Masik dharm books and stories free download online pdf in Gujarati

માસિક ધર્મ

આજે થોડા અલગ વિષય પર વાત કરવી છે. પણ અમુક સંસ્કારની પૂંછડીયું કે ચોખલીયા લોકો વિષયનું નામ સાંભળીને જ નાકનું ટેરવું ચડાવીને મોઢું બગાડશે. ખબર નહી કેમ આપણે લોકોને દુનિયા જેવી છે તેવી જ કોઈ જાતનાં દંભ વગર જોવામાં શું વાંધો પડે છે? આજે વાત કરવી છે સ્ત્રીઓ ની માસિક (period) વિશેની અંધશ્રધ્ધાની. ગામડાંઓમાં તો સ્ત્રીઓ માસિક વિષે ખુલ્લા મને વાત પણ નથી કરી શકતી. અવાય એમ નથી, કપાણ છે એવી કોડવર્ડ જેવી ભાષા વાપરશે પણ સીધેસીધું નહીં કહે કે મારે માસિક કે પિરિયડ ચાલુ છે. માસિક પણ બીજી કુદરતી પ્રક્રિયા ની જેમ એક સામાન્ય પ્રક્રિયા માત્ર છે.

માસિક સંબંધી અંધશ્રધ્ધા એ સૌથી મોટી અને હજુ પણ ચાલુ રહેલી એક કુપ્રથા છે અને આ બાબતમાં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. આપણા સમાજમાં માસિકને અપવિત્ર ગણવામાં આવે છે. એક છોકરી ને જ્યારે પહેલી વખત માસિક ચાલુ થાય એટલે એની આસપાસની સ્ત્રીઓ જ એને નિયમોનું આખું લીસ્ટ સંભળાવી દેશે. અથાણાંને અડવુ નહીં, તુલસીના છોડથી દૂર રહેવાનું, રસોડામાં નહીં જવાનું, મંદિરમાં નહીં જવાનું, કોઈ પણ ધાર્મિક કાર્ય માં ભાગ નહીં લેવાનો વગેરે વગેરે આ લીસ્ટતો બહુ લાંબુ હોય છે. પણ ક્યારેય કોઈ એને માસિક આવવા પાછળ નું વૈજ્ઞાનિક કારણ નહીં સમજાવે. પોતે સમજી હોય તો બીજાને સમજાવે ને! અને પાછી એની પાસે જાતજાતના વ્રતો કરાવશે જેથી માસિક દરમ્યાન કોઈ પાપ થયું હોય તો એના પાપ ધોવાઈ જાય! હવે સ્ત્રીઓ ને દર મહિને માસિક આવે એમાં એનો કોઈ વાંક ગુનો ખરો? પણ આપણા પુરુષપ્રધાન સમાજમાં તો સ્ત્રી થવું જ જાણે કોઇ મોટો ગુનો છે.

જો માસિક એટલું બધું અપવિત્ર જ હોય તો કુદરતે આવી વ્યવસ્થા કરી જ શા માટે? માસિક આવવું એ સ્ત્રીને સ્ત્રી હોવાનો એક અહેસાસ આપતી પ્રક્રિયા છે. એના લીધે જ સ્ત્રી સ્ત્રી બને છે, એના લીધે જ આ દુનિયામાં નવું સર્જન ઉમેરાય છે. આ દુનિયાનું સર્જન જ જેને આભારી છે એ અપવિત્ર કઇ રીતે હોઈ શકે છે? આ એ માસિક જ છે જે સ્ત્રી ની માતૃત્વ ધારણ કરવાની ક્ષમતાની સાક્ષી પુરે છે. દર મહિને એક અંડબીજ છૂટું પડે અને ગર્ભાશયની અંદર પાતળી દિવાલો રચાય અને બાળક રહેવા માટેની તમામ તૈયારીઓ શરું થાય છે. હવે એને શુક્રાણુ ના મળે એટલે મહિનાના અંતે આ બધી માયા સંકેલાઇ જાય અને પાતળી દિવાલો અને અંડબીજને એ બધું બહાર આવી જાય. પાછો નવેસરથી દર મહિને આ જ ક્રમ ચાલ્યા રાખે. આમાં અપવિત્રતા જેવી વાત ક્યાં આવી? કદાચ અમુક ડોબાશંકરો (કે ડોબીશંકરો) કહેશે કે જો આવુ જ હોય તો માસિક એ મહિનાના અંતે ખરાબ થઈ ગયેલો કે બગડી ગયેલો ગર્ભાશય નો નકામો કચરો ગણાય માટે અપવિત્ર છે, તો એમને કહેવાનું કે કોઇ વસ્તુ શરીરની અંદર હોય ત્યારે પવિત્ર અને બહાર નીકળે એટલે અપવિત્ર થઇ જાય? એવુ કેમ? ઘણી વખત બહેનો કોઇ પ્રસંગ કે ધાર્મિક પૂજા-વિધિ માટે થઈને પિરિયડ આગળ પાછળ કરવા માટે primolute N કે sunday monday જેવી ગોળીઓ લેતી હોય છે ત્યારે સાલું ખરેખર લાગી આવે છે. અરે! શિક્ષિકાઓ, વકીલો અને ડૉક્ટર મહિલા સુધ્ધા આવા ધાર્મિક કારણો ને લીધે આવી ગોળીઓ લેતી હોય છે! એમને કોણ સમજાવે કે આ ગોળીઓ લેવાથી કુદરતી ક્રમમાં વિક્ષેપ પડવાથી જ એના શરીરને ખાસ્સું નુકસાન થાય છે પિરિયડ હોવા છતાં ધાર્મિક વિધિમાં બેસવાથી નહીં. તુલસીનો છોડ જ્યારે એનું આયુષ્ય પૂરું થશે ત્યારે જ સુકાશે, તમારા અડવાથી નહીં. જ્યારે જંગલો કાપીને લાખો વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવે છે ત્યારે કેમ કોઈને પાપ કર્યાની લાગણી નથી અનુભવાતી? જ્યારે જ્યાંત્યાં કચરો ફેંકીએ છીએ ત્યારે કેમ પાપી હોવાની લાગણી નથી અનુભવાતી? રસોડામાં જવાથી કે અથાણાને અડવાથી કાંઈ ખાટુંમોળું થઈ જવાનું નથી પણ પાંચ દિવસ સુધી રસોડામાં ન જવાથી વંદાઓનું સામ્રાજ્ય ફેલાય, બાળકો અને બીજા ઘરના સભ્યો જે તમારા હાથની સ્વાદિષ્ટ રસોઈથી ટેવાયેલા છે એનુ સ્વાસ્થ્ય બગડવાની સંભાવના ખરી. પહેલાનાં જમાના પ્રમાણે કે જ્યારે સેનેટરી પેડસ્ ઉપલબ્ધ નહોતા તો કદાચ એ વ્યવસ્થા યોગ્ય પણ હશે, ગંદકી ના ફેલાય એવો હેતુ હોય કદાચ પણ હવે જ્યારે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે એ બધી જૂની વાતોને વળગી રહેવાનો કોઈ મતલબ નથી. ઘણાં લોકો વળી આના માટે એ પાંચ દિવસ સ્ત્રીઓને સતત કામથી આરામ મળે એવો પણ તર્ક આપતા હોય છે. આ સ્થિતિમાં એમને ઘણી તકલીફો પડતી હોય છે અને એને અશક્તિ જેવું પણ લાગતુ હોય છે એટલે એ જમાનામાં આવી પ્રથા રાખવામાં આવી હોવાના દાવાઓ સાંભળવામાં આવે છે. મારા ખ્યાલથી કદાચ આંશીક રીતે આ દાવો સાચો પણ હોય પણ સંપૂર્ણ રીતે નહીં. માસિકની શરુઆતમાં પહેલા દિવસે ઘણીવખત પેટમાં દુખાવો કે પગમાં દુખાવો થતો હોય છે એ વાત બિલકુલ સાચી પણ... પછીના દિવસોમાં ખાસ કશો પ્રોબ્લમ નથી રહેતો અને જે રહે છે એ વર્ષોથી ઘર કરી ગયેલી "આ દિવસોમાં તો થોડું એવુ અશક્તિ જેવું લાગે જ." એવી માન્યતા ને લીધે મન પર થતી અસરના લીધે થતું હોય છે. (પ્લાસીબો ઈફેક્ટ વીશે તો જાણતા જ હશો...) અને હા આ બધામાં અપવાદ હોવાની પણ પુરેપુરી સંભાવનાઓ છે જ.


#touch the pickles જેવી જાહેરાતનો નો જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે હવે સમાજમાં ઘણોબધો સુધારો પણ આવી રહ્યો છે, તેમ છતાં ભારત ના ગામડાઓમાં હજુ પણ ઘણી સ્ત્રીઓ ધાર્મિકતાના દંડા હેઠળ પીસાઇ રહી છે. શહેરોના અમુક કહેવાતા શિક્ષિત લોકો પણ આમાંથી બાકાત નથી. ગામડાંઓનાં મેડિકલ સ્ટોર પર કોઈ વ્હીસ્પર માંગે તો પણ આસપાસ ઉભેલા લોકો જાણે કોઇ ભુત જોઇ લીધું હોય એમ ધારી ધારીને જોવા લાગે. અરે શું જુઓ છો ભાઇ! એણે કોઇ બંદુકની ગોળીઓ, કારતુસ, બોમ્બ કે વિસ્ફોટક સામાન નથી માંગ્યો!!! અને મેડીકલ વાળા પણ પાછા જાણે કોઇ ડ્રગ્સ, કોકેઇન કે દારૂ જેવી પ્રતિબંધિત વસ્તુ લઈ જતા હોય એમ કાળા ઝબલાંમાં પેક કરીને આપશે! અલબત, એમાં વાંક મેડિકલ સ્ટોર વાળાનો નથી, સમાજનો છે. એક વખત હું પણ મેડિકલ સ્ટોર પર સેનેટરી પેડ્સ લેવા માટે ગયો તો એમણે મને કાળા ઝબલાંમાં એવી રીતે પેક કરીને આપ્યુ કે જેથી કોઈ જોઈ ન શકે! મે પૂછ્યું, "આમાં ચરસ, ગાંજો કે એવી કોઈ વસ્તુ છે?" પેલા ભાઈ કહે, "ના." ફરી પાછું મે પૂછ્યું "તો શું આપણાં દેશમાં સેનેટરી પેડ્સ પર પ્રતિબંધ છે?" તો પેલા ભાઈ કહે, "ના પણ આવી વસ્તુ અમારે છુપાવીને જ આપવી પડેનેે?" મે કહ્યુ, " આપણને શરદી થઈ હોય અને શેડા લૂછવા રૂમાલ લેવા જાય તો એ આવી રીતે પેક કરીને આપે છે?" તો પેલા ભાઈ કહે, "ના પણ શરદીતો સામાન્ય વસ્તુ છે ગમે તેને થઈ શકે એમાં...." મે એની વાત કાપતા કહ્યુ, "બરાબર છે શરદીતો ગમે તેને થઈ શકે પણ આ તો દરેક સ્ત્રીને વર્ષોથી થતું આવે છે તો પણ એ સામાન્ય કેમ નથી!?" એમની પાસે કોઈ જવાબ નહોતો પણ એ મારી વાત બરાબર સમજી ગયેલા. જે બાબતની ખરેખર શરમ આવવી જોઈએ એવી બાબતો મા તો આપણે બિલકુલ બેશરમ થઈને ફરીયે છીએ, અને બીજી નકામી બાબત માટે શરમની પૂંછડી થઇ ને ફરીએ છીએ. જ્યારે કોઇ ની છેડતી થાય કે સાવ નાની છોકરીઓ સાથે અડપલાં થાય છે ત્યારે કેમ ગિલ્ટી ફીલ નથી થતી? ઘરેલું હિંસા, દહેજહત્યા, અૉનરકિલિંગ એ બધું થાય ત્યારે કેમ તમારા સંસ્કારો નું જ્ઞાન ઘાસ ચરવા નિકળી જાય છે? ચોરી, લૂંટ, ભ્રષ્ટાચાર અરે શરમ અને ગિલ્ટી ફીલ થવા માટે તો ઘણાં બધાં મુદ્દા છે... અને હા તેમ છતાં પણ જો કોઇ સ્ત્રીને હજી પણ એવું લાગતું હોય કે પિરિયડ હોય ત્યારે ધાર્મિક પૂજા-વિધિમાં બેસવાથી પાપ લાગશે તો હું મારા પુરા હોશ હવાશમાં જાહેર કરું છું કે હવે પછીના એમના બધા પાપો મારા ઉપર, જેની પાપપુણ્યના એકાઉન્ટન્ટ એવા ઉપર બેઠેલા ભાગ્યવિધાતાએ ખાસ નોંધ લેવી (હીહીહી). એમને નમ્ર વિનંતી કે હવે પછી એમના બધા પાપો મારા ખાતામાં ચડાવે!

શહેરોમાં બેઠેલા ઘણા લોકોને થતું હશે કે એ બધું પહેલા થતું હશે હવે એકવીસમી સદીમાં ક્યાંય આવી માન્યતાઓ છે જ નહીં! મહારાષ્ટ્રમાં એક ગામ છે ગડચિરોલી જ્યાં કોઈપણ સ્ત્રી કે છોકરીએ માસિકના એ પાંચ દિવસ ગામથી થોડે દૂર બનાવેલા ગાઉકોર (gaokor) માં ફરજિયાત રહેવું પડે છે! આ ગાઉકોર એટલે એક જાતનું period house, એક નાનકડી ઝૂંપડી. દિવસ અને રાત સતત પાંચ દિવસ સુધી ગામથી દૂર એક ઝૂંપડીમાં એકલા રહેવાનું અને એ પણ આવી હાલતમાં હોય ત્યારે! જ્યારે એમને સ્વચ્છતા રાખવાની તાતી જરુર હોય કે જેથી કોઈ ઈન્ફેક્શન ન લાગે ત્યારે એને આવી નાનકડી કોઈ સુવિધા વગરની ગંદી ઝૂંપડીમાં રહેવું પડે છે! વિચાર તો કરો... રાતના અંધારામાં ત્યાં શું શું બનતુ હશે!? ગામના ઉતાર અને મવાલીઓ જેવા જેતે લોકો રાતના રખડતાં જ હોય....અને આ બધું હમણાં સુધી બનતું હતું. વર્ષ 2015માં નેશનલ હ્યુમનરાઈટ્સ કમિશને મહારાષ્ટ્ર સરકારનું ધ્યાન દોર્યુ અને એક "સ્પર્શ" નામની લોકલ સામાજિક સંસ્થાએ પણ મહારાષ્ટ્ર સરકાર અને NHRC ને પણ ભલામણ કરી અને પછી તંત્ર હરકતમાં આવ્યું. ત્યાર પછી ત્યાં લોકજાગૃતિ માટેના ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા. આ વિષય પર એક અવૉર્ડવિનીંગ શૉર્ટફિલ્મ પણ બની છે, Gaokor-A Period House યુટુબ પર ઉપલબ્ધ છે. આ બધું વાંચીને તમને લાગતું હશે કે કેવી હલકી માનસિકતાવાળા લોકો છે આ બધા!? પણ જો તમે પણ તમારા ઘરમાં સ્ત્રીઓ કે છોકરીઓને એ પાંચ દિવસ દરમ્યાન અથણાંને ન અડકવા દેતાં હોય, ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ કે તુલસીના છોડથી દૂર રહેવનું કહેતાં હોય કે અમુક ધાર્મિક કાર્યો અને પ્રસંગોનો હિસ્સો ન બનતા દેતાં હોય તો તમારી અને એ ગામના લોકોની માનસિકતા એક જ છે...ફરક માત્ર પ્રમાણ કે લેવલનો જ છે!

- ભગીરથ ચાવડા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED