ડ્રીમ ગર્લ - 4 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 4

ડ્રીમ ગર્લ 04

જિગર નું પેન્ટ , ગંજી , હાથ લોહી વાળા હતા. એ હાથ મ્હો પર લાગવાથી મ્હો પર પણ ક્યાંક લોહી લાગ્યું હતું. નિલુ એ લાવેલ સાબુ , રૂમાલ અને કપડાં લઈ જિગર બાથરૂમમાં ગયો. બાથરૂમ એટલો સ્વચ્છ ન હતો. પરંતુ જરૂરિયાતના સમયે સગવડ એ ગૌણ મુદ્દો બની જાય છે. જિગર સમજતો હતો કે આ એનું ઘર નથી , એક હોસ્પિટલ છે. જિગરે પેન્ટ માંથી પાકિટ , જીપની ચાવી , કેટલાક કાગળો વગેરે કાઢી નવા કપડાં માં મુક્યું. લોહીવાળા કપડાં નળ નીચે પાણીમાં મુક્યા.
નિલુ સાબુ ન્હાવાનો જ લાવી હતી. પણ જિગરને માથું પણ ધોવું હતું. હંમેશા શેમ્પુ થી વાળ ધોનાર જિગર ને આજે સાબુ પણ વ્હાલો લાગતો હતો. ક્યારેક વસ્તુ કરતાં વસ્તુ લાવનારનું મહત્વ વધારે હોય છે. એ સાબુમાં નિલુનો પ્રેમ હતો. નિલુની દરકાર હતી. નિલુની ચિંતા હતી. જે પળની એ રાહ જોતો હતો એ આજે આવી હતી. એની ડ્રીમ ગર્લ આજે સામેથી આવી હતી. કંઇક લઈ ને ..
જિગરે માથા પર પાણી રેડયું. ગરમ પાણીથી ન્હાવા ટેવાયેલ જિગરને આછી ધ્રુજારી થઈ. માથા પર સાબુ ઘસ્યો. માથામાં થયેલું ફીણ હાથ પર લાગ્યું. ડોલ ભરાઈ ગઈ હતી. એ હાથથી નળ બંધ કર્યો. માથા પર પાણી રેડયું. માથા પરથી ફીણ દૂર થયું. જિગરે આંખો ખોલી. નળ પર લાગેલા ફીણ અને નળની આજુબાજુ લટકતા પાણીના બિંદુઓ બાથરૂમની લાઈટના પડતા પ્રકાશ ને કારણે મોતીની જેમ ચમકતા હતા.

સોસાયટીમાં આગળની આખી લાઈન ટેનામેન્ટની હતી. અને પાછળ ફ્લેટો હતા. જિગર નું મકાન , રોડ ઉપરનું ટેનામેન્ટ હતું. જિગરના પિતા સરકારી વકીલ હતા. મોટી ઉંમરે અવતરેલ જિગરને નાનો મૂકી અવસાન પામ્યા પહેલા જિગર માટે ઉપર એક રૂમ બનાવી હતી. જિગર ના રૂમની પાછળની ગેલેરી માંથી સોસાયટીનો કોમન પ્લોટ દેખાતો હતો. સીડી ચઢી ઉપરના માળે જતાં પાછળના ફ્લેટ દેખાતા હતા. જિગર પોતાની રૂમમાંથી બહાર નીકળ્યો અને ઉભો રહી ગયો.
પાછળના ફ્લેટના ફર્સ્ટ ફ્લોરની ગેલેરીમાં એક યુવતી ઉભી હતી. લાંબા , કાળા ભમ્મર વાળ ધોઈ ગેલેરીમાં ફોન પર એ કોઈની સાથે વાતમાં વ્યસ્ત હતી. સ્હેજ તામ્રવર્ણો લાંબો ભરાવદાર ચહેરો. વાત કરતાં કરતાં એના આછા હાસ્ય સાથે દેખાતી એની સુંદર દંતપંકિત એના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતી હતી. એના ભીના વાળ એક ખભા પરથી આગળ કરેલા હતા અને એ ભીનાશ એના વસ્ત્રોમાં ઉતરી હતી. આગળ કરેલા વાળ પર બાજેલા પાણીના બિંદુ ઓ સૂર્યનારાયણની મદદથી મોતી ઓની જેમ ચમકતા હતા. કોઈ દિવ્ય કન્યા સરખી એ મહેકતી હતી.

કોઈ અભદ્ર વ્યક્તિની જેમ , સમય સ્થળનું ભાન ભૂલી જિગર એને જોઈ રહ્યો. અપલક... મંત્રમુગ્ધ...
એનો ફોન પૂરો થયો. અને એની નજર જિગર પર પડી. એક ઝટકા સાથે એણે પોતાના વાળ પાછળ ધકેલ્યા. એના ભીના વસ્ત્રમાં એક કંપન થયું અને મોતીઓની જેમ ચમકતા બિન્દુઓ વિખરાઈને નીચે પડ્યા. સાથે તૂટી જિગર ની તંદ્રા. એ ઘરમાં ચાલી ગઈ. જિગરને એમ લાગ્યું કે એ કોઈ દિવાસ્વપ્ન જોતો હતો. ના. એ સ્વપ્ન ન હતું. હકીકત હતી. ક્યારેક સ્વપ્નમાં જોયેલી હતી એ. એની સ્વપ્નસુંદરી હતી. એની ડ્રીમ ગર્લ હતી.

** ** ** ** ** ** ** ** ** **

જિગરના ઘરની પાછળના ફ્લેટમાં કોઈ નવું રહેવા આવ્યું હતું. કેમકે જિગરે ક્યારેય આ યુવતીને જોઈ ન હતી. એ આખો દિવસ જિગરનો સીડીની અવરજવરમાં ગયો. પણ એ ના દેખાઈ.
પ્રેમ કે આકર્ષણ માં એક તત્વ વિરહ છે. એક એક પળ એક એક યુગ જેવડી લાગે છે. માણસ શા માટે પ્રેમ કરે છે. કદાચ બે વિરોધાભાસી તત્વોનું હવા દ્વારા થતા સંયોજનનું એક પરિણામ હશે. આદિકાળ થી નર , નારી ના દર્શન માત્ર થી એક અજબ સંયોજનના પરિણામ સ્વરૂપ એક સંમોહન અવસ્થા ઉતપન્ન થાય છે. અને પછી એ સ્થિતિની પરાકાષ્ઠા સુધી પહોંચવા એક એક પળ વિરહની વેદના ઉભી થાય છે. પછી તે શાંતનું અને ગંગા હોય કે પાંડુ અને માદ્રી હોય. જિગર પણ શાંતનુંની અવસ્થા પર હતો.

પોતે ક્યારેક કલ્પેલી. સભાન અવસ્થામાં કે અંતઃકરણ માં ક્યાંક છુપાયેલી ભાવનામાં બિરાજેલ મૂર્તિ અચાનક પ્રગટ થઈ ગઈ હોય અને અંતઃકરણ કહે , હા .. આ જ ... આ જ છે એ વ્યક્તિ કે પરિસ્થિતિ જે મારે જોઈએ છે. એવું ન હતું કે જિગરે સુંદર યુવતી જોઈ ન હતી. પણ જેને જોઈ ને , જેના હાવભાવ , જેનું હાસ્ય , જેના ગાલે પડતા લજ્જાના ફૂલ , જેની આંખોમાં સમાતું અને ઉમડતું સમગ્ર વિશ્વ દેખાતું હોય. અને પરિણામે ઉભું થાય એક સંમોહન ચક્ર. જે સતત પોતાને ખેંચતુ હોય. એવી જ કોઈ દશા જિગર ની હતી.

બીજા દિવસે સવારથી જિગર રાહ જોતો રહ્યો. પણ જાણે કોઈ શત્રુ આવીને એને ગળી ગયો હોય એમ જિગરને લાગ્યું. એ ક્યાંય ના દેખાઈ. જિગરને એક વિચાર આવ્યો. એ ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. કોઈ એના મનમાં વસેલું હશે તો ? જિગરને સમગ્ર વિશ્વ કોઈ અંધકારમાં ડૂબતું લાગ્યું. જો એવું હશે તો ? જિગરના હાથપગ પાણી પાણી થતા હતા. પેટ માં ક્યારેય ના થયો હોય એવો શૂન્યાવકાશ સર્જાયો હતો.

બપોરે પોણા બાર વાગે એ આવી. નેવી બ્લ્યુ કુર્તો અને સફેદ પાયજામામાં એ ખૂબ સુંદર લાગતી હતી. કુર્તા ની ગળાની બોર્ડર લાઈન પર એમ્બ્રોઇડરી કરેલું ભરતકામ હતું. ગળાથી શરૂ થયેલું ભરતકામ , બે હાથે પકડેલી ચોપડીઓ વચ્ચે છુપાઈ જતું હતું. એ સીડી ચઢી અને એની નજર જિગર પર પડી. એ નીચું જોઈ ચાલી ગઈ. જિગરને એના રંગીન કપડાં પર થી લાગ્યું કે ચોક્કસ એ કોલેજમાં હોવી જોઈએ.
બીજા દિવસે સવારે છ વાગે જિગર તૈયાર થઈ બેઠો હતો. પોણા સાત વાગે એ ઘરની બહાર નીકળી. યલો કલરના કુર્તામાં એ ખૂબ જ સુંદર લાગતી હતી. જિગર એ નક્કી નહોતો કરી શકતો કે એ આજે વધુ સુંદર લાગતી હતી કે ગઈ કાલે. કદાચ પ્રેમ કે આકર્ષણ નું આ પણ એક પાસું હશે કે ગમતી વ્યક્તિ દરેક પળે વધુ ને વધુ સુંદર લાગે. સૂર્યના આછા કિરણો ધરતી પર લાલિમા પ્રસરાવી રહ્યા હતા. એની નજર જિગર પર પડી. એનો તામ્રવણો ચહેરો વધુ લાલાશ પકડતો હતો. એણે નજર ફેરવી લીધી.
એ સીડી ઉતરી નીચે ગઈ. જિગરે ચંપલ પહેર્યા.

( ક્રમશ : )

21 ડિસેમ્બર 2020