દાન પેટી..... (કાલ્પનિક વાર્તા..) DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાન પેટી..... (કાલ્પનિક વાર્તા..)

દાન પેટી..... (કાલ્પનિક વાર્તા..)દિનેશ પરમાર' નજર'
***********************************
એક સંશય આપણી વચ્ચે રહે છે,
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.
તેજ જેવા તેજનો પર્યાય પોતે -
થઈ તમસ-મય આપણી વચ્ચે રહે છે
-કરશન દાસ લુહાર

***********************************
અમરાપુર એક ઐતિહાસિક નગર તરીકે જાણીતું હતું.
આ નગરની પૂર્વમાં મધુમતી નદી આવેલી હતી. અને પશ્ચિમ તરફે દૂર દુર સપાટ મેદાનો અને દૂર દેખાતી ઝાંખી પર્વતમાળા અલૌકિક લાગતી હતી.
આ નગર જિલ્લાના સીમાડે આવેલું હતું.
નગરમાં દરેક પ્રકારના લોકો સંપીને રહેતા હતા. નગરની મધ્યમાં જુના જમાનાનો વૈભવશાળી પરંતુ જર્જરિત કિલ્લો આવેલો હતો.
તેની બહાર કોટને અડીને વર્ષો પુરાણું મંદિર આવેલું હતું.
ત્યાંથી બંને તરફ સળંગ વર્ષો જુની દુકાનોની હાર આવેલી હતી. આ દુકાનોની હાર પુરી થયા પછી ત્રિકોણાકાર મેદાન હતું જેમાં વચ્ચેના ભાગે, વર્ષો પહેલાં થઈ ગયેલ નગરના મહારાજાની પથ્થરની પ્રતિમા આવેલી હતી. તેની બાજુમાં ચબૂતરો હતો અને તે ત્રિકોણાકાર મેદાનમાં છુટક છુટક બેસીને લોકો શાક, ફળફળાદિ અને પરચુરણ વસ્તુઓ વેચાતા હતા.
મેદાનની વચ્ચે મહારાજા ની પ્રતિમાની નીચે, આ નગરના કહેવાતા એક માથાભારે માણસે એક મોટી પેટી રાખેલી અને એક પોતાનો માણસ બેસાડેલો જે આજુબાજુ છુટક વેચાણ કરતા નાના લારીવાળા અને પાથરણાવાળા પાસેથી રોજ દાદાગીરી કરીને સવાર સાંજ લારી કે પાથરણા દીઠ પચાસ રૂપિયા ઉઘરાવી પેટીમાં ભેગા કરતો.
માથાભારે માણસ નામે ભોગીલાલ ઉર્ફે પોટલી (પહેલા દેશી દારૃની પોટલીની હેરફેર કરતો હતો) વિરુદ્ધ લોકોની હિંમત નહોતી કે પોલીસને જાણ કરે.
આ લોકો અને દુકાનોવાળા પણ, પોતાનો ધંધો શરૂ કરતા પહેલા કોટને અડીને આવેલા મંદિરમાં સવારે અચુક જઈ પ્રભુના દર્શન કરી દાન પેટીમાં યથા શક્તિ દાન કરી, સારા વકરાની અપેક્ષા સાથે ધંધે લગતા.
એવી દંતકથા હતી કે જ્યારે આ નગર પર દુશ્મન દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે, રાજા એ આ નગર-દેવની પૂજા-અર્ચના કરી યુદ્ધે ચઢ્યા હતા અને દુશ્મનને મારી ભગાવ્યો હતો. આ નગર-દેવની લોકોમાં અતુટ શ્રધ્ધા હતી.
એકવાર કંટાળેલા લારી પાથરણાવાળા પૈકી થોડા આગેવાનો ખાનગીમાં, મંદિરમાં પૂજારીને મળ્યા અને ભોગીલાલની રોજે રોજની ઉઘરાણીની કનડગતમાંથી મુક્તિ અપાવવા હાથ જોડી વિનંતી કરી.
પુજારીએ કહ્યું, " જુઓ ભક્તો આ કઠિન કામ છે પરંતુ શક્ય છે. તેના માટે ત્રાસ નિવારણ યજ્ઞ કરવો પડે અને દેવને ખુશ કરવા તેમાં જે પુજાપો- સામગ્રી લાવવી પડે તે થોડી મોંઘી આવે છે. પણ પરિણામ સો ટકા મળે."
આગેવાનોએ એકબીજા સાથે વાતચીત કરી નક્કી કર્યું કે "આ ખર્ચો એકજ વાર કરવાનો થાયને તો પછી આ યજ્ઞ કરવીએ. "
સારી એવી રકમ લારી-પાથરણાવાળાઓએ ખરચી તે પછીની પુનમના દિવસે તેઓએ યજ્ઞ કરાવ્યો.
અને" હવે ટૂંક સમયમાં ભોગીલાલ પર ઈશ્વરનો કોપ ઉતરશે... " તેવા વિચારો કરતા ભોગીલાલનો ભાગ આપતા આપતા પોતાના ધંધામાં લાગી ગયા.

**********

લગભગ ત્રણેક મહિના થવા આવ્યા પણ ભોગીલાલના રણ વિસ્તાર જેવા મોટા ટાલ વાળા માથા પર થોડા ઘણા ઉભા થોર જેવા જે ગણ્યાગાંઠ્યા કેશ હતા તે વાંકા તો ના થયા.
પરંતુ.....
દેશમાં ફેલાયેલી મહામારીનો ચેપ છેક અમરાપુર સુધી પહોંચી ગયો અને લોકો ટપોટપ વાઈરસના ભરડામાં સંક્રમિત થવા લાગ્યા.
સરકારી તંત્ર દ્વારા લોક ડાઉન અને કર્ફ્યુ જેવા પરિપત્રો આવવા લાગ્યા. પોલીસ તંત્ર કડક બન્યું.
શહેરની રક્ષા કરતા મંદિરને તાળું મારી પુજારી સલામત સ્થળે ભુગર્ભગ્રસ્ત થયા.
લોકોને ખાવા પીવા અને દવા કરાવવાના પૈસા પણ રહ્યા નહોતા.
આ સમયમાં ત્રણ વાન રોજ, દુધ, શાકભાજી, જરૂરી દવા અને ડોક્ટર સાથે નગરમાં ફરવા લાગી હતી. અને બધાજ જરૃરતમંદ લોકોની નિઃશુલ્ક સેવા અવિરત કરતી હતી.
લગભગ આ મહામારીમાંથી આ નગરને છુટકારો મળતા છ માસ જેવો સમય થયો પરંતુ આ દરમિયાન પેલી વાનની નિઃશુલ્ક સેવા ચાલુ રહી.

એકવાર સરકારી કામથી આવી ચઢેલા, તાલુકા વિકાસ અધિકારીનું નગરના લોકોએ મિટિંગ કરી આ મહામારીમાં સારી કામગીરી કરવા બદલ સન્માનનો કાર્યક્રમ રાખી દીધો.
પોતાના વક્તવ્યમાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું, " ભાઈઓ સેવાના આવા સરાહનીય કામ માટે અમે તો પહોંચી વળીએ તેમ નહોતા, ત્યારે તમારા નગરના એક સેવાભાવી, શ્રી ભોગીલાલ જી એ અમારી મંજુરી મેળવી સ્વખર્ચે આ સેવા કરી છે, તમારે આભાર માનવો હોય કે સન્માન કરવું હોય તો તેનું કરો."
મિટિંગમાં ક્યાંય ભોગીલાલ દેખાતા નહોતા, મિટિંગમાં સોપો પડી ગયો. લોકો એકબીજાની સામે આંખો ફાડી વિસ્ફારિત રીતે જોઈ રહ્યા.

*********
બીજે દિવસે સવારે, જ્યારે લોકો મહારાજાની પ્રતિમા પાસે ગયા તો ભોગીલાલ, પેટી દૂર કરાવી રહ્યો હતો.
લોકો તેની પાસે જઈ બોલી ઉઠયા," અરે આ શું કરો છો? શા માટે આ દૂર કરો છો?"
ભોગીલાલે નિરાશ ચહેરે લોકો સામે જોયું, " પણ મને તો ગઈ કાલે જ જાણવા મળ્યું છે કે તમને આ પેટી નડે છે, મને અને આ પેટીને દૂર કરવા તમે યજ્ઞ પણ કરાવ્યો છે, તો તમારા દ્વારા કરાવેલ યજ્ઞનું માન તો હું જાળવું."
લોકો એકદમ તે તરફ ધસી ગયા અને બોલ્યા," અમને માફ કરો અમે સમજી ન શક્યા, ખરા અર્થમાં આ આજથી અમારી સાચી દાન પેટી અને તમારે કોઈ માણસ રાખવાની જરૂર નથી, લોકો સ્વેચ્છાએ આમાં દાન કરશે, અને માનવ-ધર્મના ખરા અર્થમાં તમે પુજારી છો અમારા માટે... "
લોકોની તાળીઓથી આજુબાજુનું મેદાન ગુંજી ઉઠયું મહારાજાની પ્રતિમા જાણે એક પ્રકારના સંતોષથી મરક મરક હસતી હતી.
અને જીવનમાં કઇંક સારું કર્યાના ભાવથી ભોગીલાલની આંખોમાંથી આંસુ વહ્યે જતા હતા.

*****************************************