાચારથી હું ભાંગી પડ્યો. હું શું કરું એ જ મને સમજ પડતી ના હતી. આ દુઃખના સમયમાં પણ મારું ઘર મારી પડખે આવ્યું. એમણે મને સાંત્વના આપી અને મિહીકાના અંતિમ સંસ્કાર માટે લઈ ગયા.

ત્યાં મિહીકાનું શબ જોઇને એકવાર ફરીથી હું ભાંગી પડ્યો. એના પાર્થિવ દેહને વિતળાઈને હું ખુબજ રડ્યો.

"મિહુ, ઉઠ. હજી તો આપણે આખું જીવન સાથે ગાળવાનું હતું. તું આવી રીતે કહ્યા વિના જતી રહે એ ના ચાલે. હું કેવી રીતે રહીશ તારા વીના? ગઈકાલે તો આપણે વાત કરી હતી. ત્યારે તો તારે કહેવું જોઈએ કે તું કોઈ તકલીફમાં છે. મને મારી પર ધિક્કાર છે કે તારે આવું પગલું ભરવું પડ્યું એટલી મોટી તકલીફ આવી ગઈ અને મને ખબર પણ ના પડી. હું કોઈ તકલીફમાં હોવ તો તું હંમેશા મારો સહારો બનતી. અને તારી તકલીફમાં હું જ ના આવ્યો. મને મારાથી નફરત થઈ ગઈ છે. તું મને દરેક તકલીફમાં સાથ આપતી તે સાથ હવે કોણ આપશે? મને અમુક વખતે અડધી રાત્રે તારા હાથની ચા પીવા જોઈએ તે હવે કોણ બનાવી આપશે.મને માથું દુખે ત્યારે તું માથું દબાવી આપતી તે હવે કોણ કરશે? મારી નાની નાની બાબતોમાં પણ હું તારા પર આધાર રાખતો હવે મારો આધાર કોણ બનશે? પ્લીઝ મિહું ઊઠી જા. તારા વિના મારાથી નઈ રહેવાય. તને ખબર છે હું ગઈકાલે જ તને મનગમતી બુક લાવ્યો છું. તારે તો હજી એ વાંચવાની બાકી છે. તે પણ હવે કોણ વાંચશે? મારી સાથે નાની નાની વાતોમાં ઝગડશે કોણ હવે?"

આમ કહેતા કહેતા હું ખુબજ રડી પડ્યો. મારુ રડવું પણ બીજા બધાને પણ ખુબજ રડાવી ગયું. અંતિમયાત્રાનો સમય થઈ ગયો હોવાથી બે ત્રણ જણ મને ત્યાંથી દૂર લઈ ગયા. પછી અંતિમયાત્રાની તૈયારી કરવા લાગ્યા. એને ઘરચોળું પહેરાવ્યું હતું. માથે લાલ ચૂંદડી ઓઢાડી હતી. મોઢે અને હાથે હલ્દી પણ લગાવી હતી. એને સોળ શણગાર કરીને દુલ્હન જેવો વેશ આપ્યો હતો. હા મારું સ્વપ્ન હતું કે એને દુલ્હનના વેશમાં જોઉં. પણ આ રીતે નહિ એને તો મારી દુલ્હન બનવાનું હતું. એની તમામ અંતિમવિધિ હવે મારાથી જોવાતી ન હતી.

પછી કોણ જાણે શું થયું મારાથી રહેવાયું નહિ એટલે હું ઝડપથી તેમના ઘરના મંદિરિયામાં ગયો અને ત્યાંથી સિંદૂર લઈ આવ્યો. અને કોઈ કશું સમજે પહેલા જ મેં એના માથામાં સિંદૂર પૂરી દીધું. બધા મારી આ ક્રિયા જોઈને સ્તબ્ધ થઈ ગયા.

"દીકરા તે આ શું કર્યું?" મને મારા પપ્પાએ પૂછ્યું.

"પપ્પા એનું સ્વપ્ન હતું કે એ મારી સાથે લગ્ન કરે. એ જીવીત હતી ત્યારે તો પૂર્ણ ના કરી શક્યો પણ એના મૃત્યુ પછી તો હું કરી જ શકું ને?"

મારી આ વાતો સાંભળી તમામ મોજૂદ વ્યક્તિ રડી પડ્યા. પછી એની અંતિમયાત્રા કાઢવામાં આવી. જે ભાઈઓ એ એની ડોલી ઊંચકવાની હતી તે ભાઈઓ આજે એની અર્થી ઉચકી રહ્યા હતા. જે બાપ દીકરીને સાસરે વળાવતો હોય એને તો આશા હોય કે મારી દીકરી પાછી મળવા આવશે પણ આ બાપ તો પોતાની દીકરીને હંમેશા માટે વળાવી રહ્યો હતો. એનું આક્રંદ પણ કાળજું કંપાવે એવું હતું. દીકરીની લગ્નની વિદાયની જેમ એણે આ વિદાયમાં પણ ચકલે થી પાછું આવવુ પડ્યું. બાપ જો હતો. દીકરી સાસરે જતી હોય કે આ રીતે પ્રભુના શરણમાં જતી હોય, બાપ તો એને ચકલા સુધી જ વળાવવા જઈ શકે. માં કે જેના અરમાન હોય કે દીકરીની વિદાય વખતે એને શિખામણ આપે કે સાસરે સારી રીતે રહેજે. વધુ બોલીશ નહિ. સાસરિયા જેમ કહે તેમ કરજે. શું હવે આ માં એને વૈકુંઠમાં કેવી રીતે રહેવાનું તે શિખામણ આપશે? એ માં પોતાના આશીર્વાદ પણ કોને આપશે? બસ આ રીતે દરેક વ્યક્તિની અલગ અલગ કહાની જોડાયેલી હતી મારી મિહું સાથે. એના જવાથી એ બધા જ આજે ભાંગી પડ્યા હતા.

એની અંતિમક્રિયા પૂર્ણ કરી અમે અમારા ઘરે પાછા આવ્યા. મારા ઘરમાં પણ તમામ લોકો ખુબજ દુઃખી હતાં. હું મારા રૂમમાં ગયો. મારા રૂમમાં જતા જ મને એની યાદો આવવા લાગી. મને એની સાથેની હર એક પળ યાદ આવવા લાગી. હું ફરીથી રડવા લાગ્યો. મારું આક્રંદ સાંભળી મારા ઘરના તમામ લોકો મારા રૂમમાં આવી ગયા. તેમણે મને હૂંફ આપી. મને સમજાવ્યો.

આ વાતને એક મહીનો થયા. મિહીકાની તમામ વિધિઓ પૂરી થઈ હતી. મારા ઘરના લોકો ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યા હતા. અને હું પણ નોર્મલ થઈ ગયો હોવ એવું નાટક કરતો હતો. કારણકે બધાના મનની શાંતિ માટે મારે આ નાટક કરવું જ રહ્યું. મારે મારા મોઢા પર ખોટું હાસ્ય પહેરવું પડ્યું. એના જવાનું દુઃખ હજી પણ મને ખુબજ હેરાન કરી રહ્યું હતુ. હું એકલો એકલો મારા રૂમમાં વાતો કરી રહ્યો હતો.

"તારા ગયાને એક મહિનો થયો. હજી પણ મન માનતું નથી કે તું નથી. હું જ્યારે જ્યારે તૂટીને વિખેરાઈ જતો ત્યારે મને સમેટવા તું જ આવતી. પણ આજે તો મારા તૂટવાનું કારણ તું જ છે. હું આટલો બધો વિખેરાઈ ગયો તો કેમ મને સમેટવા નથી આવતી? તારા જવાથી મને હવે દુઃખ નથી એવી એક્ટિંગ કરી કરીને હવે હું થાક્યો છું. હું નોર્મલ છું એ સાબિત કરવા મારે ઘરના બાકી તમામ સાથે હસીમજાક કરવો પડે છે. અને પછી એનો જ અપરાધભાવ મને સુવા નથી દેતો કે તારા ગયાને હજી ત્રીસ જ દિવસ ગયા અને હું કેવી રીતે હસીમજાક કરું? તું મને કહેતી કે દુઃખ આવે ત્યારે રડી લેવાનું. એનાથી દુઃખ હળવું થાય. પણ હું તો છેલ્લા ત્રીસ દિવસથી રોજ રડું છું તો પણ આ દુઃખ જતું નથી? તારી એક એક વાતો મને યાદ આવે છે અત્યારે. તારું જવું મને એટલું હલાવી ગયું છે કે હું પોતાને જ ભૂલી ગયો છું. તું તો મને દુઃખી જોઈ શકતી ન હતી. તો પ્લીઝ હમણાં હું ખુબજ દુઃખી છું તો પાછી આવી જા. અને મને સંભાળી લે."

આમ જ એકલો એકલો વાતો કરતો હું ક્યારે સૂઈ ગયો મને જ ખબર ન પડી. સવારે બહાર કોલાહલ થતો હતો તે સાંભળીને હું જાગી ગયો. હું ઊઠીને બહાર ગયો અને જોયું તો મિહીકાના મામા મારા ઘરવાળા સાથે બોલાચાલી કરતા હતા. મારા જતા જ તેઓએ મને એક તમાચો મારી દીધો અને કહેવા લાગ્યા..

"તો ઊઠીને આવી ગયા લાટ સાહેબ. કેટલો નાલાયક અને નીચ માણસ છે તું. એક તો અમારી મિહું ના મોતનું કારણ તું જ છે અને પાછો એના જવાનું દુઃખ તને જ સૌથી વધુ છે એવું નાટક કરે છે. શરમ છે કે વેચી નાખી. હું તને જીવતો નહિ છોડું." આમ ગુસ્સામાં બોલી મને મારવા લાગ્યા..


(ક્રમશઃ)


(મિત્રો, ઘણા સમાજમાં મૃત્યુ સમયે કુંવારા છોકરા છોકરી ને આ રીતે દુલ્હા દુલ્હનની જેમ કપડા પહેરાવી એની અંતિમ વિદાય કરવાનો રિવાજ છે. કદાચ આ રિવાજ અમુક સમાજમાં ના હોય અને એના કારણે કોઈની લાગણી અજાણતા દુભાઈ હોય તો હું માફી માંગુ છું.)