Ascent Descent - 70 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 70

પ્રકરણ - ૭૦

લગભગ બપોરના એકાદ વાગ્યે પુનામાં રંગવિલાસ સોસાયટીમાં એક 'આર્યશ્વેતા' નામનાં બંગલાની સામે એક મોટી ગાડી ઉભી રહી. એ એક નાનકડો પણ સુંદર આકર્ષક દેખાતા આ બંગલાને મિસ્ટર આર્યન સહિત બધાં જ જોઈ રહ્યાં. પણ મિસ્ટર આર્યનની નજર એ નેમપ્લેટ પર અટકી ગઈ. પછી તરત જ એમણે વિચાર્યું કે એવું પણ બની શકે ને કે કદાચ એનાં પતિનું નામ આવું કંઈ હોય. એમ વિચારીને એમણે તરત જ મન વાળી દીધું.

આધ્યા બોલી, " કર્તવ્ય, મમ્મી અહીં રહે છે? તું એને મળ્યો છે?"

કર્તવ્ય બોલ્યો, " ના હું નહીં. પણ હોપ સો... આજે બધું સારું થાય. કહીને બધા બંગલાના ગેટ પાસે પહોંચ્યા. ત્યાં એક મેઈનગેટ પાસે બેસેલા વોચમેન બોલ્યાં, " આપ કોણ? આપનું નામ? તો હું અંદર જણાવું."

મિસ્ટર આર્યન કંઈ બોલવા ગયાં પછી અટકી ગયાં. કર્તવ્ય સમજી ગયો એ બોલ્યો, " ચાચા...શ્વેતામેમને મળવું છે. એમને કહેજો કે થોડાં દિવસ પહેલાં કર્તવ્ય મહેતા સાથે વાત થઈ હતી એ મળવા આવ્યાં છે."

 

વોચમેને સાઈડમાં જઈને એક ફોન લગાડ્યો. આધ્યા ત્યાં જ બોલી, " કર્તવ્ય આપણે અંદર જઈને આપણી સાચી ઓળખ આપવાની છે કે નહીં?"

 

" સાચી ઓળખ મતલબ? કંઈ સમજાયું નહીં."

 

"મારો મતલબ છે કે કદાચ એની પણ નવી દુનિયા એનો પરિવાર હશે. કદાચ એની સામે મારી કે મિસ્ટર આર્યનની કોઈ ઓળખાણ થાય ને કદાચ.... એની લાઈફમાં કોઈ ઝંઝાવાત સર્જાય! "

 

કર્તવ્ય હસીને બોલ્યો," હમમમ..એ તો છે. આને કહેવાય દીકરી... આપણે કોઈ સામેથી ફોડ પાડીશું નહીં. અંદર ગયા પછી અંદરનું વાતાવરણ જોઈને એમનાં વર્તન પરથી કંઈ આગળ વાત કરવાનું વિચારીશું."

 

એટલામાં જ વોચમેન આવીને બોલ્યો, " બે જ મિનિટ ઉભા રહો...મેડમ આવે છે."

 

બધાં અંદરની તરફ દરવાજો ખુલે એની રાહ જોવા લાગ્યાં ત્યાં તો બહારની તરફ એક મોટી વાઈટ કાર આવીને ઉભી રહી. બધાં એ તરફ જોવા લાગ્યાં. એમાથી દુપટ્ટો બાંધીને એક સ્ત્રી બહાર આવી. એની સાથે જ એક જીન્સપેન્ટમા યુવાન દેખાતી છોકરી પણ બીજી બાજુથી દરવાજો ખોલીને બહાર આવી. બંનેએ બધાને જોયાં. કદાચ બંનેએ દુપટ્ટો પહેરેલો હોવાથી કોઈનો ચહેરો જોઈ ન શકાયો. પણ કદાચ મિસ્ટર આર્યન શ્વેતાને ઓળખી ગયાં. એ કદાચ હાલ કોઈ સાથે નજર ન મિલાવવા ઈચ્છતી હોય એમ એક ઉડતી નજરે બધાને જોઈને ફક્ત એટલું જ કહ્યું, " આવો અંદર બધાં." અને તરત જ દરવાજો ખોલીને બંગલામાં પ્રવેશી. સાથે જ એ છોકરી પણ...

 

બધાં અંદર પ્રવેશ્યાં. મિસ્ટર આર્યનની જાહોજલાલીની સરખામણીમાં સાવ નાનું કહી શકાય પણ છતાં અંદરથી સારો એવો મોટો અને સુંદર ઈન્ટિરિયર વાળો હોલ દેખાયો. નાનકડું પણ કોઈને પણ આકર્ષિત કરે એવું સાથે જ એક અજીબ શાંતિ આપે એવું ઠંડકવાળુ વાતાવરણ છે.

 

આધ્યાને એની મમ્મીને જોવાની ઈચ્છા થઈ. બધાં ત્યાં ઊભાં જ રહ્યાં ત્યાં જ એક છોકરીએ આવીને કહ્યું," અરે બેસોને. કેમ ઊભા છો." બધાં ત્યાં સોફા પર બેઠાં. પણ કદાચ એક અજીબ ચુપકીદી છવાયેલી રહી. એ છોકરીએ બધાને પાણી આપ્યું. પણ ખબર નહીં એ આધ્યા સામે અછડતી નજરે વારંવાર જોઈ રહી.

 

ત્યાં જ જાણે સહુનું મૌન તોડતી હોય એમ ઉપરથી સીડીઓ ઉતરીને એક સ્ત્રી નીચે આવી. એ બીજું કોઈ નહીં પણ શ્વેતા છે એ તો બધાને ખબર પડી ગઈ. બધાંની આખો શ્વેતાને જોવામાં અટકી ગઈ. જ્યારે એ છોકરી શ્વેતા અને આધ્યાને વારાફરતી નીરખી રહી છે. એ આવીને એક ખુરશી પર બેઠી. એણે સાહજિક રીતે બધાનાં ખબર અંતર પૂછયા. આધ્યાની આખો તો ત્યાં જ અટકી ગઈ. અદ્દલ એના જેવી જ દેખાઈ રહી છે. આધ્યાની આખો જાણે એને ઉભી થઈને ભેટી લે એવું ઈચ્છી રહી છે. પણ કોણ જાણે હવે શું થશે એ વિચારે એ પોતાની લાગણીઓને સંકોરીને બેસી રહી છે.

 

કર્તવ્યને ખબર છે કે કદાચ કોઈ વાત શરું કરી શકે એમ નથી. એને એમ પણ થયું કે કદાચ બધાને સાથે એ ન લાવ્યો હોત તો વધારે સારું થાત! કદાચ એકબીજાથી ખચકાટ અનુભવી રહ્યાં છે. પણ એ વર્તમાન પરિસ્થિતિને સંભાળીને કર્તવ્ય બોલ્યો, " આન્ટી હું કર્તવ્ય... તમારી સાથે વાત થઈ હતી ને."

 

" હા બેટા..."

 

" આ છે આધ્યા...અને આ પાયલઆન્ટી મિસ્ટર આર્યનની પત્ની."

 

શ્વેતાને કદાચ મિસ્ટર આર્યનની ઓળખની કોઈ જરૂર નથી એ તો બધાંને ખબર છે.

 

શ્વેતાએ એ છોકરીને કહ્યું, " સલોની તારે બેસવું હોય તો બેસ અહીં અને ઉપર રૂમમાં જવું હોય તો પણ વાંધો નથી."

 

સલોનીની આખોમાં ઘણાં સવાલ છે છતાં પણ એક મેચ્યોર છોકરીની જેમ કદાચ પરિસ્થિતિને સમજીને એ "ઓકે...તો હું મારું કામ પતાવી દઉં. કામ હોય તો બોલાવજો." કહીને કોઈ એવાં સંબોધન વિના ઉપર જતી રહી.

 

કર્તવ્ય એ કહ્યું, " આન્ટી તમારાં ફેમિલીમાં કોણ છે? તમે અહીં જ રહો છો?"

 

" હું અને સલોની."

 

"મતલબ તમે અને તમારી દીકરી. એમ ને? પણ ઘર બહું સરસ છે મને તો ગમી ગયું. એક શુકુન મળે છે અહીં."

 

હવે કદાચ આધ્યાથી ચૂપ ન રહેવાયું. એ બોલી, " હા મમ્મી...પણ તું..." કહેતાં જ આધ્યાની આખો ભરાઈ આવી. સામે કદાચ શ્વેતાની સ્થિતિ પણ કમ નથી પણ કદાચ એ સમય અને સંજોગો મુજબ લાગણીઓને કાબુમાં રાખતાં શીખી ગઈ હોય એમ આસુંનુ એક ટીપું પણ બહાર ન આવવા દીધું. પણ એ સહુની જાણ બહાર પણ ન રહ્યું.

 

એક વાત છે કે શ્વેતા દરેક વાતનો સ્પષ્ટ જવાબ આપી રહી છે એ કંઈ પણ છુપાવવાનો પ્રયાસ નથી કરી રહી.

 

એ બોલી, " હા મારાં પરિવારમાં હું અને સલોની જ છીએ. એ મારી દીકરી જેવી જ છે. એને મેં એવી રીતે જ રાખી છે પણ એ મારી દીકરી નથી. હું છેલ્લા બાવીસ વર્ષથી અહીં જ રહું છું."

 

શ્વેતાના જવાબ પરથી એને લગ્ન કર્યા છે કે નહીં કે આ સલોની કોણ છે એ ખબર નથી પડતી. પણ ધીમેધીમે ખબર પડશે એ વિચારે બધાં ચૂપ રહ્યાં.

 

શ્વેતા આધ્યાની સ્થિતિ પરથી સમજી રહી છે કે કદાચ એ એની નજીક આવવા મથી રહી છે અને કદાચ એની આંખોમાં ઘણાં સવાલોની કતાર પણ છે. પાયલ સમયને સંભાળતા બોલી, " આર્યન મારી એક ફ્રેન્ડ અહીં જ ક્યાંક રહે છે હું એની સાથે વાત કરીને એને મળીને આવું તો? તમે બધાં શાંતિથી વાતચીત કરો."

 

"અરે આટલે સુધી આવીને આમ થોડું ચા પાણી લીધાં વિના પણ નીકળી જવાય? પાયલબેન, તમારે ક્યાક જવાની જરુર નથી. તમે આ એરિયામાં જાણતા પણ નહીં હોવ. ખોટું બોલીને ક્યાં અટવાશો? અમને સ્પેસ આપવા તમે પોતાની જગ્યા શું કામ ખાલી કરો છો? સંબંધો તો લેખાંજોખાં હોય ત્યાં જ બંધાય અને નીભાવાય છે. તમે શાંતિથી બેસો. સંબંધો બદલાયા છે સમય બદલાયો છે. એમ બધું જ બદલાયું છે. ભવિષ્યમાં શું થશે એ ખબર નથી પણ તમારી જગ્યા માટે અસુરક્ષિતતા અનુભવવાની કોઈ જરૂર નથી."

 

પાયલ તો શ્વેતાની સમજદારી અને સ્પષ્ટ કહેવાની રીતને જોતી જ રહી.

 

કર્તવ્ય બોલ્યો," આન્ટી આધ્યાને તમને મળવું છે જો તમે કહો તો...."

 

શ્વેતા કંઈ પણ કહે કે એ પહેલાં જ મિસ્ટર આર્યન શાંતિથી થોડું ખચકાતા બોલ્યાં, " સોરી કર્તવ્ય પણ એ પહેલાં હું શ્વેતાને મળવા માગું છું જો શ્વેતાની ઈચ્છા હોય તો..."

 

શ્વેતા થોડીવાર ચૂપ રહી. પછી બોલી, " ઠીક છે. પણ પાયલબેનની પરમિશન લેવી જરૂરી છે." કહીને એ એક નિર્દોષ સ્મિત કરવા લાગી.

પાયલ : " મને બધી જ ખબર છે. સાચું કહું સવારે નીકળી ત્યારે મનમાં ઊડે ઊડે એક ડર સતાવી રહ્યો હતો પણ હવે શ્વેતાબેન તમને મળીને કદાચ એ બધો જ ગાયબ થઈ ગયો છે.." આમ પણ મેં ક્યારેય એમને બાધ્યા નથી. કારણ સંબંધોમાં મોકળાશ મળે તો સ્વતંત્ર રીતે શ્વાસ લેવાય બાકી તો બહાર સંબંધ સચવાય અને અંદર તો ગુંગળામણ જ થાય એ હું સારી રીતે સમજું છું. તમે મળી શકો છો એ પણ તમે તમારી રીતે મને કોઈ વાંધો નથી."

બધાં જ સમજું અને કોઈની પણ લાગણી સમજી શકે એટલાં મેચ્યોર પણ છે એટલે કોઈનાં મનમાં એવું કંઈ લાગ્યું નહીં. શ્વેતાએ કહ્યું," આર્યન તમે અહીં સામે રૂમમાં આવી શકો છો." કહીને એણે સાઈડમાં જઈને એક ફોન કર્યો થોડી વાતચીત કરીને પછી એ રૂમમાં ગઈ.

શ્વેતાની પાછળ જતાં જ મિસ્ટર આર્યનના મનમાં એક અજીબ ઝંઝાવાત અનુભવાઈ રહ્યો છે. એનો સૌથી મોટો સવાલ છે કે જે આધ્યા વિશે. હકીકત સાંભળ્યા પછી શું થશે એ વિચારીને જ હચમચી ગયાં... પૈસાથી બધું જ કરી શકાતું નથી...ન ભૂતકાળ બદલી શકાય કે મીટાવી શકાય છે... એ એમને સારી રીતે સમજાઈ રહ્યું છે...ભગવાન હવે તું જ કંઈ કરજે...એમ વિચારીને મન મક્કમ કરતાં એ અંદર પહોંચી ગયાં...!

શું હશે શ્વેતાનુ જીવન? એ મિસ્ટર આર્યનને માફ કરી શકશે? આધ્યાના જીવનમાં શું થશે? કર્તવ્યની આધ્યા તરફની લાગણી અચાનક કેમ બદલાઈ ગઈ હશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૭૧

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED