અણધાર્યું મિલન Mir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણધાર્યું મિલન

જીંદગી બચાવીને મોટી બિમારીમાંથી ઊઠી હતી એશા. નવી હિંમત અને જૂની આશાઓ સાથે ફરી જીવનની શરુઆત કરી રહી હતી. દિકરો બારમા ધોરણની તૈયારી કરી રહ્યો હતો. દિકરી શાળાનું ગૃહકાર્ય પૂરું કરી સૂઈ ગઈ હતી. પતિ પણ શિફ્ટવાળી નોકરી કરીને આવીને સૂઈ ગયા હતા. કોઈને કંઈ ફરક ન હતો કે આજે એનો જન્મદિવસ હતો. એશા મોબાઈલ લઈને બેઠી હતી. વરસો પહેલા ફેસબુક પર અકાઉન્ટ બનાવેલું તે ખોલીને બેઠી હતી. બરાબર યુઝ કરતાં પણ ન આવડે ખાલી સ્ક્રીન પર જે આવે તે જોયા કરતી હતી ત્યાં અચાનક એની નજર ઉપર મેસેન્જરના ચિન્હ પર પડી. ઉપર કંઈક લાલ નિશાની દેખાઈ તો એણે એના પર ક્લિક કર્યું તો ઉપર હેપી બર્થ ડે નો મેસેજ હતો. મેસેજ મોકલનારનું નામ મિહિર હતું. એનો ફોટો હતો ને અચાનક એ ચમકી. આ તો મિહિર. જેને જોવા માટે એ કંઈ કેટલાયે વરસોથી તડપતી હતી. પણ એને વિશ્વાસ ન આવ્યો કે આ એ જ છે. એણે થેંક યુ લખીને ફોન બંધ કરીને મૂકી દીધો. એની આંખ પાણીથી ભરાઈ ગઈ. એણે દિકરાથી પોતાની આંખો છુપાવીને સાફ કરી. એ રુમમાંથી બહાર નીકળી ગઈ. ગેલેરીમાં આવીને બેઠી. એની આંખો સામેથી પચ્ચીસ વરસ પહેલાનો સમય પસાર થઈ રહ્યો. મિહિરને જોવા માટે એ કેટલાં બહાના શોધતી અને એને જોઈને જાણે ભગવાન મળ્યા હોઈ એટલી ખુશી થતી. કંઈ કેટલાયે વરસ આ રીતે એ મિહિરને જોતી રહી. એને પ્રેમ હતો મિહિર સાથે એ સમજી જ ન શકી. અને એક દિવસ મિહિર શહેર છોડી ગયો કાયમ માટે. એ રાહ જોતી રહી ગઈ એને જોવા માટે. પણ એની રાહનો અંત ન આવ્યો. પછી તો એના લગ્ન થયા. સંસાર વસ્યો અને સમય પસાર થતો ગયો. પણ એના દિલમાંથી મિહિરને જોવાની આશ ન છૂટી. એ નોકરી કરતી ત્યાં કોમ્યુટર જોબ. ધીરે ધીરે કોમ્પયુટર શીખી અને સાથે કામ કરતા સહકર્મચારીઓએ એને કોમ્પ્યુટર પર ફેસબુક પર અકાઉન્ટ બનાવી આપ્યું અને એની સરનેમ પરથી બે ચાર ફ્રેન્ડસ બનાવી આપ્યા. ત્યારે એને ખબર ન હતી કે એમાં મિહિર પણ હતો. આજે અચાનક એનો બર્થ ડે નો મેસેજ વાંચી એવું લાગ્યું કે આ બર્થ ડે એનો કદાચ સૌથી સરસ બર્થ ડે હતો. પણ હજી એને એ વિશ્વાસ ન હતો કે આ એ જ મિહિર છે. આવી જ અસમંજસમાં બે ત્રણ મહિના વીતી ગયા. એના મગજમાં હજીયે મિહિર એ જ છે કે બીજો તે જાણવાની જીજ્ઞાસા હતી. એણે સહકર્મચારી પાસેથી મેસેન્જર કેવી રીતે વાપરવું તે શીખી લીધું અને એક દિવસ મેસેજ મૂક્યો કે તમે કોણ ? અને મિહિરનો જવાબ આવ્યો ને એ સમજી ગઈ કે આ એ જ છે જેને જોવા એ વરસોથી તડપે છે. પણ એ હવે મળ્યો તેનો શું અર્થ. એને જોવો હોય તો પણ હવે શક્ય ન હતું. હવે સામાજિક બંધનો હતા. જોવાનું મન તો ખૂબ હતું પણ કઈ રીતે ? પણ તો યે એ ખુશ હતી મિહિરના આ અણધાર્યા મિલનથી. જોવા ન મળે તો કંઈ નહીં પણ એને મિહિર ના સમાચાર તો ફેસબુક પરથી મળી રહેશે. પાછું વિચારે છે કે આ રીતે મિહિર સાથે વાત કરવી સારી છે ? ભલે એમાં કોઈ પ્રેમાલાપ નથી પણ આવી રીતે વાત કરવી કેટલી યોગ્ય છે એ નથી સમજી શકતી. પણ એક વાત ચોક્કસ એને ખબર છે કે હવે જો એને મિહિર સાથે વાત ન કરશે તો કદાચ એનું જીવવું મુશ્કેલ થઈ જશે.