MAANAS CHOMASU BANI GAYO books and stories free download online pdf in Gujarati

માણસ ચોમાસું બની ગયો..!

માણસ ચોમાસું બની જાય ત્યારે..!

વડવાઓ ખજાનો ભલે ના મૂકી ગયા હોય, પણ કહેવતો એવી મૂકી ગયેલા કે, જીવવા માટે ધર્મગ્રંથો નહિ ઉથલાવીએ તો પણ કંઈ લુંટાય નહિ જાય. છડે ચોક કહી ગયાં છે કે, ‘આભ અને ગાભનો કોઈ ભરોસો નહિ..!’ એના ચોઘડોયા પણ ના હોય ને ટાઈમ ટેબલ પણ ના હોય..! જ્યારથી અક્કલના ફળ આવ્યા છે, (આ મારી માન્યતા છે..!) ત્યારથી મને એટલી જ ખબર કે, પાતાળમાંથી પ્રગટે એને પાણી કહેવાય, ને આકાશમાંથી ટપકે એને વરસાદ કહેવાય..! પાતાળમાંથી ફૂવ્વારો છૂટે તો ચોમાસું બેઠું એમ ના કહેવાય. એક વાત છે, રાજાઓ ના રાજપાટ મુકાવ્યાની વાતો મને કબુલ, પણ સચ્ચી કહું તો, બે રાજા પાસે રાજપાટ મુકાવવા ના યાર બાકી રહી ગયેલા. એક વરરાજા ને બીજો મેઘરાજા..! તેથી સમય આવે ત્યારે બને એવાં રાજાપાઠમાં આવી જાય કે, પવન જોઇને સૂપડું ફરવાને બદલે, સૂપડું જોઇને પવન ફેરવાય જાય. ક્યારેક તો મગજ ફેરવી નાંખે યાર..! રાજાપાઠમાં આવીને વરરાજા ભલે, માથે ફેંટો ચઢાવે, ઝમકદાર ઝબુકીયા પપલાવે, મારામારી કરવાના હોય એમ, હાથમાં મજબુત કલગીને ધારદાર તલવાર રાખે, બોલતી બંધ રાખવા ગલોફાંમાં રસાદાર કલકત્તી પાન રાખે, જરકસી જામાના ભાડેના વાઘા ચઢાવે, કે કાઠી-દરબારના જાતવાન ઘોડાને જામીન રાખી વરઘોડો કાઢે, એ ‘બધું જ ઝાકમઝોળ જોઇને એમ થાય કે, ‘એક દિનકા સુલતાન’ માં જો આટલો પાવર હોય તો, રાજા-રજવાડાની જાહોજલાલી કેવી હશે? એને સમજાવે કોણ કે, ઘરે જઈને જોરૂકા ગુલામ બનવું પડે તો ડરતો નહિ..! એ ટેમ્પરરી રાજાને ખબર નહિ કે, વરઘોડો નીકળે ત્યારે સાજન-માજન આગળ હોય, સ્મશાન યાત્રા નીકળે ત્યારે પબ્લિક પાછળ હોય..!

વરરાજા ને મેઘરાજાની મથરાવટી તો જુઓ..? વરરાજાને રાજાપાઠમાં આવવું હોય તો, ચોઘડિયાં ફંફોળવા પડે, ત્યારે મેઘરાજાને આવાં ચોખલિયા જ નહિ ફાવે. વરરાજાની માફક એ ‘બહુરૂપી’ બનતો નથી. મગજમાં એકવાર વીંછુ ભરાયો તો, ગાજ-વીજ-વરસાદ-પવન-વાવાઝોંડાના લાવ-લશ્કર સાથે, એવો તૂટી પડે કે, આખી મૌસમ બદલી નાંખે..! બારેય મેઘ ખાંગા કરીને વરસનો ક્વોટા અઠવાડિયામાં પૂરો કરી નાંખે. એવો ખાબકે કે, છત્રી કાગડો બની જાય, ને માણસ ચોમાસું .! ને નહિ વરસે તો, મેહુલો પણ ગવડાવે, ને છત્રી-રેઈનકોટ ને બદલે પાણીના ડોલચા લઈને બહાર દોડવું પડે. પંચાંગમાંથી આખું ચોમાસું પણ ગાયબ થઇ જાય..!

આજે મને એવો ફાંકો ચઢ્યો કે, સંગીત સમ્રાટ તાનસેન જો મલ્હાર રાગ છેડીને વરસાદ તોડી પાડે, વરસાદનો હાસ્ય-લેખ લખતાં-લખતાં મારે પણ મેઘને વરસાવવો છે..! કઠણાઈ એવી આવે કે, મેઘ તો નહિ વરસ્યો, પણ વાઈફની ત્રાડથી પાણી-પાણી થઇ ગયો..! પરસેવામાં પલળે એને ચોમાસાનો કરિશ્મો થોડો કહેવાય? પણ એને હથિયાર હેઠા મૂકી દેવા પડ્યા દાદૂ..! મન મનાવી લેવું પડ્યું કે, ‘ક્યાં તાનસેન ને ક્યાં આપણે કાનસેન..!’ વરસાદ એ કોઈ સસરાએ આપેલો માલ થોડો છે કે, આપણું કહેલું કરે..! ચમચી ભરીને પણ વરસાદ નહિ આવ્યો. ને કદાચ આવે તો પણ શું..? એનાથી વધારે તો આંસુડાએ ગાલ વધારે ભીંજવ્યા હોય..! પરસેવાએ ગંજી ને અન્ડરવેર વધારે ભીના કર્યા હોય..! સ્વીકારી લીધું કે, સાસુ-આંસુ ને ચોમાસું, વરસે તો મન મુકીને વરસે, ને નહિ વરસે તો, જાતવાન મરદ પણ બળદ બની જાય. ‘વર્ષાઋતુ’ વિષે ઢગલો નિબંધ લખીને આંગળીએ ભલે મોટાં આંટણ પાડ્યા હોય, પણ વરસાદ વરસે જ નહિ તો થાય શું..? પહેલો દુકાળ તો વોશરૂમમાં જ આવે..! ન્હાવાની વાત તો પછી, કોગળા પણ નહિ કરાય ને પોતા પણ નહિ થાય..! શ્રીશ્રી ભગો કહે એમ, એક સમયે કેવી કૃપા હતી કે, ચોમાસું બેસે તે પહેલાં છત્રી-રેઇનકોટ વગેરે ‘કમાન્ડો’ ની માફક ઘરમાં આવીને ગોઠવાય જતાં. રેડિયા પણ વર્ષાઋતુના ગીતોથી વાતાવરણને એવો પાનો ચઢાવતાં કે, વાછટથી માણસ થથરતો. માણસ ખેડૂત બની જતો, ને ઘરબાર છોડીને ખેતરે ગોઠવાય જતો. આજે તો મેઘાવી માહોલ બંધાય, પણ મિસડીલીવરી..! ભલીવાર કંઈ નહિ. પિયર ગયેલી પત્નીની ગાડી, પિયરમાં જ લોક્ડાઉન થઇ હોય એમ, ચોમાસું એરોપ્લેનની માફક માથે ઘુમરાયા કરે પણ લેન્ડીંગ નહિ કરે...!

‘વર્ક, વેધર અને વાઈફ’ એ ત્રણેય આપણે ત્યાં જ ફાવેલા. બાકી વિદેશમાં ત્રણેયના ભરોસા ઓછાં. આપણે ત્યાં વેધર ફર્સ્ટ ક્લાસ, વર્ક ફર્સ્ટ ક્લાસ, વાઈફ ફર્સ્ટ ક્લાસ..! વિદેશ જેવું નહિ કે ઓન લાઈનનો માલ હોય એમ વાઈફ બદલાયા કરે. વાઈફને મંગળસૂત્ર જ એટલું જાડું ને મજબુત પહેરાવે કે, ક્રીઝ છોડે જ નહિ. કડવા ચોથ કરીને ધણીને મરવા પણ નહિ દે, ને વટ સાવિત્રીની પૂજા કરીને સાત જનમનું લાયસન્સ રદ કરવા પણ નહિ દે..! પ્રેમ કરવા બેઠો તો સાત જનમનો ક્વોટા એક જનમમાં જ પૂરો કરી નાંખે..! વરસાદ તે વરસાદ છે દાદૂ..! વરસાદમાં પ્રીતમની યાદમાં પલળીને નીચોવાની પણ એક મઝા છે..! મન મોર બનીને એવું થનગનાટ કરવા માંડે કે ઘડીક એમ થાય કે, રાજપાટનો ત્યાગ કરીને મેઘરાજા હૈયાનો ‘ઘર-જમાઈ’ બને તો કેવું સારું..? વરસાદ નહિ પડે તો, ડોલચામાં પાણી ભરીને ચોમાસું તો બતાવાય નહિ. નેકાળા ડિબાંગ વાદળના ગડગડાટ વચ્ચે રીમઝીમ રીમરીમ વરસતી વર્ષારાણી જ્યારે મુશળધાર હેલીઓ વરસાવે ત્યારે મોર, બપૈયા, ચાતક, જેવા પક્ષીઓના ટહુકા મનને કઠપૂતળીની માફક જે રીતે નચાવે એ રીતે નાચવાનો આનંદ અનેરો છે. પેલાં પાણી ભરેલા ડોલચા નહિ નચાવે..! ‘આવરે વરસાદ, ધેવરિયો પરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક..!’ વાળું ગીત તો વરસાદની હેલી વરસે તો જ હૈયામાંથી ઉભરે..!

ચાલને વરસાદને તેડાં કરવા જઈએ

આ માટલાંને કોરાં કેમ રહેવા દઈએ

વાદળને કોણે આ કાળી મૂઠ લગાવી

દોરા ધાગાં કરીએ, કોરાં કેમ રહીએ

લાસ્ટ ધ બોલ

થયું એવું કે, એક ગામમાં દાઢી કરાવવા ગયો. દાઢી કરનારે પહેલાં તો મને પૂછ્યું કે, ગામના જ છો કે, બહારગામથી આવો છો..? બહારગામથી આવું છું એમ કહ્યું એટલે, મોં ઉપર પાણી લગાવવાને બદલે, દાઢીના બ્રશ ઉપર થૂંકીને દાઢી કરવા બેઠો.

મેં કહ્યું, ‘ બોસ..! આવું કરવાનું..? ‘ મને કહે, ‘ સાહેબ, આ તો તમે બહારગામથી આવ્યા છો એટલે તમારી ભરપુર ઈજ્જત કરી. બાકી ગામના માણસની દાઢી તો, મોઢાં ઉપર થૂંકીને જ બનાવું છું. આ ગામમાં પાણીની બહુ અછત છે સાહેબ..!

એના કપાળમાં કાંદા ફોડું..!

--------------------------------------------------------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED