દક્ષિણ મહાસાગર bhagirath chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દક્ષિણ મહાસાગર

ગત તારીખ 8 જૂન 2021 ના રોજ વિશ્વ સમુદ્ર દિવસ (World Ocean Day) ઉજવાઈ ગયો. આ વર્ષનો સમુદ્ર દિવસ વિશ્વને પાંચમાં મહાસાગરની ભેટ પણ આપતો ગયો. એ પહેલા વિશ્વમાં ચાર જ મહાસાગરો હતા. અલબત, ક્યાંયથી કોઈ નવો મહાસાગર પેદા નથી થયો પણ આ વર્ષના સમુદ્ર દિવસે નેશનલ જીઓગ્રાફીક સોસાયટીએ (National Geographic society) વિશ્વના દક્ષિણ ભાગમાં આવેલા એન્ટાર્કટિકા મહાદ્વીપ આસપાસના સમુદ્રને દક્ષિણ મહાસાગર (Southern ocean) એવું નામ આપીને એક અલગ મહાસાગરનો દરજ્જો આપ્યો છે. મતલબ હવે વિશ્વનો નકશો અપડેટ થશે અને એમાં આ પાંચમાં મહાસાગરનું નામ પણ અપડેટ થશે. નવી નકશાપોથીઓમાં એક મહાસાગરનું નામ ઉમેરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ માટે મહાસાગરોના નામમાં એક વધારાનું નામ યાદ રાખવાની કડાકૂટ વધશે! પણ સાવ એવું નથી. આ સમુદ્રને નામ આપીને એક અલગ મહાસાગરનો દરજ્જો આપવા પાછળ કેટલાક મહત્ત્વના કારણો છે. તો ચાલો આજે આ નવાનક્કોર અને તાજા જન્મેલા દક્ષિણ મહાસાગરમાં ડૂબડી લગાવીએ.

આખી પૃથ્વીનો 70.92 ટકા વિસ્તાર સમુદ્રથી ઘેરાયેલો છે. અને બાકીના 29.8 ટકામાં જમીન છે. આ વિશાળ મહાસાગરોને આપણે એમના ભૌગોલિક સ્થાન અને વાતાવરણ મુજબ અલગ અલગ ભાગોમાં વહેચીને એમને અલગ નામો પણ આપ્યા છે. આજ સુધી (8 જૂન સુધી) આપણે લોકો વિશ્વના મહાસાગરોની ગણતરી ચારમાં જ આટોપી લેતા હતા! જેમાં પહેલો છે, 16,52,46,200 ચોરસ કિલોમીટર જેટલું અધધ ક્ષેત્રફળ ધરાવતો સૌથી મોટો એવો પ્રશાંત મહાસાગર (Pacific ocean) જે લગભગ અડધી પૃથ્વીને ભરડો લઈને બેઠો છે. ત્યાર પછી બીજા નંબર પર છે ઉતર અને દક્ષિણ અમેરિકા ખંડ તેમજ યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે આવેલો એટલાન્ટિક મહાસાગર. (Atlantic ocean) ત્રીજા નંબર પર છે, જેનું નામ આપણા દેશ હિંદુસ્તાનના નામ પરથી પડ્યું છે એવો હિંદ મહાસાગર. (Indian ocean) આ વિશ્વનો એકમાત્ર મહાસાગર છે કે જેનું નામ કોઈ દેશ પરથી પડ્યું હોય! અને આ સૌભાગ્ય માત્ર ભારતભૂમિને જ મળ્યું છે! આ મહાસાગર આપણા દેશ ભારતથી દક્ષિણ તરફ આવેલો છે. ચોથો અને છેલ્લો સૌથી નાનો મહાસાગર, છેક પૃથ્વીના ઉત્તર ધ્રુવ પાસે આર્કટિક મહાદ્વીપ તરફ આવેલો આર્કટિક મહાસાગર. (Arctic ocean)

હવે, હમણાં જેને અલગ નામથી નવાજવામાં આવ્યો એ દક્ષિણ મહાસાગર પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ આવેલા એન્ટાર્કટિક મહાદ્વીપની આસપાસ ચારેય તરફ વીંટાયેલો છે. આમતો આ પહેલાં પણ ઘણાં મહાનુભાવો આને દક્ષિણ મહાસાગર કે આર્કટિક મહાસાગરના નામે ઓળખાવતા જ હતા. તો ઘણી બધી જગ્યાએ આનો ઉલ્લેખ પણ જોવા મળતો હતો પણ વૈશ્વિક લેવલ પર એને કાયદેશરની માન્યતા નહોતી મળી. ગત તારીખ 8 જૂનના રોજ વિશ્વ સમુદ્ર દિવસના અવસર પર નેશનલ જીઓગ્રાફીક સોસાયટીએ દક્ષિણ મહાસાગરને નવું નામ અપીને એક વધારાના અલગ સમુદ્રની ઘોષણા કરીને એને કાયદેશરની માન્યતા આપી. આ નેશનલ જીઓગ્રાફિક સોસાયટી ઈ.સ. 1915 થી વિશ્વના નકશાઓ પર કામ કરે છે. આ મહાસાગરમાં પૃથ્વી પરના 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશના વર્તુળની અંદરના વિસ્તારનો સમાવેશ થાય છે. ટૂંકમાં આમાં પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલા એન્ટાર્કટિકાની આસપાસના સમુદ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ મહાસાગરના વિસ્તારમાંથી ડ્રેક પેસેઝ (Drake passage) અને કોશિયા આર્કને (Scotia Arc) બાકાત રાખવામાં આવ્યા છે. દક્ષિણ મહાસાગર એ એકમાત્ર મહાસાગર છે જેનો વિસ્તાર ઓસીન કરન્ટના આધારે નક્કી કરવામાં આવ્યો છે. આમ તો આ પાંચમો મહાસાગર બનવા પાછળ પણ ઓસીન કરન્ટ જ જવાબદાર છે તો ચાલો જોઈએ કે એ શું છે અને કઈ રીતે કામ કરે છે.

વિશ્વના મહાસાગરોમાં અલગ અલગ કરન્ટ ફલાયેલા હોય છે. જેના આધાર પર આ નવા મહાસાગરની સીમા નક્કી થઈ એ કરન્ટનું નામ છે, એન્ટાર્કટિક સર્કમપોલર કરન્ટ. (Antarctic circumpolar current) જેને ટૂંકમાં ACC કહેવામાં આવે છે. એન્ટાર્કટિકા મહાદ્વીપની આસપાસ સમુદ્રનું પાણી ચક્કર લગાવીને આ ACC પેદા કરે છે. વૈજ્ઞાનિકોના મતે આ ACC લગભગ ત્રણ કરોડ ચાલીસ લાખ વર્ષ પહેલાં ઉદ્ભવેલો. આ પહેલા એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા જોડાયેલા હતા. આ બન્ને અલગ પડ્યા એટલે પાણીને એન્ટાર્કટિકાની આસપાસ ચક્કર લગાવવા માટે ખાલી જગ્યા મળી અને આ રીતે ACC પેદા થયો. આ વિશ્વનો સૌથી ઊંડો કરન્ટ છે અને સૌથી વધારે માત્રામાં પાણીની હેરફેર કરે છે. જાણે પૃથ્વીના આ દક્ષિણ ધ્રુવ પર એન્ટાર્કટિકા નામનું વલોણું છે અને એમાં 34 મિલિયન વર્ષથી સતત પાણી વલોવાયા કરે છે! હવે આ કુદરતી વલોણાના લીધે વિશ્વના મહાસાગરોમાં વૈશ્વિક સ્તર પર એક અતિ મહત્તવની પ્રક્રિયા ચાલે છે! જેનું નામ છે, ગ્લોબલ ઓસીન કન્વેર બેલ્ટ. (global ocean conveyor belt) આ કન્વેર બેલ્ટ દક્ષિણ મહાસાગરથી લઈને હિંદ મહાસાગર, એટલાંટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર સુધી આખી દુનિયા ફરીને બધા મહાસાગરોના પાણીનું સર્ક્યુલેશન જાળવી રાખે છે! ઓહ! બાપ રે! અદ્ભુત! તો ચાલો હવે આ કન્વેર બેલ્ટ શું છે અને કઈ રીતે કામ કરે છે? એ પણ જોઈએ. આ જાણવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે, આ નવતર મહાસાગરને અલગ ઓળખ મળવા પાછળના કારણના મૂળીયા છેક આ કન્વેર બેલ્ટ સુધા લાંબા થાય છે!

ACC કરન્ટના લીધે એન્ટાર્કટિકાની આસપાસ ફરતું પાણી જે કન્વેર બેલ્ટનું સર્જન કરે છે અને એ બેલ્ટ જ આખી પૃથ્વીના વાતાવરણ અને જલવાયુને નિયંત્રણમાં રાખે છે. આ બેલ્ટના લીધે જ વિશ્વના મહાસાગરોના ઠંડા અને ગરમ પાણીનું સર્ક્યુલેશન બન્યું રહે છે. જો ACC કરન્ટ ના હોય તો આ કન્વેર બેલ્ટ ચાલી જ ન શકે! આ કરન્ટ એટલાન્ટિક, પ્રશાંત અને હિંદ મહાસાગર વચ્ચે ચોક્કસ પ્રકારનું સર્ક્યુલેશન બનાવી રાખે છે અને એના લીધે આ ચારેય મહાસાગરોમાં વાંકીચૂકી ઘુમરડી મારતો આપણો આ ગ્લોબલ કન્વેર બેલ્ટ સતત એક્ટિવ રહે છે. એના લીધે આ નવા બનેલા દક્ષિણ મહાસાગરમાં અન્ય મહાસાગરો કરતાં એકંદરે ઠંડું અને ઓછું નમકીન પાણી જોવા મળે છે. એનાથી અહીંના સમુદ્રમાં એક અલગ પ્રકારનું વાતાવરણ પેદા થાય છે. જેના લીધે દક્ષિણ મહાસાગરમાં અલગ જ પ્રકારની દરિયાઈ પ્રજાતિઓ જોવા મળે છે, જે આખા વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી! આ કરન્ટના લીધે સમુદ્રના તળીએ જમા થતા ઠંડા અને ઘટ્ટ પાણીના કારણે સમુદ્રતળમાં કાર્બન પણ જમા થાય છે. મતલબ આ આખી પ્રક્રિયા carbon sequestion માં પણ મદદ કરે છે. હવે જો આ ACC કરન્ટના તાપમાનમાં એકાદ બે ડીગ્રીનો પણ વધારો થાય તો જલવાયુ પરિવર્તનની ગંભીર અસરો આખી પૃથ્વીએ ભોગવવી પડે! વૈજ્ઞાનિકોના મતે અહીં બે ડીગ્રીનો ફેરફાર પણ એન્ટાર્કટિકા જેવા સ્થળો પર રહેલી બરફની ચાદરને 30 ટકા સુધી પીગળાવી શકે છે! એનાથી અહીં વસતી પેંગ્વિન જેવી પ્રજાતિઓ નામશેષ પણ થઈ શકે છે.

તો મિત્રો, હવે આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે દક્ષિણ મહાસાગર આખી પૃથ્વીના જલવાયુ માટે કેટલો મહત્ત્વનો રોલ અદા કરે છે. વર્ષોથી જલવાયુ પરિવર્તનની બૂમો પાડીપાડીને વૈજ્ઞાનિકોના ગળા બેસી ગયા પણ જનતાથી લઈને સરકારો સુધી કોઈ એમની વાત કાને ધરતું નથી! કેટલાંક વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનું માનવું છે કે આ મહાસાગરને એક અલગ નામ આપવાથી કદાચ વિશ્વમાં જલવાયુ પરિવર્તન વિશે થોડી જાગૃતિ ફેલાય. તો આ દક્ષિણ મહાસાગરને અલગ નામ માત્ર વિદ્યાર્થીઓના માથે એક વધારાનું નવું નામ યાદ રાખવાનું ભારણ વધારવા માટે જ નથી અપાયું! (હીહીહી) પણ એની પાછળ આવા કેટલાય અતિમહત્ત્વના કારણો પણ છે. આગળ કહ્યું એમ આ પહેલા પણ ઘણા લોકો આને પાંચમો મહાસાગર માનતા અને ઘણા પુસ્તકોમાં પણ આનો ઉલ્લેખ થતો જ. તો પછી આજ સુધી દક્ષિણ મહાસાગર પોતાના કાયદેશરના નામકરણથી વંચિત કેમ રહી ગયો? ઈ.સ. 1921 માં સ્થપાયેલી સંસ્થા IHO (International Hydrographic Organization) વિશ્વના દરિયાઈ માર્ગો અને સામુદ્રિક નકશાઓ બનાવનું કામ કરે છે. વિશ્વના લગભગ 94 જેટલા દેશો IHO ના સભ્ય છે. ઈ.સ. 1937 માં IHO એ દક્ષિણ મહાસાગરને પાંચમાં મહાસાગર તરીકે માન્યતા આપેલી. પણ કેટલાક વિવાદોના લીધે ઈ.સ. 1953 માં આ માન્યતા પાછી ખેંચી લીધી! વિવાદ કંઈક એવો હતો કે, અમુક દેશો આ મહાસાગર સાથે પોતાનું નામ જોડવા માગતા હતા. ઈ.સ. 2000 માં IHO માં ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો. આ વખતે IHO ના સભ્ય દેશો દક્ષિણ મહાસાગરની હદ નક્કી કરવામાં એકમત ના થઈ શક્યા, એટલે ફરી વાત પડતી મૂકવામાં આવી! ત્યાર પછી હમણાં ફેબ્રુઆરી 2021 માં યુએસની એક સરકારી સંસ્થા NOAA એ (National Oceanic and Atmospheric Administration) દક્ષિણ મહાસાગરને કાયદેશરની માન્યતા આપી. પણ એ આંતરરાષ્ટ્રીય સંસ્થાતો ન જ ગણાય, એટલે વૈશ્વિક લેવલ પર આ વાત ચર્ચાનો મુદ્દો ન જ બને. આખરે હમણાં 8 જૂનના રોજ વૈશ્વિક સંસ્થા નેશનલ જીઓગ્રાફીક સોસાયટીએ દક્ષિણ મહાસાગર પર એક અલગ મહાસાગરની માન્યતાની મહોર મારી અને દક્ષિણ મહાસાગર બની ગયો વિશ્વનો પાંચમો મહાસાગર.

હજુ પણ આપણા હિન્દી ફિલ્મોના રસિક જનોના મનમાં એક સવાલ બાકી રહી ગયો હશે! વિશ્વમાં જો પાંચ જ મહાસાગર હોય તો આપણા બોલિવુડની અભિનેત્રી કોઈની પાછળ સાત સમુંદર પાર કઈ રીતે જઈ શકે? આમ તો બોલિવુડમાં ક્યારેય લોજિક શોધવાની કડાકૂટ ના કરાય. પણ આ બાબતમાં થોડાં અંકોડા મળે એમ છે તો ભીડાવી દઈએ! પાંચ મહાસાગર તો છે જ. હા, પાંચમાં મહાસાગરને કાયદેશરની માન્યતા નહોતી મળી એ વાત અલગ છે. તો પાંચ એ અને પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરને ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગોમાં વહેંચી દઈએ તો બે બીજા ઉમેરાય જાય એટલે કુલ આંકડો સાત થઈ જાય. ગીતોમાં ભલે સાત ગણાય અને આજ સુધીના પુસ્તકો અને નકશાપોથીઓમાં પણ ભલે ચાર નો જ ઉલ્લેખ જોવા મળતો, પણ હલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાયદેશરની માન્યતા પ્રાપ્ત મહાસાગરોની સંખ્યા તો પાંચ જ છે.

-ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com