નવરાત્રિ Mir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અભિન્ન - ભાગ 2

    તાજી પરણીને આવેલી પ્રીતિ પોતાની નણંદ નિશા સાથે સોફા પર બેઠેલ...

  • હું અને મારા અહસાસ - 118

    પાનખર   પાનખરમાં સુકાઈ ગયેલા ફૂલો ખીલે તેવી અપેક્ષા રાખ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 49

    વ્હાલપોતાની મમ્મીનાં ગળા પર ચાકુનાં ઘાથી ઉડેલા લોહીનાં ફુવાર...

  • અનોખી સગાઈ

    ત્રીશા મીઠાઈ લઈને ઘરે પહોંચે છે.બેઠક રૂમમાં ત્રીશાને જોવા આવ...

  • ગણદેવી

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ગણદેવી.લેખિકા:- શ્રીમતી સ્ન...

શ્રેણી
શેયર કરો

નવરાત્રિ

યાદ નથી કઈ નવરાત્રિ પહેલી કહું ? અમારા ઘર પાસે ગરબા તો રમાતા ન હતા પણ મામાને ત્યાં ગરબો મૂકાતો એટલે પાછળના ત્રણ દિવસ તો ત્યાં જતાં. ખૂબ જ નાની હતી, લગભગ તેર વર્ષની. પહેલી વખત ગરબામાં કોઈને જોઈને મને ગમ્યું. ખૂબ ગમ્યું. બસ એને જોયા જ કર્યું. એ કોણ હતું મને ની ખબર. કોઈને પૂછ્યું પણ નહીં. એવી કોઈ જરૂર ની લાગી. એ વર્ષે ત્રણે દિવસ બસ એને જ જોયા કર્યું. નવરાત્રિ વીતી ગઈ. ઘરે આવીને પાછું રોજિંદુ કામ - શાળા, ટ્યુશન ચાલુ. ભૂલી પણ ગઈ. બીજા વર્ષે પાછી નવરાત્રિ આવી. અચાનક યાદ આવ્યું કે એ પાછો મને જોવા મળશે ? મને ખબર ન હતી કે એ કોણ છે ? ત્યાં જ રહે છે કે અમારી જેમ કોઈના ઘરે આવે છે ? વિચાર્યું, જોઈએ એ જોવા મળે છે કે નહીં. પણ મેં એને જોયો. મનમાં એક અલગ પ્રકારની જ ખુશી થઈ. ખૂબ રમી ગરબા. શરૂ થયા ત્યારથી તે અંત સુધી. એ નવરાત્રિ પણ વીતી ગઈ. ફરી પાછો નિત્યક્રમ શરૂ થઈ ગયો. ફરી એક વર્ષ વીત્યું.
હું દસમા ધોરણમાંહતી. નવરાત્રિ આવી. એને જોવાની ઈચ્છા પ્રબળ બની. ગયા મામાને ત્યાં. ગરબા શરૂ થયા એને પણ જોયો. ખુશીથી મન જાણે ઘૂમવા માંડ્યું. પણ એ વર્ષે મને લાગ્યું કે હું ગરબા રમતાં એની નજીક જાઉં છું ને મારા તાલ તુટે છે. ત્રણે દિવસ એવું જ થયું. કેમ સમજી ન શકી. વીતી ગઈ નવરાત્રિ. પણ આ વખતે એ ભૂલાયો નહીં. રોજ એક વખત તો યાદ આવી જ જાય. મારી બૉર્ડની પરીક્ષા નજીક આવી રહી હતી. શાળામાં વાંચવાની રજા મળી ગઈ હતી. અમારું ઘર નાનું અને સંયુક્ત કુટુંબ. મામાએ કહ્યું આપણા ઘરે ચાલ ત્યાં વાંચજે. ટ્યુશન હું લઈ આવા અને પાછો લઈ જવા. હું ગઈ એમની સાથે. ખૂબ વાંચતી. એક દિવસ નાનીએ કહ્યું થોડીવાર રુમમાંથી બહાર આવી ફ્રેશ થા. ને હું બહાર આવી. ઓટલા પર બેઠી બધા સાથે. એટલામાં મેં એને જોયો. એ મામાના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. અચાનક એને જોઈને ચહેરા પર ચમક આવી ગઈ. પણ કોઈને પૂછવાની હિંમત ની ચાલી. બસ પસાર થતાં એને જોયા કર્યું. બીજા દિવસે પાછા અમે બાર બેઠા. એ જ સમયે. અને ફરી એનું ત્યાંથી પસાર થવાનું થયું. હું ખુશ થઈ ગઈ. પછી તો આ રોજનું થયું. હું બહાર બેસીને એની રાહ જોઉં એ પસાર થતાં મામાને ડોકું હલાવીને જાય. એક દિવસ મેં મામાને પૂછી જ લીધું આ કોણ છે ? રોજ આ સમયે પસાર થાય છે અહીંથી. મામાએ કહ્યું એ મિહિર છે. બીજા ફળિયામાં રહે છે આ બાજુ એની માસીને ત્યાં જાય નામું લખવા. એનું નામ સાંભળીને હું ચોંકી ગઈ, મામાને પૂછ્યું આ એ જ મિહિર જેની મમ્મી ઘણીવાર વાત કરતી હોય છે. જેની મોટી બહેન મમ્મી ની સહેલી છે ? મામાએ હા પાડી. મિહિરની વાતો પહેલાં પણ અમારા ઘરમાં કાયમ થતી. ખૂબ ડાહ્યો છોકરો, ચાર બહેનનો એક જ ભાઈ, ભણવાની સાથે કામ પણ કરે એવું ઘણું બધું.
પછી તો મને મજા પડી ગઈ. એની રાહ જોવી ગમતી, રાહ જોયા પછી જ્યારે એ દેખાય ને ત્યારે જે ખુશી થતી તે અદ્ભૂત હતી. પછી તો પરીક્ષા પતી ગઈ. હું ઘરે આવી ગઈ પણ પછી મામાના ઘરે જવાના બહાના શોધવા માંડી ને તે પણ એ જોવા મળે એ સમયે. વેકેશનમાં પપ્પા ફિલ્મ જોવા લઈ ગયા. અનિલકપૂરની ફિલ્મ હતી કસમ. પણ ફિલ્મ શરૂ થઈ ત્યારથી અનિલકપૂરની જગ્યાએ મને એનો જ ચહેરો દેખાયો. ધીરે ધીરે મને એમ લાગવા માંડ્યું કે હું એને પ્રેમ કરું છું.
હું અગિયારમાં ધોરણમાં આવી. ફરી નવરાત્રિ આવી.
આ વખતે મારા દિલમાં કંઈક અલગ જ ઉમંગ હતો. એને જોવાની આતુરતા વધી ગઈ. ગરબા શરૂ થયા, એને રમતાં જોયો દિલ અને મન બંને નાચી ઉઠ્યા. ફરી નવરાત્રિ વીતી. પાછું એક વર્ષ વીત્યું. હું બારમા ધોરણમાં આવી. વિચાર આવ્યો, આ વખતે નવરાત્રિમાં એની સાથે વાત કરીશ. નવરાત્રિ આવી. પણ એની સાથે વાત કરવાની હિંમત ન થઈ. પણ એટલું જોયું કે જેમ એની નજીક જતાં મારા ગરબાના તાલ તૂટે છે તેમ મારી નજીક આવતાં એના પણ ગરબાના તાલ તૂટે છે. નવરાત્રિના છેલ્લા દિવસે ગરબાની આરતી મેં કરી. દર વર્ષે દશેરાની છેલ્લી આરતી હું જ કરતી. આ વખતે પણ કરી અને આરતી લઈને બધાને આપવા જતી હતી એટલામાં એ સામેથી આવ્યો. આરતી લીધી. મારી એકદમ નજીક. સામે જ. પણ છતાં હું આંખ ઊંચી કરી એને જોઈ ન શકી. ફક્ત આરતી લેતાં એના હાથ જોયા. મનમાં વિચાર આવ્યો, આ હાથમાં મારો હાથ કેવો લાગશે ? પણ જવાબ ન હતો મારી પાસે. ફરી નવરાત્રિ વીતી. કદાચ આ નવરાત્રિ હું પહેલી ગણી શકું કે મને ખબર છે હું એને પ્રેમ કરું છું અને કદાચ એના મનમાં પણ મારા પ્રત્યે લાગણી છે.
આમ ને આમ એ વર્ષ પણ વીતી ગયું. પછીના વર્ષે નવરાત્રિ આવી. પણ રોગચાળો ફેલાયો એટલે ગરબા ન રમાયા. મારી એને જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. પણ દશેરાના બીજા દિવસે મને ખબર પડી એના લગ્ન નક્કી થઈ ગયા. મારું તો જાણે બધું જ લૂંટાઈ ગયું. કોઈ પણ કામમાં મન ન લાગે. ખૂબ તૂટી ગઈ. એના લગ્ન થઈ ગયા. પછી નવરાત્રિ આવી, પણ હું ગરબા રમવા જઈ જ ન શકી. રમી જ ન શકી ગરબા એ વર્ષે. ત્યાર પછી કોઈ વરસ જ ન રમી શકી. જ્યારે પણ ગરબા સંભળાય આંખોમાંથી આંસુ વહેવા માંડે. જાણે ગરબા રમવાનું એક સપનું થઈ ગયું. ઘરના શુભ પ્રસંગોએ પણ હું ગરબા ન રમી શકી. વર્ષો વીતી ગયા. બરાબર પચ્ચીસ વર્ષે ટેક્નોલૉજી વિકસી. સોશિયલ મડિયા દ્વારા એ મને મળ્યો. વાત થઈ. મને ખૂબ ગમ્યું. તો પણ એ તો એને કહ્યું જ નહીં કે હું એને પ્રેમ કરતી હતી, કદાચ હજી પણ કરું જ છું. મારો સંસાર પણ વસાવ્યો પણ હંમેશા કંઈક ખૂટી રહ્યું છે એમ લાગ્યું. પણ હવે એની સાથે સોશિયલ મિડિયા પર વાત થાય છે. એ સારો છે, સુખી છે જાણી આનંદ થાય છે. એક વાતનો સંતોષ થયો કે આ જીવનમાં કંઈ ની તો મૃત્યુ સુધી એની ખબર તો મળશે.