Ascent Descent - 68 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 68

પ્રકરણ - ૬૮

મિસ્ટર આર્યન બોલ્યા, " કર્તવ્ય આવું ન બોલ બેટા? બધું સમુસુતરું ઉતરી રહ્યું છે ત્યારે તું કેમ આવી વાત કરે છે? મારી ભૂલ છે ભયંકર મોટી ભૂલ છે પણ હું એને મનાવી લઈશ. જરૂર પડશે તો હું એને કરગરીશ, પગે પડીને માફી માગીશ... બસ પણ પ્લીઝ તું મને એની પાસે લઈ જા."

કર્તવ્ય શાંતિથી બોલ્યા, " એમનાં મનમાં શું હોય એ તો મને શું ખબર? પણ કોઈ પણ સ્રી આ સવાલ તો કરે જ ને?"

"તારી વાત સાચી છે. પણ શ્વેતાનો પણ પરિવાર હશે ને? એનો પણ કોઈ પતિ કે બાળકો હશે જ ને? એ ક્યાં છે એટલું તો કહે હું બધું સંભાળી લઈશ."

"પૂના.." પણ અને માટે મને લાગે છે ત્યાં સુધી હવે પાયલ આન્ટીને પહેલા આ વાત કરી દેવી જોઈએ. એ તમારી પત્ની છે જો એમની સહમતિ હોય તો... કારણ કે એ સ્ત્રી પણ તમારાં ભરોસે ઘરે બેઠી તમારી અને આધ્યાની રાહ જોઈ રહી છે."

"હા એને આધ્યાની તો ખબર છે મને વિશ્વાસ છે કે એ ના નહીં પાડે. એણે તો મને એ વખતે પણ બીજાં લગ્ન માટે હા પાડેલી."

"અંકલ એ વર્ષો પહેલાની વાત છે. હવે એ સ્ત્રી ફક્ત તમારાં સહારે છે. મેં જ્યાં સુધી એમની સાથે વાત કરી છે કદાચ એમનાં કારણે જ તમે હજુ સુધી મનથી પણ અડીખમ રહી શક્યા છો. અને કોઈ પણ સ્ત્રી પોતાના જીવનમાં કોઈ પણ તકલીફ સહન કરી શકે પણ એનાં પતિનાં જીવનમાં બીજી સ્ત્રી ક્યારેય નહીં... એ તો તમને પણ ખબર જ છે!"

 

" હા, તો પહેલા પાયલને વાત કરીશ બસ...પણ તું સમજે છે એવું નથી મારાં મનમાં શ્વેતા માટે એક અલગ પ્રકારનો વિચાર છે. પણ આધ્યા ક્યાં જતી રહી? એ મને નહીં અપનાવે તો?"

 

"એને હું મનાવીશ..." કહીને કર્તવ્ય ત્યાંથી બહાર નીકળી ગયો.....!

**********

અંતરા કર્તવ્યના ઘરે હોલમાં આટા મારી રહી છે એ જોઈને દીપેનભાઈ બોલ્યાં, " શું થયું બેટા કંઈ ચિતામાં છે?"

 

"અંકલ મને એમ થાય છે કે હું ક્યાં સુધી આમ તમારાં પર બોજ બનીને રહીશ? મને નથી લાગતું કે કોઈ મને અપનાવે? આખરે ન જ અપનાવે એમાં કોઈનો કંઈ વાક નથી. મારા જેવી છોકરીને તમે દીકરીની જેમ ઘરમાં આટલાં દિવસ રાખી છે એ જ બહું મોટી વાત કહેવાય."

 

દીપેનભાઈએ શિલ્પાબેનને અંતરાને સમજાવવા કિચનમાંથી બોલાવ્યા અને ટીવીમાં અમસ્તાં જ એમની આદત મુજબ ન્યુઝ શરું કર્યાં ત્યાં એમના આશ્ચર્ય વચ્ચે બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યાં છે ટોપના લગભગ પચ્ચીસેક બિઝનેસમેનની ધરપકડ કરાઈ છે. એમનાં બધાનાં ચહેરા ઢંકાયેલા દેખાઈ રહ્યાં છે નામ પણ નથી બતાવતાં. આની પાછળ કોનો હાથ છે કે પછી એમણે એવું શું કર્યું છે એ હવે જોવાનું છે...? આવાં સતત આવી રહેલાં ન્યુઝને કારણે દીપેનભાઈએ તરત જ કર્તવ્યને ફોન કર્યો. પણ એણે તો ફોન ન ઊઠાવ્યો. પણ એટલી વારમાં જ રાતનાં સમયે કોઈએ ડોરબેલ વગાડી.

 

દરવાજો ખોલતાં જોયું તો વર્ષાબેન દેખાયા. શિલ્પાબેન આટલાં દિવસથી ઘરે નહોતાં આવ્યાં ફક્ત અંતરાને કારણે... એમણે ફોન કરવાનું પણ બહું ઓછું કરી દીધું હતું. પણ આજે કોઈ જાણ કર્યા વિના અહીં આવેલા જોઈને દીપેનભાઈ પણ થોડાં ગભરાયા.

 

વર્ષાબેનનો ચહેરો ઊતરેલો દેખાઈ રહ્યો છે. એકદમ શાંત અને મક્કમ ચહેરા સાથે ઉભાં રહ્યા પછી એ કંઈ પણ બોલ્યાં વિના અંદર આવી ગયાં. એમણે સામે અંતરાને ઉભેલી જોઈ. એમને જોતાં જ અંતરા ઉપર તરફ જવા લાગી. પણ બધાનાં આશ્ચર્ય વચ્ચે વર્ષાબેને બૂમ પાડીને કહ્યું," અંતરા બેટા તું ક્યાં જાય છે? હું તારાં માટે તો આવી છું."

 

વર્ષાબેનના અંતરાને બેટા કહેવાથી ચોકી ગઈ. એનાં પગ જાણે થંભી ગયાં. પોતે આ સ્વપ્ન જોઈ રહી છે કે હકીકત એ સમજાયું નહીં. શિલ્પાબેન પોતે પણ વિચારવા લાગ્યા કે આટલા દિવસ એમણે કેટલું સમજાવ્યું હતું પણ એ માનવા જ તૈયાર નહોતાં, છેલ્લે તો ગુસ્સામાં એવું પણ કહી દીધેલું કે મારી જગ્યાએ તમે હોવ તો એને દીકરી તરીકે અપનાવત ભાભી? એવું હોય તો તમે જ કેમ એને દીકરી તરીકે નથી સ્વીકારી લેતા?

 

આ વાતથી શિલ્પાબેનને ખરાબ પણ લાગેલું પણ દિપેનભાઈ સિવાય એમણે કોઈને વાત નહોતી કરી. એમને કોઈ આશા ન રહેતા એમણે મનોમન અંતરાને દીકરી તરીકે અપનાવવાનું પણ વિચારી લીધું હતું ઊતરી કે કર્તવ્ય એને એમ જવા ન જ દેત એ પણ એમને ખબર હતી.

 

વર્ષાબેન બોલ્યા, " હા તને જ બોલાવું છું બેટા."

 

શિલ્પાબેને અંતરાને આંખોથી ઈશારો કરતાં અંતરા નીચે આવી. વર્ષાબેન એની નજીક જઈને સીધું જ બોલ્યાં, " તું મારા ઘરે દીકરી બનીને આવીશ ને?"

 

ઉપરથી આવી રહેલી કોમલ પણ આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ.

 

અંતરા તો કંઈ બોલી ન શકી. વર્ષાબેને પ્રેમથી એનો હાથ પકડીને કહ્યું, " બેટા આટલાં દિવસ મેં તારાં વિશે બહું વિચાર્યું, તારાં માટે ઘણું ખરાબ પણ વિચાર્યું આખરે મારી દીકરીએ જ મારી આંખો ખોલી દીધી. કારણ કે આટલાં વર્ષો જે કંઈ પણ બન્યું એમાં તારો કોઈ વાંક નથી. કદાચ મારામાં જ કંઈ એમને સાચવવાની ઉણપ આવી હશે બાકી કોઈ તકલીફ વિના આપણું માણસ બહાર જાય નહીં એ પણ મને સમજાયું. હું કદાચ દુનિયાની સેવા કરવામાં પોતાનાં માણસને પ્રેમ આપવાનો સમય ન નીકાળી શકી હોવ એવું પણ બની શકે. પણ એ પણ છે કે આટલાં વર્ષો આ બધું હોવા છતાં અમને કોઈ દિવસ કોઈ તકલીફ નથી આવવા દીધી. પણ જે હોય તે હવે બધું જ ભૂલીને એક નવું જીવન શરું ન કરી શકીએ?"

 

શિલ્પાબેન ખુશ થઈને બોલ્યાં, " મને ખબર હતી કે તમે માનશો જ..."

 

" ભાભી મને માફ કરી દો. એક તો દિલીપની સાથે અચાનક આ બધું બનવું, વળી મન પર આવેલો આ આઘાત હું થોથવાઈ ગઈ હતી. મારું મન ચકડોળે ચડી ગયું હતું. હું કંઈ વિચારી શકું એમ નહોતી. વળી એ સમયે ઉત્સવ અંતરાને લાવવા માટે વારંવાર કહી રહ્યો હતો. મેં તમને એ દિવસે ગુસ્સામાં ન કહેવાનું કહી દીધું. પણ પછી મને પસ્તાવો થયો. એ પણ દિલીપની દીકરી છે એમની સંપતિ પરિવાર બધાં જ પર એનો પણ એટલો જ હક બને છે.

 

એના પર જે વીત્યું છે એ કોઈનાં પર ન વીતે. મને પોતાને થયું કે સમાજસેવા માટે આટલું લડતી હું પોતે જ્યારે અંતરાને હવે દિલીપની ગેરહાજરીમાં દીકરી તરીકે અપનાવી ન શકુ તો મને એ બધું કરવાનો કોઈ જ હક નથી કારણ કે જ્યારે પોતાનાં પર આવે ત્યારે જ સમજાય છે કે અમૂક હકીકત જીવનમાં સ્વીકારવી કેટલી અઘરી અને તકલીફદાયક હોય છે. પણ હવે તમારી પરવાનગી હોય તો હું એને સન્માનસહિત મારા ઘરે લઈ જઈ શકું?"

 

દીપેનભાઈ હસીને બોલ્યા," સહુ સારા વાનાં થશે હવે તો. બસ તું માની ગઈ એ બહું છે બાકી અંતરાને તો અમે દીકરી માની જ દીધી છે. પણ માફ કરજે પણ તું એને આમ અહીંથી લઈ નહીં જઈ શકે."

 

વર્ષાબેન થોડા વિચારમાં પડી ગયાં એમણે કહ્યું, " કેમ? હું એને મારી ઉર્વીની જેમ જ રાખીશ. ભલે ઉત્સવ એનો ભાઈ થાય તો પણ એને હું એ રીતે એની સાથે કોઈ દેવ છૂટછાટ નહીં લેવા દઉં. એને હું મજબૂત બનાવીશ. હવે એણે એક પણ વસ્તુ સહન નહીં કરવી પડે. એનો પણ એ ઘરમાં ઉર્વી જેટલો જ હક રહેશે. તો પછી શું વાંધો છે હવે ભાઈ?"

 

દીપેનભાઈ : " મારો મતલબ એવો નથી. પણ કર્તવ્ય એને અહીં લઈને આવ્યો છે એની પરવાનગી અને હાજરી વિના અમે અંતરાને મોકલી નહીં શકીએ."

 

" તો કર્તવ્ય ક્યાં છે? હજુ ઓફિસથી આવ્યો નથી?"

 

દીપેનભાઈ બોલ્યાં, " એ બે દિવસ પછી આવશે...એટલે બેન તારે રાહ જોવી પડશે."

 

" એટલે એ ક્યાંય બહાર ગયો છે?"

 

"હા કોઈ બિઝનેસના કામથી...આવે એટલે ચોક્કસ ઘરે લઈ જજે. બાકી આ ઘર પણ એનું છે જ ને...જેમ તારું પણ છે. બાકી અંતરા આટલાં દિવસથી આવી છે અમારું ઘર જાણે હર્યુભર્યુ થઈ ગયું છે."

 

"હમમમ... સારું." પણ દીપેનભાઈની વાત સાંભળીને શિલ્પાબેન પણ એમની સામે જોવા લાગ્યાં કારણ કે કર્તવ્ય બે દિવસ ઘરે નથી આવવાનો એની કદાચ એમને પણ ખબર નથી.

 

આ સાંભળીને અંતરા બોલી, " અંકલ થેન્કયુ પણ કર્તવ્યભાઈનાં કહ્યા સિવાય હું પણ જવાની નહોતી કારણ કે મને આટલું બધું મારી સાથે બન્યાં બાદ એ એક એવી વ્યક્તિ છે જેની પર હું ભરોસો કરી શકી છું..." વર્ષાબેન પણ બોલી ઉઠયાં, " સાચી વાત કહું ભાઈ ભાભી, કર્તવ્યને ખરેખર કુદરતે બહું ફુરસદમા ઘડ્યો હશે.....આવો દીકરો જેને મળે એનું જીવતર ધન્ય બની જાય." આ સાંભળીને શિલ્પાબેન અને દીપેનભાઈ સંતોષ અને સ્મિત સાથે એકબીજાની સામે જોઈ રહ્યાં!

 

ક્યાં હશે શ્વેતા? એ મિસ્ટર આર્યનને માફ કરી શકશે? આધ્યા એના પિતાને અપનાવશે? કર્તવ્ય અને આધ્યાના સંબંધનું શું થશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED