ડ્રીમ ગર્લ 05
સભ્યતા અને અસભ્યતાની ભેદરેખા જિગર ભૂલી ગયો હતો. પ્રાપ્તિનો મોહ સમાજની તમામ ભેદરેખા ભુલાવી દેતો હશે. ક્યારેય ન અનુભવી હોય એવી સંમોહિત અવસ્થામાં એ પહોંચી ગયો હતો. શરીરનું કોઈ અવયવ એના કન્ટ્રોલમાં ન હતું.
એ યુવતી સીડી ઉતરીને નીચે ગઈ. અને જિગર પણ સીડીના પહેલે પગથિયે આવ્યો. એ યુવતી સોસાયટી ના કોમન પ્લોટમાં થઇ મેઈન ગેટથી બહાર આવી. જિગર સીડી ઉતરી નીચે આવ્યો. જિગરના મકાનનો એક દરવાજો સીધો રોડ પર પડતો હતો અને બીજો દરવાજો સોસાયટી ના કોમન પ્લોટ તરફ પડતો હતો. જિગર મેઈન રોડ તરફ ના દરવાજે આવ્યો. એ યુવતી સોસાયટીના મેઈન ગેટથી બહાર નીકળી એના મકાન તરફ આવતી હતી. એ યુવતી બિલકુલ નજીક આવી. જિગરે દરવાજાની ગ્રીલ પર પગ મૂક્યો અને નીચે જોઈ ચમ્પલની પટ્ટી ઠીક કરવા લાગ્યો. એ યુવતી આગળ નીકળી ગઈ. જિગર દરવાજો ખોલી બહાર આવ્યો. જિગર અને એ યુવતી વચ્ચે આશરે સો મીટર જેટલો ફાંસલો હતો.
સોસાયટીની બાજુમાં જ શિવ મંદિર હતું. એ યુવતી મંદિરમાં ગઈ. જિગર મંદિરની સામેની બાજુ ઉભો રહ્યો. પાંચ સાત મિનિટ પછી એ યુવતી મંદિરની બહાર આવી. પગથિયાં ઉતરતાં એની નજર સામે ઉભેલા જિગર પર પડી. જિગરનું હદય ધડકી ઉઠ્યું. એ નીચું જોઈને ચાલી ગઈ. આગળ જઇ એ બસ સ્ટેન્ડે ઉભી રહી. જિગરને વિચાર આવ્યો કે એ કદાચ બસમાં જશે. જિગર ફટાફટ ઘર તરફ ચાલ્યો. એના મકાનની બાજુમાં એક ગેરેજ જેવું બનાવેલ હતું. જીપ ગેરેજમાં હતી. બુલેટ બહાર પડ્યું હતું. જિગરે ગજવા ચેક કર્યા. ચાવી ગજવામાં જ હતી. જિગરે બુલેટ બહાર કાઢી અને દરવાજો બંધ કર્યો. એની નજર રોડ પર ગઈ. એક સિટી બસ , બસ સ્ટેન્ડે આવીને ઉભી રહી હતી. પેસેન્જર એ બસમાં બેસી રહયા હતા.
બસ દરેક સ્ટેન્ડ પર ઉભી રહેતી , જિગર બસ ની પાછળ બિલકુલ સાઈડમાં બુલેટ ઉભી રાખી ઉતરતા પેસેન્જરને જોઈ રહેતો. કોમર્સ કોલેજની સામે બસ ઉભી રહી. જિગરે જોયું , એ યુવતી ઉતરી અને સાઈડમાં ઉભી રહી. બસ ચાલી ગઈ. એ યુવતી એ રસ્તો ક્રોસ કરવા બન્ને બાજુ જોયું. એની નજર ફરી જિગર સાથે ટકરાઈ. એ ફરી નીચું જોઈ આગળ ચાલી ગઈ.
એ રોડની સાઈડ પર બુલેટ પાર્ક કરી જિગર બાજુની દિવાલ પર બેઠો. લગભગ સાડા દસની આજુબાજુ એ કોલેજ માંથી બહાર નીકળી. એ જ સ્ટાઇલ. બન્ને હાથમાં પુસ્તકો અને એ પુસ્તકો છાતી પર ચાંપી રાખેલા.
જિગરનું ફોક્સ અર્જુનના મત્સ્યવેધની જેમ કેન્દ્રીત હતું. જિગરને એના સિવાય કાંઈ દેખાતું ન હતું. એ બહેનપણીઓ સાથે હસતી , વાતો કરતી આવતી હતી. કોલેજના દરવાજે આવતાં જ એની નજર સામે બેઠેલા જિગર પર પડી. ફરી એ નીચું જોઈ ચાલી ગઈ. જિગર ને એવું લાગ્યું જાણે એનું મુક્ત હાસ્ય કોઈએ છીનવી લીધું હતું.
** ** ** ** ** ** ** ** ** ** **
કોણ હતી એ ? શું નામ હતું એનું ? કંઈ જ ખબર ન હતી. શા માટે દિલ એના માટે આટલું બેતાબ હતું ? કોઈ જવાબ એની પાસે ન હતો. બે દિવસ થઈ ગયા. ફક્ત દૂરથી એની ઝલક જોવા સિવાય એ કંઈ ના કરી શક્યો. મનમાં વિચાર આવતો હતો. એ શું વિચારશે ? એક સભ્ય માણસ આવી રીતે જોઈ શકે ? પણ એનો જિગર પાસે કોઈ જવાબ ન હતો. કોઈ નીચે થી બુમો પાડતું હતું .
" નિલા , ઓ નિલા. "
એક ઘંટડી જેવો સુમધુર અવાજ સંભળાયો.
" હા , આવી . શું છે મમ્મી ? "
" મારો ફોન ઉપર રહી ગયો છે. આપી જા . "
" વન મિનિટ . "
જિગર એના રૂમમાંથી બહાર આવ્યો. નીચે જિગર ની મમ્મી સાથે કોઈ બહેન વાત કરતા હતા. અને એ યુવતી નીચે ઉતરી , જિગરના મકાનની પાછળના ભાગ માં ઉભેલી એની મમ્મીને મોબાઈલ આપી ઉપર ગઈ. ઉપર જતાં એની નજર જિગર પર પડી.
ઓહ , એનું નામ નિલા છે. હદયમાં એક નામ કોતરાયું. નિલા.... નિલુ.....
** ** ** ** ** ** ** ** ** **
બહારથી કોઈ બારણું ખખડાવતું હતું. ઓહ , બાથરૂમમાં બહુ સમય થઇ ગયો. જીગર ફટાફટ બહાર નીકળ્યો. બહાર રાહ જોનારના ચહેરા ઉપર સ્પષ્ટ અણગમો હતો.
જિગર બહાર આવ્યો. નિલુ અને અમી વાતો કરતા હતા. જિગરે એમની પાસે આવી એક પ્લાસ્ટીકની થેલીમાં કપડાં નિલુને આપ્યા. નિલુ એને જોઈ રહી.
" તમે ઘરે નથી આવતા ? "
" નિલુ સમજવાની કોશિશ કર. એ માણસ એકલો છે. પોલીસ થોડા સમયમાં એના ઘરવાળા ને શોધી કાઢશે એટલે હું ઘરે આવીશ."
નિલુની આંખમાં ગુસ્સો હતો. ગુસ્સામાં પણ એ સુંદર દેખાતી હતી.
એક કોન્સ્ટેબલ આવ્યો.
" મી.જિગર , તમારે સ્ટેટમેન્ટ આપવા પોલીસ સ્ટેશન આવવા નું છે. "
" હું ક્યાંય આવવાનો નથી. તમારે સ્ટેટમેન્ટ લેવું હોય તો અહીં લઈ શકો છો. "
જિગરના અવાજમાં ભારોભાર ગુસ્સો હતો. હજુ દર્દીની હાલત ઠીક ન હતી અને આમને સ્ટેટમેન્ટની પડી છે. પણ પોલીસ પોતાની જગ્યાએ સાચી હતી. એમને આ ઘટનાનો કોઈ કલુ જોઈતો હતો. કોન્સ્ટેબલે ઉપર ઓફિસર ને ફોન લગાવ્યો.અને પોલીસ કોન્સ્ટેબલ એમનો આદેશ સાંભળી રહ્યો.
મીડિયા જિગરનું ઇન્ટરવ્યૂ લેવા તલપાપડ હતી. પણ જિગર એવા કોઈ મૂડમાં ન હતો. પોલીસ અને જિગરની વાત મીડિયા જોઈ રહી હતી. પોલીસ કોઈ ઇશ્યુ ઉભો કરવાના મૂડ માં ન હતી. કોન્સ્ટેબલ દૂર જઈ બેસી ગયો. મીડિયા દૂર થી જ જિગરનું કવરેજ કરી રહ્યા હતા .
" નિલુ તું ઘરે જા , હું આવીને વાત કરીશ. "
" કોઈ લફડામાં ના પડતા. "
" ઓ.કે . "
નિલુ અમીની સાથે ચાલી ગઈ. જિગર એને જતી જોઈ રહ્યો. પાછા રાતના દ્રશ્યો એની નજર સમક્ષ ઉભા થઇ ગયા. એ વ્યક્તિના શબ્દો જિગરના કાનમાં ગુંજતા હતા. માય સન . હેલ્પ મી. કોણ હશે એ ?
રાતની વાત જિગરને યાદ આવી. એ માણસના ઓપરેશન માટે જિગરે સહી આપી હતી. રિલેશનમાં લખ્યું હતું , અંકલ .
જિગરને યાદ આવ્યું એ માણસે એક નમ્બર આપ્યો હતો. એને વિચાર આવ્યો કોનો હશે એ નમ્બર ?
( ક્રમશ )
23 ડિસેમ્બર 2020