નરો વા કુંજરો વા - (૨) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નરો વા કુંજરો વા - (૨)

"અર્થવ.. અર્થવ..ઉઠ. તારું શહેર આવી ગયું છે." ધ્રુવનો અવાજ આવતા જ હું જાગી જાવ છું.

પછી અમે બસમાં થી ઉતરીએ છીએ. નીચે ઉતરતા જ પહેલા તો એક ઊંડો શ્વાસ લઈ મારા શહેરની હવા મારી અંદર ભરું છું. એનાથી મને એક અલગ જ આનંદ મળ્યો હતો.

ત્રણ વર્ષ પછી મારું શહેર મને જોવા મળ્યું. ત્યાં નજીકમાં જ ચા પીધા પછી અમે રીક્ષા પકડી મારા ગામ તરફ પ્રયાણ કર્યું.

મારું ગામ શહેરથી નજીક જ આવેલું હતું. જે હવે શહેરના વિસ્તરણથી ગામડું મટીને શહેર બનવા તરફ જઈ રહ્યું હતું. ત્રણ વર્ષ પહેલાંથી જ લોકોમાં શહેરનો રંગ લાગવા લાગ્યો હતો. તો આજે મારું ગામ કેવું હશે તે હું વિચારતો જ હતો ને રીક્ષા થોભી ગઈ.

રીક્ષા થોભતા જ હું કલ્પના માંથી બહાર આવ્યો. હું મારા ગામ આવી ગયો હતો.

પછી અમે બંનેએ મારા ઘર તરફ જવાનું શરૂ કર્યું. રસ્તામાં મળતા તમામની નજરમાં આજે પણ મને એ જ તિરસ્કાર દેખાતો હતો જે ત્રણ વર્ષ પહેલાં હતો. એમની આંખોમાં તિરસ્કાર જોઈને મને વિશ્વાસ થઈ ગયો કે આજે પણ હું એ લોકોની નજરમાં ગુનેગાર જ છું.

પહેલા હું જ્યારે અઠવાડિયા માટે પણ બહાર જઈને પાછો આવતો ત્યારે મને લેવા ઘરેથી કોઈને કોઈ આવી જ જતું. જ્યારે આજે એવું કશું થયું નહિ. અને થાય પણ કેમ? કારણકે એ લોકો પણ મને ગુનેગાર સમજતા હતા. એ લોકો પણ મને તિરસ્કાર કરતા હતા. એટલે હું આશા પણ ના રાખી શકું કે એ લોકોને મારા આવવાથી ખુશી થશે.

આમજ વિચાર કરતા કરતા અમે ઘરે પહોંચ્યા. ધ્રુવએ મને આંખો આંખોમાં ઈશારો કરી હિંમત રાખવાનું કહ્યું. હું હિંમત ભેગી કરી ઘરના કમ્પાઉન્ડમાં પહોંચ્યો. ત્યાં જ એક બૂમ પડી.

"મમ્મી, મોટી મમ્મી, દાદા દાદી જલ્દી બહાર આવો. અર્થવભાઈ આવ્યા છે." આ અવાજ મારા કાકાની છોકરી દિવ્યાનો હતો. જે એના નાના ભાઈ સાથે બહાર રમી રહી હતી.

એનો અવાજ સાંભળતા જ ઘરમાં હતા તે બધા બહાર આવી ગયા. મમ્મી તો આવીને મને ભેટી જ પડી. આ ઘરમાં અત્યારે માત્ર ને માત્ર મારી મમ્મી જ મારી સાથે બોલતી હતી. બાકી બધા જ વ્યક્તિ મારાથી રિસાયા હતા.

અને આ ત્રણ વર્ષોમાં મારી ફોન પર વાત પણ મમ્મી સાથે જ થતી હતી. ત્રણ વર્ષ પછી હું પહેલી વાર મળી રહ્યો હતો.

"એને ચા નાસ્તો કરાવી ઉપરના રૂમમાં મોકલી આપો. અને કહી દો કે એનો બાપ અને કાકો પાછા કામેથી આવે નહિ ત્યાં સુધી ઉપર જ રહે." મારા દાદા કડક અવાજમાં સૂચના આપીને જતા રહ્યા.

એમની વાત સાંભળી બાકીના તમામ પણ પોત પોતાના કામમાં લાગી ગયા. હું બધાને મળવાનું બાજુ પર રહી જાય પણ શાંતિથી જોઇ પણ ના શક્યો.

એક સમયે હતો કે ઘરના તમામનો હું લાડકો હતો. અને આજે બધા મને નફરત કરે છે. મારા દાદા જે એમની મૂછોને તાવ દઈને કહેતા કે અર્થવ તો મારી પડછાઈ છે, એણે જ મારો વારસો જાળવવાનો છે. તેની જગ્યાએ આજે તેમને એમનો પૌત્ર તરીકે સ્વીકારતા પણ શરમ આવે છે.

મારી દાદી કે જેને મારી સાથે રોજ વાતો કરવાનું જોઈતું તેમણે આજે મારી આંખો પણ ના વાંચી.

મારી બહેન જે આખો દિવસ મને હેરાન કરીને મસ્તી કરતી તે આજે મારાથી દૂર ઊભી રહીને મારી બાજુ જોયું પણ નહિ.

અને કાકી તો એમ કહેતા કે મારો દીકરો તો નકામો છે. ભગવાન કાશ મને તારા જેવો દીકરો આપતે તો? તેની જગ્યાએ તેઓ આજે મને એમના બાળકોથી પણ દૂર રહેવાનું કહી ગયા.

આ બધું વિચારતા વિચારતા મારી આંખોમાં પાણી આવી ગયું. આજ સુધી બાંધી રાખેલો પાણીનો બાંધ તૂટવાની અણી પર હતો. મારાથી સહન ન થયું એટલે હું ઝડપથી ઉપર રૂમમાં જતો રહ્યો અને મારી જાતને અંદરથી બંધ કરીને રડી પડ્યો.

પણ હજી મારું દુઃખ પૂરું ક્યાં થયું હતું. આ રૂમમાં રડતા રડતા મિહીકાની યાદ મને વધુ રડાવી ગઈ. આજ રૂમમાં મેં કેટલા બધા સોનેરી દિવસો એની સાથે પસાર કર્યા હતા. એની એક એક યાદ આંખો પરથી પસાર થઈ ગઈ. જ્યારે પણ હું તકલીફમાં હોવ ત્યારે એ અહીંયા મને સંભાળવા માટે હાજર થઈ જતી. પણ આજે તકલીફનું કારણ એ જ હતી.

મને અહીંયા આ રૂમમાં વધુ ઘૂટન થવા લાગી. એટલે હું રૂમમાંથી બહાર નીકળી આંબાવાડી તરફ જતો રહ્યો. ધ્રુવએ પણ મને એકલો જ છોડવાનું ઠીક સમજી મારી પાછળ ના આવ્યો.

ત્યાં જઈને હું મારી ગમતી જગ્યાએ બેસી ગયો. હું એ તમામ વાતો યાદ કરીને રડી રહ્યો હતો. મારા અહીંયા આવ્યાને લગભગ બપોર થવા આવી હતી.

ત્યાં જ મારી મમ્મીનો અવાજ આવ્યો.

"બેટા ભૂતકાળને તું જેટલું યાદ કરશે ને તેટલી વધું તકલીફ આપશે. એના કરતા બધું મૂકી દે અને વર્તમાનમાં જીવતા શીખી જા."

"પણ મમ્મી કેવી રીતે ભૂલું? જે પરિવારની ખુશી મારી ખુશીમાં હતી તે જ પરિવાર આજે મને નફરત કરે છે. મમ્મી હું બધું સહન કરી શકું પણ તેમની નફરત મારાથી સહન નથી થતી."

"બેટા ઉપરવાળા પર ભરોસો રાખ. બધું સારું થઈ જશે."

"પણ મમ્મી એ લોકો મારા પર કેમ ભરોસો નથી કરતા? એમને કેમ એવું લાગે છે કે હું ગુનેગાર હતો? શું તમને પણ એવું લાગે છે?"

"બેટા મેં તો ત્યારે પણ કહેલું અને આજે પણ કહું છું. મારો દીકરો કોઈ ખોટું કામ કરી જ ના શકે. અને મને એ વાતનો સંપૂર્ણ ભરોસો છે."

"કાશ આ બધું બાકીના લોકો પણ સમજી શકતે. પણ અફસોસ એવું કદી ન થાય."

"ચાલ હવે એ બધી વાતો મુક. જો ઉપરવાળાએ નક્કી કર્યું હશે તો બધું સારું થઈ જશે. હું તો તને જમવા માટે બોલાવવા આવી હતી. તારા પપ્પા અને કાકા આવી ગયા છે."

મમ્મીની વાત સાંભળતા જ મને ધ્રુજારી થવા લાગી. ત્રણ વર્ષ પહેલાંનો પપ્પાના મોઢા પરનો ગુસ્સો યાદ આવી ગયો. પણ પછી મમ્મીએ હિંમત આપી એટલે હું એમની સાથે ગયો.

ઘરમાં તમામ લોકો જમવા માટે ભેગા થઈ ગયા હતા. પપ્પા અને કાકાના મોઢા પર એ જ કડપ હતી. ધ્રુવ પણ આવી ગયો હતો. હું મોઢું નીચું રાખી ઝડપથી જમવા લાગ્યો. જમીને હું રૂમ તરફ જતો જ હતો ને પપ્પાનો અવાજ સંભળાયો.

"સાંજે 5 વાગ્યે તૈયાર રહેજે. આપણે જવાનું છે એક કામ માટે."

હું હા કહીને જતો રહ્યો. સાંજે 5 વાગ્યે હું બહાર આવ્યો. પછી ઘરના વડીલો સહિત મારા પપ્પા મને એક જગ્યાએ લઈ ગયા. અમે ગામમાં એક મોટું મેદાન છે ત્યાં પહોંચ્યા.

ત્યાં જઈને જોયું તો ગામસભા ભરાયેલી હતી. મને ત્રણ વર્ષ પહેલા મારી સાથે થયું તે બધું જ યાદ આવી ગયું.

આજ ગામસભામાં મને ત્રણ વર્ષ પહેલાં ગુનેગાર સાબિત કરવામાં આવ્યો હતો. અને આજ ગામસભામાં મને ગામ છોડવાનો હુકમ મળ્યો હતો. અને એ હુકમ આપવા વાળું બીજું કોઈ નહિ પણ મારા પપ્પા જ હતા. કારણકે તેઓ જ ગામના મુખ્યા હતા. અને ભરી સભામાં મને તમાચો માર્યો હતો.

શું ફરી એ જ બેઇજ્જતી કરવા માટે લાવ્યા હશે મને? મને જુદા જુદા ઘણા વિચાર મનમાં આવવા લાગ્યા. આજે ફરીથી મારી સાથે શું કરશે આ લોકો?

(ક્રમશઃ)