હાય એશ(આશા), તૈયાર ગરબા રમવા માટે ? પ્રીતે ઓરડામાં આવી આશા ને પૂછ્યું ? એશે ડોકું હલાવી હા પાડી. આશા ને અમેરિકામાં એશ કહે છે. પ્રીતના ફોઈ ફુઆ ની દિકરી એટલે આશા. સોળ વરસમાં પહેલી વખત ભારત આવી છે એ પણ નવરાત્રિમાં.
એશ ખૂબ જ રોમાંચિત છે ગરબા રમવા માટે. આમ તો કોઈ દિવસ આટલા વરસમાં એ ગરબા રમી નથી કે જોયું નથી પણ એ ખૂબ ખુશ છે. તૈયાર થઈને એ ઓરડાની બહાર આવી અને એના મમ્મી ડેડીને પૂછયું હું કેવી લાગું છું ? અનિલભાઈ અને કાવ્યાબેન (એશના મમ્મી ડેડી) એને જોતાં જ રહી ગયા. એશના નાના નાની, મામા મામી બધા એને જોઈને દંગ રહી ગયા. દરેકને એનામાં એની ગુજરી ગયેલી માસી (સીમા) દેખાય. આમ પણ એ પહેલેથી બધી રીતે સીમા જેવી જ હતી. બોલવા ચાલવામાં, પહેરવા ઓઢવામાં બસ સીમા જેવી જ હતી. બધા એકસાથે બોલી ઉઠ્યા ખૂબ સરસ દેખાય છે તું.
એશે પ્રીતને કહ્યું ચાલ આપણે ફળિયામાં જઈએ. મારે ગરબાની તૈયારી જોવી છે. પ્રીત તરત જ બોલી હા તારે તો એ જ જોવું પડશે ગરબા રમતાં થોડું આવડશે ? એશે જવાબ આપ્યો તું જોજે હું રમીશ બધા મને જોતાં રહી જશે. એટલામાં માઈક પર અનાઉન્સ થયું ચાલો ગરબા રમવા અને પહેલા ગરબાનું સંગીત શરૂ થયું. સંગીત સાંભળતા જ એશ ગાવા માંડી " રે એવા ગરબા રે ટાણે રે વહેલા આવજો, આવજો આવજો ગણપતિબાપા ગરબા રે ટાણે રે વહેલા આવજો" ને પછી એની મમ્મીને પૂછે છે મમ્મી હજુ પણ ભરતમામા ગાય છે ?
એને આમ ગરબા ગાતા ને ભરતમામા વિશે પૂછતા જોઈ બધા આભા બની ગયા. એણે કોઈ દિવસ ગરબા સાંભળ્યા નથી કે નથી કોઈ વિશે આવી વાત થઈ તો એને કેવી રીતે ખબર ? એશ પોતે પણ અચંબિત થઈ ગઈ એ તો પહેલી વખત ભારત આવી કોઈને ઓળખતી પણ નથી તો આવો સવાલ કેમ ?
એટલામાં પ્રીત બોલી ચાલ છોડ આપણે જવાના ગરબા રમવા. ને એશ અને પ્રીત ફળિયામાં આવ્યા. બધાને ગરબા રમાતા જોઈ એશ ગરબામાં જોડાય તો ખરી રમવા પણ લાગી. સ્ટેપ ટુ સ્ટેપ બધા સાથે ફરવા લાગી પણ અચાનક એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ બેભાન થઈને ઢળી પડી. પ્રીત ગભરાય ગઈ, તરત જ ઘરના ને બોલાવી લાવી. બધા એશ ને ઊંચકીને ઘરે લઈ ગયા. ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે એને તપાસી ને કહ્યું કંઈ નથી થયું કદાચ વધારે પડતી રોમાંચિત હતી ને એટલે બની શકે. થોડીવારમાં ભાનમાં આવી જશે. થોડીવાર પછી એશ ભાનમાં આવી, એના કાને ગરબાના સૂર સંભળાવા લાગ્યા અને એની સાથે આંખો ફરીથી વરસવા માંડી. કેમેય કરીને એના આંસુ રોકાતા નથી.જેમ જેમ ગરબાની રમઝટ જામતી ગઈ એશ તેમ તેમ વધારે રડતી ગઈ. એણે એની મમ્મીને કહ્યું મહેરબાની કરીને આ બંધ કરો મારાથી નથી સંભળાતું નથી. આખી રાત એ રડતી રહી પછી સૂઈ ગઈ.
બીજા દિવસે ફરી એ તૈયાર થઈ, પણ જેવા ગરબા શરૂ થયા પાછું આગલા દિવસની જેમ એ અકળાવા લાગી, રડવા લાગી અને રડી રડીને સૂઈ ગઈ. ઘરના પણ બધા ગભરાવા લાગ્યા. અનિલભાઈની હાલત તો સૌથી ખરાબ થવા માંડી. એમનો જીવ છે એશમાં. એશને કોઈ દિવસ એમણે કોઈપણ બાબતે દુઃખ પહોંચે એવું નથી કર્યું. એનો પડ્યો બોલ ઝીલતાં. એમની વહાલી દિકરીની આ દશા એમનાથી નથી જોવાતી. ત્રીજા દિવસે એશના મામા - પરેશભાઈ - એ કહ્યું આપણે કોઈ મનોચિકિત્સકને બતાવીએ. અને તેઓ એશને મનોચિકિત્સક પાસે લઈ ગયા. બધી વાત કરી કે એ તો પહેલી વખત ભારત આવી છે તો અહીં પહેલો ગરબો કયો હોય ને એ કોણ ગાય એને કેવી રીતે ખબર ? અને ગરબા શરૂ થતા રડે છે કેમ ? મનોચિકિત્સકે કહ્યું આપણે એને હિપ્નોટાઈઝ કરી આગલા જનમ વિશે જાણવાની કોશિશ કરી શકીએ. કદાચ કંઈ ખબર પડે. અને એશને હિપ્નોટાઈઝ કરવામાં આવી.
પછી એને પૂછ્યું તું કોણ છે ? એશ કંઈ બોલી નહીં. ફરી પાછું પૂછ્યું તો ધીરેથી એશનો જવાબ મળ્યો 'હું સીમા - પરભુભાઈ નયનાબેનની દિકરી, કાવ્યા ને પરેશભાઈની મરી ગયેલી બહેન. બધા સ્તબ્ધ થઈ ગયા. ફરી એને પૂછવામાં આવ્યું તું મરી ગઈ તો પાછી કેમ આવી ? એશ (સીમા) બોલી મારી ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે મને શાંતિ નથી મળી. મનોચિકિત્સકે પૂછ્યું કઈ ઈચ્છા ?
અને એશના રૂપમાં સીમા બોલવા માંડી. હું લગભગ ચૌદ વરસની હતી, ત્યારથી મને અનિલ ગમતો. ઘરમાં વારંવાર એની વાતો થતી રહેતી. મને ખૂબ ગમતું. હું એને જોયા કરતી. એની સાથે જીંદગીના સપના જોવા હતા મારે. પણ કોઈ દિવસ એની સાથે વાત કરવાની હિંમત ન હતી. ધીરે ધીરે મને લાગવા માંડ્યું ક હું એને પ્રેમ કરવા લાગી છું પણ એને કહેવાય કેવી રીતે ? આમ જ દિવસો જતા બસ એને જોઈને ખુશ થતી. નવરાત્રિની રાહ જોતી કારણ એ નવ દિવસ હું એને મન ભરીને જોઈ શકતી. કોઈપણ રોકટોક વગર. કોઈનાથી પણ ડર્યા વગર કેમ કે ત્યારે તો બધા ગરબા રમવામાં લીન હોય.આમ જ એને જોતાં જોતાં પાંચ વર્ષ નીકળી ગયા. એ ઓગણીસ વરસની થઈ. કોલેજના બીજા વરસમાં હતી. એણે વિચાર્યું કોલેજ પતાવીને ઘરમાં વાત કરીશ. અનિલને તો પૂછ્યું જ ન હતું પણ પહેલા ઘરમાં વાત કરીને ઘરવાળા જેમ કહેશે તેમ કરીશ. પણ ભગવાને કંઈ બીજું જ વિચાર્યું હતું. એ નવરાત્રિમાં અનિલ અને કાવ્યાએ ઘરમાં કહ્યું અમે લગ્ન કરવા માગીએ છીએ. આમ પણ બધા અનિલને, એના ઘરને ઓળખતાં હતાં એટલે બધાએ સંમતિ આપી દીધી. હું કંઈ જ ન કહી શકી કોઈને. હું જેને પ્રેમ કરતી હતી તે મારી બહેન સાથે લગ્ન કરવા માગતો હતો. હું ખુશ તો હતી મારી બહેન માટે પણ મારું દર્દ મને અંદરથી કોરી રહ્યું હતું. એ પછી કોઈ દિવસ હું ગરબા રમી જ ન શકી. હું ખૂબ જ બિમાર પડી ગઈ. વિચારતી કે એવો કયો સંબંધ હોય જેમાં અનિલ માટે હું સર્વસ્વ હોઉ. ધીરે ધીરે હું મૃત્યુ તરફ આગળ વધી રહી હતી. મનમાં વિચાર આવ્યો કે જો હું અનિલની દિકરી બની એના જીવનમાં આવું તો જનમથી મૃત્યુ સુધી હું એનો જીવ બની જાઉં અને ભગવાને પ્રાર્થના કરી મારો આ જનમ અહીં પૂરો કર અને બીજા જનમમાં અનિલની દિકરી બનાવ. અને ભગવાને જાણે સાંભળી લીધું. મારું મૃત્યુ થયું અને બીજો જનમ મારો અનિલની દિકરી તરીકે થયો. મારે એના મુખથી સાંભળવું છે હું એના માટે સર્વસ્વ છું. આટલું બોલી સીમા ચૂપ થઈ ગઈ. ત્યાં હાજર સૌની આંખો રડી રહી હતી. બધાના મગજમાં વિચાર હતો કે કેમ કોઈ સીમાનું દર્દ જોઈ ન શક્યું. કેમ કોઈને વિચાર ન આવ્યો કે આખી રાત ગરબા રમવાવાળી છોકરીએ અચાનક ગરબા રમવાનું કેમ બંધ કરી દીધું. અનિલભાઈ એ કહ્યું આવું તો ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. આપણે તો સીમા ના મૃત્યુને ભગવાનની મરજી સમજ્યા હતા. આપણને ક્યાં ખબર હતી કે એકતરફી પ્રેમ સીમાને અંદરોઅંદર મારી રહ્યો છે. ભગવાન અમને માફ કર. એક હસતી રમતી છોકરી ક્યારે દુઃખની ગર્તામાં ઉંડી ઉતરી ગઈ ખબર જ ન પડી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. કાવ્યાબેન પણ એમ કહેતા રડી પડ્યા કે મારી બેન જે મને નાનામાં નાની વાત કહેતી તે આટલી મોટી વાત પોતાની અંદર ધરબીને ચાલી ગઈ.
ધીરે રહીને અનિલભાઈ ઊભા થઈ એશ પાસે આવ્યા ને એના માથા પર હાથ મૂકી બોલ્યા, દિકરા જલ્દીથી સારી થઈ જા. તું તો મારું સર્વસ્વ છે, મારો જીવ છે. તને આવી તકલીફમાં હું નથી જોઈ શકતો. જલ્દી સારી થઈ જા. આ સાંભળીને જાણે એશના રૂપમાં રહેલી સીમાને શાંતિ થઈ ગઈ. એ જાણે ઘસઘસાટ ઊંઘી ગઈ.
મનોચિકિત્સકે કહ્યું હવે એને સૂવા દો. એ થોડીવારમાં એ જાગી જશે એને કંઈ પણ યાદ ન હોય અને તમે પણ એને કંઈ કહેતા નહીં તો જ એ એની હવે પછીની જીંદગી જીવી શકશે. થોડીવાર પછી એશ જાગી. એને સારું લાગતું હતું એની આંખોમાં આંસુ ન હતા. એણે બધાની સામે જોયું અને બોલી આપણે બધા હજી સુધી અહીં કેમ છીએ. ચાલો ઘરે, મારે ગરબા રમવા જવું છે. બધા ઘરે આવ્યા. એશને તૈયાર થઈને ગરબા રમતી જોવા બધા આતુર હતા. બધા ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હવે એ શાંતિથી ગરબા રમી શકે. અને થયું પણ એવું જ. એ દિવસે એશ ગરબા રમી. રડ્યા વગર. દિલથી રમી જાણે આગળના દિવસમાં કંઈ થયું જ ન હતું. બધા એને રમતી જોઈને ખુશ થઈ ગયા.