An interesting history of cricket books and stories free download online pdf in Gujarati

ક્રિકેટનો રોચક ઇતિહાસ

ક્રિકેટ, આપણા દેશની સૌથી લોકપ્રિય રમત! આ રમત આપણા દેશમાં એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે આજે લોકો ક્રિકેટને ધર્મ અને સચિન તેંડુલકરને ભગવાન માને છે! અને ક્રિકેટની બધી મેચોને તહેવારો અને ઉત્સવની જેમ માણે છે! ક્રિકેટ માત્ર ભારતમાં જ લોકપ્રિય છે એવું નથી, વિશ્વમાં પણ એ સૌથી વધુ લોકપ્રિય રમતોની યાદીમાં ફુટબોલ પછી બીજા નંબર પર આવે આવે છે. ખરેખર તો એને વિશ્વમાં બીજા નંબરનું સ્થાન અપાવવામાં આપણા દેશની વિશાળ જનસંખ્યાનો જ સિંહ ફાળો છે. ભારતમાં એવો વ્યક્તિ મળવો મુશ્કેલ છે કે જેને ક્રિકેટ રમવા કે જોવામાં રસ ના હોય! છેક તેરમી કે ચૌદમી સદીમાં ઇંગ્લૅન્ડમાં જન્મેલી આ ક્રિકેટની રમતના ઉદ્ભવ અને ઇતિહાસની કહાની પણ ખરેખર દિલચસ્પ છે. એનાથી પણ વધારે રોચક છે ભારતીય ક્રિકેટના વિકાસની કહાની! ભરતીય ક્રિકેટના વિકાસ પર તો એ સમયની ધર્મ અને જાતિ આધારિત રાજનીતિની પણ અસરો વર્તાઈ હતી! તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ!

ક્રિકેટની શરૂઆત લગભગ તેરમી સદીમાં દક્ષિણપૂર્વ ઇંગ્લૅન્ડના ગામડાઓમાં થઈ હોવાનું મનાય છે. એ સમયે એને "ક્રેકેટ" કહેવામાં આવતું. જે ડચ અને અંગ્રેજી શબ્દ "ક્રિક" એટલે કે "લાકડી" પરથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે. ક્રિકેટની શરૂઆત રોમન સામ્રાજ્યના અંત પછી થઈ હોવાનું મનાય છે. કિંગ એડવર્ડ દ્વિતીયએ પણ ક્રિકેટની રમત રમેલી એવા દાવાઓ પણ કરાય છે. પણ, આ બધી વાતોની કોઈ પ્રમાણભૂત સાબિતી કે ઉલ્લેખ જોવા મળતો નથી. કારણ કે મૂળ તો આ ઇંગ્લૅન્ડના ગામડાઓમાં નાના છોકરાઓ દ્વારા રમાતી એક પ્રાદેશીક રમત માત્ર હતી. ઇતિહાસના પાનાઓ ફંફોસતા ક્રિકેટનો સૌથી જૂનો લેખિત ઉલ્લેખ ઈ.સ. 1598 માં જમીનના ઝઘડામાં દાખલ થયેલા એક કેસમાં જોવા મળે છે. જેમાં એ જમીનની માલિકીનો દાવો કરનાર બે વ્યક્તિઓએ એવું બયાન આપેલું કે પચાસ વર્ષ પહેલાં એ લોકો આ જમીન પર ક્રિકેટ રમતાં. મતલબ ક્રિકેટનો સૌથી જૂનો લેખિત પુરાવો ઈ.સ. 1550 નો મળે છે. સત્તરમી સદી સુધી આ ખેલ નાના બાળકોનો ખેલ જ રહ્યો. ઈ.સ. 1611 માં ચર્ચમાં ક્રિકેટ રમવા માટે બે છોકરાઓને ગિરફતાર કરવામાં આવ્યા. અહીંથી જ કદાચ ક્રિકેટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. અને આ જ વર્ષથી ક્રિકેટને ડિક્શનરીમાં પણ સ્થાન મળ્યું. એ સમયે હોકી સ્ટીકની જેમ નીચેથી વળેલી લાકડી જેવા બેટનો ઉપયોગ થતો જેથી જમીન પર ગબડતાં આવતાં દડાને આસાનીથી ફટકારી શકાય. જી હા, ત્યારે દડો અત્યારની જેમ ઉપરથી ટપ પાડીને નહીં પણ નીચેથી જમીન પર સરકાવીને ફેંકવામાં આવતો. અને ઊન જેવા દોરાથી દડો બનાવવામાં આવતો.

ક્રિકેટના નિયમો સૌપ્રથમ વખત ઈ.સ. 1744 માં લખવામાં આવ્યા. એ મુજબ બન્ને ટીમના કેપ્ટન બે અમ્પાયર પસંદ કરે, સ્ટંપની ઊંચાઈ 22 ઇંચ, પીચની લંબાઈ 22 ગજ, દડાનું વજન 5 થી 6 ઔંશ વગેરે જેવા નિયમો બનાવવામાં આવ્યા. અહીં કદાચ એ લોકો બેટને તો ભૂલી જ ગયા! જી હા, એ વખતે બેટના કોઈ આકાર કે પ્રકાર નક્કી ના કર્યા. વિશ્વની સૌપ્રથમ ક્રિકેટ ક્લબ ઈ.સ. 1760 માં હેમ્બલડન ખાતે બની. અહીંથી કેટલાક નિયમો બદલાયા. વર્ષ 1774 માં LBW આઉટ, ત્રણ સ્ટંપ, (એ પહેલા બે જ ડંડા લગાવતા!) અને અમ્પાયરની શરૂઆત થઈ. દડાને જમીન પર સરકાવીને અન્ડર આર્મ બોલિંગની જગ્યાએ ટપ પાડીને દડો ફેંકવાની શરૂઆત થઈ. જેનાથી બોલર માટે સ્પિન માટેના નવા દરવાજા ખુલ્યા તો વળેલા બેટની જગ્યા સપાટ બેટે લીધી. એક વખત એક ખેલાડી જ્યારે એનો આખો દાવ વિકેટ જેટલા પહોળા બેટથી રમ્યો ત્યારે ક્રિકેટના નિયમો બનાવનારને બેટની સાઇઝને અવગણવાની ભૂલ સમજાઈ અને અહીંથી પછી બેટની પહોળાઈનું ચોક્કસ માપ નક્કી કરવામાં આવ્યું! વર્ષ 1788 માં ક્રિકેટની દુનિયામાં પ્રખ્યાત MMC (Marybone Cricket Club Foundation) ની સ્થાપના થઈ. MCC એ નવા નિયમો અને સુધારા લાવીને ક્રિકેટના વિકાસમાં મહત્તવની ભૂમિકા નિભાવી. આ અઢારમી સદીમાં જ ક્રિકેટ ઇંગ્લૅન્ડથી જે દેશોમાં અંગ્રેજ સાશન હતું એ બધા દેશો સુધી પહોંચ્યું. ભારતમાં ક્રિકેટનો પગપેશારો ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા થયો. ક્રિકેટ ધીમેધીમે વેસ્ટ ઈન્ડિઝ, ઑસ્ટ્રેલીયા, આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ જેવા ઇંગ્લૅન્ડના ગુલામ દેશો સુધી ફેલાઈ ગયું.

ઈ.સ. 1817 સુધી ક્રિકેટમાં કોઈ બાઉન્ડ્રી જ નહોતી! હવે એની શરૂઆત જ ગામડાઓમાં થયેલી એટલે જે ખાલી જગ્યા મળતી ત્યાં ક્રિકેટ રમવામાં આવતું. અલગ અલગ ગામડામાં મેદાનનો આકાર પણ અલગ અલગ જ હોવાનો. અને કદાચ એટલે જ જ્યારે વર્ષ 1817 માં બાઉન્ડ્રીની શરૂઆત થઈ ત્યારે પણ પીચથી બાઉન્ડ્રીનું અંતર ફીક્સ ના થયું. ક્રિકેટના મેદાનના આ આકાર અને પ્રકારની વિવિધતા આજે પણ અકબંધ છે. એ ઑસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ (Adelaide oval) ની જેમ અંડાકાર પણ હોઈ શકે છે અને ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ (Chepauk stadium) ની જેમ લગભગ ગોળ પણ હોઈ શકે છે. મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ (Melbourne cricket stadium) માં સિક્સ લગાવવા માટે બાવડાંમાં બળ જોઈએ તો દિલ્હીના ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમમાં (Feroz shah kotla stadium) આસાનીથી સિક્સ લાગી શકે છે! ખેર, વર્ષ 1817 સુધી તો બાઉન્ડ્રી જ નહોતી તો પછી ચોગ્ગા અને છગ્ગાનું પણ અસ્તિત્વ નહોતું! એ પહેલાં તો ફરજિયાત દોડીને જ રન બનાવવા પડતાં! તો એ વખતે રન પણ સાવ ઓછા બનતા. ઓગણીસમી સદીમાં ક્રિકેટના નિયમોમાં ઘણાં નવા અપડેટ આવ્યાં. ઈ.સ. 1890 માં એક ઓવરમાં ચારની જગ્યાએ પાંચ બોલ ફેંકવાનો નિયમ બન્યો. જે નિયમ પાછળથી ઈ.સ. 1922 માં આઠ બોલ અને છેલ્લે ઈ.સ. 1947 માં છ બોલમાં અપડેટ થયો. ક્રિકેટ પર અંગ્રેજી સમાજની માનસિકતાની પણ ઊંડી છાપ જોવા મળે છે. અઢારમી સદીમાં જ્યારે ક્રિકેટની રમત ગામડાઓમાંથી શહેરોમાં પહોંચી ત્યારે ધીમેધીમે એ અમીર લોકો માટે પ્રતિષ્ઠાનું પ્રતિક બનવા લાગી. ઇંગ્લૅન્ડમાં અમીરો જે શોખ માટે જ આ રમત રમતાં એમને "જેન્ટલમેન" અને ગરીબો કે જે પૈસા માટે રમતા એને "ખેલાડી" કહેવામાં આવતા. આ બન્ને માટે મેદાનના પ્રવેશદ્વારો પણ અલગ અલગ હતા! જેન્ટલમેન મોટાભાગે બેટ્સમેન રહેતા અને ખેલાડીઓના ભાગે બોલિંગ જેવા મહેનતના કામો જ આવતા! તો કેપ્ટન પણ જેન્ટલમેન જ બનતા! હાલમાં પણ શંકાનો લાભ હંમેશા બેટ્સમેનને જ મળે છે એનું કારણ પણ આ જૂની માસિકતા જ છે!

ઈ.સ. 1865 માં ક્રિકેટના પિતા ગણાતા વિંગ ગ્રેસે (W.G. Grace) પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરેલી. એમણે ક્રિકેટની લોકપ્રિયતા વધારવામાં સિંહ ફાળો આપ્યો હતો. આમ તો બે દેશો વચ્ચે એક મેચ ઈ.સ. 1844 માં અમેરિકા અને કેનેડા વચ્ચે ન્યુજર્સીમાં રમાઈ ગયેલી. પણ સૌપ્રથમ ઑફિશિયલ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ 15 થી 19 માર્ચ 1877 માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને 45 રનથી હરાવીને ઇન્ટરનેશલ ક્રિકેટ મેચમાં પ્રથમ જીત મેળવી હતી. તો આ સાથે જ ઑસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનરમેનનું (Charles bannerman) નામ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસના પાનાઓમાં સૌપ્રથમ બેટિંગ કરનાર, રન બનાવનાર, પ્રથમ ચોગ્ગો અને છગ્ગો ફટકારનાર અને સૌપ્રથમ સદી ફટકાવનારના રૂપમાં લખાઈ ગયું! તો સૌપ્રથમ બોલરમાં ઇંગ્લૅન્ડના આલ્ફ્રેડ શૉનું(Alfred shaw) નામ અંકિત થયું. ઈ.સ. 1882 માં આ જ બન્ને દેશો વચ્ચે એ ઐતિહાસિક મેચ રમાઈ, જ્યારથી જગપ્રસિદ્ધ એસિઝ સિરીઝનો (Ashes series) પ્રારંભ થયો. થયું એવું કે આ વખતે ઇંગ્લૅન્ડની ધરતી પર પ્રથમ વખત ઑસ્ટ્રેલિયાની જીત થઈ તો એક પત્રકારે છાપામાં એક હેડલાઈન લખી, "શોક સમાચાર, 29 ઑગસ્ટ 1882 ના રોજ ઓવલ ગ્રાઉન્ડ પર ઇંગ્લિસ ક્રિકેટનું થયું મૃત્યુ. ઓવલ ગ્રાઉન્ડ પર એના અંતિમ સંસ્કાર થશે અને એની રાખ ઑસ્ટ્રેલિયાની ટીમ પોતાની સાથે લઈ જશે!" આ આકરા શબ્દબાણથી ઇંગ્લૅન્ડની ટીમ બદલાની આગમાં બળવા લાગી. આખરે બદલો અને એ રાખ પાછી લેવા માટે ઇંગ્લૅન્ડની ટીમ પણ ઑસ્ટ્રેલિયામાં મેચ રમવા આવી! એ પછી કાયમી માટે આ બન્ને દેશો વચ્ચે આ સિરીઝ રમાવા લાગી. એસ (Ash) એટલે રાખ અને આ પરથી જ આ સિરીઝનું નામ એસિઝ સિરીઝ પડ્યું! ખેર, ટેસ્ટ ક્રિકેટ પછી ઇન્ટરનેશન વન ડે ક્રિકેટની શરૂઆત તો છેક હમણાં 5 જાન્યુઆરી 1971 ના રોજ થઈ! અહીં પણ સૌપ્રથમ મેચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે જ રમાઈ અને ઑસ્ટ્રેલિયાની પાંચ રને જીત થઈ. ત્યાર પછી 7 જુન 1975 ના રોજ વર્લ્ડકપની શરૂઆત થઈ. જેમાં સૌપ્રથમ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ. જોકે, ક્રિકેટમાં સાવ બિનઅનુભવી એવા આપણા દેશને એમાં 202 જેટલા અધધ રનની કારમી હારનો સામનો કરવો પડ્યો. અંતે આ પ્રથમ વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝે પોતાની જીત અંકે કરી.

આપણા ભારતમાં ક્રિકેટની શરૂઆતના સૌથી જૂનું પ્રમાણ ઈ.સ. 1721 માં મળે છે. આપણે અહીં સૌપ્રથમ ક્રિકેટ ક્લબ એવી કૉલકાતા ક્રિકેટ ક્લબ ઈ.સ. 1792 માં બની. જે અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવેલી. ભારતમાં આખી અઢારમી સદી દરમિયાન ક્રિકેટની રમત અંગ્રેજો દ્વારા એમની ક્લબો અને જિમખાનાઓમાં રમાતી રમત જ રહી. હવે ત્યારે તો ક્રિકેટની રમત એક સામાજિક પ્રતિષ્ઠાની રમત બની ગયેલી. એટલે ભારતીય લોકોને તો એ લોકો ક્રિકેટ રમવાને લાયક પણ નહોતા સમજતા! ભારતમાં ભારતીય ક્રિકેટની શરૂઆતનો શ્રેય મુંબઈના પારસીઓના ફાળે જાય છે. વેપારના લીધે સૌથી પહેલાં અંગ્રેજોના સંપર્કમાં આવનાર આ પ્રજાને પણ ક્રિકેટનું ઘેલું લાગ્યું. એમણે ઈ.સ. 1848 માં પ્રથમ ભારતીય ક્રિકેટ ક્લબની પણ સ્થાપના કરી. નામ હતું; ઓરિયન્ટલ ક્રિકેટ ક્લબ. (Oriental cricket club) ટાટા અને વાર્ડિયા જેવા પારસી વ્યવસાઈઓ એના સ્પોન્સર અને ફાઈનાન્સર બન્યા. પાળછથી એક મેદાનના ઉપયોગને લઈને પારસી અને અંગ્રેજો વચ્ચે વિવાદ થયો. અંતે પારસીઓએ પોતાનું અલગ જિમખાનું બનાવ્યું. પારસીઓની આ પહેલે ભારતીય સમુદાયોમાં એક નવો ચીલો ચાતર્યો. ઈ.સ. 1890 ની આસપાસ હિંદુ અને મુસ્લિમ ધર્મના લોકો પણ પોતપોતાના ધર્મના અલગ અલગ જિમખાના બનાવવા માટે ફાળો ઉઘરાવતાં દેખાયા! અંગ્રેજો તો આમ પણ ભારતને એક દેશ નહીં પણ અલગ અલગ ધર્મો અને જાતિઓનો એક સમુહ જ માનતા. એ સમયે ભારતમાં મોટાભાગની સંસ્થાઓ આ રીતે ધર્મ અને જાતિ આધારિત જ બનતી.

ધર્મો આધારિત બનેલા જિમખાનાઓના લીધે ટીમો પણ ધાર્મિક સમુહો પ્રમાણે જ અસ્તિત્વમાં આવી અને એ સમયની ટુર્નામેન્ટસ્ પણ ધાર્મિક સમુહો મુજબ જ રમાવા લાગી. એમાં અંગ્રેજોને પણ પોતાની 'ભાગલા પાડો અને રાજ કરો' એવી કૂટનીતિની મેલી મુરાદ પૂરી થતી દેખાઈ! એટલે એમણે પણ અત્યારની જેમ ક્ષેત્ર આધારિત મેચો ગોઠવવાની તસ્દી ના લીધી. એ વખતે યુરોપીય, હિંદુ, મુસ્લિમ અને પારસી આ ચાર ટીમો વચ્ચે ચતુષ્કોણીય ટુર્નામેન્ટનું આયોજન થતું. પાછળથી ઈસાઈ જેવા બાકીના સમુદાયોની એક ટીમનો વધારો થયો અને શરૂ થઈ પંચકોણીય ટુર્નામેન્ટ. થોડા સમય પછી ઈ.સ. 1930 ના અરસામાં એ સમયના લેખકો, પત્રકારો, ક્રિકેટરો અને ભારતીય નેતાઓ આવી ધર્મ આધારિત મેચો પર સવાલો ઊઠાવવા લાગ્યા. એમના મતે જ્યારે દેશની જનતાને રાષ્ટ્રવાદના નેજા હેઠળ એકસૂત્રમાં બંધાવાની તાતી જરૂર છે ત્યારે આ પ્રકારની મેચો ધાર્મિક વૈમનસ્ય અને આંતરિક ક્લેશ જન્માવવાનું કામ કરે છે. આખરે વર્ષ 1934 માં પોતાના સમયના સર્વશ્રેષ્ઠ બલ્લેબાજ સર રણજીતસિંહજીના નામ પર ક્ષેત્ર આધારિત ટુર્નામેન્ટ શરૂ થઈ જેને આજે આપણે રણજી ટ્રોફીના નામથી ઓળખીએ છીએ. આમ છતાં પણ ધાર્મિક ટીમોને ક્ષેત્ર આધારિત ટીમોમાં પરિવર્તન પામવા અને આ પંચકોણીય ટુર્નામેન્ટને સંપૂર્ણ નાબુદ થવા માટે આઝાદી સુધી રાહ જોવી પડી. અંતે આઝાદી પછી અંગ્રજોની સાથે સાથે દેશમાં બનેલી આવી ધર્મ આધારિત ટીમોએ પણ વિદાઈ લીધી.

ઈ.સ. 1983 માં જ્યારે ભારત સૌપ્રથમ વર્લ્ડકપ જીત્યું ત્યાર પછી ભાયતીય ખેલાડીઓનો ઉત્સાહ અને ભારતીય જનતામાં ક્રિકેટ પ્રત્યેની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. ઈ.સ. 2007 માં ક્રિકેટના સૌથી નાનકડા પ્રકાર T20 ની શરૂઆત થઈ. પ્રથમ મેચ સાઉથ આફ્રિકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ જેમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી. આ પછીના વર્ષે 2008 માં આપણા ઘરઆંગણે શરૂ થયો IPL (indian premier league) મેચોનો સિલસિલો. જેણે ભારતીય ક્રિકેટનો આખો ચહેરો જ બદલી નાખ્યો. IPL ભરતીયમાં ક્રિકેટની લોકપ્રિયતાને એક નવી જ ઊંચાઈ પર લઈ ગયું તો સાથે સાથે રમત અને ખેલદિલીની જગ્યા બિઝનેસે લઈ લીધી. આજે તો કેટલાક બિઝનેસમેન IPL માટે ખેલાડી ખરીદવા માટે કેટલીક સર્વે કંપનીઓનો પણ સહારો લે છે. ખેલાડીની રમતના ડેટાના આધારે સર્વે કંપનીઓ ખેલાડીના પર્ફોમન્સનો અંદાજો લગાવીને ટીમ બનાવવા માટે મદદ કરતી હોય છે. આજે આપણા દેશમાં ક્રિકેટરસિકોની જે સંખ્યા છે એટલી અન્ય કોઈ દેશમાં નથી. અને એટલે જ શરૂઆતમાં કહ્યું એમ ક્રિકેટ વિશ્વમાં બીજા નંબરની લોકપ્રિય રમત હોય તો એ ભારતીયોના લીધે જ છે. એક તરફ આખા વિશ્વના ક્રિકેટરસિકો અને એક તરફ ખાલી આપણા એક જ દેશના ક્રિકેટરસિકો બન્ને લગભગ સરખા છે! જો ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા ખતમ થઈ જાય તો કદાચ ક્રિકેટ વિશ્વમાં એકથી પાંચમાં સ્થાન સુધી પણ ના આવે! જો કે ભારતમાંથી ધીમેધીમે હવે એક લોકપ્રિય રમત તરીકે ક્રિકેટના પાણી ઓસરી રહ્યાં છે. લોકો ફુટબોલ, કબ્બડ્ડી જેવા અન્ય ખેલોને પસંદ કરવા લાગ્યા છે. એમ છતાં પણ વિશ્વની સરખામણીમાં આપણી ક્રિકેટપ્રિય જનતાનું સંખ્યાબળ ખાસ્સું વધારે જ રહે છે. તો ક્રિકેટ પોતાના નવા નવા વર્ઝન અપડેટ કરીને લોકોને આકર્ષિત કરવામાં પણ સફળ રહ્યું છે.


- ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED