પ્રકરણ - ૭૧
મિસ્ટર આર્યન રૂમમાં પ્રવેશતાં જ શ્વેતાએ એમને બેડ પર બેસવા કહ્યું. એ થોડેક દૂર પણ બિલકુલ એમની સામે બેઠી.
શ્વેતાએ પોતે જ વાતની શરૂઆત કરી. એ બોલી, " કેમ છો? તબિયત તો ઠીક રહે છે?"
"તબિયત તો સારી છે. શું થવાનું હતું? તું કેમ છે? હજુ પણ એવી જ ફીટ એન્ડ ફાઈન છે. તું અને આધ્યા તો બે બહેનો હોય એવું લાગે."
"હમમમ..બિઝનેસ વર્લ્ડમાં તો તમારું નામ ગૂજે છે. પણ હેલ્થ તો પૈસાથી ખરીદી શકાતી નથી એના પર ઉમરની અસર પડે જ ને. "
મિસ્ટર આર્યન બોલ્યા " આ તારી સત્ય એક નિખાલસતાથી કહેવાની આદત પર હંમેશાથી મોહ્યો છું. તને હજુ પણ મારી બધી ખબર છે? તું આટલાં વર્ષો ક્યાં ગાયબ હતી? મેં તને શોધાવવા મથામણ તો ચોક્કસ કરેલી."
"હું જે કહું છું એ કરી બતાવું છું. ક્યારેય મારું વચન તોડતી નથી. મારો કોઈ પણ નિર્ણય ભૂત ભવિષ્ય માટે વિચારણા પછી જ કરેલો હોય છે. અને જે કરી શકું નહીં એ કરતી પણ નથી કે કહેતી પણ નથી. એ તમને ખબર છે. હજુ પણ એવી જ છું. પણ કોણ જાણે મારી દીકરીને હજુ જોઈ જ છે પણ એવું લાગે છે કે એનામાં તમારો કે મારો કોઈ ગુણ આવ્યો હોય એવું નથી લાગતું. નથી મારી જેમ નીડરતા કે તમારા જેવું સાહસ. એક ગભરાહટ એનાં દિલમાં હોય એવું લાગી રહ્યું છે."
મિસ્ટર આર્યન ચુપ રહ્યા. એટલે એ બોલી, " ચાલો હું મારી વાત કહી દઉં... પછી તમારો વારો...લેડીઝ ફર્સ્ટ...! "
આજે પણ શ્વેતાની મરકાટભરી વાત કહેવાની મનમોહક સ્ટાઈલ પર જાણે એ ફરી વાર ફીદા થઈ ગયાં. દિલથી તો એ ક્યારેય શ્વેતાને ભૂલાવી શક્યા જ નથી પણ આજે એ દિલમાં ફરી એકવાર વર્ષોબાદ પોતાની પ્રેમિકાને મળ્યા હોય એવું તોફાન આવી ગયું હોય એવું અનુભવાઈ રહ્યું છે.
"એ સમયે વર્ષો પહેલાં હું મારી દીકરીને તમારી પાસે છોડીને મારાં ઘરે આવી. મારાં ઘરે પણ બધી ખબર હતી. એમણે મને કહ્યું કે હવે આ બધું ભૂલીને કોઈ સારાં છોકરા સાથે લગ્ન કરી લે. પણ હું કદાચ બીજાને પ્રેમ કરી શકું એ મારા માટે શક્ય નહોતું. સાથે જ હવે મારાં માટે કોઈ પોતાનું કહી શકાય એવું કોઈ હતું નહીં. મારાં બે દિલનાં ટુકડાને તો હું ઘણે દૂર છોડીને આવી ગઈ હતી. છતાં પણ આત્મહત્યા કોઈ વસ્તુનુ સોલ્યુશન નથી એ પણ હું દઢતાથી માનનારી માણસ છું. કુદરતે જિંદગીની અમૂલ્ય ભેટ આપી છે એને ચોક્કસ જીવવી જોઈએ. એટલે જ મેં એ મારાં પરિવાર સાથે લગ્ન વિના જીવવા માટે બહું સમજાવટ કરી પણ કદાચ કોઈ અસર થાય એવું ન લાગતાં હું એક દિવસ બોમ્બે છોડીને નીકળી ગઈ.
પુના આવતાં જ મેં એક પીજી શોધ્યું. અને બીજી બાજુ એક જગ્યાએ નોકરી પણ. પણ એ મારો અનુભવ હતો ત્યાં નહીં પણ બીજાં થોડાં અલગ ફિલ્ડમાં. કારણ કે મારાં અનુભવના ક્ષેત્રમાં તે કદાચ એક એક પળે મને તમારી યાદ આવત. જિંદગી જીવવાનું મુશ્કેલ બની જાત. બસ નોકરી સારી હતી. ને પીજીમા રહેતી. ધીમેધીમે મેં થોડી પૈસાની બચત કરીને આ ઘર મેં ભાડા પર લીધેલું. બે ત્રણવાર નોકરી પણ બદલી. બધું જ સારું હતું પણ હું ક્યારેય તને ભૂલાવી ન શકી. ઘણીવાર એવું થતું કે મારી દીકરીને જોઈ આવું...દૂરથી જોઈ લઉં કે કેવડી થઈ છે કે આપણા બંનેમાંથી કોના જેવી લાગે છે. પણ એ બધું કરવામાં જો કોઈને ખબર પડે તો ફરી એક નવી મુસીબત આવત. ફરી હું એ ચક્રવ્યુહમાં રમતી થાત કારણ કે તું લગ્ન માટે માનતા એવો મને કોઈ ભરોસો નહોતો હવે. સાથે જ મેં તને આપેલું વચન... એ તોડતાં ક્યાંક મારી દીકરીની જિંદગી મુશ્કેલીમાં ન મુકાય માટે હું દૂર જ રહી.
ને થોડા વર્ષ બાદ આ બંગલો વેચવાનો છે એવી ખબર પડતાં મેં એ ખરીદી દીધો. સમય જતાં એનું મારી ઈચ્છા પ્રમાણેનું રિનોવેશન કરાવ્યું.
"હમમમ... એ મેં જોયું જેવું તું મારી સાથે બેસીને તારાં સપનાનું ઘર વિચારતી હતી એવું જ..."
"હા... એવું જ પણ એ ઘરમાં કદાચ તું હતો, આપણો હસતો રમતો પરિવાર હતો... આપણાં બંનેનાં સાથે જોયેલા સપનાની દુનિયા હતી પણ જવા દે હવે...એ અફસોસનો હવે કોઈ અર્થ નથી." કહેતાં શ્વેતાએ જે હજુસુધી સાચવીને રાખેલું હિંમત અને એને હવે કોઈ ફેર નથી પડતો હવે એવું એક બનાવેલું કુત્રિમ કવચ ધડાકા સાથે તૂટી ગયું અને એનું એક ડૂસકું નીકળી ગયું. એનાં આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી." શ્વેતાને આર્યન વાત કરતાં તમેમાથી ક્યારે તું પર આવી ગઈ એ પણ એને ધ્યાન ન રહ્યું.
મિસ્ટર આર્યન અજાણતાં જ શ્વેતાની સ્થિતિ જોઈને એની નજીક આવી ગયાં. એમણે શ્વેતાનો હાથ પકડી લીધો. શ્વેતા એક નાના બાળકની જેમ એમનાં ખોળામાં માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આ જોઈને મિસ્ટર આર્યનની આખો પણ ભીજાઈ ગઈ. એ પોતે પણ બહું દુઃખી થયાં. એક બાજુ એમને થઈ રહ્યું છે કે ક્યાંક એમણે આવીને શ્વેતાના માડ માડ સંભાળેલા જીવનને હાલકડોલક તો નથી કરી દીધું ને?
થોડીવાર પછી અચાનક શ્વેતા ઉભી થઈ અને પોતાનાં આસું લૂછતાં બોલી, " સોરી, આર્યન...હું તને જોઈને..."
" કંઈ વાંધો નહીં. તારો હક છે. કદાચ મેં તને મેળવવા દીધો હતો."
" મળ્યો નહીં એટલે હવે તો બીજાં કોઈનો હક લાગી ગયો ને."
" હમમમ.. તો તે મેરેજ નથી કર્યાં એમ ને?"
" ના પણ હું કોઈ સાથે મેરેજ કરી જ કેવી રીતે શકું? હું પ્રેમ કોઈને કરું અને કોઈ સાથે લગ્ન કેવી રીતે શક્ય છે? કદાચ બધા કહે છે સમય સાથે બધું બદલાઈ જાય છે પણ હું એવું ન કરી શકી. થોડાક સમય પછી પરિવારજનોને ફરીવાર મળી એ લોકોએ પણ મને સમજાવી પણ હું મારી જાતને મનાવી ન શકી."
" તો સલોની?"
" એ મારી એક કલીગ અને મારી ખાસ ફ્રેન્ડ હતી જેના હસબન્ડનુ એક એક્સિડન્ટમાં નાની ઉંમરમાં મૃત્યુ થયું હતું. એ પછી થોડાં સમય પછી મારી એ કલીગનુ હાર્ટએટેકથી મૃત્યુ થયું. સલોની એનું સિંગલ ચાઈલ્ડ હતું. એનાં પરિવારજનોમાં કોઈ કદાચ એને અપનાવવા એવું તૈયાર નહોતું. કદાચ દીકરી હોવાને કારણે...એ સમયે એની ઉમર માત્ર છે વર્ષની જ હતી. બસ હું એને મારી સાથે લઈ આવી છું. હવે એ મારી જવાબદારી છે. બહું ડાહી દીકરી છે."
" હમમમ...તું બીજાની દીકરીને પોતાની દીકરી બનાવીને એક નવી જિંદગી આપી શકી અને હું સગો બાપ થઈને..." કહેતાં જ મિસ્ટર આર્યન રડી પડ્યાં.
" શું થયું આર્યન?"
"હું તને આપેલું વચન નીભાવી નથી શક્યો. એ માટે તું કે કુદરત કોઈ મને માફ નહીં કરી શકે."
" કેમ આધ્યા તો તારી સાથે જ છે ને? તો પછી..."
"ફક્ત ગઈકાલથી... હું આજે એક હકીકત કહીને મારું દિલ ખાલી કરવા માગું છું...પછી તું મને અહીં જ ગોળીથી વીંધી દઈશ તો પણ એક શબ્દ નહીં કહું તને." કહીને આધ્યાની બધી જ વાત કરી.
શ્વેતાની આખો બધું સાંભળી રહી છે. એની આંખોમાં આંસુ પણ છે પણ કદાચ આ બધું સાંભળીને એને નવાઈ ન લાગી હોય એમ એ બેસી રહી છે.
આર્યન બધી વાત પતાવીને આંખોમાં એક નવાઈના ભાવ સાથે બોલ્યાં, " શ્વેતા કેમ આમ પુતળાની માફક ભાવવિહીન બનીને બેસી ગઈ છે. કંઈ તો બોલ? હવે તારે મને જે કરવું હોય તે કરી શકે છે." કહીને એક સ્થિર નજરે જોઈ રહેલી શ્વેતાને મિસ્ટર આર્યને હચમચાવી દીધી.
જાણે શ્વેતા કોઈ તંદ્રામાંથી બહાર આવી હોય એમ એ બોલી, " હા પણ હવે શું? ભૂતકાળને કોઈ બદલી શક્યું છે કોઈ? આર્યન જે થવાનું હતું એ બધું જ બની ગયું. એ નથી તારાં રૂપિયાથી કંઈ બદલાઈ શકવાનું કે ન મારા સ્વાભિમાનથી. હવે બસ એનું ભવિષ્ય બદલવાનું છે."
"પણ તને મા તરીકે એક ઝાટકો કેમ ન લાગ્યો? મારી અપેક્ષા કંઈ વધારે ભયંકર હતી."
"કારણ કે મને બધી જ ખબર પડી ગઈ હતી થોડા દિવસ પહેલાં જ." શ્વેતા એક મક્કમતાથી બોલી.
" કેવી રીતે?"
" કર્તવ્ય દ્વારા..."
"હા... મને લાગ્યું જ પણ એ ખબર નહીં એક અલગ પ્રકારનો જ છોકરો છે. હું આટલાં વર્ષોમાં તને શોધી ન શક્યો એ તને શોધી આવ્યો..."
"હમમમ... છે તો ગજબ છોકરો જ...પણ કદાચ તને મળીને જ એ મને મળી શક્યો...કંઈ નહીં જે થયું એ બધાં માટે હવે કોઈ ઉપાય નથી. તો ચાલો હવે બહાર જઈએ બધાં રાહ જોતાં હશે..." કહીને શ્વેતા ઉભી થઈ ગઈ...!
આધ્યાએ મિસ્ટર આર્યનને આટલું જલ્દીથી માફ કરી દીધાં? હવે શ્વેતાનો નિર્ણય શું હશે? આધ્યા અને કર્તવ્યના સંબંધનું શું થશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૭૨