જીંદગી ને પત્ર Mir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંદગી ને પત્ર

ઓ જીંદગી !
જરા તો થોભ.
સમય તો આપ થોડો,
વચલી પેઢીને વિચારવાનો,
ક્યાંક
માતા પિતા સાચવતાં,
સંતાન દૂર ન જાય.
હા, હું પત્ર લખું છું જીંદગીને કે જરા થોભી જા. માન્યું કે એ નિરંતર વીત્યા જ કરવાની પણ ઉંમરના આ વળાંક પર હવે એને રોકવી છે. ફક્ત થોડીવાર માટે. વિચારવું છે કે જૂની પેઢી અને નવી પેઢી સાથે તાલમેલ કેવી રીતે મેળવું. ફક્ત ખાવા પીવાની વાત હોત તો એનો ઉકેલ મળી જાત પણ વિચારોનો ઉકેલ કઈ રીતે લાવું. નવી પેઢીનું ઓનલાઈન ભણતર જૂની પેઢીના ટાઈમ પ્રમાણે નથી ચાલતું. એ એના ટાઈમ પ્રમાણે ચાલે છે અને એથી ઘરમાં દરેક કામના ટાઈમ બદલાય જાય જે જૂની પેઢીને બિલકુલ માન્ય નથી. તેમ છતાં હું કોશિશ કરું છું બંને પેઢીનું બધું સાચવવાનું. છતાં ક્યાંક તો મારી કોશિશ ઓછી પડે છે જેથી કરીને ઘરમાં સંઘર્ષમય વાતાવરણ ઉભું થાય છે. હું સ્ત્રી છું એટલે કદાચ મારે વધારે વિચારવાનું આવે છે. મારા સાસુ સસરા અને મારા સંતાનો વચ્ચે વિચારોનો મતભેદ ઉભો થાય છે અને એની સીધી અસર મારા અને મારા પતિના સંબંધ પર થાય છે. મારા પતિનું કહેવું એવું હોય છે કે મમ્મી પપ્પા કહે એમ જ કરવાનું પણ એ વાત મારા સંતાનો માટે ઘણી વખત બિલકુલ ઉલટું હોય છે. મારા પતિ માનવા જ તૈયાર નથી કે યુવાનીમાં પ્રવેશી રહેલાં સંતાનોને એમની દરેક વાતમાં ના પાડવી એ ધીરે ધીરે એમના મનમાં આપણા પ્રત્યે અણગમો ઉત્પન્ન કરવાનું કારણ બનશે અને એ અણગમો પાછળથી આપણાથી દૂર થઈ જવાનું કારણ બનશે. એમનું કહેવું એમ જ હોય છે કે મારા માતા પિતાને દુઃખ ન થવું જોઈએ એમને ખુશ રાખવાના અને હું રાખું જ છું મારા સંતાનોને નારાજ કરીને પણ. અત્યાર સુધી મારા સંતાનો પણ દાદા દાદીને બહુ માન આપે છે. એમના ટીવી જોવાના શોખને પણ તેઓ પૂરો પાડે છે કે એમની સિરિયલના સમયે ટીવી ચાલુ કરી આપવું, એ સમયે ટીવી જોવા માંગવું નહીં, કોઈ દિવસે ન જોવાય તો બીજા દિવસે બતાવવું વગેરે. આ સિવાય પણ એમને ક્યાંક જવું હોય તો જ્યારે કહે ત્યારે લઈ જાય. બધું જ કરે તેઓ કહે તે. પછી મારા સંતાનો પણ આશા રાખે ને કે તેઓ કહે એવું કોઈવાર તો થાય. પણ નથી જ થતું. એમને બહાર ખાવા જવું હોય, ફરવા જવું હોય પણ દરેક વાત પર પૂર્ણવિરામ આવી જાય કારણ કે મારા સાસુ સસરા ન આવે. તબિયત બંનેની સારી પણ બસ ન આવવું હોય એમને ને મારા પતિ એમના વગર ક્યાંય જાય નહીં.
આવું તો રોજ આખા દિવસમાં કેટલીયે બાબતો હોય જેમાં એ બે પેઢી વચ્ચે તાલમેલ બેસતો જ નથી અને એટલે જ હવે મારા સંતાનો જાણે અમારાથી દૂર થઈ રહ્યા હોય એવું લાગે છે. હું થાકી ગઈ છું બે પઢી વચ્ચેનો પુલ બનીને. હવે આ પુલ ગમે ત્યારે તૂટી જશે એવું લાગે છે. અને એટલે જ જીંદગી તને કહું છું, થોડીવાર થોભી જા. બે પેઢી વચ્ચેના પુલને ફરીથી કંઈક નવા પાયા સાથે બનાવવાનો મોકો આપ નહિતર મારી પાસે તો મારી આજ પણ રહેશે નહી. આગળનું અને પાછળનું સંભાળતા સંભાળતા હવે થાક લાગ્યો છે. બસ એ થાક ઉતારવો છે. બીજું કંઈ જ નથી માંગતી ફક્ત થોડો સમય આપ મને કે ફરીથી નવા જોશથી હું તને જીવી લઉં. મારે પણ તને થોડી માણવી છે. વધારે તો નહીં પણ હું પણ થોડી તને દિલથી જીવી લઉં.
એ જીંદગી ! હવે તારું સરનામું મળે ને તને આ પત્ર હું મોકલું.