Ascent Descent - 10 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 10

પ્રકરણ - ૧૦

સોના, નેન્સી અને અકીલા ત્રણેયે અંદર પહોંચીને જોયું તો રૂમમાં રહેલું થોડું ઈન્ટિરીયર જે કોઈને પણ મોહિત કરી શકે વળી, એનાં માટે શકીરાએ કદાચ સારાં એવાં પૈસા પણ ખર્ચ્યા છે એમાં તોડફોડ થયેલી છે, ત્યાં રહેલાં બે ફ્લાવર પોટ તૂટેલા પડ્યાં છે. આ બધું કંઈ સમજાયું નહીં. આવું તો કોઈ ગુસ્સામાં કરી શકે પણ શકીરા થોડી પોતાની જ વસ્તુનું નુકસાન કરે? તો પછી પેલાં પુરૂષે... કંઈ સમજાતું નથી, હવે તો શું બન્યું એ શકીરા કહે તો જ ખબર પડે. સોના ધીમેથી શકીરાની પાસે ગઈ કારણ કે આ રીતે એની પાસે જવું બહું હિંમતનું કામ છે.

સોનાએ એનાં અર્ધનગ્ન જેવાં કપડાં સરખાં કર્યાં એ દરમિયાન એમણે જોયું કે શકીરાનાં શરીર પર એવું કંઈ વિચિત્ર કે પછી કોઈ ચિંતાજનક વસ્તુ દેખાયું નહીં. ત્રણેય એકબીજાંની સામે જોઈ રહ્યાં કે શું કરવું? શકીરાનું શું કરવું એનો નિર્ણય કોણ કરી શકે? એને હોસ્પિટલ લઈ જવી? બધાંને જાણ કરવી? કે પછી એને ભાનમાં લાવવા પ્રયત્ન કરવો કારણ કે એ એક જ વ્યક્તિ જે બધું ચલાવે છે. શકીરા હાઉસમાં તો ફક્ત એ જ બધું સંભાળે છે એ જ સેક્રેટરી ને એજ એકાઉન્ટન્ટ, એ જ સર્વસ્વ. એનાં આગળ પાછળ કોઈ છે કે નહીં એ પણ કોઈને ક્યાં જાણ છે?

નેન્સીએ ઈશારામાં બધાંને રૂમની બહાર આવવાં કહ્યું. બહાર આવતાં જ એ ધીમેથી બોલી, " મને એમ થાય છે કે અંદર કંઈ પણ બોલવું ઠીક નથી. બની શકે કે એ જાગતી હોય કે ભાનમાં પણ હોય. એક સમય વીંછી પર વિશ્વાસ કરી શકાય પણ શકીરા પર નહીં...!"

"પણ હાલની સ્થિતિ પરથી એવું કંઈ લાગતું નથી. છતાં પણ માનવતાનાં નાતે એને આ રીતે મૂકવી ન જોઈએ. ભલે આધ્યા માટે એને માનવ તરીકે વિચાર્યું નહીં પણ આપણે માનવતા ભૂલીશુ તો આપણામાં અને એનામાં શું ફરક પડશે?"

અકીલાને ગુજરાતી સમજ તો પડે છે એટલે વાતચીતમાં સમજ તો પડી પણ બોલતાં ન આવડતું હોવાથી એ બોલી, " મેમ ઠીક બોલ રહી હે." પછી ત્રણેય કંઈ નક્કી કરીને રૂમમાં ગયાં. શકીરાનાં ચહેરાં પર પાણી છાંટ્યું. એને જગાડવાનો પ્રયાસ કર્યો. એટલીવારમાં આધ્યા પણ આ લોકો પાછાં ન જતાં નીચે આવી. એણે આ ત્રણેયને આ રૂમમાં જોતાં એ પણ આવી ગઈ.

 

થોડીવાર પછી શકીરાએ આંખો ખોલી. એની આંખો બહું લાલચોળ દેખાઈ રહી છે. આંખો પર ભાર વર્તાઈ રહ્યો છે. એણે જોયું તો બધાં સામે ઉભેલાં દેખાયાં. એને આજુબાજુ નજર કરી. બધું રૂમનું આજુબાજુ અસ્તવ્યસ્ત પડેલું દેખાયું. એને કદાચ બધાંની સામે આ બધું તોડફોડ થયેલી દેખાઈ એ ઠીક ન લાગ્યું હોય. એવું લાગ્યું કે જાણે એનું કંઈ રહસ્ય પકડાઈ ગયું હોય. એટલે એ ફટાફટ બેડ પરથી ઉભી થઈ જાણે કંઈ જ બન્યું ન હોય. હજું પણ એનો રોફ એવો જ દેખાયો.

આધ્યાએ રૂમમાં આજુબાજુ જોયાં પછી બોલી," માઈ, ક્યા હુઆ? તેરી એસી હાલત? ઠીક તો હે ના તું?"

એ સાથે જ જાણે શકીરાની નજર પારખી ગઈ હોય એમ સોના આધ્યા સામે મોઢું મચકાડતા આધ્યા જોડેથી સરકીને શકીરાની પાસે આવી ગઈ.

શકીરા આ જોઈને મનોમન ખુશ થઈ એવું સ્પષ્ટ દેખાયું. સોના પછી મસ્કો મારતાં બોલી, " આપ ઠીક તો હે ના? પતા નહીં કિસકી બૂરી નજર લગ ગઈ. "

બધાંનાં મનમાં સવાલ તો છે કે શું બન્યું પણ કોણ પૂછે શકીરાને? શકીરા કદાચ કોઈનો સીધો આવતો સવાલ રોકવા માટે બોલી, " ઠીક હું. પતા નહીં વો આદમી કો તો સમજા દિયા તો વો તુરન્ત ચલા ભી ગયા પર ફિર મેરી આંખ લગ ગઈ. "

શકીરા એવી રીતે બોલી કે જાણે કોઈને ખબર જ ન પડતી હોય. બાકી બધાંને ખબર તો પડી જ ગઈ કે એ વ્યક્તિ તો હમણાં થોડીવાર પહેલાં જ નીકળ્યો છે મતલબ શકીરા જુઠ્ઠું બોલી રહી છે. પણ કોઈએ કશું પૂછ્યું નહીં. શકીરા બધાંને અવગણીને તરત જ ઉભી થઈને ચાલવા માંડી. બધાં એ થોડી લથડાતી જઈ રહેલી શકીરાને જોઈ રહ્યાં છે ત્યાં જ શકીરા એકદમ ઝાટકા સાથે પાછી ફરી અને બોલી, " પર તુમ લોગ યહાં પે સાથ મેં ક્યા કર રહે થે?"

સોના બાજી સંભાળતાં બોલી, " મેમ વો તો ઉપર કુલર બંધ થા ઓર મુજે તરસ લગી થી ઓર મેરી આજ કી અપોઈન્ટમેન્ટ ખતમ હો ગઈ થી તો પાની ભરને કે લિયે નીચે

આઈ તો યે દરવાજા ખુલા થા આપકો એસે બેડ પર લેટે હુએ દેખા તો ગભરા ગઈ સબકો બુલા લાઈ. સોરી પર મુજે પત્તા નહીં થા કી આપ એસે હી સોયે થે. સોરી મેમ..."

શકીરા જાણે બધાં એની ઉટપટાંગ વાત માની ગયાં હોય અને પોતાની જીત થઈ હોય એમ" ઠીક હે અબ જાઓ સબ..." કહેતાં જ એ ફટાફટ ત્યાંથી નીકળી ગઈ.

આધ્યાએ કહ્યું, " મારી હજું એક અપોઈન્ટમેન્ટ છે પણ કોઈ આવ્યું નથી."

સોના: " એણે સામેથી કંઈ કહ્યું નથી જવાં દે. પણ આજકાલ કંઈ શકીરાનાં મનમાં રંધાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જાણવું તો પડશે જ."

બધાં ફટાફટ ધ્યાન રાખતાં ઉપર જતાં રહ્યાં....!

**********

કર્તવ્ય સવાર સવારમાં ઉઠીને પોતાની ઓફિસ પહોંચી ગયો. ફટાફટ કોફી પીને એણે લેપટોપ નીકાળીને ઓફિસનું કામ પતાવી દીધું. એનું મન બહું વિચારોમાં ભમી રહ્યું છે. પછી એણે તરત જ એક ફોન લગાડ્યો અને બોલ્યો, " અંકલજી શું થયું? કામ થયું કે નહીં?"

સામેથી એક પડછંદ અવાજ આવ્યો, " અરે કામ તો શું? બરાબર એની તો હોશિયારી નીકાળી દીધી. પણ એને માથે કોઈ મોટી વ્યક્તિનો સાથ હોય એવું લાગે છે."

કર્તવ્ય : " તો એણે કંઈ કહ્યું નહીં તમને? "

"બહું ચાલાક છે‌. હજું ફરીવાર મળવું પડશે. મોંઢું ખોલે એમ નથી. કેટલાંય લોકોની જિંદગી ખરાબ થઈ રહી છે એનાં કારણે..પણ મને આજે માનવીય રીતે લોકોની મજબૂરી આજે પ્રત્યક્ષ રીતે જોવા મળી."

કર્તવ્ય : " અશક્ય કામને શક્ય બનાવવાનું છે. તમને ખબર છે એક મોટાં સેન્ટર પર આજે રેડ પડાઈ છે અને લગભગ ચાલીસેક છોકરીઓને મુક્ત પણ કરવામાં આવી છે. એની માલિક પર પણ બહું જલ્દીથી કાર્યવાહી કરવાની હાથ ધરાઈ છે."

"ઓહ ગુડ ન્યુઝ. મતલબ હું તો આ પ્લાન માટે ફક્ત કામ કરું છું. જો કે એ બધામાં મને બહું ફેર નથી પડતો પણ જે થયું એ સારું થયું. મને તો આ કામમાં બહું રસ નથી ફક્ત તમારી સાથે વાત કરવાથી મને લાગ્યું કે ખરેખર તમારું મિશન ઉમદા છે એટલે જ હું આ માટે સાથ આપી રહ્યો છું બાકી હજું સુધી તો આ કામ પૈસા માટે જ કરતો હતો."

કર્તવ્ય: " જે પણ થયું તમે મને સાથ આપી રહ્યાં છો એ માટે આભાર... બાકીનું હું આગળ મુજબ જણાવીશ તમને...પૈસાની ફીકર ના કરતા પણ કામમાં પ્રમાણિકતા જોઈશે... નહીંતર..." ફોન મૂકાઈ ગયો.

કર્તવ્યએ ફરી એક ફોન લગાડીને મનમાં મલકાતાં પૂછ્યું, " ગુડ મોર્નિંગ...મિસ્ટર પંચાલ..કેમ છો?"

સામેથી અવાજ આવ્યો, " અરે બોલને બેટા? આજે કેમ સવાર સવારમાં અમારી યાદ આવી? બસ જો તમારે ક્યાં તારાં જેવી શાંતિ છે. રોજ સવારમાં ઉઠીને ઓફિસમાં આવી જવું પડે છે. એક દિવસ ન આવીએ તો સ્ટાફને મજા પડી જાય."

કર્તવ્ય હસીને બોલ્યો, "કોઈ દિવસ એ લોકો પણ મજા કરે ને?.. અરે મજાક કરું છું. બસ તમને ખાલી તમારું સોંપેલું કામ યાદ કરાવવા ફોન કર્યો. લગભગ ઘણાં બધાંનું કામ થઈ ગયું છે. તમારું કામ ક્યાં પહોંચ્યું? મને તમારા પર પૂરો ભરોસો છે કે તમારું કામ તો એટલીસ્ટ અડધે તો પહોંચ્યું જ હશે. તમારે ઘણાં ધંધા છે એટલે સમય ન મળે છતાં તમારું કામ એટલે મારે જોવું ન પડે."

મિસ્ટર પંચાલ જાણે આંચકો લાગ્યો હોય એમ બોલ્યાં, " શું બોલે છે કર્તવ્ય? શેનાં ધંધાઓ? માંડ માંડ પરસેવાની કમાણી પર કરેલી બે કંપની છે બીજું છે પણ શું?"

"અરે અંકલ તમે તો ઉલટું સમજ્યાં. ગુજરાતી ભાષામાં થોડો અર્થનો અનર્થ જલ્દી થઈ જાય..."

મિસ્ટર પંચાલ : " હમમમ. પણ તે મને જે વિસ્તાર હતાં એ પછી પાછળથી કેમ બદલી આપ્યાં? હું પેલાં મારાં વિસ્તારનું જ કામ પતાવી દઈશ."

કર્તવ્ય પોતાની પેન હવામાં ગુમાવતો મનમાં હસતો બોલ્યો, " અરે અંકલ તમે આટલાં વ્યસ્ત હોવ છો મને લાગ્યું એ બધું તમને દૂર પડશે જ્યારે આ નવું શિડયુઅલ જે છે એ તમને તમારી ઓફિસથી નજીક પડશે આથી તમારો સમય પણ બચશે‌..આખરે સેવા કરવાની છે પણ આપણાં ધંધા પાણી મૂકીને તો નહીં જ ને...?"

મિસ્ટર પંચાલ જાણે કોઈ જાળમાં ફસાઈ ગયાં હોય એમ એનું મોઢું સિવાઈ ગયું...!

કર્તવ્યના મનમાં શું યોજના ઘડાઈ રહી છે? મિસ્ટર પંચાલ શું કરશે? શકીરા સાથે શું બન્યું હશે? આધ્યાનાં જીવનમાં કંઈ બદલાવ આવશે ખરાં? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ – ૧૧

બીજા રસપ્રદ વિકલ્પો