પ્રકરણ-૮
ન્યુસી આધ્યાની વાત સાંભળીને થોડી ચિંતામાં બોલી, " દીદી બધાંને હિંમત આપનાર તમે કેમ આવું બોલો છો આજે? કંઈ થયું છે કે શું? અને આ તો હવે આપણી મજબૂરી છે. આપણાં નસીબમાં ક્યાં સામાન્ય જિંદગી લખાઈ છે તો પછી જે છે એમાં જ ખુશી મનાવીને રહેવાનું, બીજું શું? અમે તો નાનાં છીએ તમે તો કદાચ વધારે અનુભવી કે પછી વધારે બધું સહન કરી ચૂકેલા છો."
આધ્યા બાજી સંભાળતાં બોલી, " ના ના, એવું કંઈ નથી. બસ એમ જ."
ન્યુસી બોલી, " તો ઠીક છે. કંઈ આડુંઅવળું વિચારતા નહીં. ભલે નાની છું પણ કુદરતની મહેરબાનીથી હિંમત બહું આપી છે. કંઈ પણ તકલીફ હોય તો મને યાદ કરજો. પણ એકવાત કહું આજે હમણાં કંઈ ઉથલપાથલ થઈ રહી છે પણ શું છે ખબર નથી પડતી પણ વાજતેગાજતે આવશે ખરું."
આધ્યાએ વાતમાં રસ લેતાં કહ્યું, " અરે બટાકી! તને તો ખબર જ હોય, છુપારૂસ્તમ, બોલ હવે...તને છુપાવવા પણ આવડતું નથી."
ન્યુસી પોતાનાં નેણ ઉછાળતા પોતાને જે ખબર છે એ વિશે ખુશ થતાં બોલી, " આપણને જે રૂમો આપ્યાં છે એમાં આજે બધાંની બદલી કરવામાં આવી રહી છે ખાસ કરીને શકીરાના એક ખાસ ફરમાન દ્વારા. એ મુજબ કદાચ એવા વ્યક્તિઓ કે જે લોકો એકબીજાને ઓળખતાં પણ નથી કે પછી જેને એકબીજા સાથે ભળતું ન હોય."
આધ્યા : " એવું કેમ અચાનક? કંઈ કારણ?"
"એવું નથી ખબર નથી. દીદી જાઉં છું. ફટાફટ તૈયાર રહેજો... "
એટલામાં જ તો આધ્યા ફટાફટ મનનાં વિચારોને લગામ આપતાં રૂમની બહાર નીકળી ગઈ. એ ઈશ્વરને પ્રાર્થના કરવાં લાગી કે બધું તારાં હાથમાં જ છે તું જે કરીશ એ સારું કરીશ મને તારાં પર પૂર્ણ વિશ્વાસ છે.
આધ્યા આજે સિમ્પલ તૈયાર થઈને પણ એકદમ મોહક લાગી રહી છે. એ ગ્રાહકો આવે એ પહેલાં રૂમમાં પહોંચી ગઈ. થોડીવારમાં તો રોજના નિયમ મુજબ એક પછી એક ત્રણ જણાં આવી ગયાં. એણે મહાપરાણે કામ પતાવ્યું. જાણે રેપ કરવાં આવ્યાં હોય એમ સામે આવનાર લોકોને આધ્યાની શારીરિક નબળી સ્થિતિની જાણ પણ ન થઈ કે કદાચ એને નકારી કાઢી એ સમજાયું નહીં. અડધી રાત થઈ ગઈ. પણ હવે તો એનું શારીરિક અને માનસિક સંતુલન બંને જાણે બિલકુલ ખોરવાઈ ગયું. એ જરાં પણ સક્ષમ ન રહી. એનું શરીર ફરીથી ધગધગવા લાગ્યું. એને ઠંડી લાગવા લાગી. એનામાં ઉભાં રહેવાની પણ તાકાત ન રહી. હાથ પણ ધ્રુજવા લાગ્યાં.
શું કરવું કંઈ સમજાયું નહીં. બહાર આવી તો કોઈ દેખાયું નહીં. નથી કોઈ દવા કે આરામ માટેની જગ્યા. મલ્હારે રુપિયા તો આપ્યા પણ એને લઈને પણ નીકળવાનો મોકો તો મળવો જોઈએ ને? કેવી રીતે કોઈ ડૉક્ટરને બતાવવા જાય. એ રૂપિયા એની માટે એક કાગળ જેવાં બનીને સચવાયેલા પડ્યાં છે.
આધ્યા બધું ભગવાન ભરોસે છોડીને એ રૂમમાં બેડ પર જઈને આડી પડી ગઈ. ત્યાં રહેલો બ્લેન્કેટ ઓઢીને આડી પડી. એટલામાં જ દરવાજો ખુલતાં એ ખરેખર ગભરાઈ કે હવે શું થશે? એનામાં ઉભાં થવાની પણ તાકાત રહી નથી. કોઈ પ્રવેશ્યું એ એને એની પગની આહટ પરથી ખબર પડી. દર વખતે તો એ આવનારની આહટ સાથે એ એક મોહક અદામાં સામેનાં પુરુષને આવકારવા તૈયાર થઈ જાય પણ આજે એવું ન બની શક્યું. આધ્યા એમ જ બેડ પર આડી પડી રહી. કદાચ એ વ્યક્તિને આધ્યાનો એ જ આવકાર પસંદ હશે કે ખબર નહીં એ પહેલાં કંઈ બોલ્યાં વિના અંદર જોવા લાગ્યો.
આધ્યાએ ત્રાંસી નજરે જોયું કે એક આધેડ પુરુષ અંદર આવ્યો. ત્યાંનો એક નિયમ એ પણ છે કે તમારી પાસે કોણ ક્યાં સમયે આવશે કે એની કોઈ જ જાણ કરવામાં ન આવે કે જેથી તમે કોઈ માટે પૂર્વધારણા બાંધી શકો. મોટે ભાગે લગભગ આછો રેલાતો પ્રકાશ જ આખાં રૂમમાં પથરાયેલો હોય એ ત્યાંની લાક્ષણિકતા છે.
એ વ્યક્તિ ધીમેથી અંદર આવીને આધ્યાની પાસે બેઠો. આધ્યાએ ધીમેથી પરાણે વ્યક્તિ તરફ જોયું. એને મનમાં તો થયું કે જાણે એને કહી દે કે અહીંથી જતાં રહો પણ એ કંઈ કરી શકી. એ વ્યક્તિએ જેવો એનાં હાથને સ્પર્શ કર્યો કે તરત જ કરંટ લાગ્યો હોય એમ એણે આધ્યાનો હાથ છોડી દીધો. એ બોલ્યો, " આ શું છે? તું બિમાર છે? તો અહીંથી મને કેમ કહ્યું નહીં? અમને છેતરવા બેઠા છો?"
આધ્યા જેવી ઉભી થવા ગઈ કે એને ચક્કર આવવાં લાગ્યાં. એની આંખો ઘેરાવા લાગી. છતાં થોડી જ વારમાં પોતાની જાતને સંભાળતાં બોલી, " પ્લીઝ સાંભળો, એવું કાંઈ નથી. આજે જરાં થોડું શરીર દુખે છે જ્યાં તાવ આવી ગયો છે."
એ પુરુષ તો ધુઆપુઆ થતો બોલ્યો, " કોણ છે તારી બોસ?
આવાં લોકોને રાખે છે. પૈસા તો પૂરા લે છે ને? તો પછી.."
આધ્યા હિંમત કરીને બોલી, " તમારે જે કરવું હોય તે કરી શકો છો. પણ પ્લીઝ કોઈને કંઈ કહો નહીં. એ મારી વધારે બદતર હાલત કરશે."
એ પુરુષ પણ સખ્તાઈથી બોલ્યો," ખબર નહીં કેટલાં દિવસથી બિમાર હશે? એક કોલગર્લ માટે આ બધાં લક્ષણો કેટલાં ગંભીર હોઈ શકે છે. તમારાં દ્વારા કોઈને જાણ પણ કરવામાં આવતી નથી."
આધ્યા ગભરાઈને બોલી, " પ્લીઝ તમે શાંત થાવ. આ પહેલાં પણ તમે આવી ગયાં છો ક્યારેય આવું બન્યું નથી. પણ માણસ એક યંત્ર જેવું છે એને પણ કોઈ દિવસ આરામ તો જોઈએ ને? એને પણ સર્વિસ તો જોઈએ ને? એકધારું ક્યાં સુધી ચાલે? પ્લીઝ, એક દિવસ...કોઈને કશું કહેશો નહીં. મને કંઈ એવી બિમારી નથી. બસ થોડો થાકને કારણે થાક આવી ગયો છે." કહીને આધ્યાએ એ પુરુષને છેલ્લે પોતાનો આખરી પ્રયાસ કરતાં મહાપરાણે પોતાની મોહજાળમાં ફસાવવાનો કામ શરું કર્યું ત્યાં જ એ પુરુષે એને દૂર ધકેલી દીધી.
આધ્યા : " તમને આજે બીજાં કોઈ સાથે સેટ કરાવી આપું. એ તમારી ઈચ્છા પૂર્ણ કરી દેશે. મારાથી પણ વધારે સારી છોકરી છે. "
"શું કામ એવું? મેં તારી સાથે સુવાનું સ્પેશિયલ પેમેન્ટ કર્યું છે. હવે એ મને પાછું મળશે? મારી એટલી તાકાત છે કે આ બધું બંધ કરાવી શકું છું."
આધ્યા વિચારવા લાગી કે જે માણસ મને આ તાવ વગેરે શું હોઈ શકે સમજાવી રહ્યો છે એ જ વ્યક્તિ પણ આજ તો કામ કરી રહ્યો છે. કપડાં અને ચહેરા પરથી તો કોઈ મોટો માણસ લાગે છે એને ઘર પરિવાર નહીં હોય? મારો તો ધંધો છે પણ એ તો બહારથી સમાજનો મોટો દેખાતો માનવી જેની અંદર ભરેલી આટલી ખિન્નતા? પણ શું થાય ? આ જ છે દુનિયાની કડવી વાસ્તવિકતા. આ વ્યક્તિ ચારિત્ર્ય તો ભૂલ્યો પણ માનવીયતા પણ ભૂલી ગયો છે. અમે મજબૂરીના માર્યાં ચારિત્ર્યને લાંછન લગાડ્યું છે પણ કુદરતે આપેલા માનવીનાં બખ્તરની માણસાઈ તો લજવતા નથી.
આધ્યાને ખબર છે કે શકીરા એક રૂપિયો છોડે એમ નથી. પાછી આપવાની વાત તો વિચારી પણ શકાય એમ નથી. હવે કંઈ કરી શકાય એમ નથી એ વિચારીને બધું કુદરત પર છોડીને આધ્યાએ હવે હથિયાર હેઠે મૂકી દીધાં. એની આંખો ભરાઈ આવી. એ વિચારવા લાગી કદાચ આવાં જાનવર જેવાં લોકોને કારણે જ કોલસેન્ટરો ધમધમી રહ્યાં છે, સ્ત્રીઓની આટલી બદતર હાલત છે અને શકીરા જેવાં લોકો પૈસા મેળવીને ઐયાશી કરી રહ્યાં છે.
એ પુરુષ તો અડધી રાતનાં સમયે કંઈ પણ વિચાર્યા કે સાંભળ્યાં વિના જ બારણું પછાડતો બહાર આવ્યો. કોણ છે અહીં? કોઈ છે અહીંનું માલિક? આવાં ધંધા કરો છો અહીં?
આધ્યા એની પાછળ ધસડાતી ગઈ. અડધી રાતના શાંત વાતાવરણમાં આ બૂમ બહું મોટી લાગતાં એનાં પડઘાં ક્યાંય સુધી ગૂંજી રહ્યાં. ઘણાં લોકો બહાર આવી ગયાં. કોલ સેન્ટરમાં વળી કોઈ ધંધાની વાત કરીને બૂમો પાડે એ સાંભળીને સૌને નવાઈ લાગી.
એવામાં જ આંખો ચોળતી શકીરા ઝડપથી આવીને બોલી, " કોન હૈ? "
એ પુરુષ આધ્યા સામે જોઈને બોલ્યો," યે કોન હે અભી નઈ ઓરત?" પણ આધ્યા તો કશું બોલ્યું નહીં.
" મેં યહા કી માલકિન. પ્લીઝ મિસ્ટર, ક્યા હુઆ? મુજે મિલીયે...ચિલ્લાઈએ મત..." કહેતાં એણે આધ્યા તરફ એક ગુસ્સાભરી તીરછી નજરે નાખી.
એ પુરુષ બૂમો પાડતો બોલ્યો, " તો તું હે યહાં કી માલકિન? અભી કયા કરના હે બોલ?"
શકીરાએ એક બૂમ પાડીને બધાને પોતાની રૂમમાં જવાનું કહ્યું. બધાં અંદર જતાં રહેતાં એ ફટાફટ નીચે આવી. આધ્યાને એણે પોતાનાં રૂમ પાસે જવાનું કહ્યું પણ આધ્યા ત્યાં દીવાલને ટેકે યંત્રવત્ ઉભી રહી અને શકીરાએ એ પુરુષને રૂમમાં આવીને શાંતિથી વાત કરવા કહ્યું...ને તરત જ રૂમમાં પહોંચતાં જ શકીરાએ આધ્યાની સે જ ધડામ કરતો અંદરથી દરવાજો બંધ કરી દીધો..!
શકીરા એ પુરુષ સાથે કેવી રીતે સમજાવટ કરશે? આધ્યા સાથે હવે શું થશે? મલ્હાર આધ્યાને કોઈ મદદ કરી શકશે?
કર્તવ્યનું મિશન સફળ થશે ખરાં? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૯