અર્જુનને ટ્રેનની આરામદાયક, શાંત મુસાફરી ખૂબજ ગમતી હતી પરંતુ આજે તે થોડો અવઢવમાં હતો કે ટ્રેનમાં મુસાફરી કરવાની છે તો પોતાની પત્ની સુમીરાને સાથે લઈ જવી કે ન લઈ જવી..!!
પણ અહીં પોતે જ્યાં રહેતો હતો ત્યાં પણ તેને એકલી મૂકીને જઈ શકાય તેમ ન હતું. તેથી તેણે સુમીરાને પોતાની સાથે લઈને જ જવાનું વધુ પસંદ કર્યું.
અર્જુનને બરોડામાં નોકરી મળી હતી તેથી તે પોતાની પત્ની સાથે બરોડામાં જ રહેતો હતો. તેના લગ્ન થયે બે વર્ષ થયાં હતાં. પત્ની સુમીરાને અત્યારે સારા દિવસો ચાલી રહ્યા હતાં અને નવમો મહિનો બેસી ગયો હતો. તેથી અર્જુનને તેની તબિયતની ચિંતા સતાવતી હતી.
માતા-પિતા શહેરથી ચારસો કિલોમીટર દૂર ગામડે રહેતાં હતાં. ત્યાં થોડી ખેતીવાડી હતી તેમજ શાંતિનું જીવન હતું તેથી તેમને ત્યાં જ રહેવું વધારે પસંદ હતું, અર્જુન પોતાના માતા-પિતાનો એકનો એક દિકરો હતો.
અર્જુનના પિતાની અચાનક તબિયત બગડતાં તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા અને ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે તેમની તબિયત ગંભીર હતી. તેથી અર્જુન પોતાની પત્ની સુમીરાને લઈને પોતાના ગામડે જવા નીકળી ગયો હતો.
અડધો રસ્તો કપાઈ ચૂક્યો હતો. રાત પડી ગઈ હતી. હજી અર્જુનનું સ્ટેશન આવવાને થોડી વાર હતી.
અને અચાનક અર્જુન અને સુમીરા બેઠાં હતાં તે ટ્રેન સામેથી આવતી બીજી એક ટ્રેન સાથે એક ગજબના ધમાકેદાર અવાજ સાથે અથડાઈ પડી.
આખીયે ટ્રેન ઉંધી પડી ગઈ હતી. રોકકળ અને ચીસાચીસ થઈ ગઈ. કોણ કોને બચાવે..?? કે કોણ કોની મદદ કરે તે પ્રશ્ન હતો..?? કેટલાય માણસો ટ્રેનની નીચે દટાઈ ગયા હતા.
અર્જુન અને સુમીરા પણ અલગ અલગ દિશામાં ફેંકાઇ ગયા હતા. શું કરવું..?? ક્યાં જવું..?? કંઈજ ખબર પડતી ન હતી.
લગભગ ત્રણેક કલાક પછી સુમીરા ભાનમાં આવી. સૌથી પહેલાં તો તેણે પોતાની ઉપર પડેલો ટ્રેનનો કાટમાળ ખસેડવાની કોશિશ કરી. પરોઢિયાનો સમય થઈ ગયો હતો થોડું થોડું અજવાળું થયું હતું. પછી તેણે પોતાની જાતને જોવાની શરૂ કરી કે તેને કઈ જગ્યાએ અને કેટલી ઈજા પહોંચી છે..??
તેને આખાયે શરીર ઉપર છોલાઈ ગયું હતું અને એક બે જગ્યાએથી તો લોહી પણ વહી રહ્યું હતું. તેને થોડા ચક્કર પણ આવતાં હતાં પરંતુ હિંમત કરીને તેણે પોતાની જગ્યાએથી ઉભા થવાની કોશિશ કરી.
હિંમતપૂર્વક ઉભા થયા પછી તેણે આજુબાજુ નજર કરી તો તેને ક્યાંય પોતાનો પતિ અર્જુન દેખાયો નહીં. તેથી તે ખૂબજ નિરાશ થઈ હવે આ પરિસ્થિતિમાં પોતાના પતિને ક્યાં શોધવો તે તેને માટે એક પ્રશ્ન હતો...
તેની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી. શું કરવું..?? ક્યાં જવું..?? તે પ્રશ્ન હતો. એકાદ કલાક સુધી તેણે પોતાના પતિ અર્જુનને શોધવાની ખૂબજ કોશિશ કરી પરંતુ અર્જુન તેને ક્યાંય મળ્યો નહીં.
સુમીરાની તબિયત વધારે બગડતી જતી હતી તેને હવે વધારે ચક્કર આવતાં હતાં અને વાગ્યું હતું ત્યાં પીડા પણ ખૂબજ થઈ રહી હતી. તેને પાણીની પણ સખત તરસ લાગી હતી.
અચાનક તેને ક્યાંકથી પાણીનો ધીમો અવાજ સંભળાયો તે પાણી પીવાની ઈચ્છાથી તે દિશામાં આગળ વધી. ત્યાં જઈને તેણે જોયું તો પાણીનું એક સુંદર ઝરણું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તેણે તે પાણીથી સૌ પ્રથમ પોતાના હાથ-પગ ધોયા અને ત્યારબાદ પાણી પીધું.
પછી તેને વિચાર આવ્યો કે આ પાણીનાં ઝરણાંના કિનારે કિનારે હું ચાલીશ તો ચોક્કસ મને કોઈ ગામ કે કોઈ માનવ વસાહત મળી આવશે.
સુમીરાના આખાયે શરીરે ખૂબજ પીડા થતી હતી પણ તે ત્યાં સુનકાર જગ્યામાં રોકાવા પણ નહતી માંગતી તેથી તેણે ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું.
એકાદ કલાક ચાલ્યા પછી તેને માનવ વસાહત નજરે પડી. તે ત્યાં ગઈ તો અજાણી, આખાયે શરીરે હાનિ પામેલી તેને જોઈને એક વૃદ્ધ સ્ત્રી આગળ આવી અને તેણે સુમીરાને થોડી પૂછપરછ કરી.
પોતાની સાથે વીતેલી બધીજ ઘટનાનું વર્ણન તેણે પેલી સ્ત્રી પાસે કર્યું. સુમીરાએ તેમને પોતાનું નામ જણાવ્યું અને તેમનું પણ નામ પૂછ્યું.
તે ભલી બાઈનું નામ જમના બા હતું.
જમનાએ સુમીરાને પ્રેમપૂર્વક પોતાના ઘરમાં બોલાવી અને તેનાં દવા-દારૂ કર્યા. ત્યારબાદ તેને થોડું જમવાનું પણ આપ્યું અને તેને તેના સાસુ-સસરા પાસે મોકલી આપવાની વ્યવસ્થા પણ કરી આપી.
પોતાના સાસુ-સસરા પાસે આવીને સુમીરા ખૂબ રડી પડી. અચાનક તેને દુખાવો થતાં દવાખાને લઇ જવામાં આવી ત્યાં તેણે અર્જુન જેવા સુંદર દિકરાને જન્મ આપ્યો. પણ દિકરો જન્મ્યાની ખુશી ન તો સુમીરાને હતી ન તો તેના સાસુ-સસરાને...
બીજે દિવસે સવારે અચાનક ઘરનું બારણું ખખડ્યુ, સુમીરાના સાસુએ બારણું ખોલ્યું તો સામે વ્હીલચેરમાં અર્જુન હતો.
સુમીરા તેમજ તેના સાસુ-સસરા ખૂબજ ખુશ થઈ ગયા આજે તેઓ બે બે દિકરાના માતા-પિતા હતાં.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/3/2021