Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

લીલો ઉજાસ - પ્રકરણ -૧૭ – લગ્નની પહેલી રાત! – દિવ્યેશ ત્રિવેદી

તકિયાના સફેદ કવર પર મનીષાની આંખો જડાઈ ગઈ. એ તકિયાના કવર પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક વડે ઉદયે લખેલા શબ્દો ધીમે ધીમે ઊપસી આવ્યા. “આઈ લવ યુ, મનીષા." પછી તરત દરિયાના મોજાં ઊછળવાનો અવાજ ચિતરાઈ ગયો. પલંગ પાસેની બારીમાંથી આવતો માદક પવન નશીલા શરાબની ગરજ સારતો હતો. ઉદયે એને નહાવા જતી વખતે નાહી લીધા પછી વાળ છૂટ્ટા રાખવાનું કહ્યું હતું. ઉદયે જયારે એને કહ્યું કે, “નાહી લીધા પછી વાળ છુટ્ટા રાખજે અને કોરા કરીશ નહિ, કારણ કે મારે એ ભીના વાળની સુગંધ મન ભરીને માણવી છે. ત્યારે મનીષાના શરીરમાંથી એક મીઠી ધ્રુજારી પસાર થઈ ગઈ હતી.

આખા દિવસનો અસહ્ય થાક હતો. બપોરે બાર વાગ્યે લગ્ન પતી ગયા પછી વડીલોને પગે લાગવામાં અને સગાં-સંબંધીઓને મળવામાં જ ત્રણ વાગી ગયા હતા. આગલી રાત્રે પણ મોડા સુધી જાગવું પડયું હતું. થાક લાગવાનું એ પણ એક કારણ હતું. સાંજે છ વાગ્યાની ટ્રેન હતી. એટલે આડા પડખે થવાનો પણ મોકો મળ્યો નહોતો. ટ્રેનનો સમય આમ તો સાંજના છ વાગ્યાનો હતો. પરંતુ મનીષા અને ઉદય સાડા ચાર વાગ્યે ઘેરથી મુંબઈ સેન્ટ્રલ જવા નીકળી ગયાં હતાં. સોનલ એની ખાસ ફ્રેન્ડ હોવા છતાં મુંબઈ સેન્ટ્રલ સુધી ન આવી એનું મનીષાને ખોટું લાગ્યું હતું અને એ સોનલ પર થોડી રોષે પણ ભરાઈ હતી. સ્ટેશન પર એમને મૂકવા નયન અને પિનાકીનભાઈનો દીકરો નિહાર આવ્યા હતા. નયને એ વખતે મજાકમાં કહ્યું પણ હતું. વર પક્ષેથી એક જણ આવે તો કન્યા પક્ષેથી પણ એક જણે આવવું જોઈએ ને! એટલે જ નિહાર મારી સાથે આવ્યો છે!" આમ તો ત્રણ જ કલાકનો પ્રવાસ હતો. છતાં રિઝર્વેશન કરાવેલું હોવાથી જગ્યાની તકલીફ પડવાનો સવાલ નહોતો. કારણકે ‘ફલાઈંગ રાણી’ અપ-ડાઉન કરનારાઓ માટે ઉપયોગી ટ્રેન હોવાથી એમાં કાયમ ભીડ રહેતી. મનીષા અને ઉદય પાસે બહુ સામાન પણ નહોતો. માત્ર બે બેગ હતી.

મનીષાને એમ હતું કે ટ્રેનમાં કદાચ ઝોકું ખાઈ લેવાશે અને ઉદય પણ એકાદ કલાક ઊંઘ ખેંચી લેશે. પરંતુ આજે તો બંનેને મન ભવોભવના મિલનનો દિવસ હતો. અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરતી વખતે આવી જ અનન્ય લાગણી હોય છે. સાત જન્મ માટે જાણે ગાંઠ બંધાઈ ગઈ હોય એવો અનુભવ થાય છે. જીવનનાં વિરાટ રહસ્યો મૂંઝવતાં હોય છે અને હવે એક પછી એક રહસ્ય ઉકલવાનું છે એ ખ્યાલ પોતે જ રોમાંચક બની જાય છે. આવે વખતે જીવનસાથીનો હાથ મજબૂત રીતે પકડી રાખવાનું મન થાય છે. ટ્રેનમાં લગભગ ત્રણેક કલાક સુધી મનીષા અને ઉદયે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. બંને માટે માત્ર હાથના એ સ્પર્શની ઉત્તેજના એક અમૂલ્ય અવસર અને જીવનભરનું સંભારણું બની ગઈ હતી. આખા રસ્તે બંનેએ ખૂબ વાતો કરી. જો કે વધારે વાર તો ઉદયે જ બોલ્યા કર્યું. છતાં ત્રણ કલાકના સહવાસમાં મનીષા પણ લજજાના કોચલાને ફોડીને બહાર ડોકિયું કરી લેવા પ્રોત્સાહિત થઈ. ચાર કલાકમાં તો બંનેને એવી અનુભૂતિ થઈ કે ભલે લગ્ન પહેલાં તેઓ મુક્ત મને ઓછું મળ્યાં હતાં, છતાં બંને એકબીજાને અનંતકાળથી ઓળખતાં હતાં.

બરાબર સવા નવે વલસાડ આવ્યું ત્યારે જાણે કોઈએ એમના સહ-પ્રવાસમાં વિઘ્ન નાખ્યું હોય એવી લાગણી બંનેને થઈ. વાતો કરવાનો આવો અવસર કદાચ ફરી મળે પણ ખરો અને ન પણ મળે. છતાં વલસાડ સુધીની જ સફર નક્કી હતી. સ્ટેશનમાંથી બહાર આવ્યા પછી ઉદયે કહ્યું, “તીથલ જવું છે કે અહીં ક્યાંક જમી લેવું છે?" મનીષાએ સંમતિસૂચક ડોકું ધુણાવ્યું. ઉદયે તરત કહ્યું, “બંનેમાં હા કહીશ તો મને કશી સમજ નહિ પડે.” મનીષા એની સામે અપલક જોઈ રહી અને ધીમે રહીને બોલી, “હવે તો હાથ તમારા હાથમાં છે. તમે જ્યાં લઈ જાવ ત્યાં!” ઉદયને મનીષાની આ વાત ગમી હોય એમ એના ચહેરા પરથી દેખાતું હતું. એણે કહ્યું, 'તોરણ'માં કદાચ જમવાની મજા નહિ આવે... આપણે એક કામ કરીએ... અહીં જ થોડું ખાઈ લઈએ. પછી સવારની વાત સવારે... મનીષાએ એમાં પણ સંમતિ આપી. બહાર નીકળીને થોડે આગળ જતાં ઉદયે પૂછયું, “શું ખાવું છે?” મનીષાએ આંખથી જ કહ્યું, “જે ખવડાવશો એ ખાઈશ.” સામે જ એક ડાઈનિંગ હૉલ આવ્યો.

ઉદયે એ તરફ પગ ઉપાડ્યા. મનીષા એને અનુસરી. ડાઈનિંગ હૉલની જગ્યા પ્રમાણમાં નાની હતી. પરંતુ એની સજાવટ સુંદર હતી. હૉલમાં સ્વચ્છતા પણ પ્રમાણમાં ઘણી સારી હતી. ઉદયે બે થાળીનો ઓર્ડર આપ્યો. બંનેને ભૂખ બરાબરની લાગી હતી. રસોઈની સુગંધ પણ એટલી જ તેજ હતી. વેઈટર એક એક કરીને ગરમાગરમ રોટલી પીરસતા હતા. હોટેલ હોવા છતાં ઘીની બાબતમાં કંજૂસાઈ કરાતી નહોતી. ઘી નીતરતી રોટલી સાથે ભીંડાનું શાક એટલે ઉદયને મન મિષ્ટાન્ન. મનીષાને ભાવતું દૂધી અને મગની દાળનું શાક પણ એટલું જ સ્વાદિષ્ટ હતું. કેટલું ખવાઈ ગયું હશે એની ખબર તો બંનેને જમી લીધા પછી જ પડી. બંનેને એક સરખી લાગણી થઈ કે જો અહીં જ કોઈ ખાટલો નાંખી આપે તો બંને અહીં જ ઊંધી જાય.

બહાર આવ્યા પછી ઉદયે બે-ત્રણ રિક્ષાવાળાઓને તીથલ આવવા પૂછયું. પરંતુ રાત્રે ખાલી રિક્ષા લઈને પાછા આવવું પડે એ કારણે એમણે ના પાડી. આમ જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ બંનેનો થાક વધતો જતો હતો. મનીષાના મનમાં તો એવો વિચાર પણ ઝબકી ગયો કે આજે લગ્નની પહેલી રાત છે એટલે ઉદય એને ઊંઘવા જ નહિ દે. એને એ વિચાર ગલીપચી કરાવી ગયો અને પછી ઊંઘના શરૂ થયેલા આક્રમણને કારણે થોડી અકળામણ પણ થઈ. છેવટે ઉદયે એક રિક્ષાવાળાને પચાસ રૂપિયા આપવાનું કહીને તૈયાર કર્યો. મનીષા અને ઉદય રિક્ષામાં સવાર થઈ ગયાં. થોડીવારમાં જ એમને દૂરથી દરિયાની સુગંધ આવવા માંડી. રિક્ષામાં પણ ઠંડો પવન આવતો હતો. બંને જાણે આંખો ખેંચી ખેંચીને જાગવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. થોડીક વાર તો મનીષાની આંખ સહેજ લાગી પણ ગઈ. પરંતુ મનીષાની ઊંઘ કોઈક સ્વપ્ન માટે દરવાજા ખોલે એ પહેલાં રિક્ષા આંચકો ખાઈને ઊભી રહી ગઈ. તીથલ આવી ગયું હતું. મનીષાથી બોલાઈ ગયું, “ઓ હો, આ તો આવી પણ ગયું! આટલું નજીક છે?” તોરણના દરવાજે જ રિક્ષા ઊભી રહી હતી. એથી અંદર જવા માટે બહુ શ્રમ કરવો પડે તેમ નહોતો. નયને વડોદરાથી જ ગુજરાત ટૂરિઝમ મારફતે બુકિંગ કરાવી રાખ્યું હતું. ઉદયે પ્રાથમિક વિધિ પતાવી એ પછી ‘તોરણ'નો કર્મચારી એમની સાથે આવ્યો અને એમને એક-બે રૂમો બતાવી. મનીષાને છેલ્લી રૂમ પસંદ ૫ડી. એની બારીમાંથી જ દરિયો દેખાતો હતો અને સરસ પવન પણ આવતો હતો. હોટેલ લગભગ ખાલી જ હોય એવું લાગતું હતું. ઉદયને થયું કે બુકિંગ ન કરાવ્યું હોત તો પણ વાંધો આવે એમ નહોતું. પરંતુ એમાં ક્યારેક જોખમ પણ થઈ જાય!

રૂમનું બારણું બંધ કરી મનીષા અને ઉદય એકબીજાની સામે ઊભાં રહ્યાં. પાછળ અરીસો હતો. ઉદયે એ અરીસામાં જોયું અને બાજ પક્ષી જેમ ઝડપ મારે એમ મનીષાને પોતાના બાહુપાશમાં જકડી લીધી. મનીષાએ જોયું કે, એની આંખોમાં ઉત્તેજનાનાં ઈન્દ્રધનુષી સ્વપ્નો તરતાં હતાં. કદાચ ઉદયે પણ મનીષાની આંખોમાં એ જ જોયું હતું. ઉદયે પહેલાં એનું કપાળ ચૂમીઓથી ભરી દીધું. પછી એની આંખોને પોતાના હોઠ પર ઝીલી લીધી અને પછી એના હોઠ પર પોતાના હોઠના અસંખ્ય સિક્કા મારી દીધા. મનીષાના મન પર પણ એવો જ નશો સવાર થવા માંડયો હતો. એ ઉદયના બાહુપાશમાં જકડાયેલી જ રહેવા માગતી હતી. એણે ખૂબ ધીમા અવાજે કહ્યું, “છોડો ને! આખું શરીર પરસેવાવાળું છે... હું નાહી લઉં...” પરંતુ ઉદય એની પકડી ઢીલી કરતો જ નહોતો. એણે મનીષાને લીધેલી ભીંસ એટલી વધારી દીધી કે મનીષાને ઘડીભર ગૂંગળામણ જેવું લાગવા માંડયું. એણે પકડ સહેજ ઢીલી કરી તો એના આશ્ચર્ય વચ્ચે મનીષાનો પ્રતિકાર પણ ઓછો થઈ ગયો.

એમની આ નિર્દોષ પ્રેમક્રિડા હજુ શરૂ જ થઈ હતી ત્યાં બેલ વાગ્યો. મનીષા તરત જ પલંગ પર બેસી ગઈ અને ઉદયે બારણું ખોલ્યું. હોટલનો વેઈટર પાણીનો જગ લઈને આવ્યો હતો. એ ગયો એટલે મનીષાએ બારણું બંધ કર્યું અને નહાવા જવાની તૈયારી કરવા માંડી. ઉદય ઊભો થયો અને મનીષાને પાછળથી વળગી પડયો. એણે કહ્યું, “સાડા દસ ઉપર થઈ ગયા છે... બહુ મોડું થયું છે... તું નાહીશ... તને નહાતાં વાર લાગશે... પછી હું નાહીશ એટલે વધુ વાર લાગશે...”

મનીષા તરત જ ગોળ ફરી ગઈ અને આંખો કાઢીને પૂછવા લાગી, “એટલે તમે કહેવા શું માગો છો?"

“હું શું કહેવા માગું છું એ તને પછી કહું... પણ પહેલાં એક વાત... મેં ટ્રેનમાં જ તને કહ્યું હતું કે, આપણે ભલે પતિ-પત્ની બન્યાં હોઈએ, પરંતુ આપણે મિત્રો બનીને જ રહેવું છે. ત્યારે તેં હા પાડી હતી. એ તને યાદ છે?" ઉદયે એના લીસા લીસા ગાલ પર તીખું બચકું ભરી લઈને કહ્યું.

મનીષાએ પણ તીણી સિસકારી ભરી અને બોલી ઊઠી, “આઉચ! તમે કહ્યું હતું અને મેં હા પાડી હતી. પણ અત્યારે એનું શું છે?"

“એ જ કે મિત્રતા હોય તો બંનેએ એકબીજાને તુંકારાથી જ બોલાવવા પડે. અને એકબીજાની કોઈ શરમ પણ ન રખાય." ઉદયનો તર્ક થોડો તોફાની હતો એ મનીષા તરત સમજી ગઈ હતી.

“તુંકારો કરવાની આદત તો પાડવી પડે ને! ત્યાં સુધી તમને તમે જ કહીશ.” મનીષાએ ઉદયનું નાક ખેંચતાં કહ્યું.

“આ ખોટી વાત છે. તેં મને તમે કહેવાની પણ ક્યાં આદત પાડી છે? આદત તો હવે પાડવાની છે. તો પછી ખોટી આદત શા માટે પાડે છે?" ઉદયે ખોટો ગુસ્સો કરતાં કહ્યું.

“ચલો બસ, હવે નવી આદત પાડવાની કોશિશ કરીશ. ત્યાં સુધી તો તમે..." મનીષા આટલું બોલી ત્યાં તો ઉદયે એનો લાંબો ચોટલો જોરથી ખેંચ્યો અને એક ઝટકો માર્યો.

“તમે બહુ જબરા છો!" મનીષા લાડ કરતાં બોલી.

"પાછું તમે?" ઉદયે આંખો પહોળી કરતાં કહ્યું.

“સોરી બસ, તમે એટલે કે તું એટલે કે તમે... તું... તમે બહુ જબરા છો!" મનીષા હસતી હસતી દોડી અને ઉદય પણ એની પાછળ રૂમમાં ગોળ ગોળ દોડવા લાગ્યો. બે ચક્કર માર્યા પછી એણે મનીષાનો ચોટલો પકડી લીધો. મનીષા પાછી એના બાહુપાશમાં આવી ગઈ. ઉદયે ચુંબન વડે વાત આગળ ચલાવતાં કહ્યું, “બીજી વાત... મિત્રો વચ્ચે શરમ ન હોય...”

“એટલે...?"

“એટલે એમ કે આપણે બંને અત્યારે સાથે નહાવા જઈએ." ઉદયે શરમ મૂકીને કહ્યું.

મનીષાએ જવાબમાં ખભા ઉલાળ્યા અને ત્રણ વાર ડચકારાથી ના પાડી. સહેજ વાર રહીને ઉદય બોલ્યો, “પતિ પ્રત્યેની આવી જ ભક્તિ ને! મેં બે વાત કરી. એમાંથી એકેય તું સ્વીકારતી નથી..." ઉદયે નિરાશાના ભાવ ચહેરા પર લાવીને કહ્યું.

“તમારી પહેલી વાત મેં ક્યાં નથી સ્વીકારી? મેં તમને કહ્યું તો ખરું કે હું તમને તું કહીને બોલાવવાનો પ્રયત્ન કરીશ... અને પછી આપણે સાથે નાહીશું... આજે નહિ... પ્લીઝ... આઈ એમ સૉરી... આવું ના કર ને..." મનીષાએ લાડ કરતાં કહ્યું.

“ફરી... ફરી છેલ્લું વાક્ય બોલ ને? મારે સાંભળવું છે... ફરી બોલ ને!" ઉદયે ઉત્સુક્તાથી કહ્યું.

“આવું ના કર ને..." બોલતાં બોલતાં મનીષાએ ઉદયની છાતીમાં મોં છુપાવી દીધું.

એને ખરેખર નહાતાં વાર લાગી. વાળ ધોવાની ઈચ્છા હતી, પણ બહુ વાર લાગે તેમ હતું. છતાં ઉદયે કહ્યું હતું એટલે એણે વાળ ભીના કયાં. એ દરમ્યાન ઉદયે મનીષાનો મેકઅપનો ડબ્બો ખોલ્યો અને જુદી જુદી વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું. લિપસ્ટિક ખોલી તો એને ખ્યાલ આવ્યો કે એના વડે લખી પણ શકાય છે. આથી ઓશીકાના સફેદ કવર પર એણે લખ્યું. “આઈ લવ યુ, મનીષા.”

મનીષા બહાર નીકળી ત્યારે આછા ગુલાબી રંગનું અર્ધ-પારદર્શક ગાઉન પહેર્યું હતું. એ વાળ છૂટા રાખીને બાથરૂમનો દરવાજો બંધ કરવા ગઈ ત્યાં ઉદય આવીને એને પાછળથી વળગી પડયો. ઉદય મનીષાના વાળમાં માથું નાખીને એની સુગંધ લેતો હતો. મનીષાએ એના ઉપર તરફ જતા બંને હાથ પકડી લઈને કહ્યું. “હવે સાહેબ, જલ્દી જલ્દી નાહી લો... અગિયાર વાગ્યા... પછી સૂવાનું છે કે નહિ?"

ઉદયે ડચકારાથી ના પાડી અને તરત નહાવા જતો રહ્યો. મનીષાને એમ લાગતું હતું કે જાણે એની ઊંઘ ઊડી ગઈ હતી અને હવે કદાચ એને જાગવામાં વાંધો નહિ આવે. પરંતુ ઊંઘ બહુ ચાલાક ચીજ છે. એના જેટલું ભાગ્યે જ બીજું કોઈ છેતરી શકે છે. આંખમાં ઘોડાપૂરની જેમ ઊંઘ ઉમટી આવી હોય ત્યારે તો છેતરવા માટે ઘડીવાર માટે આંખ પાછળ સંતાઈ જાય છે અને પોતાની ગેરહાજરીનો આભાસ ઊભો કરે છે. પછી લાગ મળતાં જ એ પોપચાં પર કબજો જમાવી દે છે અને પોપચાં ઝટ ખૂલે જ નહિ અને ખૂલે તો પાછાં તરત બંધ થઈ જાય એવો જાદુ કરે છે. ઊંઘના આવા ચરિત્રનો કદાચ અનુભવ હોય તો પણ એ છેતરવામાં એટલી કાબેલ છે કે છેવટે છેતરી જ જાય છે. મનીષા કદાચ ઊંઘના આવાં નખરાંથી બહુ પરિચિત નહોતી એથી જ એ ઊંધ વિષે બેફિકર હતી.

ઉદય નહાવા ગયો એ પછી એ પલંગ પર બેઠી અને અંધકારમાં દરિયાને જોવાનો પ્રયાસ કરવા લાગી. અચાનક એની નજર ઓશીકા પર પડી. એણે ઓશીકું હાથમાં લીધું અને થોડીવાર જોયા કર્યું. પછી ઓશીકામાં મોં છુપાવીને ધીમું હસી પડી અને હજુ ઉદય નાહીને નીકળ્યો નથી એની ખાતરી કરી લેવા માટે બાથરૂમ તરફ અને પછી રૂમમાં ચારે તરફ નજર કરી લીધી અને ઓશીકા પર લખેલા એક એક અક્ષરને ચૂમી લીધો. ફરી એણે ઓશીકામાં મોં સંતાડી દીધું. લિપસ્ટિકના ડાઘ એના ચહેરા પર આવી ગયા. એ મનોમન મુસ્કરાતી હતી. એણે હળવે રહીને પોતાના લાંબા વાળ જમણી બાજુ પાથર્યા અને બારીમાંથી આવતા પવનને માણવા લાગી. આંખોની પાછળ લપાઈને બેઠેલી ઊંઘને એક જોરદાર આક્રમણ કરવાની તક મળી ગઈ.

દસેક મિનિટ પછી ઉદય નાહીને આવ્યો અને એણે મનીષાને ઊંઘતી જોઈ તો પહેલાં તો એને લાગ્યું કે મનીષા કદાચ ઢોંગ કરે છે. આથી એ થોડીવાર તો બેઠો. પરંતુ એને હળવેથી મનીષાનાં નસકોરાં બોલતાં સંભળાયા એટલે એ મનીષાની એકદમ નજીક આવીને એને જોવા લાગ્યો. લગભગ પારદર્શક જ કહી શકાય એવા અર્ધપારદર્શક ગુલાબી ગાઉનમાંથી દેખાતી આરસની પ્રતિમા જેવા મનીષાના દેહને એ જોઈ રહ્યો. એના મન અને શરીરમાં કોઈક ન સમજાય એવી લાગણી થઈ રહી હતી. એક ક્ષણે તો મનીષા પર પડતું નાંખવાની એને ઈચ્છા થઈ આવી. પરંતુ પછી કોઈક અગમ્ય કારણસર એ મનીષા પાસે બેસી ગયો. એના વાળ બે હાથમાં લઈને સૂંઘવા લાગ્યો. એ સુગંધમાં પણ અનોખી માદકતા અનુભવાતી હતી.

એના મનમાં મનીષાને જગાડવી કે નહિ એ વિષે અવઢવ ચાલતી હતી. એક મન કહેતું હતું કે આજની રાત તો મનીષાને ન જ સૂઈ જવા દેવાય. અને એથી જગાડવી જ જોઈએ. બીજું મન કહેતું હતું કે આવી સરસ ઊંઘમાંથી કોઈને પણ જગાડવું એ તો તદ્દન ખોટું કહેવાય. છતાં ઉદયે મનના આ સંઘર્ષમાંથી માર્ગ કાઢ્યો અને મનીષાના હોઠ પર હળવેથી એક ચુંબન કર્યું. મનીષા સહેજ પણ સળવળી નહિ. એણે ફરી વાર પોતાના હોઠ ચાંપી દીધા. મનીષા સહેજ સળવળી, પરંતુ સ્વપ્ન જોતી હોય એમ એણે આંખો ન ખોલી. માત્ર એના હોઠ પર સંતોષનો એક અનોખો ઓડકાર ઊપસી આવ્યો.

ઉદયે એક ઊંડો શ્વાસ લીધો અને હળવે રહીને ઊભો થયો. ડીમ લાઈટ ચાલુ કરીને ટ્યૂબ લાઈટ બંધ કરી. એની બાજુમાં તકિયો ભીંતે અડાડીને બેઠો. મનીષાના વાળ હાથમાં લઈને સૂંઘતો રહ્યો. એ વાળની માદક સુગંધમાં હવાની માદકતા ભળતી જતી હતી અને એમાં ક્યારે ઉદયની પાંપણો અને આંખોની પાછળ લપાઈને બેઠેલી ઊંઘ ઉપર ઊપસી આવી એની એને પણ ખબર પડી નહિ.

સવારે ચાર વાગ્યે અચાનક એ જાગી ગયો. એને એવું સપનું આવ્યું કે એક ખુલ્લા મેદાનમાં એ અને મનીષા બંને પકડદાવ રમતાં હતાં. મનીષા સામે જ ઊભી રહીને એને ડિંગો બતાવતી હતી, છતાં ઉદય એને પકડી શકતો નહોતો. ચારે બાજુ ક્રિકેટના મેદાનમાં હોય છે એવી ભીડ હતી. એ ભીડમાં એને લગ્નમાં જે લોકો હાજર હતા એ દેખાયા. એ બધા જ લોકો તાળીઓ પાડતાં હતાં.

ઉદયે મનીષા સામું જોયું. હજુ એના વાળ ઉદયના હાથમાં જ હતા. એને તરત સમજાયું કે આ એક સ્વપ્ન હતું. પરંતુ આવું સ્વપ્ન કેમ આવ્યું એ એને સમજાયું નહિ. એ ધીમે રહીને સરક્યો અને મનીષાની બાજુમાં સૂઈ ગયો. એણે એક હાથ મનીષાની કમરમાં નાંખ્યો. હવે એની ઊંઘ ઊડી ગઈ હતી અને એના શ્વાસ પણ ઝડપથી ચાલતા હોય એવું લાગતું હતું. એણે મનીષાની કમર પર હાથ વડે દબાણ આપ્યું તો મનીષાએ ઊંઘમાં જ એનો હાથ હટાવ્યો. ઉદયે સહેજ વાર રહીને ફરી પાછો હાથ એની કમર પર મૂકી દીધો. આ વખતે એ મનીષાને જગાડવા ઉત્સુક હતો. એનો હાથ ધીમે ફરવા લાગ્યો. હાથ ઉપર ગયો અને મનીષાનાં સ્તન પર આવ્યો ત્યારે ઉદયે સહેજ જોર કરીને દબાણ આપ્યું. મનીષાએ એનો હાથ પોતાના હાથ વડે દબાવી દીધો હતો.

મનીષા જાગી ગઈ હોય અને ઊંઘવાનો ડોળ કરી રહી હોય એવું ઉદયને લાગ્યું. એથી એને ઊંઘવાના ઢોંગમાંથી બહાર લાવવાના પ્રયાસો એણે શરૂ કર્યા. એણે પોતાનો હાથ ખેંચીને હાથને મનીષાના આખા શરીરની સફર કરાવી. થોડીવારમાં જ મનીષાએ ઊંઘનો ઢોંગ છોડી દીધો. અને સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં આવી ગઈ. એનું મન તો પૂરેપૂરું ઉદયને સમર્પિત હતું જ. હવે ઉદય સ્પષ્ટ માગણી કરે એની જ એ રાહ જોતી હતી અને પછી તન પણ પૂરેપૂરું સમર્પિત કરી દેવા તત્પર હતી.

આમ ને આમ લગભગ અડધો કલાક જેવો સમય વીતી ગયો. પરંતુ ઉદય જયાં હતો ત્યાં જ ઊભો રહી ગયો હોય એમ લાગતું હતું. મનીષાએ જોયું તો ડીમ લાઈટના તદ્દન ઝાંખા અજવાળામાં પણ એને એ વાતનો અહેસાસ થયો કે ઉદય જાણે કોઈક તુમુલ સંઘર્ષ ખેલી રહ્યો હતો. થોડીવાર રાહ જોયા પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડયો ત્યારે મનીષાએ સંકોચ મૂકીને થોડી પહેલ કરી. એણે ઉદયને બાથમાં લીધો અને ચુંબનોથી નવડાવી દીધો. એને લાગ્યું કે ઉદયમાં પણ આ પળે જે ઉત્તેજના હોવી જોઈએ અને સાગરનાં મોજાં જેમ ઉછાળા મારતાં હતાં એમ એની અંદર તોફાન મચી જવું જોઈએ એનો અભાવ હતો. છતાં મનીષાએ પ્રયાસ છોડ્યો નહિ. ઉદય એને વળગી પડયો. મનીષાએ જોયું કે એના શ્વાસ થોડા ઝડપથી ચાલતા હતા. મનીષાએ ખૂબ ધીમાં અવાજે પૂછયું, “પાણી પીવું છે?”

“ના... હા... લાવ!” ઉદય માત્ર આટલું જ બોલ્યો.

મનીષાએ સૂતાં સૂતાં જ સહેજ ઊંચા થઈને પાસેના ટેબલ પર પડેલા જગમાંથી ગ્લાસમાં પાણી કાઢવું અને ઉદયને આપ્યું. ઉદયે અડધા બેઠા થઈને પાણી પીધું અને ગ્લાસ પાછો આપી દીધો.

મનીષા પાછી આવીને એને વળગીને સૂઈ ગઈ. ઘણી વાર સુધી એણે રાહ જોઈ કે ઉદય આક્રમણ કરે. પરંતુ ઉદય તો આક્રમણ કરવાને બદલે યુદ્ધવિરામ કરી રહ્યો હોય એવું લાગતું હતું. મનીષા વિચારતી રહી અને કઈ પળે પાછી આંખ લાગી ગઈ એ જ એને ખબર ન પડી.

સવારે ઊઠી ત્યારે લગભગ સાત વાગી ગયા હતા. એણે જોયું તો ઉદય બાજુમાં નહોતો. એણે ચારે બાજુ નજર ફેરવી. બાથરૂમનું બારણું બંધ હતું. એથી એણે ધાર્યું કે કદાચ બાથરૂમમાં હશે. એણે બારીમાંથી જોયું તો સમુદ્ર સ્પષ્ટ દેખાતો હતો. જૂહુ બીચ પર એ ઘણી વાર ગઈ હતી અને સાન્તાક્રૂઝનો દરિયો પણ એણે ઘણીવાર જોયો હતો. પરંતુ આજે આ દરિયો કંઈક જુદો જ લાગતો હતો.

અચાનક એની નજર પડી ત્યારે એને ખ્યાલ આવ્યો કે રૂમના બારણાની સ્ટોપર ખુલ્લી હતી અને બારણું ખાલી બંધ હતું. એણે ચાદરને દુપટ્ટાની જેમ ઓઢી અને બારણું ખોલ્યું તો વરંડામાં ખુરશી નાખીને એણે ઉદયને બેઠેલો જોયો. એ તરત બહાર આવી અને આજુબાજુ કોઈ જુએ છે કે નહિ એની પરવા કર્યા વિના ઉદયના ગળામાં હાથ નાખીને એના ગાલ પર એક ચુંબન ચોડી દીધું. રાતની ગડમથલને હજુય એ આનંદથી જ માણી રહી હતી. પરંતુ ઉદયના મનમાં હતાશા અને વિષાદનો ઝંઝાવાત ચાલી રહ્યો હતો એ તરફ હજુય મનીષાનું ધ્યાન ગયું નહોતું.