નરો વા કુંજરો વા - (૧) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નરો વા કુંજરો વા - (૧)

શિયાળાની મીઠી મધુર સવાર એનો રંગ જાળવી રાખવામાં જાણે ઉગતા સૂર્ય સાથે હરીફાઈ કરતી હોય એમ આજે રોજ કરતા વધારે ઠંડી વરસાવી રહી હતી. અને હું આખી દુનિયાને ભૂલીને પરમ શાંતિ મળી હોય એમ સૂતેલો હતો. ત્યાંજ જેમ ચામાં માખી ટપકે અને આપણો આનંદ બગાડી નાખે એ જ રીતે મારા ફોનની રીંગએ મારી ઊંઘ વચ્ચે ટપકીને મારા પરમ આનંદનો સત્યાનાશ વાળી દીધો.

મેં ઊંઘમાં જ ફોન ઊંચક્યો. સામેથી એક ભારે અવાજ આવ્યો એટલે સામેવાળી વ્યક્તિ જાણે મારી સામે જ હોય એ રીતે પથારીમાંથી ઉભો થઇ સાવધાનની સ્થિતિમાં આવી ગયો. મેં માત્ર એક આદેશનું પાલન કરનારા નોકરિયાત વર્ગની જેમ સામેની વાતોનો હાંજી હાંજી જવાબ આપીને વાત પૂરી કરી. ફોન મૂક્યો જ હતો અને ધડામ અવાજ સાથે દરવાજો ખુલ્યો.

"અરે આ સુર્યવંશી કેમ આજે જલ્દી ઊઠી ગયો?" મારો રૂમમેટ ધ્રુવ એક હાથમાં દૂધની થેલી અને બીજા હાથમાં બ્રશ પકડીને રૂમમાં દાખલ થતાં બોલ્યો.

"જવા દે ને ધુલા એ વાત. સવાર સવારમાં આ સુર્યવંશી નોકરના માલિકનો ફોન આવ્યો હતો. એમાં મગજ બગડી ગયું." મેં જવાબ આપ્યો.

"મતલબ અંકલનો ફોન હતો? શું વાત કરે છે? એક મિનિટ ઊભો રહે હું બહાર જોઈને આવું કે આજે સૂર્ય કઈ દિશામાંથી ઊગ્યો છે." ધ્રુવ મારી મશ્કરી કરતા બોલ્યો. અને એક રીતે જોઈએ તો એની વાતોમાં દમ તો હતો જ કારણકે છેલ્લા ત્રણ વર્ષથી હું તેનો રૂમ પાર્ટનર હતો પણ મારા પપ્પાનો ફોન કદી આવ્યો ન હતો. હંમેશા મમ્મીનો જ ફોન આવતો હતો.

"ધુલા હવે મસ્તી કરવાનું રહેવા દે ને. સાચે મારા મૂડની પથારી ફરી ગઈ છે." હું થોડો ગંભીર થઈને બોલ્યો. મારી વાત સાંભળી એ પણ થોડો ગંભીર થઈને મારી બાજુમાં બેસી ગયો અને પૂછવા લાગ્યો.

"ભાઈ શું થયું છે? કોઈ ગંભીર વાત છે? કારણકે એક તો અંક્લનો ફોન કોઈ દિવસ આવ્યો નથી અને આજે આવ્યો તો પણ સવાર સવારમાં. અને વળી પાછો તું આવું મૂડ લઈને બેઠો છે."

"ભાઈ મને પણ ખબર નથી કે બાબત શું છે. પણ એમણે કડક સૂચના આપી છે કે જેમ બને એમ જલ્દી ઘરે આવ. એક મહત્વનું કામ છે. હવે શું કરું કશું સમજ નથી પડતી." મેં જવાબ આપ્યો.

હું અર્થવ. છેલ્લા ત્રણ વર્ષથી છતે પરિવારએ અનાથ જેવું જીવન જીવી રહ્યો છું. ત્રણ વર્ષ પહેલાં બનેલા એક બનાવને કારણે મારે ઘર, ગામ અને મારો પરિવાર બધું જ છોડવું પડ્યું હતું. ત્યારથી જ હું આ અજાણ્યા શહેરમાં આવી ગયો.

જ્યાં મને ધ્રુવ જેવો મિત્ર મળ્યો. અમે બંને એક જ કંપનીમાં જોબ કરતા હોવાથી અમે છેલ્લા ત્રણ વર્ષથી એક જ રૂમમાં ભાડેથી રહીએ છીએ. તે પણ મારી જેમ જ બીજા શહેરમાંથી અહીંયા નોકરી માટે આવ્યો હતો.

"તો તે શું વિચાર્યું છે? તું જશે ત્યાં?" ધ્રુવ પૂછે છે.

"જવું તો પડશે જ. કારણકે એમણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અને બાબત ગંભીર હોય તો જ એમણે આમ કહ્યું હોય." મે જવાબ આપ્યો.

"શું તું એ યાદોનો સામનો કરી શકીશ? હજી પણ ત્યાં કશું બદલાયેલું ના હશે. હજી પણ બધું જેમનું તેમ જ હશે ત્યાં. શું તું આ બધું સહન કરી શકીશ?"

"અઘરું છે મારા માટે પણ સંભાળી લઈશ. પણ એક જ વાત મને અઘરી પડવાની છે. ત્યાં જઈને મિહીકાની યાદો ફરી તાજી થઈ જશે જે મને ખુબજ હેરાન કરશે. હું હજી પણ મિહીકાને ભુલાવી શક્યો નથી." મેં જવાબ આપ્યો.

"ભાઈ તું જે પણ નક્કી કરે હું તારી સાથે છું. હું તારી સાથે તારા ગામ આવીશ. આપણે બધું ફોડી લઈશું."

ધ્રુવના આમ બોલતા જ હું એને ભેટી પડ્યો.

"Thanks ભાઈ. હાલમાં તો મારી મમ્મી પછી તું જ એક છે જેણે મને સમજ્યો છે. મારી પર વિશ્વાસ કર્યો છે. તેં હંમેશા મને સાથ આપ્યો છે."

હકીકતમાં જ્યારથી હું અહીંયા આવ્યો છું ત્યારથી ધ્રુવએ મને એક સગા ભાઈ જેવો સહારો આપ્યો છે. રજામાં એ ઘરે જતો તો મને પણ સાથે જ લઈ જતો. એક રીતે કહીએ તો હવે એનો પરિવાર જ મારો પરિવાર થઈ ગયો હતો.

"હવે આવી છોકરીઓ જેવા નખરા બંધ કર. અને બધો સામાન પેક કર. આપણે આજે જ રાતની બસમાં નીકળી જઈશું. જેથી આવતીકાલે સવારે પહોંચી જઇએ." ધ્રુવ મસ્તી કરતા બોલે છે.

પછી અમે સાંજે જમી પરવારીને બસ જ્યાં આવતી હોય છે ત્યાં રીક્ષા કરીને પહોંચ્યા. અને બસ આવે છે એટલે તેમાં બેસ્યા.

બસમાં બેસતા જ હવે મને આ ત્રણ વર્ષમાં યાદ ન આવેલા મારા ઘરની યાદ આવવા લાગી. સાચુ કહુ તો યાદ તો આવતી પણ એને મે મારા અંતરની અંદર કોઈક જગ્યાએ ઊંડે સુધી દબાવી દીધી હતી. બાકી આવા સ્વર્ગ જેવા ઘરની યાદ કોને ના આવે? આખા ગામ માટે સ્વપ્ન સમાન હતું એ મારું ઘર. હા મારું ઘર! બધા જ લોકો દાખલો આપતા કે ઘર હોય તો આવું હોવું જોઈએ.

અહીંયા ઘર એટલે હું માત્ર ચાર દીવાલો વડે રચાયેલા મકાનની વાત નથી કરી રહ્યો. હું તો એવા મકાનની વાત કરી રહ્યો છું કે એની અંદર રહેતા સદસ્યો પોતાની પરસ્પરના પ્રેમ અને લાગણીઓને સીંચીને એક એક દીવાલને જીવંત કરીને જે ઘર બનાવ્યું હોય તે મારા ઘરની વાત કરી રહ્યો છું.

અમે ત્યાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.

ગામની બરાબર મધ્યમાં આવેલ પટેલ નિવાસના પ્રવેશદ્વાર માં પ્રવેશતા જ રસ્તાની બરાબર સામેની બાજુ આવેલું બેઠા ઘાટનું હવેલી જેવું મકાન એ મારું ઘર. ઘરની બહાર આંગણામાં નાનો બગીચો છે. જ્યાં મારી દાદીએ અનેક જાતના ફૂલ છોડ વાવ્યા હતા. અને ત્યાં એક ઘટાદાર લીમડો પણ છે. એ બગીચાની એક તરફ પાર્કિંગ જેવી જગ્યા છે. જ્યાં ઘરના વાહન, ટ્રેકટર અને ટ્રેકટરના સાધન પડ્યા રહેતા. એ બગીચાને પસાર કરતા જ ઘરમાં પ્રવેશવાના પગથીયા છે. અને ઘરની બંને તરફ ઘરની પાછળ જવા માટે રસ્તો છે. ઘરની પાછળ ફરી એક મોટી આંબાવાડી અને ભેંસોનો મોટો તબેલો આવેલો છે. આ ઘરમાં અમે બધા મળીને 11 વ્યક્તિઓ મજાથી રહેતા હતા.

આમ જ મારા ઘર વિશે વિચારતા વિચારતા શરૂ થાય છે મારા ઘર તરફની સફર...

(ક્રમશઃ)