પ્રકરણ- ૬
આખરે ઘણી બધી ચર્ચાને અંતે મિટીંગ પૂર્ણ થવાની તૈયારી છે ત્યારે મિસ્ટર આર્યને એક જાહેરાત કરતાં કહ્યું," બધાં બીજાં પાસાં તરીકે વિચારે છે કે જે જગ્યાએ આ ધંધા બંધ થશે ત્યાં કામ કરતાં લોકોનું શું થશે? એમની રોજીરોટી છીનવાઇ જશે. તો એમાં મારું માનવું છે કે આપણાં દ્વારા બીજાં સારાં કે જે કામ સમાજમાં દરેક લોકો કરી શકે એમાં કોઈને નાનમ ન અનુભવવી પડે એવાં કામ માટે ઓફર કરવામાં આવે પછી પસંદગી એમની છે. જે લોકો મજબૂરીથી આ કામમાં જોડાયેલા હશે એ લોકો સમ્માનસહિત કામ મળશે તો એ શોષણના ધંધા છોડી દેવા તૈયાર થશે. બાકીનાં જે લોકો કે એમને આ જ કામમાં કે આ રીતે જ એમની જિંદગીને પૂર્ણ કરવી છે કે એમને એમાં જ મજા છે એ લોકોને એ રીતે રહેવાની છૂટ આપવામાં આવે. બાકી કામ અપાવવાની જવાબદારી મારી...!
આ ભાગમભાગ ભરેલી, ખર્ચાળ જિંદગીમાં કોઈને પણ કામ અપાવવું એ નાનું કામ નથી એ બધાંને ખબર છે કારણ કે આજકાલ ભણેલાં લોકોને પણ જોઈએ એવી નોકરીઓ મળવી મુશ્કેલ બની ગઈ છે. અને આ બધું કામ કરનાર લોકો એટલું સારું ભણેલા હોવાની પણ કોઈ આશા રાખવી નિરર્થક કે બહું નહીંવત કહી શકાય. જો કે બધાં મિસ્ટર આર્યનની વાત કે એમનાં પ્રસ્તાવને યોગ્ય માની પણ શકાય કારણ કે એમની ઘણી કંપનીઓ, નાનાં મોટાં ઉદ્યોગો એવું તો કેટલુંય હશે જેથી આ વસ્તુ એ ઈચ્છે તો ચોક્કસ પાર પાડી શકે.
મિસ્ટર નાયક : "મિસ્ટર આર્યન, તમે તો બધાંની ચિંતા હળવી કરી દીધી. હવે આપણાં નક્કી થયાં મુજબ કામ આવતી કાલથી જ શરું થઈ જશે. દરેક જણ કર્તવ્ય અને સાર્થક સાથે કો- ઓર્ડિનેટ કરી શકશે ક્યાય પણ અટકાય તો. બીજું કે આ કામ આપણે પ્રત્યક્ષ રીતે કરવાનું નથી ફક્ત વિશ્વાસુ માણસો પાસે યોગ્ય દિશા ચીંધીને કરાવવાનું છે. અલબત્ત, કોઈ ઈચ્છે તો પોતે પણ આ કામ કરી શકશે એમાં કોઈને કોઈ વિરોધ નથી. પણ સમજી શકાય કે બધાં વ્યસ્ત રહેનારાં મોટાં માણસો હોવાથી કોઈ પાસે એટલો સમય નીકાળવો એ અઘરી વાત છે. બસ આ મિશન મુજબ કોઈને પણ આ વાતની ગંધ આવવી ન જોઈએ."
કર્તવ્ય : " જો કંઈ પણ ઇન્ફોર્મેશન લીંક થશે તો મને પહેલાં જાણ થશે. ખબર પડશે કે કંઈ પણ આડુંઅવળું થયું છે તો આ ટીમની સૌથી પહેલાં તપાસ થશે કે કોઈનાં દ્વારા માહિતી લીક થઈ રહી છે. તો માફ કરશો પણ એ વ્યક્તિ કોઈ પણ હશે એને એ જ વસ્તુ ખોટી છે એવું સાબિત થતાં તરત જ આ મિશનમાંથી બાકાત કરાશે. એ હું હોઈશ તો મારા માટે પણ લાગું પડશે. આ એકમાત્ર આપણો પહેલો અને છેલ્લો નિયમ છે. બાકી કોઈનું પણ કામ અટકે કે ના થાય એવું હોય તો કહેજો હું પૂરું કરાવી દઈશ."
કર્તવ્યની આ વાતની તો કદાચ મિસ્ટર નાયકને પણ જાણ નહોતી. એ પણ બધાંની સાથે ચોંકી ગયાં કે આટલાં મોટાં બિઝનેસમેન, મોટાં માણસોની વચ્ચે કર્તવ્યએ આ વાત કરી ક્યાંક કોઈને માઠું લાગી જાય તો...વળી, એનાં ગજબના આત્મવિશ્વાસથી છલોછલ આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં કે આખરે આ કર્તવ્ય છે કોણ? કારણ કે કદાચ મિસ્ટર નાયક અને બીજાં એક બે જણ સિવાય કોઈને એની ઓળખની જાણ જ નથી. આટલી નાની ઉંમરે આ બધાં માટે આટલો રસ દાખવનાર કોણ હશે?
પછી તો થોડી વાતચીત બાદ મિસ્ટર નાયક બોલ્યાં, " આવતી મિટીંગ માટે શિડયુઅલ નક્કી કરીને જાણ કરવામાં આવશે. કોઈ પણ વ્યસ્ત હોય તો જણાવશો કોઈને કોઈ ફોર્સ કરવામાં નહીં આવે. "ને આખરે બધાં એક પછી એક બહાર નીકળવા લાગ્યાં.
છેલ્લે મિસ્ટર નાયક એકલાં હોલમાં બેઠાં છે. કર્તવ્ય બહાર નીકળતાં દરેક વ્યક્તિઓનાં હાવભાવ જોઈ રહ્યો. અચાનક મિસ્ટર પંચાલ જે ખુરશી પર બેઠાં હતાં એ જગ્યાએ કોઈ નાનકડું કાર્ડ પડેલું દેખાયું. એણે ધીમેથી એને જોયું અને ધીમેથી એનાં ખિસ્સામાં સરકાવી દીધું અને ધીમેથી એ મંદમંદ હસવા લાગ્યો...!
એને મનમાં હસતો જોઈને મિસ્ટર નાયક બોલ્યાં," શું થયું કર્તવ્ય? કેમ આમ મનમાં હસી રહ્યો છે? અને તું બધાંને બહાર નીકળતાં શું જોઈ રહ્યો હતો?"
કર્તવ્ય હસીને બોલ્યો," અંકલ તમને ખબર છે આપણાં ઈન્ડિયામાં લોકો કંઈ નવું કામ અને એ પણ મહાન બનવાનું કામ શરું થતું હોય ત્યારે લોકો હોંશે હોંશે જોડાઈ જાય છે. પણ એમાં ખરાં દિલથી કામ કરનાર તૈયાર થનાર ઓછાં હોય છે. એક ભાઈબંધ તૈયાર થયો ચાલો મારું પણ નામ લખો એવું છે. હું મિટીંગમાં આવનાર, બેસનાર, સાંભળનાર, મજાકમાં લેનાર અને જનાર દરેકનું ઝીણવટથી નિરીક્ષણ કરી રહ્યો હતો. આ પચ્ચીસ લોકો સાથે આ મિશન પાર પાડવું બહું અઘરું છે."
મિસ્ટર નાયક સહેજ અધીરાઈથી બોલ્યાં," તો આપણે વધારે લોકોને પણ એકઠાં કરી શકીશું. બસ તું ફક્ત કહે કેટલાં માણસો જોઈએ છે. તું કહે એ ફિલ્ડના લોકોને હાજર કરું. પણ મારું એક સ્વપ્ન છે કે સ્ત્રી શક્તિને પણ એટલું જ સન્માન, સ્વતંત્રતા, રક્ષણ, બધાં હકો મળે. આ મિશન માટે હું બધી જ રીતે મદદ કરવા તૈયાર છું. આર્થિક રીતે પણ..."
કર્તવ્ય :" આર્થિક મદદની વાત હાલ બોલતાં જ નહીં. બધાં જ દ્વારા કરાવવાનું છે જે છેલ્લે ખૂટે એ કામ જ આપણે કરવાનું છે. અને ના ના, અંકલ વધારે કોઈ જ માણસોની જરુર નથી. આમાંથી પણ ઓછા કરવાનાં છે."
"મતલબ? હવે જો કોઈને ના કહીશું આમાંથી અને વિરોધી બનશે તો આખાં મિશનનુ સ્વપ્ન ખતમ કરી નાખશે. આ મોટા લોકો અમૂક જણાંને બાદ કરતાં જેટલાં સારા હોય એટલાં જ જો વાંધો પડે તો એટલાં જ ખરાબ બની જાય. એમાં કોઈ બેમત નથી."
કર્તવ્ય હસીને બોલ્યો, " અંકલ ચિંતા ન કરો આમાંથી કોઈને બાકાત નથી કરવાનાં."
" તો કહ્યું હતું એ મુજબ તો..."
કર્તવ્ય ખુરશી પર બેસીને પાણી પીતાં બોલ્યો, " રિલેક્સ અંકલ, મને ખબર છે મેં આગળ કરેલી વાતથી થોડાં ચિંતામાં છો. પણ આ વાત કહેવી જરુરી હતી. ઉલટાનું મારો પ્લાન તો અલગ છે કે જે લોકો મને શંકાસ્પદ લાગશે એમને તો ક્યારેય હટાવાશે નહીં એમને તો હાથમાં રાખીને જ કામ કરવામાં આવશે."
" બેટા તારાં દિમાગમાં બહું સોલિડ આઈડિયા ચાલી રહ્યાં લાગે છે. કદાચ હું હજું ત્યાં સુધી પહોંચી શક્યો નથી."
" ચિંતા ન કરો.આ ટીમના હજું કોઈને ખરાબ ન લાગે એ રીતે ટીમને ધીમે ધીમે નાની કરાશે કોઈને અણસાર પણ નહીં આવે કે મેઈન કમિટીમાં કેટલાં મેમ્બર છે. તમને એમ હશે કે આજનાં જુવાનિયાઓ કોઈની લાગણીઓની બહું પરવા કર્યા વિના ઘણી વાર નિર્ણય કરીને વડીલોને દુભાવી દેતાં હોય છે. પણ હું એમાંનો નથી. હા ફોરવર્ડ છું, એજ્યુકેટેડ છું, અમીર પરિવારમાંથી છું...દુનિયાની પૂર્ણ રીતે સમજી મનોરેખા સમજી શકું એવાં ખાસ મનોવિજ્ઞાન અને સાયન્ટિફિક લેવલે માણસોનાં મગજનાં તાગ મેળવવા માટેનું અમેરિકામાં ઘણું રિસર્ચ કરીને આવ્યો છું.
હું ધારત તો ત્યાં જ સેટલ થઈ શકત. પણ મારે આપણાં દેશને ફક્ત આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ સદ્ધર બનાવવો છે. આપણું યુવાધન જો ત્યાં જ રહી જશે તો દેશને લાંબાગાળે એની બહું મોટી ખોટ પડશે. અલબત્ત, ટૂંકાગાળામાં ઈકોનોમિકલ બેનિફિટ ત્યાં જેટલો ના મળે કારણ કે જે દેશ જ હજું વિકાસશીલ છે એ લોકોને એટલું વળતર ન જ આપી શકે.
તમને ખબર છે આમાંથી ફક્ત બાર જણાં એવાં વ્યક્તિઓ છે ખરેખર કામ કરશે એ પણ બહું મહત્વનું. બાકીનાં બધાં કોઈને કોઈ રીતે બસ એમ જ જોડાઈ ગયાં છે. એમને વ્યક્તિગત રીતે એટલો રસ પણ નથી. એટલે એ લોકો જે થાય એ કરશું, નહીં તો નીકળી જઈશું નહીં ફાવે તો એવું વિચારવાવાળાં છે"
મિસ્ટર નાયક : " એવું તને કેમ ખબર પડી? તો પછી બાકીનાં લોકોનું શું કરવાનું? એ કંઈ કરશે જ નહીં?"
કર્તવ્ય :" બધાંનું જ કામ પડશે. કોઈનું નાનકડું કામ પર મોટું મિશન પૂરું કરાવી દે. તરવારનુ કામ હોય ન કરી શકે અને સોયનું કામ તલવાર. કોઈનો એક ફોન તો, કોઈની એક સહી, તો કોઈની એન્ટ્રી પણ ઘણાં મહત્વનાં અટકેલા કામો પૂરા કરાવી દે છે."
" હમમમ...હવે સમજાયું. બાકી હુકમના એક્કા પસંદ કરી લાવ્યો છે તું બાકી."
કર્તવ્ય : " ચાલો હવે આપણે પણ નીકળીએ..." ફરી આગળનું અપડેટ હું આપને આપતો રહીશ. કાલે તો સમર્થ આવી જશે એટલે મારી તાકાત બેવડાઈ જશે...! " ને પછી હાજર લિફ્ટમાં બેય જણાં ફટાફટ ત્યાંથી નીકળીને પોત પોતાની મોટી ગાડીમાં બેસીની રવાના થઈ ગયાં...!
કર્તવ્યનો પ્લાન કેવો હશે? એની યોજના મુજબ બધું થશે ખરાં? શકીરા આખરે કોણ છે? આધ્યા એનાં ઈશારે કેમ કરવાં તૈયાર થઈ હશે? આધ્યા અને મલ્હાર ફરીથી મળશે ખરાં? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૭
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....