વિકાસ અડધા કલાકમાં કબીરની હોટલ પર પહોંચ્યો. હોટલના ગેટની બહાર જ બહાદૂરસિંહ તેની રાહ જોઇને ઊભો હતો. વિકાસ આવ્યો એટલે બહાદૂરસિંહ તેની પાસે આવ્યો અને બોલ્યો “સાહેબસાહેબ પહેલા માળ પર રૂમ નંબર 101મા તે બંને છે”
“ઓકે, તુ કાર તૈયાર રાખ હમણા હું બે મિનિટમાં કામ પતાવીને બહાર આવી જઇશ. તું પૂરતી તૈયારીમાં રહેજે.” વિકાસે કહ્યું.
“સાહેબ આ જુઓ.” એમ કહી બહાદૂરસિંહે તેના મોબાઇલમાંથી એક ફોટો વિકાસને દેખાડ્યો. આ ફોટામાં કબીર અનેરીને હગ કરતો હતો. આ જોઇ વિકાસનો રહ્યો સહ્યો કાબૂ પણ તુટી ગયો અને તે ગાળ બોલતો હોટલ તરફ દોડ્યો. આ જોઇ બહાદૂરસિંહના ચહેરા પર સ્મિત આવી ગયુ. હવે તેનુ કામ પૂરુ થઇ ગયુ હતુ એટલે તે તેની કારમાં બેસી ત્યાંથી રવાના થઇ ગયો. રસ્તામાં થોડે દૂર કાર ઊભી રાખી તેણે મોબાઇલમાંથી સિમકાર્ડ કાઢી તેના ટુકડા કરી નાખ્યા અને કચરા ટોપલીમાં નાખી દીધુ.
વિકાસ હોટલમાં દાખલ થયો અને લીફટ પાસે ગયો પણ લીફ્ટ હજુ પાંચમા માળે રોકાયેલી હતી. વિકાસથી હવે એક મિનિટ પણ થોભવુ મૂશ્કેલ હતુ એટલે દાદર ચડીને લગભગ દોડતો પહેલા માળ પર ગયો. પહેલા માળ પર ડાબી બાજુની લોબી પૂરી થાય ત્યાં છેલ્લો રુમ 101 નંબરનો હતો. વિકાસે ત્યાં પહોંચી જોરથી ડોર બેલ વગાડી અને શ્વાસ થંભાવી બારણુ ખુલે તેની રાહ જોવા લાગ્યો. લગભગ એકાદ મિનિટની વાર લાગી દરવાજો ખુલવામા પણ આ એક મિનિટ વિકાસ માટે એક કલાક જેવડી હતી. એક મિનિટ પછી કબીરે જ દરવાજો ખોલ્યો. કબીરે દરવાજો ખોલી સામે વિકાસને જોયો એ સાથે જ ચોંકી ગયો. તેને આશ્ચર્ય થતુ હતુ કે ત્રણ વર્ષથી ગાયબ થયેલો વિકાસ અચાનક ક્યાંથી પ્રગટ થયો. પણ તે હજુ કાંઇ વિચારી રીએક્શન આપે તે પહેલા તો વિકાસે તેના પેન્ટમા પાછળ ખોસેલી પીસ્તોલ કાઢી અને એક સાથે ચાર ગોળી વિકાસની છાતીમાં ધરબી દીધી. પીસ્તોલના ધડાકાના અવાજથી આખી હોટલનુ શાંત વાતાવરણ એકાએક ધમધમી ઉઠ્યું. આ અવાજ સાંભળી કબીરના રુમમાંથી એક સ્ત્રી બહાર આવી ગઇ જેણે ફોટામાં હતો તે જ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો. વિકાસનુ ધ્યાન આ સ્ત્રી પર પડ્યુ એ સાથે જ તે ચોંકી ગયો. તે શિવાની હતી. વિકાસને કાંઇ સમજાયુ નહી કે શિવાની અહીં કેમ છે. પણ હવે તેના માટે રોકાવુ શક્ય નહોતુ. પીસ્તોલના ફાયરીંગનો અવાજ આખી હોટલમાં સંભળાયો હતો અને આજુબાજુના રુમના દરવાજા પણ ખુલવા માંડ્યા હતા. વિકાસે પીસ્તોલ ત્યાં જ ફેંકી દીધી અને ભાગ્યો પણ તે હજુ દાદર પાસે પહોંચે તે પહેલા હેમલે અને અભયે તેને પકડી લીધો. ખાલી ત્રણ ચાર મિનિટના સમયમાં વિકાસનો ખેલ ખતમ થઇ ગયો હતો. વિકાસને તો કંઇ સમજાયુ જ નહી કે અહીં આટલી ઝડપથી પૉલીસ કેમ આવી ગઇ? આના કરતા પણ તેને વધુ આશ્ચર્ય તો શિવાનીને જોઇને થયુ હતુ. અનેરી રૂમમાં દાખલ થતો ફોટો બહાદૂરસિંહે મોકલ્યો હતો તો પછી ત્યાં શિવાની કઇ રીતે આવી. પણ હવે તે પ્રશ્નો કોઇને પૂછી શકાય એમ નહોતા. હેમલે તરત જ વિકાસને હાથકડી પહેરાવી દીધી. અભયે ફોન કરી રિષભને જાણ કરી કે મિશન કપ્લીટ થઇ ગયુ છે. થોડીવારમાં તો હોટલમાં સનસનાટી મચી ગઇ હતી. હોટલનો માલિક પણ કબીરની ડેડ બોડી જોઇને ગભરાઇ ગયો હતો. દશ મિનિટમાં હોટલ પર પોલીસ વાન આવી ગઇ. હેમલે બે કોન્સ્ટેબલ અને અભયને વિકાસ સાથે સ્ટેશન પર મોકલ્યા અને તે સાઇટ પર રહ્યો. થોડીવારમાં ત્યાં રિષભ પણ આવી ગયો અને તેણે હોટલના માલિકને સૂચના આપી. દાદરની ડાબી બાજુની આખી લોબી ખાલી કરાવી. વિકાસે ઉપયોગ કરેલી પિસ્તોલને સીધીજ ફોરેન્સીક લેબ પર મોકલી દેવામાં આવી. રિષભે આયોજન પહેલા જ કરી લીધુ હતુ એટલે કલાકમાં તો ક્રાઇમ સાઇટ અને બોડીના ફોટો પાડી લેવામાં આવ્યા અને પંચનામુ પણ થઇ ગયુ. ત્યારબાદ રિષભે બોડીને પોસ્ટમોર્ટમ માટે જવા દીધી. શિવાનીનુ સ્ટેટમેન્ટ લઇ લેવામાં આવ્યુ હતુ. જો કે કેસ એકદમ ક્લીઅર હતો. હોટલના ઘણાબધા લોકોએ વિકાસને જોયો હતો એ ઉપરાંત હોટલના સી.સી.ટીવી કેમેરામાં આખુ દૃશ્ય રેકોર્ડ થઇ ગયુ હતુ. હવે રિષભના આયોજન પ્રમાણે એક જ કામ બાકી રહેતુ હતુ. રિષભે ફોન કરી અભયને છેલ્લુ કામ પતાવી દેવાનુ કહ્યું. આ સાથે જ એક મોટો પ્લાન સફળ થઇ ગયો હતો પણ હજુ કોર્ટની પ્રોસેસ બાકી હતી જોકે હવે તેમા વધુ કાઇ કરવુ પડે તેમ નહોતું.
અનેરી તેની ઓફિસમાં બેઠી હતી ત્યાં તેના મોબાઇલમાં ફોન આવ્યો. સામેથી જે કહેવાયુ તે સાંભળી અનેરી તેનુ બધુ જ કામ અધુરુ મૂકી વરાછા પોલીસ સ્ટેશન પર જવા નીકળી. તે વરાછા પોલીસ સ્ટેશન પર પહોંચી ત્યારે રિષભ ત્યાં હાજર હતો. રિષભ તેને પી.આઇની ઓફિસમાં લઇ ગયો અને બેસવા કહ્યું
અનેરી બેઠી એટલે રિષભે પી.આઇની હાજરીમા જ અનેરીને કહ્યું “જો અનેરી તારા પતિની જાણ મળી ગઇ છે. વિકાસ પોલીસના હાથમા આવી ગયો છે પણ એક બહુ મોટો પ્રોબ્લેમ થઇ ગયો છે.
વિકાસે કબીર કોઠારીનુ ખૂન કરી નાખ્યુ છે.”
આ સાંભળી અનેરી બોલી “શુ વાત કરે છે? તે કયારે અને કેવી રીતે અહી આવ્યો? અને તેણે શું કામ કબીરનુ ખૂન કર્યુ?”
“એ બધા પ્રશ્નોના જવાબ હજુ મેળવવાના બાકી છે. પોલીસે તેને ખૂન કરીને ભાગતો હતો ત્યારે પકડી લીધો છે.” રિષભે કહ્યું.
“મારે વિકાસને મળવુ છે.” અનેરીએ કહ્યું.
આ સાંભળી રિષભે કહ્યું “હજુ તેને હમણા જ લઇ ગયા છે અને તેની પૂછપરછ કરવાની બાકી છે. આજે તો તેને મળવુ શક્ય નથી. આવતી કાલે કદાચ તુ તેને મળી શકીશ. તારે વકીલની વ્યવસ્થા કરવી હોય તો કરી લે જે.”
આ સાંભળી અનેરી ઊભી થતા બોલી “ના, પહેલા મારે વિકાસને મળવુ છે પછી જ હું બીજુ બધુ કરીશ. તુ મને કાલે જ્યારે શકય હોય ત્યારે બોલાવજે.” એમ કહી અનેરી ત્યાંથી નીકળી ગઇ.
વિકાસને વરાછા પોલિસ સ્ટેશન પર જ રાખવામાં આવ્યો હતો. તે દિવસે કોઇએ તેની પૂછપરછ કરી નહોતી. આ કેસ પણ રિષભે જ સંભાળ્યો હતો.
તે દિવસે રિષભ હવે કંઇ કરવા માંગતો નહોતો. બીજા દિવસે ફોરેન્સીક રીપોર્ટ આવ્યો એ સાથે જ રિષભ કમિશ્નરને મળવા ગયો. હવે જે કામ કરવાનુ હતુ તેમા કમિશ્નરની મંજૂરી લેવી ફરજીયાત હતી. રિષભ કમિશ્નર ઓફિસ પહોંચ્યો ત્યારે કમિશ્નર કોન્ફરન્સ હોલમા એક મિટીંગમાં વ્યસ્ત હતા એટલે રિષભ કમિશ્નરની ઓફિસમાં તેની રાહ જોતો બેઠો. અડધા કલાક પછી મિટીંગ પૂરી કરી કમિશ્નર તેની ઓફિસમાં આવ્યાં અને રિષભને જોયો એ સાથે જ બોલ્યા “આવ આવ રિષભ. મને હતુ જ કે આજે તુ મળવા આવીશ. પણ આ કેસમાં તારૂ કામ મને પસંદ નથી આવ્યુ. આ કેસમાં તારી સ્ટ્રેટેજી મને સમજાઇ નથી. તે આટલુ ધીમુ કામ કેમ કર્યુ તે જ મને નથી સમજાયુ.“
કમિશ્નરે સીધો રિષભને ઠપકો આપતા કહ્યું. રિષભ જાણતો જ હતો કે તેને ઠપકો મળવાનો જ છે એટલે જ તે છેલ્લે મળવા આવ્યો હતો. રિષભ સેક્સીને સારી રીતે જાણતો હતો. સેક્સી આમ તો એકદમ પ્રેક્ટીકલ માણસ હતો પણ તેને ક્યારે ઇમાનદારી અને આદર્શવાદનુ ભૂત વળગે તે કહેવાય નહીં. રિષભને એ વાતે શંકા હતી કે તે તેના પ્લાનમાં મદદ કરશે કે નહીં. આમપણ આ પ્લાન વિશે કોઇને ક્યારેય ખબર પડવા દેવાની નહોતી. રિષભ કંઇ બોલ્યો નહીં એટલે કમિશ્નર વધુ અકળાયા અને બોલ્યા “ રિષભ તારા મગજમાં શું ચાલે છે તે તુ મને કહીશ? તારે જો કાંઇ કહેવાનુ જ ન હોય તો અહીં શું કામ આવ્યો છે?”
કમિશ્નર ભલે ઉપરથી અકળાતો પણ તેને અંદર ખાનેથી તો રિષભ પર વિશ્વાસ હતો કે તે આવ્યો છે એટલે કંઇક સારા સમાચાર લઇને જ આવ્યો હશે. કમિશ્નર રિષભને સારી રીતે જાણતો હતો. તે સમજતો હતો કે રિષભ જેવો બાહોસ અને ચતુર ઓફિસર અત્યારે તેની પાસે બીજો કોઇ નથી.
“સર, હવે હું તમને જે કહેવા માંગુ છું તે સાંભળી કદાચ તમે મારા પર વધારે ગુસ્સે થશો. આ કેસમાં એક એવો વળાંક આવ્યો છે કે જેણે મને પણ આંચકો આપ્યો છે.” રિષભે જાણી જોઇને ગોળ ગોળ વાત કરી.
“હવે કાલે બીજુ મર્ડર થઇ ગયુ તે ઓછુ છે કે તુ નવુ કાઇક લઇને આવ્યો છે. જો રિષભ મારે હવે કોઇ બહાના બાજી નહીં જોઇએ. મારે બે દિવસમાં આ કેસ સોલ્વ થઇ ગયેલો હોવો જોઇએ. તારે જે કરવુ હોય તે કર મને કોઇ ફર્ક નથી પડતો પણ મારે રિઝલ્ટ જોઇએ.” કમિશ્નરે રીતસરની બૂમ પાડતા કહ્યું.
રિષભ આ જ ઇચ્છતો હતો. લોઢુ બરાબર ગરમ થઇ ગયુ હતુ એટલે હવે હથોડો મારવાનો સમય આવી ગયો હતો.
“સર, કેસ તો લગભગ સોલ્વ જ છે પણ આ કેસનો છેડો એક એવી વ્યક્તિ સુધી પહોંચે છે જે વ્યક્તિ મારી પહોંચની બહાર છે.” રિષભે એકદમ ધીમેથી મમરો મૂક્યો.
“કોણ છે તે કોઇ મિનિસ્ટર છે. તો પણ તુ ઉઠાવી લે હું મંજૂરી આપુ છું.” સેક્સીએ કહ્યું.
“ના, સર આ કેસમાં એડીશનલ કમિશ્નર સંજય મહેતા સામેલ છે.” રિષભ ધીમેથી પતા ખોલ્યા.
પણ આ નામ સાંભળી સેક્સી એવી રીતે ઉછળ્યો જાણે તેની ખુરશી નીચે કોઇએ બોમ્બ ફોડ્યો હોય અને બોલ્યો “શું વાત કરે છે. કોણ એન્કાઉન્ટર સંજય?”
“હા સર, મને પણ આવો જ આંચકો લાગ્યો હતો.” રિષભે એકદમ શાંતિથી વાત કરી રહ્યો હતો.
“જો રિષભ તુ શું બોલે છે તે તને ખબર છે ને? આ એન્કાઉન્ટર સંજયની વાત છે. તારી પાસે તેની વિરૂધ્ધ કોઇ સબૂત છે?” સેક્સી થોડો શાંત થયો અને બોલ્યો.
“ હા સર તેની વિરૂધ્ધ એટલા સજડ પૂરાવા છે કે તે બચી શકે એમ નથી એટલે તો હું તમારી પાસે આવ્યો છું.”
“જો રિષભ આ વાતમાં તુ ખોટો પડ્યો ને તો હું તને સસ્પેન્ડ કરી દઇશ.”સેક્સીએ ધમકી આપતા કહ્યું.
“સ્યોર સર જો હું આ વાતમાં સહેજ પણ ખોટો પડ્યો તો હું સામેથી જ રીઝાઇન કરી દઇશ.” રિષભે એકદમ મક્કમ સ્વરે કહ્યું.
“ઓકે, તો તુ મારી પાસેથી શું આશા રાખે છે?” સેક્સીએ પૂછ્યું.
“મારે તેના ઘરનો સર્ચ વોરંટ જોઇએ છે.” રિષભે કહ્યું.
“વોટ? પહેલા તુ મને એ કહે કે તેના વિરુધ્ધ તારી પાસે શું સબૂત છે?” સેક્સીએ પૂછ્યુ.
“સર, કબીરનુ ખૂન જે રીવોલ્વોરથી થયુ છે. તે સંજય મેહતાની સર્વિસ રીવોલ્વર છે.”
“ઓહ, શું વાત કરે છે? પણ તે તો કોઇએ ચોરી પણ લીધી હોય શકે ને?” સેક્સીએ દલીલ કરતા કહ્યું.
“પણ તો પછી સંજય સરે તેની કમ્પ્લેઇન લખાવેલી હોવી જોઇએ ને? મે બધી તપાસ કરી લીધેલી છે. તેણે કોઇ કમ્પ્લેઇન લખાવી નથી. આ ઉપરાંત ખૂની વિકાસ દોશીના મોબાઇના કોલ રેકોર્ડ પરથી એ પણ ખબર પડી છે કે વિકાસે છેલ્લા બે દિવસમાં ત્રણ વાર સંજય સર સાથે વાત કરી છે.” રિષભે સ્પષ્ટતા કરતા કહ્યું. રિષભ જાણતો હતો કે જ્યાં સુધી સેક્સીને પૂરો વિશ્વાસ નહી આવે કે સંજય મેહતા આ કેસમાં પૂરેપૂરો ઇન્વોલ્વ છે ત્યાં સુધી તે કોઇ સપોર્ટ કરશે નહીં. માત્ર શંકા પર તે સંજય વિરૂધ્ધ કામ કરવા તૈયાર નહીં થાય.
એટલે રિષભે છેલ્લે હુકમનો એક્કો ઉતર્યો.
----------**************------------**************---------------*************--------------
મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.
મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.
--------------------*****************------------***************--------------------------
HIREN K BHATT
MOBILE NO:-9426429160
EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM