Aaroh Avroh - 1 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 1

પ્રકરણ – ૧

કેમ છો મિત્રો,

આપ સહુનાં સહકાર અને પ્રેમભર્યા સ્વીકારને કારણે આજે હું મારી નવલકથાની સફરમાં આગળ વધતાં મારી ૧૬ મી નવલકથા લખવા જઈ રહી છું.

સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું.

આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અનેક નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે.

સફરનાં સાથી

કરામત કિસ્મત તારી

મહેકતી સુવાસ

શાપિત વિવાહ

અતુટ દોરનું અનોખું બંધન

સંગ રહે સાજનનો

કળયુગના ઓછાયા

પ્રિત એક પડછાયાની

એક વળાંક જિંદગીનો

પ્રતિબિંબ

પગરવ

આહવાન

મિત્રો હજું પણ બાકી હોય તો અચૂક વાંચશો...આપને ચોક્કસ મજા આવશે એની ગેરંટી છે.

આજે ફરી રહસ્ય, રોમાંચ, પ્રેમ, નફરત, ચિત્કાર, બધું જ આવરી લેતી એક આધ્યા નામની એક યુવતીની એક જબરદસ્ત, રૂંવાટા ઉભાં કરી દે એવી જીવન સફર જે આંખોમાં આંસું લાવવા, દિલમાં રોમાંચ ઉભો કરવા, દિલને થડકાર આપવા, પ્રેમનું સરનામું શોધવા કે મારાં સૌ વાચક મિત્રોને અંત સુધી જકડી રાખવાં મજબૂર કરી દેશે એવી જબરદસ્ત નવલકથા એટલે "આરોહ - અવરોહ" જેને વાંચીને આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.

એક દીકરી જ્યારે પરિપક્વ બનીને એક યુવતી બંને છે સમય સાથે પરિવાર સંભાળતી સ્ત્રી, તો કોઈની પત્ની, તો કોઈની માતા, કેટલાં કેટલાંય સંબંધોનાં તાણાવાણા સાથે અટવાતી એક સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ શું? એનાં સપનાઓનું શું ? એક સ્ત્રી સમય સાથે અબળા બંને છે એ જ સ્ત્રી લડવૈયાઓને વીંઝતી અને માત આપતી ઝાંસી પણ બની શકે છે. સમય અને સંજોગો સાથે શું શું જીવનમાં મળે છે અને શું હંમેશાં માટે ભૂલી જવું પડે છે....એનો પ્રેમ નીતરતી, દિલ ધડકાવતી કહાની...! તો તૈયાર છો ને મિત્રો..?

*********

ઝગમગાટ કરતી કુત્રિમ રોશની, ઉજાશ રેલાવતી એ સુંદર મોહક દીવાલો રાતનાં દસેક વાગ્યાનો સમય, મન આશ્વસ્ત કરી દે એવી ઠંડક, રોમાંચક એવો દરિયા કિનારા નજીકનો વિસ્તાર. એમાં એક મોટી વિશાળ જગ્યામાં એક મકાન કમ બંગલો કહી શકાય એવી જગ્યા. દરરોજની જેમ આજે પણ એ ઝગમગી રહી છે.

સામાન્ય રીતે બંગલો એક એવી જગ્યા હોય જ્યાં મોટાં માણસો રહેતા હોય, માણસોની અવરજવર બહું ઓછી હોય , આવે એ પણ ગણ્યા ગાંઠ્યા માણસો...પણ આ એક એવી જગ્યા છે જ્યાં અવનવા મોટાં મોટાં માણસો આવતાં જતાં હોય. દરેક જણ મોટી મોટી ગાડીઓ સાથે આવે, દરેકની એક અલગ અદા હોય, કોઈને અલગ ઝનૂન તો અલગ નશો સવાર હોય. આવે ત્યારે એક જુદાં મૂડમાં હોય પણ અહીંથી નીકળે એટલે દરેક વ્યક્તિ એક ખુશીની લહેર સાથે નીકળે‌. શું જાદૂ છે એ તો આ શકીરા હાઉસમાં જતાં જ ખબર પડે.

આજે પણ રૂટિન સમય રોજની મુજબ આજે પરફ્યુમની સુગંધ ચારેકોર પ્રસરાવી રહી છે. એ વાતાવરણનો નશો જ એવો છે કે કોઈ પણ એ વાતાવરણમાં મદહોશ થઈ જાય. એ જ આ ઘડીએ મોટાં વિશાળ ડિઝાઈન કરેલાં એ મોટાં કાચની સામે ઉભેલી આધ્યા પોતાની જાતને નીહાળવા લાગી‌. આટલો કમનીય દેહ, કોઈ પણ મર્દને કામૂક કરવા ફક્ત એની આ કાયા અને એક સુંદર રીતે વીંટળાયેલી આ બ્લુ રંગની સાડીનાં એ લો કટના ગળાનાં ખાસ બનાવેલાં બ્લાઉઝમાંથી એનું દેહલાલિત્ય સ્પષ્ટ નીખરી રહ્યું છે‌. ભીનાં ભીનાં એ લાંબા વાળમાંથી એ ટપકતાં પાણીનાં બિંદુઓ જે એનાં અંગોમાથી આરપાર નીચે ઉતરી રહ્યાં છે. આટલું જ કોઈ પણ પુરુષને પોતાનાં પર હાવી કરવાં કાફી છે છતાં પણ...!

એણે પોતાનાં દેહને સુંદર રીતે શણગારીને છેલ્લે એક સુંદર ગુલાબી રંગની લિપસ્ટિક લગાડીને ઓપ આપતાં પછી પોતાની જાતને જોઈ રહી કે કંઈ રહી નથી જતું ને?

આધ્યાનુ મન અટવાઈ ગયું...એ મનોમન વિચારવા લાગી કે આ શું થઈ રહ્યું છે? આ બધું હું શેના માટે કરું છું? મારી લાગણીઓ મારું સર્વસ્વ શું? હું ફક્ત કોઈનાં હાથની કઠપૂતળી? આખરે શા માટે? આના કરતાં તો?...ને એ સાથે મન અટકી ગયું.

સવારથી એનું મન આ બધામાં ગુંચવાઈ ગયું છે એવું નથી કે આવું પહેલીવાર બન્યું છે. ઘણીવાર અાવું થતું, એ કંઈ નિર્ણય કરતી, આ છેલ્લીવાર એવો નિર્ણય પર કરતી ત્યાં જ

શકીરાનો હા એક સ્ત્રીનો જ પણ લાગણી વિહીન સપાટ અવાજ સંભળાતો અને એનું બધું જ વિચારોનું ઘોડાપૂર શાંત પડી જતું. પણ આજે કોણ જાણે એનું મન એકલું જ નહીં પણ તન પણ થાકીને લોથપોથ બની ગયું છે. આટલું તૈયાર થવાનું એને ફકત વીસ મિનિટ થાય આજે એ માંડ માંડ પોણા કલાકે પતાવી શકી છે. જાણે કોઈ શક્તિ જ ના હોય એવું અનુભવી રહી છે.

મન અને તન બેય એવું વિચારી રહ્યાં છે કે બસ અહીં જ ભોંય પર લંબાવીને જાણે શાંતિની નિંદર કરી લે. ક્યાંય જવું નથી. લાગણીઓને વશ થઈને એણે લંબાવી પણ દીધું પણ સહેજ મટકું મારવાની તૈયારી થાય ત્યાં જ કોઈએ દરવાજો ખખડાવ્યો.

નાછૂટકે પરાણે આધ્યા ઉભી થઈને દરવાજા સુધી પહોંચી. હજું પણ એનાં હાથ-પગ લથડી રહ્યાં છે. દરવાજો ખૂલતાં જ જોયું તો સામે ઉભેલી અકીલા બોલી," મેમ આ રહે હો ના? રેડી હો ના? બહાર આપકા વેઈટ હો રહા હે."

આ સાંભળીને આધ્યાને જાણે અંધારા આવી ગયાં કે મારી પરમિશન લેવાની શું કામ ફોર્માલીટી કરાય કે જ્યારે ખબર જ છે કે મારી ના કહેવાથી કંઈ થવાનું જ નથી. 'મેમ' શબ્દ શા માટે કહેવાય છે જ્યારે મેમ જેવું તો અહીં કંઈ અનુભવાતું જ નથી. શ્વાસ લેવામાં પણ હવે રૂંધામણ થાય છે.

આધ્યા ફક્ત એટલું જ બોલી શકી," યસ.. મેં આ રહી હું."

થોડીવારમાં જ આધ્યા મહાપરાણે બહાર નીકળી. એટલીવારમાં જ શકીરા એક મટકતી ચાલે આવીને બોલી," આધ્યા આજ જરાં ખુશ કર દેના. નયા આદમી હૈ. અગર ઠીક રહેગા તો જમ જાયેગા. પૈસા પૈસા હોય જાયેગા."

એક નિસાસો નાખતાં આધ્યાએ ખિન્નતા બતાવતી નજરે શકીરા સામે જોઈને વિચાર્યું, " ખબર નહીં પૈસા પૈસામાં કરીને તો આ બાઈ શું ઉપર લઈને જશે? આજ સુધી એ જ તો કર્યું છે. ખેર કંઈ કહેવાનો કે વિચારવાનો મતલબ નથી. જબ તક હૈ યે જાન...કરના પડેગા કામ...! નસીબ જ આ લખાયેલું છે." તરત જ એ શકીરા સામે જોઈને બોલી," તમે ચિંતા ન કરો. આધ્યા છે ને?"

શકીરા સ્મિત વેરતા બોલી," એ તો છે જ એટલે તો આ શકીરા હાઉસ ટકી રહ્યું છે..." કહેતી શકીરા એનાં ખભા પર હાથ મુકીને કંઈ ઈશારો કરીને ત્યાંથી નીકળી ગઈ એ સાથે જ કોઈ લગભગ નવયુવાન જેવો કદાચ માંડ પચ્ચીસ ત્રીસ વર્ષનો હોય એવો યુવાન બ્લેક કલરની ટી-શર્ટ અને બ્લુ રંગનાં બ્રાન્ડેડ જીન્સમાં, પગમાં મોંઘાદાટ શુઝ પહેરીને આવેલો એક હેન્ડસમ યુવાન દેખાયો. કોણ જાણે પહેલીવાર આટલાં સમયમાં આધ્યાની નજર કોઈ પર ઠરી.

પણ એને આશ્ચર્ય એ થયું કે અહીં આવતાં લોકોમાં મોટે ભાગે આધેડ વયનાં એટલે કે ચાલીસ આસપાસનાં જ પુરૂષો હોય પણ આજે આવો નવયુવાન અહીં? પણ પછી એણે બહું વિચારોને પડતાં મૂકીને એ સામે રહેલાં રૂમ તરફ જવાં માટે વિચાર્યું. ત્યાં જ બે ડગલાં ચાલી કે એક ધડામ કરતી એ ભોંય પર ફસડાઈ પડી...!

*********

એક રૂમમાં સફેદ પડદાં લટકતાં હવામાં ઝૂલી રહ્યાં છે. ઠંડો પવન લહેરાઈ રહ્યો છે. છતાં આધ્યાની આંખો પર હજું પણ ભાર વર્તાઈ રહ્યો છે. કેટલો સમય વીત્યો એ તો ખબર નથી પણ અચાનક એનાં મનમાં કંઈક થયું કે એ બંધ આંખોએ બબડાટ કરતાં બોલી, " અરે બાપ રે, એ ચાલ્યો તો નહીં ગયો હોય ને? મેડમે કહ્યું હતું કે... નહીંતર મારી આવી બનશે...ખબર નહીં આજે તો શું થશે? ફરી એ પટ્ટાના માર? નહીં.. નહીં..આજે સહન નહીં થાય..." કરતી એ બંધ આંખોએ જ ધ્રુજી ઉઠી. ત્યાં જ તો કોઈએ એનો એક હાથ પકડીને કંઈ પણ બોલ્યાં વિના સ્પર્શ કર્યો. એ સાથે જ આધ્યામાં કોઈ નવી ચેતનાનો સંચાર થયો હોય એવું લાગ્યું.

આધ્યાએ મહાપરાણે આંખો ખોલી તો એની સામે એ જ નવયુવાન છે જેને એણે બહાર ઉભેલો જોયો હતો. એણે આજુબાજુ નજર કરી આ એજ રૂમ છે જ્યાં એનો આ સમયે સૂવાનો નિત્યક્રમ છે. રૂમનો દરવાજો બંધ છે...એને જોતાં જ એણે ઉભાં થવાનો પ્રયાસ કર્યો પણ એ ઉભી ન થઈ શકી. એ ચિંતામાં આવી ગઈ કે આટલી અશક્ત અવસ્થામાં એ આજે શું કરી શકશે? આજનાં પૈસા ક્યાંથી લાવશે? મનમાં વિચારતી એ યુવાન તરફ વિવશતાથી જોઈ રહી...!

કોણ હશે આધ્યા? આવનાર નવયુવાન કોણ હશે? શું થયું હશે આધ્યા સાથે? શકીરા હાઉસમાં આખરે શું થઈ રહ્યું છે? એક નવી રોમાંચ ભરી સફરને માણો, આરોહ અવરોહ - ૨ સાથે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED