Do you believe in luck? books and stories free download online pdf in Gujarati

શું તમે નસીબમાં માનો છો?

શું તમે નસીબમાં માનો છો? સદીઓથી આ સવાલ પૂછાતો આવ્યો છે. પણ મોટાભાગના લોકો એનો જવાબ શોધવાની જગ્યાએ માની લે છે - નસીબના હોવા વિશે પણ અને ન હોવા વિશે પણ. તો શું ખરેખર આ નસીબના ખેલનું કોઈ અસ્તિત્વ હશે ખરું? શું આપણી જિંદગીની સ્ક્રિપ્ટ પહેલાથી જ લખાયેલી પડી છે અને આપણે માત્ર એ સ્ક્રિપ્ટ મુજબ એક કઠપૂતળીની જેમ અભિનય જ કરવાનો છે? શું ખરેખર કેટલાક લોકો નસીબદાર અને કેટલાક બદ્નસીબ હોય છે? શું આપણે પોતે જ આપણું નસીબ બનાવી શકીએ છીએ? કે પછી નસીબ જ આપણને બનાવે છે? આખરે સત્ય શું છે? જો તમારે આ કડવું સત્ય જાણવું હોય તો ચાલો આજે સત્યની ખોજમાં નિકળી પડીએ. સત્યને એના સાચા રૂપમાં આત્મસાત્ કરવું હોય તો તટસ્થ બનવું પડે. પહેલાથી મગજમાં એકઠા થયેલા બધા પૂર્વગ્રહો અને માન્યતાઓને કમસે કમ એ ખોજ પૂરતા દૂર રાખવા પડે! તો ચાલો થોડા સમય માટે જૂનું બધું ખંખેરીને એક કોરી પાટી બનીને નસીબના રહસ્યો ઉકેવાની એક નાનકડી કોશિશ કરીએ.

નસીબ એક એવો વિષય છે કે અમીરથી લઈને ગરીબ સુધી, સામાન્ય માણસથી લઈને મોટા સેલિબ્રિટી સુધી, એક અભણ માણસથી લઈને શિક્ષિત વૈજ્ઞાનિક સુધીના બધાને એમાં માનવા કે ન માનવા માટે મજબૂર કરે છે. એમાં એમને લાગેલા આ ટેગ વચ્ચે નથી આવતા હોતા! આ બધા જ વર્ગના લોકોમાં નસીબને માનનાર અને ન માનનાર બન્ને પ્રકારના લોકો મળી જ જશે. એવું પણ બને કે કોઈ ચાર ચોપડી ભણેલ ખેડૂત પણ નસીબને નકારતો હોય અને ક્યારેક કોઈ ડૉક્ટર કે વૈજ્ઞાનિક પણ નસીબ પર વિશ્વાસ ધરાવતો જોવા મળે! આ જ તો એની ખૂબી છે અને એટલે જ તો નસીબ નામનો આ કોયડો સદીઓથી ચર્ચામાં રહ્યો છે. દૂનિયામાં એવો કોઈ નિશ્ચિત સમૂહ કે વર્ગ જોવા નહીં મળે કે નસીબને સ્વીકારતો કે અવગણતો હોય! ઘણી વખત કંઈક એવું બને જે આપણા હાથમાં નથી હોતું એને આપણે નસીબ કહેતા હોઈએ છીએ. ઘણી વખત આપણે અંધશ્રદ્ધામાં ન માનતા હોવાનો ક્કકો કૂટતા હોઈએ છીએ પણ ક્યારેક કોઈ એવી વિસ્મયકારક ઘટના ઘટી જાય કે ન છૂટકે નસીબમાં માનતા થઈ જઈએ છીએ! તો બીજો પણ એક સવાલ જે સદીઓથી પેદા થતો આવ્યો છે કે કર્મ મોટું કે ભાગ્ય? તો અહીં ભાગ્યના સમર્થકો ભાગ્ય પર જ કળશ ઢોળશે. પણ કર્મના સમર્થકો કહેશે કે જો નસીબ પહેલાંથી જ નક્કી હોય તો તમે એક રૂમમાં પૂરાઈને બેસી જાઓ. પછી જોઈએ કે તમારા બધા કામો નસીબના જોરે પૂરા થાય છે કે કેમ? આવું ખરેખર કરવામાં આવે તો સીધી વાત છે કે કોઈ કામ નહીં થાય. તો શું એનો મતલબ નસીબનું અસ્તિત્વ નથી? તો અહીં નસીબના સમર્થકોની દલીલ પણ જોવી રહી. એમનું માનવું હોય છે કે તમે જ્યારે કર્મ કરો ત્યારે જ નસીબની થિયરી લાગુ પડે. નસીબની સાથે સાથે કર્મ પણ કરવું પડે. કર્મ કર્યા વગર નસીબ ફળ નથી આપતું! કર્મ અને નસીબ બન્ને સાથે ચાલતા હોય છે. અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. આ બન્ને પરસ્પર વિરોધી બાબતો છે જેને એકબીજા સાથે ક્યારેય ના જોડી શકાય. હવે જો પહેલાંથી જ નક્કી થયેલી સ્ક્રિપ્ટ એટલે કે નસીબમાં લખ્યા મુજબ જ બધું થતું હોય તો કર્મ કરી શકવાનું ઓપ્શન જ નથી બચતું! તમે જે પણ કર્મ કરો એ તો પેલી સ્ક્રિપ્ટનો જ હીસ્સો હશે. તો સામે પક્ષે જો કર્મથી જ બધું થાય તો નસીબનો જ છેદ ઊડી જાય છે. ભારતીય સમાજ ના તો નસીબને પૂરેપૂરું માને છે કે ના તો કર્મને! આ બન્ને પરસ્પર વિરોધી બાબતોમાં કોઈ એકનું જ અસ્તિત્વ શક્ય છે. યા તો નસીબ યા તો કર્મ!

હવે થોડા વધારે ઊંડાણમાં જઈએ. નસીબ પરની ચર્ચાઓમાં નસીબમાં ન માનનાર લોકોને થકવી દેતો અને પરેશાન કરી મૂકતો ધારદાર સવાલ જોઈએ. કોઈ બે વ્યકિત સરખી જ બુદ્ધીક્ષમતાવાળી છે, એક સરખી જ ડીગ્રીઓ મેળવી છે તો પણ એક વધારે સફળ અને એક ઓછો સફળ કેમ થાય છે? અથવા તો ક્યારેક અતિબુદ્ધીશાળી માણસ પણ નિષ્ફળ અને એવરેજ બુદ્ધીવાળો વ્યક્તિ સફળતાના શિખરો કેમ સર કરી શકે છે? આવો જ એક બીજો પણ સવાલ પેદા થાય કે, જો ખરેખર નસીબનું અસ્તિત્વ ના હોય તો કોઈ વ્યક્તિ અમીર ઘરમાં અને કોઈ ગરીબના ઘરમાં કેમ પેદા થાય છે? આપણે અહીં આ સવાલ કંઈક આમ પૂછવામાં આવે છે, "ધીરૂભાઈ અંબાણીના ઘેર હું અને મારા પપ્પાને ત્યાં મુકેશ અંબાણી કેમ ના જન્મ્યા?" આ સવાલ પણ વ્યાજબી છે. એ બધામાં ઊંડા ઉતર્યા પહેલાં નસીબ પર થયેલા કેટલાંક વૈજ્ઞાનિક સર્વે પર એક નજર કરી લઈએ. આપણે શાળામાં ભણતાં ત્યારે આપણી પણ કોઈ લકી વસ્તુઓ કે બાબતો હતી. કોઈ લકી પેન હોય તો કોઈ વળી એવું માનતા કે બૂકમાં મોરપીંછ રાખવાથી વિદ્યા આવે! તો આવી જ એક શાળામાં વિદ્યાર્થીઓના બે અલગ અલગ જુથ પર એક પ્રયોગ થયો. એક સામાન્ય ટેસ્ટ લેવામાં આવી. જેમાં એક જુથને પોતાની લકી વસ્તુઓ લઈ જવા દેવામાં આવી અને એક ને નહીં. આવા કેટલાંય પ્રયોગો પછી એક પેટર્ન સામે આવી. જે વિદ્યાર્થીઓને એમની લકી વસ્તો સાથે રાખવા દેવાની છૂટ આપવામાં આવેલી એમનું પર્ફોર્મન્સ અન્ય જુથ કરતાં અશ્ચર્યજનક રીતે વધારે બહેતર હતું! તો શું ખરેખર કેટલાંક લોકો કે એમની વસ્તુઓ લકી હોય છે? જો હા, તો એનો મતલબ નસીબનું અસ્તિત્વ છે! હજુ આટલેથી અટકવાનું નથી. આપણે વધારે ડીપમાં જવાનું છે. આવો જ એક પ્રયોગ ગોલ્ફના ખેલાડીઓ પર પણ થયેલો. અહીં એક જુથને એમ કહીંને એક ગોલ્ફ ક્લબ (દડાને ફટકારવા માટેની સ્ટીક) આપવામાં આવ્યું કે આ 2003 માં બ્રિટિશ ઓપન જીતનાર પ્રખ્યાત ખેલાડી બેન કાર્ટિસનું (Ben clifford curtis) ક્લબ છે અને આનાથી તમે સારી રીતે ગોલ કરી શકશો. જ્યારે બીજા સમૂહને ખાલી આ એક સારું ક્લબ છે એમ કહેવામાં આવ્યું. પણ હકીકતમાં તો બન્ને સરખા જ હતા. અહીં પણ પેલાની જેમ જ આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા. કેટલાય પ્રયોગો પછી જે સમૂહને બેન કાર્ટિસનું ક્લબ હોવાનું કહેવામાં આવેલું એ પેલા સમૂહ કરતા વધારે સારી રીતે રમી શક્યા અને વધારે વખત બોલને હોલ સુધી પહોંચાડી શક્યા.

હવે આ પ્રયોગો પરથી તો નક્કી થાય કે નસીબ ખરેખર તો એમના દિમાગમાં હતું! કોઈ વસ્તુ આપણા માટે લકી છે કે આપણે પોતે જ લકી છીએ એમ જ્યારે માની લઈએ ત્યારે જે તે કામ કરવાની આપણી રીત વધારે બહેતર બની જતી હોય છે, એક અલગ જાતનો આત્મવિશ્વાસ આવી જતો હોય છે. પોતાને લકી માનનાર લોકોના વિચારો, ધારણાઓ અને મનોવલણો સકારાત્મક બની જતા હોય છે. તો શું આત્મવિશ્વાસ એ જ લક કે નસીબ છે? બિલકુલ નહીં! એ તો માત્ર કોઈપણ કામ બાબતે આપણા ડર, દબાણ અને ગભરામણ ઓછી કરનારું એક પરિબળ છે. હા, આપણી સફળતા માટે આત્મવિશ્વાસ એક મહત્ત્વની ભૂમિકા ચોક્કસથી ભજવે છે પણ એને નસીબ તો ન જ કહી શકાય. આ જ બાબતને સમજવા માટેનો એક પ્રયોગ ઇંગ્લેન્ડના પ્રોફેસર રિચાર્ડ વાઇસમેન દ્વારા કરવામાં આવેલો. પ્રો. રિચાર્ડ એક સાઇકોલોજિસ્ટ છે અને એમણે પેરાનોર્મલ બાબતો અને નસીબ જેવા અઘરા વિષયો પર ઘણા રિસર્ચ અને પ્રયોગો કર્યા છે. એમણે એક જાહેરાત દ્વારા પોતાને લકી માનનાર અને અનલકી માનનાર બન્ને પ્રકારના લોકોને આમંત્રિત કર્યા. આ બન્ને પ્રકારના લોકોના સમૂહો પર એક પ્રયોગ કર્યો. બન્ને સમૂહને એક પુસ્તક આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમારે આ આખા પુસ્તકમાં કેટલાં ચિત્રો છે એ શોધવાનું છે. આ પુસ્તકમાં અધવચ્ચે એક પાનામાં મોટા અક્ષરોમાં લખેલું હતું કે આ પુસ્તકમાં કુલ 52 ફોટાઓ છે! હવે જે લકી સમૂહ હતો એમણે આ લખાણ અવગણીને આખા પુસ્તકમાંથી કુલ ફોટોઓનો ચોક્કસ આંકડો ગણ્યો. જ્યારે પોતાને બદ્નસીબ માનતા સમૂહના લોકોએ આ પાનાથી આગળ જોવાની તસ્દી જ ન લીધી. અહીં એ જ સ્પષ્ટ થાય કે પોતાને બદ્નસીબ સમજતા લોકોનું નસીબ ખરાબ નથી હોતું પણ કામ કરવાની એમની હોંશ, દુનિયાને જોવાની એમની દ્રષ્ટ્રી જ નિરાશાવાદી બની જતી હોય છે.

આ બધા પ્રયોગો તો નસીબના અસ્તિત્વને જોખમમાં મૂકે એવા સાબિત થયા પણ હજુ પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે નસીબમાં માનવા પ્રેરતી હોય છે. કેટલીક ઘટનાઓ પર આપણું કંટ્રોલ હોય છે અને એમાં આપણે આપણી ભૂલ કે કાર્યકારણ સંબંધનો હવાલો પણ આપી શકીએ છીએ. પણ, કેટલીક ઘટનાઓ એવી પણ હોય કે જેના પર આપણો કોઈ જ કંટ્રોલ ન હોય! જેમ કે, કોઈ વ્યક્તિને લોટરી લાગે તો એ ઘટનામાં ન તો એ વ્યક્તિની કોઈ મહેનત છે કે ન એ ઘટના પર એનો કંટ્રોલ. એમાં એણે એવું તો કયું કામ કર્યું હોય છે કે એને લોટરી લાગે? ઘણી વખત કોઈ ભયંકર કાર અકસ્માત થાય કારની હાલત જોઈને લાગે કે આમાં કોઈ બચ્યું જ નહીં હોય. ત્યારે એમાં મોજૂદ પાંચ વ્યક્તિમાંથી એક જ બચી જાય! તો સવાલ થાય કે એ જ વ્યક્તિ કેમ બચ્યો? બે વ્યક્તિ બાઇક પર જતી હોય, પોતાની સાઇડમાં ટ્રાફિકના બધા નિયમોનું ધ્યાન રાખીને ચાલ્યા જતાં હોય અને સામેથી અેક ફૂલ ટલ્લી થયેલો ટ્રક ડ્રાઇવર એને અડફેટે લે ત્યારે? એમાં પેલા બન્ને એ તો કંઈ કર્યું જ નથી હોતું. એમાં પણ બેમાંથી એક મૃત્યુ પામે અને એક બચી જાય ત્યારે શું સમજવાનું? નસીબ? જો નસીબનું અસ્તિત્વ ન હોય તો કોરોના, પૂર કે વાવાઝોડાના અસરગ્રસ્તોને કઈ રીતે મૂલવવા? આ એવી ઘટનાઓ છે જેના પર માણસનું કોઈ જ કંટ્રોલ નથી હોતું. તો આ બધામાં કાર્યકારણનો નિયમ કઈ રીતે લાગુ પડે? અને આપણો પેલો અંબાણી પરિવારમાં જન્મ લેવાવાળો યક્ષ પ્રશ્ન પણ ઊભોને ઊભો જ છે! યા તો આ બધા સવાલોના સચોટ જવાબો મેળવવા પડે યા નસીબને માનવું પડે!

તો ચાલો એક એક કરીને બધા ઉદાહરણોને સમજવાની કોશિશ કરીએ. સામેથી આવતા ફૂલ ટલ્લી થયેલા ટ્રક ચાલકે અકસ્માત કર્યો અને બાઇક પર આવતાં બે મિત્રોમાંથી એકને ગંભિર ઈજા થઈ. અકસ્માતનું કારણ તો પીધેલ હાલતમાં રહેલો ડ્રાઇવર જ છે. સામે દલીલ એવી પણ થઈ શકે કે એણે દારૂ કેમ પીધેલો? ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી, કે સંગતની અસર. તો એવા મિત્રોની સંગત કેમ થઈ? એ એની મિત્રો માટેની પસંદગી કેવી છે? એ મિત્રો કેવી રીતે અને ક્યાંથી મળ્યા? એની પર કાર્યકારણની એક આખી લાંબી ચેઇન હોય! તો બેમાંથી એકને જ ઈજા થઈ એનું શું? શું ત્યાં નસીબ કામ કરે છે? અહીં પણ કારણો હોય જ છે. પાછળ બેસેલો મિત્ર ફંગોળાઈને દૂર રોડની સાઇડમાં પડ્યો. જ્યારે બીજો મિત્ર એવી જગ્યા પર પડ્યો જ્યાં પથ્થર હતો. એનું માથું સીધું જ પથ્થર પર આવ્યું. હેલ્મેટ ન પહેર્યું હોવાથી માથામાં ઈજા થઈ. કેમ નહોતું પહેર્યું? કેમ કે આપણે માનીએ છીએ કે ટ્રાફિકના નિયમો તોડવા માટે જ હોય છે! આપણે એવું કેમ માનીએ છીએ? એનો જવાબ છેક સિસ્ટમ અને તંત્રની ઢીલી નીતિથી લઈને આપણા બેદરકારીભર્યા સ્વભાવના મનોવિજ્ઞાન સુધી પહોંચે! કેટલીક ઘટનાઓમાં ગહન અને અદૃશ્ય લાગતા કાર્યકારણ સંબંધની એક આખી ચેઇન હોય છે પણ મોટાભાગે આપણે એ ગહન કાર્યકારણ સંબંધની પીંજણમાં નથી પડતા હોતા. આ ચેઇનમાં પાછળ જતાં જે કારણો મળે એનો સીધો સંબંધ જે તે ઘટના સાથે નથી હોતો પણ એકબીજા સાથે જોડાયેલા ચોક્કસ હોય છે. એટલે જ તો આ ચેઈન અદૃશ્ય ભાસે છે. તો શું બધી જ ઘટનાઓ એવી હોય છે કે જેની પાછળ કાર્યકારણની ચેઇન હોય છે? બિલકુલ નહીં. એવી પણ ઘટનાઓ ઘટે કે કાર્યકારણ સંબંધ ન હોય! એ પણ આગળ જોઈશું. કાર કે બસમાં પણ દસમાંથી એક વ્યક્તિ બચે ત્યારે પણ આવી જ આખી ચેઇન લાગુ પડે.

કદાચ વાત હજુ પણ હજમ ના થઈ! માની લો કોઈ દસ-બાર વર્ષની છોકરી પર બળાત્કાર થયો! તો શું એ એના નસીબ ના લીધે થયો? જો હા, તો એનો મતલબ તમે જે તે બળાત્કારીને સજા કરવાના પક્ષમાં બિલકુલ નથી! તો તો પછી બધી જ કાનૂન વ્યવસ્થા જ પડી ભાંગે! પણ હા ઘણી વખત ખોટા કામો કરનારને એની સજા નથી પણ મળતી? તો એનું શું કારણ? સિસ્ટમ, તંત્ર, ગંદું રાજકારણ અને ભ્રષ્ટ અધિકારિઓ વગેરે. તો પછી બળાત્કાર થવા પાછળના કારણો શું? આરોપીનો ઉછેર, બાળપણના સંસ્કારો! બની શકે એને બાળપણમાં માનો પ્રેમ ન મળ્યો હોય. તો આપણા બાળકનો ઉછેર આપણે બરાબર રીતે નથી કરતાં તો એની અસર આખા સમાજ પર પડતી હોય છે અને આખા સમાજની અસર આપણા પર પણ પડે! જે પેલી છોકરી પર પડી! મતલબ આખી સિસ્ટમ અને સમાજ આપણી જાત સાથે પણ જોડાયેલા હોય છે. મારું એક નાનકડું વર્તન આખા સમાજ પર અસર કરે અને સમાજ વળી પાછો એક વ્યક્તિ પર પણ અસર કરે. બધી ઘટનાઓમાં પરિસ્થિતિ આપણા એકના હાથમાં નથી હોતી એ આખી સિસ્ટમ કે સમાજના હાથમાં પણ હોય છે. તો હવે બે સરખા બુદ્ધિશાળી અને સરખું જ ભણેલા લોકોમાં એકની સફળતા અને બીજાની નિષ્ફળતા માટે શું કહીં શકાય? ત્યારે કારણભૂત હોય છે સાચા સમયે સાચી જગ્યા પર પહોંચવું. પછી એ આવડત પણ હોઈ શકે અને અનાયાસ પણ પહોંચી જવાય. કોઈ કહેશે આ આનાયાસ કે અકસ્માત એટલે જ નસીબ! એના પર પણ આગળ ચર્ચા કરીશું. અહીં એક વાત એ પણ નોંધવી રહી કે બે વ્યક્તિઓમાં સો ટકા એક સરખી બુદ્ધિશક્તિ હોવી અશક્ય છે, કંઈક તો ફેરફાર હોય જ છે. બે દસકા પહેલા કોઈએ એન્જીનિયરીંગ કર્યું હોય તો ભણ્યા પછી તરત જ સારા પગાર પર નોકરીએ લાગી જાય અને અત્યારે કર્યું હોય તો? મતલબ આ ખેલ સાચા સમયે સાચી જગ્યા પર પહોંચવાનો છે! નસીબનો નહીં. તમારી સાચી પસંદગી, એ જ તમારું નસીબ! આ પસંદગીની સાથે જે તે વ્યક્તિના રસ, રુચિ, અભિગમ અને યોગ્યતા પણ એની સફળતા-નિષ્ફતા પર અસર કરતાં હોય છે. હોલિવુડ એક્ટર ટોમ ક્રુઝે ઈ.સ. 1981 માં ફિલ્મોમાં કામ કરવાની જગ્યાએ બિઝનેસમાં પોતાનું કરિયર બનાવવા અને અમેઝોનના સીઈઓ જેફ બેઝોસે ઈ.સ. 1994 માં નોકરી છોડીને ઓનલાઈન બૂક વેચવાની જગ્યાએ એક્ટિંગને પોતાના કરિયર તરીકે પસંદ કર્યું હોત તો? કદાચ ટોમ ક્રુઝ આજે પણ એક સામાન્ય ધંધાદારી માણસ હોત! અને જેફ આજે પણ નાનામોટા રોલ માટે કરગરતા હોત!

હવે પેલા યક્ષ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોઈ માણસ અમીર ઘરમાં જન્મ લે, તો એમાં વળી એણે શું મહેનત કરી? આખરે અહીં તો નસીબ પર ભરોસો કરવો જ પડે! પણ ના. આ કોયડાનો પણ એક ચોક્કસ ઉકેલ છે. આના માટે ગયા લેખમાં આપણે ધીરૂભાઈ અંબાણીનું ઉદાહરણ લીધું હતું. આ દલીલમાં મોટાભાગના લોકો અંબાણી પરિવારનું જ ઉદાહરણ આપતા હોય છે કે, ધીરૂભાઈ અંબાણીને ત્યાં કેમ મુકેશભાઈનો જ જન્મ થયો આપણો કેમ નહીં? આ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે "હું" કોણ છું? મુકેશ અંબાણી એટલે કોણ? આ પણ સદીઓથી મૂઝવતો પ્રશ્ન છે, "હું એટલે કોણ?" મુકેશભાઈ એટલે કોણ? એક સફળ બિઝનેસમેન. બિઝનેસમેન તો એ મોટા થઈને બન્યા. એ પહેલાં એ કોણ હતા? એક હોનહાર કે તોફાની વિદ્યાર્થી, એ પહેલાં એક આજ્ઞાકારી દિકરો, એ પહેલાં મુકેશ નામનું એક નાનું બાળક. એનાથી પણ પહેલા જ્યારે નામ પણ નહોતું પડ્યું ત્યારે? જસ્ટ એક નાનું બાળક. શું જન્મ સમયે એ મુકેશ અંબાણી હતા? બિલકુલ નહીં. તો ક્યારે બન્યા? સાચી વાત તો એ છે કે, કોઈ કોઈને ત્યાં જન્મ લેતું જ નથી. એક પરિવારમાં બે કે ચાલ કિલોનું એક નાનું બાળક જન્મે, એનું નામ રાખવામાં આવે, એ મોટું થતું જાય એમ આસપાસના વાતાવરણ અને માબાપ પાસે અનુભવો મેળવે, ચાલતાં અને જમતાં શીખે, મોટું થતું જાય એમ એના પોતાના મગજમાં પોતાના સ્વની એક ધારણા બંધાતી જાય, આવડતો અને કૌશલ્યો વિકસતા જાય અને આસપાસના લોકો પણ એના સ્વ વિષે ધારણાઓ બાંધે. આટલા વર્ષોમાં ભેગા થયેલા એમના અનુભવો અને સ્વની ધારણાઓ મળીને બને છે, 'હું' એટલે જ તો કોઈની યાદદાસ્ત જતી રહે ત્યારે પહેલો શબ્દ બોલે, "હું કોણ છું?" એના દિમાગમાં આજ સુધી ભેગી થયેલી યાદો જ એનો 'હું' હતો. હવે આપણા આ ઉદાહરણમાં એમ કહી શકાય કે, ધીરૂભાઈને ઘેર મુકેશ અંબાણીનો જન્મ નથી થયો પણ ધીરૂભાઈ અંબાણીના ઘેર જે બાળક જન્મ્યું એ આગળ જઈને એના પર થયેલા સંસ્કારો પ્રમાણે એ મુકેશ અંબાણી બન્યા!

હવે મૂળ વાત, અશક્ય લાગતી આશ્ચર્યજનક ઘટનાઓ કે જેની પાછળ કોઈ જ કાર્યકારણ સંબંધ પણ નથી હોતો એેને તો નસીબનું જ નામ આપી શકાય ને? એ પણ જોઈએ. ઈ.સ. 2001 માં ઇંગ્લેન્ડમાં આવી જ એક પ્રખ્યાત ઘટના ઘટેલી. લોરા બક્સટન (laura boxton) નામની એક દસ વર્ષની છોકરી એના દાદાજીની પચાસમી લગ્નતિથિ ઊજવી રહી હતી. દાદાજીએ આસપાસ રહેલા ફુગ્ગાઓમાંથી એક ફુગ્ગો લીધો અને લખ્યું, "Please return to laura boxton" આ સાથે એમણે પોતાનું સરનામુ પણ લખ્યું અને ખુલ્લાં આકાશમાં છોડી દીધો. બે દિવસ પછી એમના ઘરથી લગભગ સવા બસો કિલોમીટર દૂર આ ફુગ્ગો એક ખેડૂત ના હાથમાં આવ્યો. એણે નામ વાંચ્યું તો આશ્ચર્યચકિત થઈ ગયો કારણકે એની પાડોશમાં રહેતી દસ વર્ષની છોકરીનું નામ પણ આ જ હતું! પછી તો સરનામાના આધારે એ બન્ને છોકરીઓ અને એમના પરિવારો મળ્યા પણ ખરાં. પણ, સવાલ અહીં એ પેદા થાય કે આ ઘટના શું ખાલી એક અકસ્માત છે, ચમત્કાર છે કે પછી નસીબનો ખેલ? જી નહીં, આ બધો નસીબનો નહીં પણ સંભાવનાઓનો ખેલ છે! ચાલો વિસ્તારથી જોઈએ.

પ્રૉ. ડેવિડ જે. હેન્ડ (David John hand) એક પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી અને લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં ગણિતના પ્રોફેસર છે. એમણે આંકડા, ડેટા માઇનિંગ, ફાઇનાન્સ, વર્ગીકરણ પદ્ધતિઓ અને સુખાકારીના માપદંડો પર કેટલાંય રિસર્ચ કર્યાં છે અને 31 જેટલા પુસ્તકો પણ લખ્યા છે. જેમાં એક "Improbability Principle: Why Coincidences, Miracles, and Rare Events Happen Every Day" નામનું પ્રખ્યાત પુસ્તક પણ સામેલ છે. આ પુસ્તકમાં એમણે સંયોગથી ઘટતી આવી આકસ્મિક ઘટનાઓ અને એની સંભાવનાઓ વિષે વિસ્તારથી છણાવટ કરી છે. પ્રો. ડેવિડ કહે છે કે, માણસ આકસ્મિક ઘટનાઓ પરની પ્રતિક્રિયામાં અતિરેક (Overreact) કરે છે. આવી અનોખી ઘટનાઓ મિડિયામાં વધુને વધુ શૅર થતી હોય છે. મોટાભાગે છાપાઓ અને ટીવીમાં આપણે આવી અનોખી ઘટનાઓનો જ સમાવેશ થતો હોય છે. પણ, કોઈ એવું નહીં છાપે કે એ ઘટના કેટલા લોકો સાથે નથી બની! કારણ કે વાતમાં કોઈ દમ જ નહીં રહે! કોઈ એમ નહીં કહે કે આજે લાખો લોકો કાર લઈને ઑફિસે ગયા અને એમને કોઈ અકસ્માત ના નડ્યો, તેઓ સહી સલામત પાછા ઘરે પહોંચી ગયા. આ પણ એક ઘટના છે પણ એ છાપાઓની હેડલાઈન નથી બનતી! કેટલીક ઘટનાઓ માત્ર એક અકસ્માત કે સંયોગ (Coincidence) માત્ર હોય છે. આ સંયોગની વ્યાખ્યા એવી છે કે, દસ લાખમાંથી એકની સરેરાશમાં ઘટતી ઘટના એટલે સંયોગ. પૃથ્વી પર આપણે લોકો આઠેક અબજ જેટલાં છીએ તો દર સેકંડે કોઈ એક એવી આકસ્મિક ઘટનાની સંભાવના હોય છે. એ હિસાબે તો પેલી છોકરીના ફુગ્ગાનું એ જ નામવાળી છોકરી સુધી પહોંચવું એક સામાન્ય સંયોગ કે અકસ્માત કહી શકાય! આ સંભાવના એક એવો વિષય છે જે સામાન્ય માણસની બુદ્ધિ કરતા કેટલાય કદમ આગળ ચાલતો હોય છે! સંભાવના એક અઘરો ગાણિતિક કોયડો છે. સંભાવનાની બાબતમાં આંકડો હંમેશા આપણા ધાર્યા કરતા આશ્ચર્યજનક રીતે મોટો જ હોય છે! ચાલો એક ઉદાહરણ જોઈએ.

એક રૂમમાં ત્રીસ વ્યક્તિઓ છે. એમાં બબ્બેની જોડીમાં મિત્રો બનાવવા હોય તો કેટલી જોડી બનશે? પહેલી નજરે આપણો જવાબ "પંદર" હોય. પણ ઊંડો વિચાર કરતાં સમજાય કે અલગ રીતે જોડી બનાવીએ તો 435 જોડીઓ બને! આવો જ સવાલ સુપર 30 ફિલ્મમાં પણ આવેલો જેમાં 'હેન્ડસેક' ગણવાના હતા. આ છે સંભાવનાઓનો ખેલ. બધાએ લગભગ પેલી ચેસબોર્ડ અને રાજાવાળી વાર્તા તો સાંભળી જ હશે. જેમાં એક જ્ઞાની માણસ રાજાની પાસે ઇનામમાં ચોખાના દાણાની માંગણી કરે છે. એ કહે છે કે, ચેસબોર્ડના પહેલાં ખાનામાં એક દાણો, બીજામાં બે, ત્રીજામાં ચાર એમ ચોસઠ ખાના સુધી દરેક ખાનામાં ડબલ કરતાં જવાનું, બસ આટલા ચોખા મને આપો! રાજા કહે છે બસ? આટલું જ? અને એ સૌનિકોને એની માંગ પૂરી કરવા આદેશ આપે છે. પણ, આ મૂજબ આપવા જતાં રાજાનું આખું રાજ પણ ટૂંકું પડે છે! આ વાર્તા સાંભળીને કદાચ આપણને વિશ્વાસ પણ ન આવે! પણ હિસાબ કરીએ તો, ચોખાની કુલ સંખ્યા થાય, 18446730560000000000! એક ચોખાના દાણાનો સરેરાશ વજન 0.020 થી 0.029 હોય છે. એ હિસાબે કુલ 535 બિલિયન ટન (535 અબજ ટન!) ચોખા થયા! ગત વર્ષ 2019-20 માં આખા વિશ્વનું ચોખાનું ઉત્પાદન માત્ર 500 મિલિયન (પચાસ કરોડ) ટન જેટલું જ હતું. આના પરથી અંદાજો આવે કે એ સમયે આ આંકડો કેટલો મોટો ગણાય. કહેવાનો મતલબ એ જ કે સંભાવનાઓનો ગાણિતિક ખેલ ખરેખર આપણા ધાર્યા કરતાં ઘણો મોટો અને વિચિત્ર હોય છે.

ભવિષ્ય કથન કરનારા લોકો પણ સંભાવનાના નિયમનો (law of probability) ઉપયોગ કરીને ખાલી તુક્કા લગાવીને આપણું ભવિષ્ય કહી દેતા હોય છે. સંભાવનાના નિયમ મુજબ જ્યારે બે ઓપ્શન હોય ત્યારે 100 માંથી 30 થી 70 ટકા તુક્કા સાચા પડે છે. માની લો તમે કોઈ એક પરીક્ષામાં બેઠા છો. જેમાં એક પ્રશ્નનો એક ગુણ એવા સો પ્રશ્ન છે. જવાબમાં દરેકમાં બે ઓપ્શન આપેલા છે. હવે જો તમે કદાચ પ્રશ્ન જોયા વગર પણ ઓપ્શન ટીક કરતાં જશો તો પણ તમને 30 થી 70 ની વચ્ચે માર્ક મળી શકે છે! આ રીતે ખરેખર તો 0 માર્કથી ફેઇલ થવું અઘરું જ નહીં અશક્ય છે! પાસ થવું તો અઘરું હોય પણ અહીં તો 0 માર્કથી ફેઇલ થવું પણ અઘરું છે! (આ દુનિયા કેટલી અઘરી છે! હીહીહી) આ જ નિયમનો ઉપયોગ કરીને આપણા ભવિષ્ય વિશે કેટલીક સાચી તો કેટલીક ખોટી આગાહીઓ કરી શકાય છે. વળી પાછું અહીં તો આંખો ખુલ્લી રાખીને અાગાહી કરવાની હોય છે. આપણા ચહેરાના હાવભાવ અને વર્તન પરથી ઘણુંબધું કળી શકાતું હોય છે. ખેર, આ બધી માથાપચ્ચી પછી એ જ નિષ્કર્ષ નિકળે કે આ દુનિયામાં નસીબનું કોઈ અસ્તિત્વ નથી. તમે પસંદ કરેલી વસ્તુઓ, વિષયો કે બાબતો અને એના પર કરેલી મહેનત જ કર્મ છે અને પરિણામ એનું ફળ! અને જો એ પસંદ કરવામાં તમે થાપ ખાઈ ગયા અથવા મહેનત કરવામાં દિલદગડાઈ કરી તો એનાથી મળતું પરિણામ એટલે એ કર્મનું ખરાબ ફળ. એનાથી ઉલટું થાય તો સારું ફળ. આજે તમે કોઈ અસહાય અને નિર્બળ માણસને લાફો મારી દેશો તો ક્યારેક તો એના મનમાં વિદ્રોહ જાગશે જ અને લાગ આવ્યે એનું સાટું પણ વાળશે. એ લાફા સામે લાફો પણ હોઈ શકે અને વ્યાજ સહિત કોઈ મોટું નુકશાન પણ હોઈ શકે! કર્મનો સિદ્ધાંત આટલો સીધો, સાદો અને સરળ છે. પણ, આપણને હંમેશા જલેબીના ગૂંચળા જેવી અટપટી, અકલ્પનિય, અવિશ્વસનિય અને અઘરી બાબતો જ આકર્ષતી હોય છે! છેલ્લે આ વિષય પર સ્વામી વિવેકાનંદનું એક કથન યાદ આવે છે, "માણસની કિસ્મત એના પોતાના જ હાથમાં હોય છે. માટે ઊઠો, સાહસી બનો, મજબૂત બનો! બધી જવાબદારી પોતાના ખભા પર લો અને જાણો કે તમે પોતે જ તમારા ભાગ્યના નિર્માતા છો!"


- ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED