સવારથી કૉલેજ જવા માટે અનૈશા ઘરેથી નીકળી હતી સાંજ પડી ગઈ પરંતુ હજી સુધી ઘરે પરત ફરી ન હતી.
મમ્મી-પપ્પા બધેજ તપાસ કરી ચૂક્યા હતા, તેનાં બધાજ ફ્રેન્ડ્સના ઘરે તેમજ કૉલેજમાં પણ પૂછપરછ કરી પરંતુ આજે સવારથી તે કૉલેજ તો ગઈ જ ન હતી.
હવે ચિંતાનો વિષય તે હતો કે તે કૉલેજ ગઈ જ ન હતી તો ક્યાં ગઈ હતી..?? હવે મમ્મી-પપ્પાને વધુ રાહ જોવી યોગ્ય ન લાગી તેથી તેમણે પોલીસ કમ્પલેઈન કરી દીધી હતી.
પોલીસે તપાસ ચાલુ કરી દીધી હતી.
બધીજ બાજુ શોધખોળ ચાલી રહી હતી પણ અનૈશાનો કોઈ પત્તો લાગતો ન હતો.
અનૈશા ગઈ તો ગઈ ક્યાં..?? તે પ્રશ્ન સૌને સતાવતો હતો. મમ્મીએ તો ખાવા-પીવાનું જ છોડી દીધું હતું. અને પપ્પાની પણ રાતની ઊંઘ ઉડી ગઈ હતી. ઘરમાં એકદમ સોપો પડી ગયો હતો.
અનૈશાને તેનાથી નાનો એક ભાઈ પણ હતો, શિવાય. તે પણ અનૈશાના આમ અચાનક ગાયબ થવાથી વિમાસણમાં મુકાઇ ગયો હતો. તેને કુતરું પાળવાનો ગજબનો શોખ હતો તેણે એક ઈન્ડિયન કુતરું પાળ્યું હતું. તેનું નામ 'રાજા' હતું. અનૈશાના ગાયબ થવાથી રાજા પણ બેચેન બની ગયું હતું અને તેણે પણ બે દિવસથી ખાવા-પીવાનું છોડી દીધું હતું અને સૂનમૂન ફર્યા કરતું હતું.
અચાનક શિવાયને એક વિચાર આવ્યો કે કુતરાની ગંધ પારખવાની શક્તિ ખૂબજ તીવ્ર હોય છે તેને એક વખત કોઈ પણ વસ્તુ સુંઘાડવામાં આવે તો તે બીજી વખત તે સુગંધને તરત જ પારખી જાય છે.
તેણે પોતાના રાજુને અનૈશા અચાનક ગાયબ થઈ ગઈ છે તે બધીજ વાત પ્રેમથી સમજાવી અને તેને અનૈશાનો ડ્રેસ સુંઘાડીને અનૈશાને શોધી કાઢવા માટે સમજાવ્યો.
પછી તો પૂરી થઈ ગઈ વાત... આગળ રાજા અને પાછળ શિવાય, ચારેય દિશામાં શોધ ચાલુ કરી દીધી હતી.
એક આખો દિવસ રખડ્યા પછી સાંજે એક જૂના ખંડેરની અંદર કુતરું રાજા શિવાયને લઈ ગયું. અને ત્યાં ને ત્યાં જ ફરીને તે અટકી જતું હતું અને તે જ જગ્યા સુંઘ સુંઘ કરતું હતું અને તેવું નિર્દેશ કરવા માંગતું હતું કે અનૈશા અહીં આટલામાં જ ક્યાંક છે.
પણ મળી રહી ન હતી. શિવાયે આ વાત પોલીસને જણાવી. પોલીસે તે જગ્યાની આસપાસ સાદા ડ્રેસમાં પહેરો ભરવાનો ચાલુ કર્યો. બે દિવસ અને બે રાત તે જગ્યાએ પહેરો ભરવા છતાં પણ અનૈશાની કંઈ જ ભાળ મળતી ન હતી કે આ જગ્યા પાસે કોઈ વ્યક્તિની અવર-જવર પણ જોવા મળતી ન હતી.
હવે શું કરવું..?? અનૈશાને ક્યાં શોધવી..?? તે પ્રશ્ન હતો. તે જીવીત પણ છે કે કોઈએ તેનું ખૂન કરી નાંખ્યું છે..?? આવા ગંભીર પ્રશ્નો પોલીસની સામે ઉભા હતા. અને આ બાજુ તેના મમ્મી-પપ્પાની હાલત વધારે બગડતી જતી હતી.
શિવાય પોતાના રાજાને અનૈશાને શોધવા માટે ખૂબજ સમજાવી રહ્યો હતો અને તેની આંખમાંથી આંસુ વહ્યે જતાં હતાં. રાજા પણ તેની લાગણી સમજતો હતો પણ મજબુર હતો.
પણ આજે શિવાયને જપ થાય તેમ ન હતો તે ફરીથી રાજાને પેલા જૂના ખંડેરની અંદર લઈ ગયો અને તેને ત્યાંથી અનૈશાની ભાળ મેળવવા સમજાવ્યો.
રાજા ફરીથી ખંડેરમાં એક જગ્યાએ આવીને સ્થિર થઈ ગયો. તે જગ્યાએ થોડું ઉબડખાબડ હતું. શિવાયે પોલીસને બોલાવી આ જગ્યા ઉપર તોડફોડ કરવા માટે જણાવ્યું. તોડફોડ શરૂ કરી દેવામાં આવી અંદર એક ઉંડુ ભોંયરું દેખાયું, પોલીસ પોતાની ટીમ સાથે અને શિવાય પોતાના રાજાને લઈને નીચે ઉતર્યા.
નીચે ઉતરીને જોયું તો અનૈશા બેભાન હાલતમાં એક ખુરશી સાથે બાંધેલી નજરે પડી. અનૈશાને જીવીત જોઈને શિવાયના જીવમાં જીવ આવ્યો.
સૌ પ્રથમ અનૈશાને ભાનમાં લાવવામાં આવી ત્યારબાદ શિવાયે અનૈશાનું દોરડું છોડી તેને છૂટી કરી, અનૈશા ખૂબજ ગભરાઈ ગઈ હતી તે શિવાયને ભેટી પડી અને રડવા લાગી.પોલીસે બંનેને શાંત પાડ્યા અને બધી જ પૂછપરછ ચાલુ કરી.
અનૈશાના કહેવા પ્રમાણે, ત્યાં ચાર જણ હાજર હતાં પરંતુ તોડફોડનો અવાજ સાંભળીને ત્યાંથી ભાગી છુટ્યા હશે. એ ભોંયરાનો રસ્તો બીજી બાજુ પણ નીકળતો હતો જ્યાંથી અનૈશાને ભોંયરામાં ઉતરવામાં આવી હતી. આ બધું જ કૃત્ય રૂદ્ર નામના છોકરાનું હતું તે અનૈશા સાથે બળજબરીથી બોલવા માંગતો હતો અને લગ્ન કરવા માંગતો હતો પણ અનૈશા તેનો ધરાર ઇન્કાર કરતી રહી, રૂદ્રએ અનૈશાને ધમકી પણ આપી હતી કે, તું મારું કહેવું નહિ માને તો હું તને ઉપાડી જઈશ. "
અનૈશાને ખબર ન હતી કે રૂદ્ર ખરેખર તેની સાથે આવું ખરાબ વર્તન કરી શકે છે..!! તેથી તેણે રૂદ્રની વાત ધ્યાનમાં લીધી ન હતી કે કોઈને જણાવી પણ ન હતી.
અનૈશા બચી ગઈ હતી કે રૂદ્રએ તેની સાથે કંઈજ અજુગતું કાર્ય કર્યું ન હતું. પોલીસે રૂદ્રને તેમજ તેના સાથી મિત્રોને શોધીને જેલભેગા કરી દીધાં હતાં અને અનૈશા પોતાના ભાઈથી પણ વિશેષ જેણે ભૂમિકા બજાવી તેવા અબોલ પશુ રાજાને ભેટી પડી હતી જેને કારણે તે પોતાના ફેમિલી પાસે પાછી ફરી શકી હતી.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/3/2021