The poverty of the rich books and stories free download online pdf in Gujarati

સમૃધ્ધોની કંગાલીયત..

મનોજ અને સુબોધ પોતાની NGO સંસ્થા ઉડાન ની ઑફિસ મા બેઠા છે. એમની સંસ્થા શિક્ષણ તેમજ સ્ત્રીશિક્ષા માટે કામ કરી રહી છે. એમનો મુખ્ય હેતુ છે અમીર હોય કે ગરીબ, સ્ત્રી હોય કે પુરુષ શિક્ષણ થી કોઇ વંચિત ના રહે બસ. દેશમા શિક્ષણનુ સ્તર ઊંચુ નહી આવે ત્યાં સુધી અન્ય મુદ્દાઓનુ સમાધાન નહી થાય, એવુ એમની સંસ્થાનુ માનવુ છે.

મનોજ : યાર સુબોધ આપણે 2 વર્ષથી આ NGO ચલાવીએ છીએ... ખુબ મહેનત કરી, લોકોને શિક્ષણ ને મહત્વ આપવા ખુબ સમજાવ્યા પણ... રિઝલ્ટ? ઝિરો..! હા થોડા થોડાઘણાં અંશે આપણે સફળ પણ થયા છીએ પણ હજુ પણ અમુક લોકો પોતાના સંતાનો ને શિક્ષા થી વંચિત રાખી રહ્યા છે.

સુબોધ : હા યાર વાત તો તારી એકદમ સાચી છે. અમીરો લોકો તો પોતાના બાળકો અને પુત્રવધુઓ ને પણ ભણાવે છે, મધ્યમ વર્ગના લોકો પણ કદાચ ગમે તેમ કરી ને પણ સંતાનોને ભણાવે છે પણ ગરીબ માણસ? એમને બે ટંક પુરતુ ખાવાનુ પણ નથી મળતુ તો અબાલ વૃધ્ધ બધા ભિખ માંગવા નીકળવુ પડે છે અથવા બાળકો સહીત બધાએ કામ પર જવુ પડે છે તો એમાં એ શાળાએ કઇ રીતે જઇ શકે?

મનોજ : કંઇક તો કરવુ પડશે પણ શુ? એ સમજાતુ નથી. ખેર, આપણે પેલી ઝુપડપટ્ટી વિસ્તાર મા રોજગારી આપી અને આર્થિક સહાય પણ આપવાની જે નવી તરકીબ અજમાવી છે એનો પ્રોગ્રેસ રિપોર્ટ તો જઇને જોઇ આવીએ ચાલ. જો એ આઇડિયા કામ કરી જશે તો હવે પછી આપણે રોજગાર અને આર્થિક સહાય પર વધારે ધ્યાન આપીશુ. આમ પણ હવે આપણે ફંડ પણ ઘણુંબધું એકઠુ કરી લીધુ છે.

સુબોધભાઇ : (ખુરશી પરથી ઊભા થતા) હા ચાલ એ ઝુપડપટ્ટી ની મુલાકાલ લઇ આવીએ. મને વિશ્વાસ છે કે આ કીમિયો કામ કરશે જ કારણ કે આર્થિક મદદ ના વાંકે જ એમના બાળકોને શિક્ષા થી વંચિત રહેવુ પડે છે.

સુબોધ અને મનોજ બન્ને મિત્રો નીકળી પડે છે શહેરની બાજુમાં આવેલી ઝુપડપટ્ટી પર. સુબોધ ગાડી ના કાચ માંથી બહાર જોઇ રહ્યો છે. શહેરોની મોટી મોટી બિલ્ડીંગો પુરી થઇ અને શરુ થયો ઝુપડપટ્ટી વિસ્તાર. એક ઝુપડા પાસે આવી ને ગાડી ઊભી રહે છે ચરરર. બંન્ને મિત્રો અંદર જઇને મુલાકાત કરે છે. અંદર એક 35 વર્ષની સ્ત્રી રમીલા એમનુ સ્વાગત કરે છે. એકને તુટેલી ખુરશી અને બીજાને એક ડબ્બા પર બેસાડે છે! મનોજ અને સુબોધ એને છોકરાઓ અને પતિ વિશે પુછે છે.

રમીલા : સાયેબ તમે અમારા હાટુ ઘણુ કઇરુ પણ... ચુની ના બાપુ એ કારખાનામા દારુ પી ને ઝઘડો કઇરો... અેટલે એને કાઢી મુઇકા. (રમીલા થી એક ડુસકુ ભરાઇ ગયુ.) ઘરે આવીને ચુની ઉપર ખિઝાય ગ્યા અને એને પણ ગુસ્સામા એક તમાચો ચોડી દીધો! એ રાતે અમે બધાઇ ખાધા વગર જ સુઇ ગયા અને સવારે જોયુ તો ચુનીને સખત તાવ ચઇડો'તો અને ટાઇઢ પણ બઉ ચઇડી'તી...

સુબોધ અને મનોજ સુન્ન થઇ ને બધુ સંભળી રહ્યા હતા.

સુબોધ : (એક નિ:સાશા સાથે) પછી?

રમીલા : સાયેબ પસી મે ચુની ના બાપુને ઉઠાઇળા તો ઇ ચુની ને અમારા માતાજી ના ભુવાજી આગર લઇ ગ્યા. એણે ધુણીન કીધુ કે આને ડાકણ વયરગી હે, વિધી કરવી પડસે અને એમાં 21000 નો ખરસો થાઇશે! અમે તમે આપેલા વીહ હજાર મા ઘરમા થી બીજા હજાર નાખી ને ભુવાજી દઇ દીધા... 5 દિ થઇ ગ્યા, ચુની ને હજી તાવ ઉઇતરો નથી. (અને ચોધાર આંસુએ રમીલા રડી પડી.)


સુબોધ અને મનોજ બન્ને એકબીજા સામે તાકી રહ્યા. એમણે 108 ને ફોન કરી ને ચુની ને રમીલા સાથે હોસ્પિટલ જવા રવાના કર્યા.

આ ઘટનાએ મનોજ અને સુબોધ બન્ને ની હાલત ખરાબ કરી નાંખી હતા. ભારે હૈયે એ બન્ને આગળ ના બીજા ઝુપડાઓની મુલાકાતો કરવા નીકળી પડ્યા. આશરે ચાલીસેક જેવા ઝુપડાંઓ ની મુલાકાતો પછી તો જાણે એ લોકો રીતસર ના ચિંતા મા મુકાઇ ગયા હતા. NGO માંથી આપેલા પૈસા થી કોઇએ માતાજીનો તાવો કર્યો હતો તો કોઇએ માતાજી ના માંડવાનું આયોજન કર્યુ હતુ! કોઇએ એ રુપિયા ભુવાજી કે ફકીરો ના ચરણો મા ધર્યા હતાં તો કોઇએ વળી દારુ-જુગારમા ઉડાવી દીધા હતા. 35- 40 માંથી એકાદ બે કિસ્સા બાદ કરતા બધાએ ફરી પાછા પોતાના બાળકો ને ભીખ માંગવા કે મજુરી કરવા મોકલી દીધા હતાં! હવે તો એ બન્નેમાં બીજા એક પણ ઘરમા જવાની હિંમત નહોતી રહી. મનોજે ગાડી પાસે આવી ખીન્ન હ્રદયે દરવાજો ખોલ્યો ત્યાં જ સુબોધ અચાનક કંઇ યાદ આવ્યુ હોય એમ બોલી ઉઠ્યો, "મંજરી! પેલી મંજરી ના ઘરે તો ગયા જ નહી આપણે?"

મંજરી નામ સંભળતા જ મનોજ ની આંખમા પણ જાણે ચમક આવી ગઇ અને આવે પણ કેમ નહી મંજરી હતી જ એવી. હા પહેલી વખત જ્યારે એ લોકો આ વિસ્તાર માં આર્થિક સહાય માટે આવ્યા હતા ત્યારે જ એમની મુલાકાત આ મંજરી સાથે પણ થયેલી. 32 વર્ષ ની મંજરી એના બે બાળકો 7 વર્ષ નો લાલો અને 10 વર્ષની વિરા સાથે એકલી જ રહે છે. જ્યારે સુબોધ અને મનોજ મંજરી ના ઘરે ગયા હતા ત્યારે ખુમારી પુર્વક પણ સવિનય એમની આર્થિક સહાય ની સ્પષ્ટ ના પાડી દીધેલી અને કહેલુ કે જાણુ છુ કે તમે અમારા જેવા લોકોના ગરીબ બાળકોના શિક્ષણ માટે કામ કરો છો, તમે બહુ સારુ કામ કરો છો સાહેબ પણ હુ મારા બાળકો ને દરરોજ રેગ્યુલર શાળાએ મોકલુ છુ. ત્યારે એની સાથે વધારે વાત નહોતી થઇ શકી પણ બન્ને ને નવાઇ જરુર લાગેલી. હવે બન્ને મિત્રો આ ગરવિલી સ્ત્રી ને મળવા માટે એની કહાની જાણવા માટે ઉત્સુક હતા. એમની એ ઉત્સુકતા એ બન્ને ને મંજરીના ઘર સુધી લઇ આવી. મનોજે પતરા ના દરવાજે ટકોરા કર્યા...ખટટખટટટ ટપપ ટપપ... અંદર થી એક 10 વર્ષની નાનકડી છોકરી દોડતી આવી અને દરવાજો ખોલ્યો. બન્ને મિત્રો આ નાની મંજરીને જોઇ રહ્યા, હા એ અદ્દલ મંજરી જ લાગી રહી હતી. ત્યાં જ અંદરથી મીઠો અવાજ આવ્યો, "કોણ આવ્યુ છે વિરા બેટા..." અવાજ ની સાથે સાથે મંજરી પણ બહાર આવી ચુકી હતી. મનોજ અને સુબોધને જોઇને એ બોલી,
" સાહેબ, મે તમને તે દિવસે પણ ના પાડી હતી કે આમારે કંઇ જોઇતુ નથી, તો પણ તમે વળી પાછા આવી ગયા?"

મનોજ : જુઓ બહેન અમે તમને કશુ આપવા નહી પણ માત્ર તમારી મુલાકાત લેવા આવ્યા છીએ.


મંજરી : હમમ બરાબર, આવો અંદર આવો બેસો.

મનોજ અને સુબોધ ઘરમા પ્રવેશે છે. સાવ નાનકડુ સામાન્ય ઘર હતુ પણ એની સ્વચ્છતા અને વસ્તુઓ ની ગોઠવણ ઉડીને આંખે વળગે એવી હતી. અત્યાર સુધી મા એ બન્ને ને એક પણ ઘર આટલુ વ્યવસ્થિત નહોતુ લાગ્યુ! અંદર મંજરી હાથથી બનાવેલી બે ખુરશીઓ લઇ આવી અને બન્ને ને બેસવાનુ કહ્યુ.

મનોજે વાતની શરુઆત કરી, " ઘરમા તમે કોણ કોણ રહો છો?"

મંજરી : હુ, આ મારી દીકરી વિરા 5 મા ધોરણમા છે અને એક 7 વર્ષનો દીકરો લાલો એ બીજા ધોરણમા ભણે છે.

મનોજ : અને તમારા પતિ?

મંજરી : એ નથી.

મનોજ : નથી? મતલબ, માફ કરશો પણ અને પુરી સ્ટોરી જાણવા માંગીએ છીએ. અમે જાણવા માંગીએ છીએ કે તમે એકલા કઇ રીતે ઘર ચલાવો છો, બન્ને સંતાનો ને કઇ રીતે ભણાવો છો?

મંજરી : ઠીક છે, હુ માંડીને વાત કરુ છુ. હુ એક મધ્યમવર્ગ ના પરિવારમા ઉછરી છુ. નાનપણ થી જ મને ભણવાનો બહુ શોખ હતો દર વર્ષે અમારી સ્કુલમા મારો પહેલો નંબર જ આવતો. ધીમે ધીમે હુ દસમા ધોરણ મા પહોચી ગઇ. દસમા ધોરણમા મને 71 ટકા આવ્યા હતા અને મારા બન્ને ભાઇઓ નાપાસ થયા હતા. મને હતુ કે હવે હુ શહેર મા ભણવા જઇશ કારણ કે ગામમા તો માત્ર દસ ધોરણ સુધી ની જ સ્કુલ હતી. પણ....મારા બાપુ એ મને ના ભણાવવાનો નિર્ણય કરી લીધો હતો. હુ ખુબ દુ:ખી થઇ ગઇ. માં રોજ મને ઘરકામ શિખવ્યા કરે અને હુ શિખતી પણ ખરી પણ પેલી ભણવાની ઇચ્છાને હુ કેમેય કરીને તોડી શકતી નહોતી. વચ્ચે વચ્ચે મે બાપુને ઘણી વખત મનાવવા ની કોષિશ કરી પણ નિષ્ફળતા શિવાય કંઇ હાથ લાગ્યુ નહી. આમને આમ ત્રણ વર્ષ વિતી ગયા. અચાનક એક દીવસ મારા બાપુ એ આવી ને કહ્યુ કે આજે હુ તારી સગાઇ નુ પાક્કુ કરી આવ્યો છુ! મને જાણે કાપો તો લોહી ના નિકળે.... મને મારી ભણવાની તાલાવેલી નો સત્યાનાશ થતો દેખાયો. મને ઘણા સમયથી સરપંચનો છોકરો તાકી તાકીને જોયા કરતો. એક દીવસ અચાનક એ સામે આવ્યો અને કહ્યુ કે હુ જાણુ છુ કે તુ આગળ ભણવા માંગે છે અને તારી સગાઇ થી તુ ખુશ નથી પણ હુ તને પ્રેમ કરુ છુ. ચાલ આપણે શહેર ભાગી જઇએ. મારી પાસે પૈસા પણ છે, હુ તને ભણાવીશ. મને ભાગીને લગ્ન કરવા નો કોઇ શોખ નહોતો પણ ભણવા માટે હુ ગમે તે હદે જવા તૈયાર હતી. એ જ રાત્રે અમે બન્ને શહેશ આવી ગયા. શહેરમા આવી એણે ગલ્લા તલ્લા ચાલુ કર્યા. થોડા પૈસા આવી જવા દે પછી હુ તારુ એડમીશન કરાવી દઇશ....એમ કરતા એણે ત્રણ વર્ષ કાઢી નાંખ્યા અને એક દીવસ મને, આ નાનકડી વિરા અને પેટમા રહેલ નાનકડા જીવને એકલા મુકીને રફુચક્કર થઇ ગયો! (મંજરી રડવા જેવી થઇ ગઇ)

મનોજ : ઓહ! પછી?

મંજરી : પછી શુ હુ જાણી ચુકી હતી કે હવે એકલા હાથે જ બધુ કરવાનુ છે. મે એક નિયમ કર્યો કે ગમે તે થાય હુ કોઇની મદદ તો નહી જ લઉ. મને ભરત-ગુથણ અને સિવણ ખુબ સરસ ફાવતુ. એ અભાગીયા ના નામનુ મંગળસુત્ર વહેચી ને સિલાઇ મશીન લીધુ અને ધીમે ધીમે ભગભર થવા માંડી આજે હુ મોટી દુકાનો ના ભરત-ગુથણ ના કામો પણ કરુ છુ અને સાઇડ મા ઘર પર પણ સિલાઇ કરી ને સારુ એવુ કમાઇ લવ છુ. (સુબોધ અને મનોજ જાણે દાદીમા પાસે વાર્તા સાંભળતા હોય એમ રસ પુર્વક સાંભળી રહ્યા હતા) આજે એ આવક માંથી હુ મારા બાળકો ને પણ ભણાવુ છુ અને હુ પોતે પણ અત્યારે કોલેજ ના થર્ડ યર માં એક્ષટર્નલમા ભણી રહી છુ....


સુબોધ : અરે વાહ! પણ..આ બધુ એકલે હાથે... મહિને કેટલુ કમાઇ લે છે તુ?

મંજરી : સાહેબ, લગભગ 7-8 હજાર...

સુબોધ : 7-8 હજારમા તુ પોતે પણ ભણે છે અને બાળકોને પણ ભણાવે છે! એટલુ તો આ વસ્તીમા રહેનારા મોટાભાગના લોકો પણ કમાય છે? ઘણા તો મજુરી કરીને 10-12 હજાર પણ કમાય લે છે અને છતા....એમના બાળકો પાસે મજુરી કરાવે છે? ભણાવી નથી શકતા. તુ આ બધુ કઇ રીતે મેનેજ કરે છે?

મંજરી : બન્ને બાળકો સરકારી સ્કુલમા ભણે છે, એમા તો ખાસ બહુ કંઇ ખર્ચો ના થાય અને હુ એક્ષટર્નલ મા છુ એમા પણ નજીવો ખર્ચ થાય. ખર્ચમા અમારે ખાવાપીવા અને કપડા લતા મા કરકસર કરીએ તો ત્રણ જણાને જોઇએ પણ કેટલા? સારા કપડા ના પહેરીએ તો ચાલે, કદાચ હુ એકાદ રોટલી ઓછી ખાઇ લઉ તો પણ ચાલે પણ ભણતર ના ભોગે તો એટલુ તો કરવુ જ પડેને? રહી વાત આ બધા લોકો ની તો એમને રોજ દારુ પિવા જોઇએ, જેવા તેવા ખર્ચાઓ કર્યા રાખે. ઘરમા કોઇ બિમાર પડે તો પેલા મવાલી ભુવાજી પાસે જાય અને એ એની બધી મહેનતની કમાણી એક જ ઝટકામા એ મવાલી લુંટી લે! અમારા ઘરમાં કોઇ માંદુ પડે તો પાસેના સરકારી દવાખાના મા મફતમા ઇલાજ કરાવી લઇએ. જ્યાં ખરેખર જરુર હોય ત્યાં અને જેટલી જરુર હોય એટલાં જ વાપરીયે બસ, એ જ મારુ મેનેજમેન્ટ!

સુબોધ અને મનોજ તો આભા જ બની ગયા! ક્યાં પૈસાનુ પાણી કરતા પેલા અજ્ઞાની લોકો અને ક્યાં એમની જ વસ્તીમા રહેતી બચત કરીને એકલે હાથે બાળકોની સાથે પોતાની જાતને પણ શિક્ષિત કરતી આ મંજરી! સુબોધ અને મનોજે આજે જાણે દુનિયા નો કંઇક અલગ જ મિજાજ જોયો. જે એમણે ક્યારેય નહોતો જોયો. એમને અહેસાસ થયો કે આ માં શક્તિ ના અવતાર સમી મંજરી ને કોઇપણ જાતની સહાય આપી શકવાની એમની હેંસિયત પણ નથી!!! બન્ને મિત્રો પાછા ઑફિસ પર આવ્યા અને હવે NGO ના મુખ્ય હેતુ ને બદલવા સંબંધે ચર્ચા કરવા લાગ્યા. એ બન્ને વિચારી રહ્યા હતા કે આ વ્યવસ્થા મા બદલાવ લાવવા માટે ખરેખર કરવુ શુ? આ બધા નુ સમાધાન શુ હોઇ શકે? આજ સુધી ના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છેલ્લે બધી પરેશાનીઓ ની જડ પૈસા જ છે એમ માની ને આર્થિક મદદ પણ કરી જોઇ, જે છેલ્લો અને અઘરો ઉપાય હોવા છતાં એ પણ અજમાવી જોયો અને છતાં પરિણામ શૂન્ય હતુ! એમને બદલાવ લાવવો હતો, દેશ માટે કંઇક કરી છુટવાની પ્રબળ ભાવના બંન્નેના હ્રદરમા છલકાઇ રહી હતી પણ...કશુ સમજાતુ નહોતુ. હેતુ બદલી ને પણ ક્યા મુદ્દા પર ફોકસ કરીએ કે સફળતા મળે? એ જ સમજાતુ નહોતુ. એમને એમ જ રાત પડી ગઇ અને ઘરે જવાનો સમય થઇ ગયો. બન્ને ઘેર જવા નિકળ્યા. જતાં જતાં સુબોધે કાલે એ બન્નેના મિત્ર અભિનવ ના લગ્નમા જવાનુ યાદ દેવડાવ્યુ અને બન્ને એ કાલ નો આખો દિવસ અભિનવ ના લગ્ન માટે સ્પેન્ડ કરવાનુ નક્કી કર્યુ. કારણ કે શહેર થી લગભગ એક સો પચાસેક કિલોમીટર દુર ગામડે એમના મિત્ર ને ત્યાં જવાનુ હતુ.

લગ્નનો માહોલ જામ્યો છે, સુબોધ અને મનોજ દુલ્હાને બધાઇઓ આપી બધા સાથે hi hello કરી ને નવરા થઇ ચુક્યા છે. એ બન્ને બેઠા હતા એની પાછળની ખુરશી પર કોઇ બે વડીલો વાત કરી રહ્યા હતા. એમની વાતો સ્પષ્ટ સંભળાઇ રહી હતી.

વડીલ : તમારી વાત સાચી છે, છોકરા ને પણ ખુબ ધગસ છેઅને એ મહેનત કરે તો IIT મા સિલેક્ટ પણ થઇ જાય એમ છે પણ હવે છોકરાને IIT ની તૈયારી કરાવવા માટે ક્લાસિસો ને આપવા 8-10 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? એક તો પહેલા થી જ 15 લાખનુ દેણુ થઇ ગયુ છે. ક્લાસિસોના પડ રાફડા ફાટ્યા છે અને આપણા દેશમા શિક્ષણ ને અમુક લોકોએ ધંધો બનાવી નાંખ્યો છે ભાઇ.

બીજા વડીલ : હા સાચી વાત છે તમારી, અમુક ક્લાસિસ માં તો પૈસાવાળા ના છોકરાઓ જ ભણી શકે છે બોલો! એ બધુ તો ઠીક પણ એટલા બધા વળી શેમા ખર્ચમા આવી ગયા તમે તે આટલુ બધુ દેણુ થઇ ગયુ?

પહેલા વડીલ : આમતો ભગવાનની દયાથી સારુ એવુ કમાઇ લઉ છુ પણ તમે તો જાણો છો કે હુ રહ્યો ગામ નો મોભી માણસ, પહેલે થી આપણો હાથતો છુટ્ટો જ છે. ગામમાં કોઇ પણ જાતનો ફાળો થતો હોય એટલે આપણાં 25-50 હજાર તો હોયજ. ગયા વર્ષે અમારા કુળદેવી ના મંદિર મા એક લાખ લખાવેલા બોલો! ઘર વપરાશમા પણ આપણે બહુ લોભીવેડા ના કરીએ! આ મોટા દિકરાને પરણાવ્યો ત્યારે બધી બચત વપરાય ગયેલી... પુરા 12 લાખનો ખર્ચો કરેલો બોલો! હવે સમાજમા રહેવુ હોય તો થોડું સ્ટેટસ પણ બતાવવુ પડે ને ભાઇ! નહી તો અહી કોઇ આપણને પુછે પણ નહી! એના પછી દીકરી પરણાવી ત્યારે 15 લાખ જોયા. નાતમા કોઇએ નો કર્યો હોય એવો મે મારી દીકરી નો કરિયાવર કર્યો હતો! પૈસા નો'તા તોય ઉછીના લઇને પણ ધામધુમથી દીકરીને વળાવી. સામે જાન લઇને આવેલા વેવાઇ ને પણ સારુ તો દેખાડવુ પડે ને? અને બિજા નાનામોટા પ્રસંગો પણ ચાલુ જ હોય બાપુજી નો દાડો, શ્રાધ્ધ, પુત્રવધૂનો શ્રીમંત પ્રશંગ, પૌત્ર નો ગોત્રીજ પ્રસંગ ને એ બધા માં પણ મારા થી તો બિજાની જેમ લોભ તો ના કરાય ને શુ છે સમાજ મા રહેવુ હોય તો એ બધુ તો કરવુ જ પડે!?


સુબોધ અને મનોજ બન્ને એ આ વાત સાંભળી એકબીજા સામે જોયુ અને મનોમન જ એકબીજાની મનની વાત સમજી પણ ગયા. હવે એ બન્ને થોડુઘણુ સમજાઇ રહ્યુ હતુ કે પ્રોબ્લેમ માત્ર પૈસાનો નથી કંઇક બીજો જ છે.
સુબોધને તો થયુ આ કાકાને જઇને એક તમાચો જડી દઉ! સાલુ તમારા સંતાનો ના ભવિષ્યના ભોગે કહેવાતા સમાજનો દંભ સંતોષો છો? હદ છે યાર! બન્ને મિત્રો એ પછી તો એ લગ્નમા આવેલા જેટલા મળે એટલા વડીલો સાથે મુલાકાતો કરવાનુ ચાલુ કર્યુ પણ એ બધાને એક સામાન્ય વાતચીત લાગે એ રીતે. મોટાભાગ ના મિડલક્લાસ લોકોએ આવુ જ કર્યુ હતુ. લગ્નો અને નાના મોટા પ્રશંગો કે અન્ય ફાળાઓ મા પોતા નો મોભો દેખાડવા માટે ખુબ ખર્ચ કર્યો હતો!
છેલ્લે બન્ને મિત્રો એક ખુણામા બે ખાલી ખુરશીઓ પડી હતી ત્યા જઇને બેઠા. પોતાની NGO નો હેતુ બદલવા માટે એમણે અડધો કલાક ચર્ચા કરી અને નક્કી કર્યુ કે પરેશાની માત્ર ગરીબ વર્ગમાં જ નહી પણ મધ્યમ વર્ગ મા પણ છે. હા ગરીબ વર્ગ મા બેઝિક લેવલથી જ શિક્ષણ નથી મળતુ તો મધ્યમ વર્ગ ઉચ્ચ શિક્ષણ થી વંચિત થઇ રહ્યો છે. એ પણ પોતાના જ માબાપની માનશિકતા ના કારણે!

સુબોધ : યાર મોટાભાગ ના બચતના પૈસાનુ પાણી કરવા વાળી કોઇ ચીજ હોય તો આ લગ્નો જ છે. અત્યારે આ લગ્ન જ જોઇલે કમસે કમ પંદરેક લાખનો ખર્ચ કર્યો હશે આમણે. એના કરતા એ 15 લાખ એમના છોકરા ને નવા બિઝનેશ સ્ટાર્ટઅપ માટે આપ્યા હોત તો? લોકો અને સમાજનુ શુ છે આજે ખાઇખદોડી ને ચાલ્યા જશે અને કાલે ભુલી પણ જશે! પરમદિવશે બિજા કોઇ આનાથી પણ ભવ્ય લગ્ન સમારંભમા જશે એટલે કહેશે ફલાણા ભાઇને ત્યાં લગ્નમાં તો ખાસ કશુ નહોતુ!

મનોજ : હા યાર એકદમ સાચીવાત છે તારી. હવે સમજાયુ કે ગરીબની સાથે સાથે મિડલક્લાસ લોકો મા પણ બદલાવ લાવવાની જરુર છે ખરી. અને... અમીર લોકો માટે તો કોઇ સવાલ જ પેદા નથી થતો, એમની પાસે તો બધુ જ છે. એમના છોકરાઓ તો મોટી મોટી સ્કુલોમા ભણે છે. બસ આ બે વર્ગના લોકોની માનશિકતા મા પરિવર્તન લાવી શકીયે તો કંઇક વાત બને...

લગ્ન પ્રસંગ પુરો કરીને બન્ને મિત્રો ઘેર જવા નિકળ્યા. ત્રણ કલાક ની લાંબી મુશાફરી પછી તેઓ શહેરમાં એન્ટર થયા, રસ્તા મા એક ચાર રસ્તા પર ટ્રાફીકની લાલબત્તી ચાલુ થઇ અને મનોજે ગાડીની બ્રેક મારી ત્યાં તો પાછળથી પુર ઝડપે આવતી એક BMW કારે એમની કાર ને એક ટક્કર મારી ધડામ... BMW વાળાએ સમયસર બ્રેક મારી દીધેલી પણ સ્પીડ ઘણી વધારે હતી એટલે ટક્કર લાગી ગઇ. ઇન્ફેટ ટક્કર સામાન્ય જ લાગી હતી એટલે ખાસ કશી નુકશાની નહોતી થઇ પણ પેલો BMW વાળો ગુસ્સા મા લાલચોળ ગાળો બોલતો નીચે ઉતર્યો. સુબોધ અને મનોજ પણ નીચે ઉતર્યા. પેલો હજી કંઇ બોલવા જતો હતો ત્યાં તો મનોજ એને ઓળખી ગયો, "અરે! મુકલા તુ!? અહી!? પેલો પણ કંઇ યાદ આવ્યુ હોય એમ, " તુ મન્યો!? અરે યાર કેટલા વર્ષે મળ્યા!" પછી તો ત્રણેય જણા ગાડીઓ સાઇડ મા લઇને પાસે ની કૉફી શૉપ પર ગયા અને મનોજે કૉફી ઑર્ડર કરી. પેલા મુકેશે ગળામા જાડો ચેઇન અને બધા આંગળીઓ મા જાડી વીંટી ઓ પહેરેલી હતી. મનોજે સુબોધને ઇન્ટ્રો. કરાવતા કહ્યુ,"સુબોધ આ મારો બાળપણ નો મિત્ર મુકેશ છે, (હસીને) અમે બધા આને મુકલો કહેતા. આખી સ્કુલમા અમારા બન્નેની દોસ્તી એક અજાયબી હતી. હુ હંમેશા પહેલા નંબરે પાસ થનારો, પહેલી બૅંચ પર બેસવા વાળો અને આ હંમેશા છેલ્લો નંબર લેવા વાળો અને છેલ્લી બૅંચ પર બેસવા વાળો! અમારા બન્ને વચ્ચે જે નંબર્સની ખાઇ હતી એ ક્યારેય અમારી દોસ્તી ને આડે નહોતી આવી બોલ! અમારી દોસ્તી જોઇને બધાને આશ્ચર્ય થતુ. પણ પછી હુ દસમા ધોરણ મા સારા માર્કસ્ થી પાસ થયો અને અમારુ ફેમિલી અહીં શહેર મા આવી ગયુ. આ મુકલો ચાર વિષયમા ફેઇલ થયેલો અને એના બાપાએ બહુ માર્યો હતો. (ત્રણેય હસી પડે છે.) બસ, ત્યાર પછી અમે આજે પહેલી વખત મળ્યા. (પગથી માથા સુધી મુકેશને નિરખીને) લાગે છે તુ તો બહુ મોટો માણસ બની ગયો છે હે! કે પછી કોઇને લુંટીને આવ્યો છે? (મનોજ અને મુકેશ હસી પડે છે)

મુકેશ : ના યાર. નાપાસ થયો એટલે બાપાએ ધંધે લગાડી દીધો. પણ મારુ મન નહોતુ લાગતુ એટલે ત્યાંથી હુ સીધો મુંબઇ ભાગી ગયો. થોડો સમય રેસ્ટોરન્ટ મા કામ કર્યુ પછી એક મિત્ર મળ્યો મુનાફ. એણે મને વધારે પૈસા વાળા કામની ઑફર કરી. મે કશુ જ પુછ્યા વગર હા પાડી દીધી. એ લોકો મારો ડ્રગ્સ સપ્લાયર તરીકે ઉપયોગ કરવા લાગ્યા. ખુબ પૈસા મળતા પણ મને એ ઠીક નહોતુ લાગતુ એટલે એ પણ છોડી દીધુ પણ એ પછી મે જીંદગી આખી ખોટા અને ગેરકાયદેશર કામો જ કર્યા છે, એનો મને ભારોભાર અફસોસ પણ છે. એમાંથી જ હુ કરોડપતિ બન્યો અને હવે મે એ બધુ છોડી દીધુ છે. હવે મારી કંપની મોટી બિલ્ડિંગ્સ અને મોટા સરકારી કામો ના કોન્ટ્રાક્ટ રાખે છે. ભગવાનની દયાથી આજે આપણી ગાડી બરાબરની પુર ઝડપે આગળ વધી રહી છે...હાહાહા...એક દીકરો જેણે હમણાં જ MBBS પુરુ કર્યુ છે અને એક દીકરી છે જે હજુ કોલેજમા છે... (એટલા મા મુકેશ ના i phone પર રીંગ વાગે છે)

મુકેશ : (ફોન પર) હલ્લો... હા બોલો બોલો...સાહેબ કેમ? પણ.... હમમ હમમ... જી... પણ... જુઓ સાહેબ અમે તમારી દીકરીને વહુ નહી પણ દીકરીની જેમ જ રાખીશુ. હવે અમારી પાસે પૈસો, બંગલો, પ્રતિષ્ઠા... બધુ જ છે, એક અવાજ કરો અને દસ નોકર હાજર થઇ જાય ત્યારે એને આગળ ભણવાની અને નોકરી પણ કરવાની શુ જરુર છે સાહેબ? આમ પણ એક પ્રતિષ્ઠીત ખાનદાનની વહુ નોકરી કરે એ કેવુ લાગે? હલ્લો...? હલ્લો....? (ટું....ટું....ટું...)

મનોજ : અરે! તારો છોકરો પણ લગ્ન જેવડો થઇ ગયો છે!?

મુકેશ : હા ભાઇ, બધુ છે છતાં હવે આ સગપણ માટે ફાંફાં મારવા પડે છે ભાઇ... કેટલાંય ઠેકાણા જોયા પણ છેલ્લે સામેવાળાની છોકરી ભણવાનુ ચાલુ રાખવા અને અમુક તો આના જેવા અક્કલ ના ઓથમીરો નોકરી કરવા ની પણ શરત મુકે છે બોલ. અમારા ઘરની વહુ ને વળી નોકરી કરવાની શી જરુર પડે? (મનોજ અને સુબોધ શૂન્યમનસ્ક થઇ સાંભળી રહ્યા)

મનોજ : (શુ બોલવુ એ કંઇ ના સુઝતા વાત બદલાવવાની કોષિસ કરી) અને દીકરી તો હજુ નાની હશેને?
મુકેશ : હા એ હજુ કોલેજ ના ત્રીજા વર્ષમા છે... પણ એના માટે પણ છોકરો જોવાનુ ચાલુ જ છે પણ...
મનોજ : પણ શુ?
મુકેશ : એમા પણ સેઇમ પ્રોબ્લેઇમ આવે છે મારી દીકરી જીદે ચડી છે કે સામે વાળા આગળ ભણવા દેવાના હોય ત્યાંજ એ લગ્ન કરશે! એકાદ બે ઠેકાણા એવા મળ્યા પણ ખરા પણ આપણે સામે વાળાનુ લેવલ પણ જોવાનુ હોય કે નહી?
મનોજ અને સુબોધ આ પથ્થર પર પાણી રેડીને સમય બગાડવાની સ્થિતિમા બિલકુલ નહોતા. થોડી આમતેમ વાતો કરીને બન્ને નીકળી ગયા. ઓફિસ પર આવીને આજે આખા દિવસની ઘટનાઓ થી બન્ને હ્યદયમાં સમાજ પ્રત્યે ભારોભાર રોષ ની લાગણી છલકાઇ રહી હોવા છતાં બન્ને ના ચહેરા પર જાણે અલાઉદ્દીનનો જાદુઇ ચિરાગ મળી ગયો હોય એવી ગજબની ચમક હતી! કારણ કે એ આજની આ બધી ઘટમાણમા જ સમસ્યાના મુળ સુધી પહોચી શક્યા હતા.
મનોજ : આપણે બિલકુલ અવળી દીશા મા ફાંફાં મારી રહ્યા હતા. આવુ તો આપણે વિચાર્યુ જ નહોતુ! ગરીબ નહી મધ્યમ વર્ગ મા પણ સુધાર લાવવા ની જરુર છે એટલુ જ નહી પણ આ તો અમીર વર્ગ પણ આ સમસ્યા થી બાકાત નથી! હા, સમસ્યાનુ લેવલ થોડું ઊંચાનીચુ હોઇ શકે પણ...

સુબોધ : એકદમ સાચીવાત છે... કમસેકમ આપણા દેશમા માટે તો સવાલ માત્ર ગરીબીનો કે પૈસાનો નથી પણ.. સવાલ છે માનશિકતા નો... અને આ વાત ની સાબિતી આપે છે પેલી મંજરી અને તારો દોસ્ત મુકલો. ક્યાં પૈસેટકે સાવ કંગાળ પણ વિચારો થી સમૃધ્ધ એવી મંજરી અને ક્યાં પૈસેટકે અમીર પણ વિચારોથી સાવ કંગાળ એવો મુકેશ.... ગમે એટલી સંપતિ આવી જાય પણ માનશિકતા એ ની એ જ હોય તો શિક્ષણની સ્થિતિ પણ એ ની એ જ રહેવાની.- ભગીરથ ચાવડા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED