પારિજાતના પુષ્પ - 25 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારિજાતના પુષ્પ - 25

આપણે પ્રકરણ-24 માં જોયું કે અદિતિના મમ્મી સંધ્યાબેન અદિતિના ઘરે થોડા દિવસ રહેવા માટે આવે છે અને અરમાને તેમને આપેલી એક કેસેટ યાદ આવતાં તે કેસેટ આરુષના હાથમાં આપે છે, જેમાં અરમાને પોતાના છેલ્લાં સમયે તેને જે અદિતિને કહેવું હતું તેનું રેકોર્ડિંગ કરી રાખ્યું હતું અને સંધ્યાબેનને કહ્યું હતું કે, કદાચ મારા મૃત્યુ બાદ અદિતિ અહીં આવે અને મારા વિશે કંઈપણ પૂછે તો તમે તેને આ કેસેટ સંભળાવજો અને મારી તેને વ્હાલભરી ખૂબ ખૂબ યાદ આપજો.

અદિતિના મમ્મી સંધ્યાબેને આ વાત આરુષને જણાવી અને આરુષને પૂછ્યું કે, " આપણે આ કેસેટ અદિતિને સંભળાવવી છે..?? કદાચ, અરમાનનો અવાજ, અરમાનની જૂની વાતો સાંભળીને અદિતિનું મન અને આંખો પલળે અને ભીતરમાં ધરબાયેલી લાગણીઓ બહાર આવી અશ્રુધારા બની વહેવા લાગે તો તેની તબિયતમાં સુધારો થઇ શકે છે....અને આપણને આપણી પહેલાંની અદિતિ પાછી મળી શકે છે.

આરુષ અદિતિને અરમાનની ટેપ કરેલી કેસેટ સંભળાવવા માટે તરત જ તૈયાર થઈ જાય છે અને ટેપરેકોર્ડરની વ્યવસ્થા કરે છે તેમજ અદિતિની બાજુમાં બેસીને પ્રેમથી તેનો હાથ પકડે છે તેની આંખમાં આંખ પરોવીને તેને પૂછે છે કે, " અરમાનનો અવાજ તારે સાંભળવો છે ડિયર..?? અરમાન તને શું કહેવા માંગે છે તે તારે સાંભળવું છે માય ડિયર..?? "

પણ કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયેલી અદિતિ કંઈજ જવાબ આપી શકતી નથી પણ આરુષ તેને ફરીથી પ્રેમપૂર્વક પૂછે છે અને અદિતિને બદલે પોતે જ જવાબ આપે છે અને અદિતિને કહે છે. "આપણે સાંભળીએ અરમાન તને શું કહેવા માંગે છે..?? " અને ટેપરેકોર્ડર ચાલુ કરે છે.

અરમાન ખૂબજ આક્રંદથી આંસુ સારતાં સારતાં તેની છેલ્લી ક્ષણોમાં અદિતિને કહે છે કે, " મારી વ્હાલી અદિતિ, મને મળવા માટે ન આવી ને તું..?? લાગે છે તું મારાથી રિસાઈ ગઈ છે. હું તને કેનેડાથી ફોન નહોતો કરતો ને એટલે હે નેં..?? મેં તારી ખૂબજ રાહ જોઈ, દરરોજ ક્ષણે ક્ષણે, ચાતક જેમ વરસાદની રાહ જુએ તેમ હું તારી રાહ જોતો રહ્યો બસ જોતો જ રહ્યો પણ તું ન આવી તે ન જ આવી. મારે તને એકવાર છેલ્લે છેલ્લે મળવું હતું. તને જોવી હતી, વર્ષો વીતી ગયા તને જોયે, તું હજીપણ એવી જ લાગે છે.. પહેલા જેવી મારી ભોળી-ભાળી અદિતિ..કે બદલાઈ ગઈ છે..?? મારે તારી સાથે ઝઘડો કરવો હતો તે મને લગ્નમાં કેમ ન બોલાવ્યો..?? અને તું તો લગ્ન કરવાની "ના" પાડતી હતી તો પછી ચોરીમાં કેમ બેસી ગઈ અને એ પણ મારા વગર..?? અને આટલાં બધાં વર્ષો વીતી ગયાં તને મારી યાદ પણ ન આવી..?? મેં તને ફોન પણ કર્યા તો પણ તારો કોઈ રિપ્લાય ન હતો. ભૂલી ગઈ છે તું મને..?? ના ના તું મને ભૂલી તો ન જ શકે..અને તારો હસબન્ડ કેવો છે આરુષ..?? તને બરાબર પ્રેમથી રાખે તો છે ને..?? અને હા, મને હેરાન કરતી હતી તેમ એને હેરાન ન કરીશ હો નેં..!! તું મને કેનેડામાં પણ ખૂબજ યાદ આવતી હતી અદિતિ, હર પળ તું મારી સાથે જ રહેતી હતી અદિતિ... હું તને ભૂલી જ નથી શક્યો..મારે તારી સાથે કેનેડાની બહુ બધી વાતો કરવી હતી.. છેલ્લે છેલ્લે તારા ગાલ ઉપર હાથ ફેરવવા હતા અને તને માથા ઉપર એક ચુંબન કરવું હતું..તારો સ્પર્શ મારે મારી સાથે લઈને જવો હતો.. માટે જ હું મારા અંતિમ દિવસો ગાળવા માટે અહીં તારી પાસે આવ્યો હતો. ખેર.. ઈશ્વરને જે ગમ્યું તે ખરું..!! પણ મને યાદ રાખજે તું ભૂલી ન જતી હો નેં..... " અને અદિતિ તેની સામે જ હોય.. અદિતિનો હાથ તેના હાથમાં જ હોય અને અદિતિ જાણે તેને દૂર ક્યાંક લઈ જઈ રહી હોય તેમ અરમાન છેલ્લીવાર પથારીમાંથી ઊભો થયો અને બે ડગલાં ચાલ્યો અને જમીન ઉપર 'ધબાક' અવાજ સાથે ફસડાઈ પડ્યો.... તેનાં મોંમાંથી નીકળેલો છેલ્લો ઉદગાર પણ "અદિતિ" જ હતો. સંધ્યાબેન,
" અરમાન અરમાન " બૂમો પાડતાં રહ્યા પણ અરમાન તો ચાલ્યો ગયો હતો ઘણે બધે દૂર....
ક્રમશ:

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/3/2021